ગીતાબોઘ - 7 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગીતાબોઘ - 7

અધ્યાય સાતમો

મંગળપ્રભાત

ભગવાન બોલ્યા : હે રાજા, મારામાં ચિત્ત પરોવીને અને મારો આશ્રય લઈને કર્મયોગ આચરતો મનુષ્ય નિશ્ચયપૂર્વક મને સંપૂર્ણ રીતે કેમ ઓળખી શકે એ હું તને કહીશ. આ અનુભવવાળું જ્ઞાન હું તને કહીશ તે પછી બીજું કંઈ જાણવાનું બાકી નહીં રહે. હજારોમાંથી કોઈક જ તે મેળવવાનો પ્રયત્ન કરે છે ને પ્રયત્ન કરનારામાંથી કોઈક જ સફળ થાય છે.

પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ તથા મન, બુદ્ધિ ને હુંપણું એવી આઠ પ્રકારની એક મારી પ્રકૃતિ છે. તે અપરા પ્રકૃતિ કહેવાય અને બીજી તે પરા પ્રકૃતિ છે. એ જીવનરૂપ છે. આ બે પ્રકૃતિમાંથી એટલે દેહજીવનના સંબંધથી આખું જગત થયું છે. તેથી બધાંના ઉત્પત્તિ અને નાશનું કારણ હું છું. જેમ માળાને આધારે તેના મણકા રહેલા છે તેમ જગત મારા આધારે રહેલું છે. એટલે કે પાણીમાં રસ તે હું છું, સૂર્યચંદ્રનું તેજ હું, વેદનો ઓમકાર હું, આકાશનો અવાજ હું, પુરુષોનું પરાક્રમ હું, માટીમાં સુગંધી હું, અગ્નિનું તેજ હું, પ્રાણીમાત્રનું જીવન હું, તપસ્વીનું તપ હું, બુુદ્ધિવાળાની બુદ્ધિ હું, બળવાનુું શુદ્ધ બળ હું, જીવમાત્રમાં રહેલી ધર્મની વિરોધી નહીં એવી કામના હું, ટૂંકામાં સત્વ, રજસ અને તમસમાંથી ઉત્પન્ન થતા જે જે ભાવો છે તે બધા મારામાંથી થયેલા જાણ, અને તે મારે આધારે જ રહી શકે છે. આ ત્રણ ભાવમાં કે ગુણોમાં રચીપચી રહેલા લોક મને અવિનાશીને ઓળખી શકતા નથી એવી મારી ત્રિગુણી માયા છે. તેને તરી જવી કઠણ છે. પણ જેઓ મારું શરણ લે, તે એ માયાને એટલે ત્રણ ગુણોને વટી શકે છે.

પણ જેના આચારવિચારનું ઠેકાણું નથી એવા મૂઢ લોકો મારું શરણ ક્યાંથી શોધે ? તે તો માયામાં પડી રહી અંધારામં જ ફર્યા કરે છે ને જ્ઞાન પામતા નથી. પણ સારા આચારવાળા મને ભજે છે. આમાંથી કોઈ પોતાનું દુઃખ મટાડવા મને ભજે છે, કોઈ મને ઓળખવાની ઈચ્છાથી ભજે છે, કોઈ કંઈક મેળવવાની ઈચ્છાથી ભજે છે, અને કોઈ કર્તવ્ય સમજી જ્ઞાનપૂર્વક મને ભજે છે. મને ભજવો એટલે મારા જગતની સેવા કરવી. તેમાં કોઈ દુઃખને માર્યે, કોઈ કંઈ લાભ મેળવવા, ને કોઈ ચાલો જોઈએ શું થાય છે એમ સમજી સેવા કરે છે; નો કોઈ સમજપૂર્વક, તે વિના રહી જ ન શકે તેથી સેવાપરાયણ રહે છે. આ છેલ્લા મારા જ્ઞાની ભક્ત છે ને મને બધાં કરતાં વધારે પ્રિય છે એમ કહેવાય. અથવા કહો કે તે મને વધારેમાં વધારે ઓળખે છે ને મારી નજીકમાં નજીક છે. આવું જ્ઞાન ઘણા જન્મો પછી જ મનુષ્ય પામે છે અને તે પામ્યા પછી આ જગતમાં હું વાસુદેવ સિવાય બીજું તે જોતા જ નથી. પણ જેને કામનાઓ છે તે તો જુદા જુદા દેવતાને ભજે છે. અને જેવી જેની ભક્તિ તે પ્રમાણે ફળ આપનાર તો હું જ છું. આવા ટૂંકી સમજવાળાને જે ફળ મળે છે તે પણ એવું જ ટૂંકું હોય છે, તેઓનો સંતોષ પણ તેટલામાં રહેલો હોય છે. આવા લોકો પોતાની ટૂંકી બુદ્ધિથી એમ માને છે કે મને તેઓ ઈન્દ્રિયો વડે ઓળખી શકે છે; તેઓ નથી સમજતા કે મારું અવિનાશી અને અનુપમ સ્વરૂપ ઈન્દ્રિયોથી પર છે ને હાથ, કાન, નાક, આંખ ઈત્યાદિ વડે ઓળખી શકાતું જ નથી. આમ હું બધી વસ્તુનો પેદા કરનારો છતાં મને અજ્ઞાની લોકો ઓળખી શકતા નથી. આ મારી યોગમાયા જાણ. રાગદ્વેષ વડે સુખદુઃખાડિ થયાં જ કરે છે ને તેથી જગત મૂર્છામાં-મોહમાં રહે છે. પણ જેઓ તેમાંથી છૂટ્યા છે ને જેઓના આચારવિચાર નિર્મળ થયા છે તેઓ તો પોતાના વ્રતમાં નિશ્ચળ રહીને મને જ નિરંતર ભજે છે.તેઓ પૂર્ણ બ્રહ્મરૂપે, સર્વ પ્રાણીઓમાં નોખા નોખા લાગતા જીવરૂપે રહેલા અને અને મારાં કર્મને જાણે છે. આમ જેઓ મને અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞરૂપે ઓળખે છે ને તેથી સમત્વને પામ્યા છે તેઓ મૃત્યુ પછી જન્મમરણના બંધનમાંથી મુક્ત થાય છે, કેમ કે આટલું જાણ્યા પછી તેમનું મન બીજે ભમતું નથી ને આખું જગત ઈશ્વરમય જોઈ તેઓ ઈશ્વરમાં જ સમાઈ જાય છે.