અધ્યાય બીજો
સોમપ્રભાત
જ્યારે અર્જુન કંઈક સ્વસ્થ થયો ત્યારે ભગવાને તેને ઠપકો દીધો ને કહ્યું, આવો મોહ તને ક્યાંથી ? એ તારા જેવા વીર પુરુષને છાજતો નથી. પણ અર્જુનનો મોહ એમ ટળે તેમ ન હતું. તેણે લડવાની ના પાડી ને કહે, આ સગાંસાંઈ વડીલ જનને મારીને મારે રાજપાટ તો શું, સ્વર્ગનું સુખ પણ ન જોઈએ. હું તો મૂંઝાઈ પડ્યો છું. આ ટાણે ધર્મ શું છે એની કંઈ ખબર નથી પડતી, તમારે શરણે છું; મને ધર્મ સમજાવો.
આમ અર્જુનને ખૂબ મૂંઝાયેલો ને જાણવાની ઈચ્છાવાળો જોઈ ભગવાનને દયા આવી ને તેને સમજાવવા લાગ્યા : તું નકામો દુઃખી થાય છે ને વગર સમજ્યે જ્ઞાનની વાતો કરે છે. દેહ અને દેહમાં રહેતા આત્માનો ભેદ જ ભૂલી ગયો જણાય છે. દેહ મરે છે, આત્મા નથી મરતો. દેહ તો જન્મથી જ નાશવંત છે, દેહમાં જુવાની અને ઘડપણ આવે છે, તેમ તેનો નાશ પણ છે. દેહનો નાશ થતાં દેહીનો નાશ કદી થતો નથી. દેહનો જન્મ છે, આત્માનો જન્મ નથી. આત્મા તો અજન્મ છે. તેને વધઘટ નથી, તે તો હમેશ હતો, આજે છે ને હવે પછી રહેવાનો જ છે. એટલે તું શાનો શોક કરે છે ? તારો શોક જ તારા મોહમાં રહેલો છે. આ કૌરવાદિને તું તારા માને છે એટલે તને મમતા થઈ છે, પણ તું સમજ કે જે દેહને વિશે તને મમત્વ છે તેનો તો નાશ જ છે. તેમાં રહેનારા જીવનો વિચાર કરે તો તુરત સમજે કે તેનો નાશ કરવા કોઈ સમર્થ નથી. તેને નથી અગ્નિ બાળી શકતો, નથી પાણીમાં તે ડૂબી શકતો, નથી વાયુ તેને સૂકવી શકતો. વળી તું તારો ધર્મ વિચારી જો. તું તો ક્ષત્રિય છે. તારી પાછળ આ લશ્કર એકઠું થયું છે. હવે તું કાયર થાય તેથી તો તું ઈચ્છે છે તેના કરતાં ઊવટું પરિણામ આવશે ને તારી હાંસી થશે. આજ લગી તારી ગણતરી બહાદુરમાં થઈ છે. હવે જો તું અધવચમાં લડાઈ મેલી દે તો તું કાયર થઈને ભાગ્યો એમ કહેવાશે. જો ભાગવું એ ધર્મ હોય તો લોકનિંદાની કંઈ હરકત નથી, પણ અહીં તો તું ભાગે તો અધર્મ થાય ને લોકનિંદા યોગ્ય જ ગણાય એવો બેવડો દોષ આવે.
આ તો મેં તારી પાસે બુદ્ધિની દલીલ કરી, આત્મા અને દેહનો ભેદ બતાવ્યો ને તારા કુળધર્મનું તને ભાન કરાવ્યું. પણ હવે તને હું કર્મયોગની વાત સમજાવું. એ યોગ આચરનારને નુકસાન થાય જ નહીં. એમાં તર્કની વાત નથી, એમાં તો આચરણની, કરીને અનુભવ લેવાની વાત છે. અને એ તો પ્રસિદ્ધ અનુભવ છે કે હજારો મણ તર્ક કરતાં એક અધોળ પણ આચરણ ચડી જાય. એ આચરણમાં પણ જો સારામાઠા પરિણામનો તર્ક ભળે તો તે દૂષિત થઈ જાય. પરિણામનો વિચાર કરતાં જ બુદ્ધિ મેલી થાય છે. વેદિયા માણસો કર્મકાંડમાં પડી અનેક જાતનાં ફળ મેળવવાને સારુ અનેક ક્રિયાઓ આદરી બેસે છે. એકથી ફળ ન મળ્યું તો બીજું કરવા મથે છે ને આમ કરતાં તેમની મતિ ડહોળાઈ જાય છે. વાસ્તવિક રીતે મનુષ્યનો ધર્મ ફળનો વિચાર કર્યા વિના કર્તવ્યકર્મ કર્યા જવાનો છે. અત્યારે આ યુદ્ધ તારું કર્તવ્ય છે, એ પૂરું કરવું એ તારો ધર્મ છે. લાભહાનિ, હારજીત એ તારા હાથમાં નથી. તું ગાંડાના કૂતરાની જેમ એનો ભાર શાને ઉપાડે છે ? હારજીત, ટાઢતડકો, સુખદુઃખ દેહની પાછળ પડ્યાં જ છે; તેમને માણસે સહન કરવાં ઘટે છે. ગમે તે પરિણામ આવે તેને વિશે નિશ્ચિંત રહી, સમતા રાખી માણસે પોતાના કર્તવ્યમાં તન્મય થવું ઘટે છે. આનું નામ યોગ છે ને એમાં જ કર્મકુશળતા છે. એટલે કાર્યની સિધ્ધિ કાર્ય કરવામાં રહી છે; તેના પરિણામમાં નહીં, તું સ્વસ્થ થઈ જા, ફળનું અભિમાન છોડી છે ને કર્તવ્યનું પાલન કર.
આ સાંભળીને અર્જુન પૂછે છે : આ તો મારા ગજા ઉપરાંત લાગે છે. હારજીતનો વિચાર છોડવો, પરિણામનો વિચાર જ ન કરવો એવી સમતા, એવી સ્થિરબુદ્ધિ કેમ આવી શકે ? એવી સ્થિર બુદ્ધિવાળા કેવા હોય, એ કેમ ઓળખાય એ મને સમજાવો.
ત્યારે ભગવાને જવાબ આપ્યો :
હે રાજા ! જે મનુષ્યે પોતાની કામનામાત્રનો ત્યાગ કર્યો છે ને પોતાના અંતરમાંથી જ સંતોષ મેળવે છે તે સ્થિરિચિત્ત, સ્થિતપ્રજ્ઞ, સ્થિરબુદ્ધિ કે સમાધિસ્થ કહેવાય. એવો મનુષ્ય દુઃખથી દુઃખી નહીં થાય, સુખથી ફુલાઈ નહીં જાય. સુખદુઃખાદિ પાંચ ઈન્દ્રિયોના વિષયો છે. તેથી એવો ડાહ્યો માણસ કાચબાની જેમ પોતાની ઈન્દ્રિયોને સમેટી લે છે. પણ કાચબો તો જ્યારે જ્યારે કોઈ દુશ્મનને જુએ છે ત્યારે પોતાનું અંગ ઢાલની નીચે સમેટે છે; જ્યારે મનુષ્યની ઈન્દ્રિયો ઉપર વિષયો રોજ ચડાઈ કરવા ઊભા જ છે એટલે તેણે તો હમેશાં ઈન્દ્રિયોને સમેટી રાખી પોતે ઢાલરૂપ થઈ વિષયોની સામે લડવાનું છે. આ ખરું યુદ્ધ છે.
કોઈ તો વિષયોને વારવા સારુ દેહદમન કરે છે, ઉપવાસ કરે છે. એ ઠીક છે. ઉપવાસ હોય ત્યાં લગી ઈન્દ્રિયો વિષય ભણી નથી દોડતી, પણ એકલા ઉપવાસથી રસ સુકાઈ નથી જતા. ઉપવાસ છોડતાં એ તો વળી વધી પણ પડે. રસને કાઢવા સારુ તો ઈશ્વરપ્રસાદ જોઈએ. ઈન્દ્રિયો તો એવી બળવાન છે કે, તે મનુષ્યને તે સાવધાન ન રહે તો બળાત્કારે ઘસડી જાય છે. અને તેથી માણસે ઈન્દ્રિયોને હમેંશાં પોતાના તાબામાં રાખવી જોઈએ. પણ તે તો જ્યારે તે ઈશ્વરનું ધ્યાન ધરે, અંતર્મુખ થાય, હૃદયમાં રહેલા અતર્યામીને ઓળખે, તેની ભક્તિ કરે ત્યારે બને. આમ જે માણસ મારામાં પરાયણ થઈને અને રહીને પોતાની ઈન્દ્રિયોને વશમાં રાખે તે સ્થિરબુદ્ધિ યોગી કહેવાય.
એમ જે નથી કરતો તેના હાલ કેવા થાય છે એ પણ કહું. ઈન્દ્રિયો જેની સ્વતંત્રપણે વર્તે છે તે રોજ વિષયોનું ધ્યાન ધરે છે. એટલે પછી તેને તેની લગની લાગે છે. એ વિના બીજું સૂઝતું જ નથી, એવી લગનીમાંથી એને કામ ઉત્પન્ન થાય છે. પછી તે પુરાય નહીં એટલે તેને ક્રોધ આવે છે. ક્રોધાતુર અડધો ગાંડા જેવો તો બને જ છે; તેને પોતાનું ભાન નથી રહેતું, એટલે સ્મરણ ન રહેતાં આમતેમ બકે છે ને વર્તે છે. એવા માણસનો છેવટે નાશ ન થાય તો શું થાય ? જેની અન્દ્રિયો આમ ભમે છે તેની સ્થિતિ સુકાન વિનાના વહાણ જેવી થઈ ઝાય છે. ગમે તે વાયુ વહાણને જ્યાંત્યાં ઘસડી જાય છે ને છેવટે કોઈ ભેખડ ઉપર ચડી વહાણના ભૂકા થઈ જાય છે. તેવા હાલ જેની ઈન્દ્રિયો ભટક્યા કરે છે તેના થાય છે. તેથી માણસે કામનાઓને છોડવી ઘટે છે, ઈન્દ્રિયો પર કાબૂ રાખવો ઘટે છે. એટલે ઈન્દ્રિયો ન કરવાનું નહીં કરે, આંખ સીધી રહેશે, પવિત્ર વસ્તુ જ ભાળશે, કાન ભગવદ્ભજન સાંભળશે કે દુઃખીનો આવાજ સાંભળશે, હાથપગ સેવાકાર્યમાં રોકાયા રહેશે અને એ સહુ ઈન્દ્રિયો મનુષ્યના કર્તવ્યકાર્યમાં જ પરોવાયેલી રહેશે ને તેમાંથી ઈશ્વરપ્રસાદી મળશે. જ્યારે તે પ્રસાદી મળી ત્યારે બધાં દુઃખો ગયાં એમ જાણવું. સૂર્યની સમક્ષ જેમ બરફ પીગળી જાય છે તેમ ઈશ્વરપ્રસાદીના તેજથી દુઋખમાત્ર ભાગી જાય છે, અને આવો માણસ તે સ્થિરબુદ્ધિ કહેવાય
પણ જેની બુદ્ધિ સ્થિર નથી તેને સારી ભાવના ક્યાંથી ? જેને સારી ભાવના નથી તેને શાંતિ ક્યાંથી ? જ્યાં શાંતિ નથી ત્યાં સુખ ક્યાંથી ? સ્થિરબુદ્ધિ માણસને જ્યાં દીવા જેવું ચોખ્ખું દેખાય છે ત્યાં અસ્થિર મનવાળા, દુનિયાની ધમાલમાં પડેલા જોઈ જ શકતા નથી; ને જે આવા ધમાલિયાને ચોખ્ખા જેવું લાગે છે તે સમાધિસ્થ યોગી સ્પષ્ટ રીતે મેલું જોઈ જાય છે ને તે તરફ નજર સરખીયે કરતો નથી. આવા યોગીની તો એવી સ્થિતિ હોય છે કે નદીનાળાંનાં પાણી જેમ સમુદ્રમાં શમી જાય છે. અને એવો માણસ સમુદ્રની જેમ હમેશાં શાંત રહે છે. તેથી જે માણસ સર્વ કામનાઓ તજી, નિરહંકાર થઈ, મમતા છોડી, તટસ્થપણે વર્તે છે તે શાંતિ પામે છે. આ ઈશ્વરપ્રાપ્તિની સ્થિતિ છે અને એવી સ્થિતિ જેને મરણ પર્યંત ટકે છે તે મોક્ષ પામે છે.