Geetabodh - 13 books and stories free download online pdf in Gujarati

ગીતાબોઘ - 13

અધ્યાય તેરમો

સોમપ્રભાત

ભગવાન બોલ્યા : આ શરીરનું બીજું નામ ક્ષેત્ર અને તેને જાણનાર તે ક્ષેત્રજ્ઞ. બધાં શરીરોમાં રહેલો હું તેને ક્ષેત્રજ્ઞ સમજ, અને ખરું જ્ઞાન એ કે જેથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો ભેદ જાણી શકાય. પંચમહાભૂત - પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ, અહંતા, બુદ્ધિ, પ્રકૃતિ, દશ ઈન્દ્રિયો - પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય. એક મન, પાંચ વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત એટલે શરીર જેનું બનેલું છે તેની એક થઈને રહેવાની શક્તિ, ચેતનશક્તિ, શરીરના પરમાણુમાં એકબીજાને વળગી રહેવાનો ગુણ આટલાં મળીને વિકારોવાળું ક્ષેત્ર થયું. આ શરીર અને તેના વિકારો જાણવા ઘટે કેમ કે તેનો ત્યાગ કરવાનો રહ્યો છે. એ ત્યાગને સારુ જ્ઞાન જોઈએ. આ જ્ઞાન એટલે માનીપણાનો ત્યાગ, દંભનો ત્યાગ, અહિંસા, ક્ષમા, સરળતા, ગુરુસેવા, શુદ્ધતા, સ્થિરતા, વિષયો ઉપર અંકુશ, વિષયોને વિશે વૈરાગ્ય, હુંપણાનો ત્યાગ, જન્મ, મૃત્યુ, ઘડપણ અને તેને અંગે રહેલા રોગો, દુઃખ અને નિત્ય થતા દોષોનું પૂરું ભાન, સ્ત્રીપુત્ર, ઘરબાર, સગાંસાઈ વગેરેમાંથી મન કાઢી લેવું ને મમતા મેલવી, પોતાને ગમે તેવું કંઈ બનો કે ન ગમે તેવું - તેને વિશે સમતા રાખવી, ઈશ્વરની અનન્ય ભક્તિ, એકાંતસેવન, લોકોમાં ભળી ભોગો ભોગવવા તરફ અણગમો, આત્માને વિશે જ્ઞાનની તરસ અને છેવટે આત્મદર્શન. આનાથી જે ઊલટું છે તે અજ્ઞાન. આ જ્ઞાન કેળવીને જે જાણવાની વસ્તુ - જ્ઞેય છે ને જેને જાણવાથી મોક્ષ મળે છે તેને વિશે થોડું સાંભળ. તે જ્ઞેય અનાદિ પરબ્રહ્મ છે. અનાદિ છે કેમ કે તેને જન્મ નથી - જ્યારે કંઈ નહોતું ત્યારે પણ તે પરબ્રહ્મ હતું જ. તે સત્‌ નથી ને અસત્‌ પણ નથી. તેનાથી પણ પર છે. બીજી દૃષ્ટિએ તેને સત્‌ કહી શકાય, કેમ કે તે નિત્ય છે. છતાં તેની નિત્યતાને પણ મનુષ્ય ઓળખી નથી શકતો તેથી તેને સત્‌થી પણ પર કહ્યું, તેના વિના કંઈ જ ખાલી નથી. તેને હજારો હાથપગવાળું કહી શકાય. અમે આમ તેને હાથપગાદિ છે એમ લાગતાં છતાં તે ઈન્દ્રિયરહિત છે, તેને ઈન્દ્રિયોની આવશ્યકતા નથી, તેનાથી તે અલિપ્ત છે. ઈન્દ્રિયો તો આજ છે ને કાલ નથી. પરબ્રહ્મ તો નિત્ય છે જ. અને જોકે તે સર્વને વ્યાપીને અને ધારણ કરીને રહેલા છે તેથી ગુણોનું ભોક્તા છે એમ કહી શકાય, છતાં તે ગુણરહિત છે. ગુણ છે ત્યાં વિકાર છે અને પરબ્રહ્મ વિકારરહિત છે. ગુણ એટલે જ વિકાર. એ પ્રાણીઓની બહાર છે એમ પણ કહેવાય, કેમ કે જે તેને નથી ઓળખતા તેને મન તો તે બહાર જ છે. અને પ્રાણીઓની અંદર તો છે જ કેમ કે સર્વવ્‌.ાપક છે. તેમ જ તે ગતિ કરે છે અને સ્થિર પણ છે. સૂક્ષ્મ છે તેથી તે ન જણાય તેવું છે. દૂર પણ છે ને નજીક છે. નામરૂપનો નાશ છે છતાં તે તો છે જ, એ રીતે અવિભક્ત છે. પણ અસંખ્ય પ્રાણીઓમાં છે એમ પણ કહીએ છીએ, તેથી તે વિભક્તરૂપે પણ ભાસે છે. તે ઉત્પન્ન કરે છે, પાળે છે ને તે જ મારે છે. તેજોનું તેજ છે, અંધકારથી પર છે, જ્ઞાનનો છેડો તેનામાં આવી રહ્યો છે. આ બધાને વિશે રહેલ પરબ્રહ્મ એ જ જાણવા યોગ્ય એટલે જ્ઞેય છે. જ્ઞાનમાત્ર પામવું તે કેવળ તેને પામવા અર્થે જ.

પ્રભુ અને તેની માયા બંને અનાદિથી ચાલતાં આવ્યાં છે. મયામાંથી વિકારો પેદા થાય છે, અને તેથી અનેક પ્રકારનાં કર્મો પેદા થાય છે. માયાને લીધે જીવ સુખદુઃખ, પાપપુણ્યનો ભોગવનારો બને છે. આમ જાણીને જે અલિપ્ત રહીને કર્તવ્ય કરે તે કર્મ કરતોછતો ફરી જન્મ નથી લેતો; કેમ કે તે બધે ઈશ્વરને જ જુએ છે, ને તેની પ્રેરણા વિના એક પાંદડું સારખુંય હાલી શકતું નથી એમ જાણીને, તે પોતાને વિશે હુંપણું માનતો જ નથી, પોતાને શરીરથી નોખો જુએ છે, અને સમજે છે, કે આકાશ બધેય હોવા છતાં કોરું જ રહે છે, તેમ જીવ શરીરમાં હોવા છતાં જ્ઞાન વડે કોરો રહી શકે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED