પ્રારંભ - 47 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 47

પ્રારંભ પ્રકરણ 47

સુરત સ્ટેશને મમ્મી પપ્પા અને શિવાની પોતાનો સામાન લઈને ઉતરી ગયાં. ટ્રેઈન પાંચ સાત મિનિટ ઉભી રહેતી હતી એટલે કેતન અને જાનકી પણ નીચે ઉતર્યાં. ટ્રેઈનની વ્હિસલ વાગી એટલે જાનકીએ મમ્મી પપ્પાને ચરણસ્પર્શ કર્યા અને કોચમાં ચડી ગઈ. કેતન પણ મમ્મી-પપ્પાને બાય કહીને કોચમાં ચડી ગયો.

લગભગ પોણા ત્રણ વાગે સૌરાષ્ટ્ર મેલ બોરીવલી સ્ટેશને પહોંચ્યો. કેતન લોકો બોરીવલી ઉતર્યા ત્યારે મુંબઈમાં એક ઝાપટું પડી ગયું હતું. હવામાં ભીનાશ હતી અને હજુ પણ થોડી થોડી ઝરમર ચાલુ હતી. સ્ટેશન ઉપર જ લગભગ અડધો કલાક રોકાયા પછી જાનકી ચર્ચગેટ જતી લોકલમાં માટુંગા જવા માટે લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં બેસી ગઈ. આટલી વહેલી પરોઢે પણ ડબ્બો ફૂલ થઈ ગયો હતો.

જાનકીએ એના પપ્પાને ફોન કરી દીધો હતો એટલે દેસાઈ સાહેબ પોતે જ ગાડી લઈને સ્ટેશન ઉપર જાનકીને લેવા માટે આવવાના હતા. મુંબઈ સલામત શહેર છે છતાં આટલી મોડી રાત્રે યુવાન દીકરીની ચિંતા મા-બાપને હોય જ !

એ પછી કેતન લોકોએ બહાર જઈને બોરીવલીથી પાર્લા સુધીની ટેક્સી કરી લીધી. રસ્તા ઉપર અત્યારે કોઈ ભીડ ન હતી એટલે ગાડી સડસડાટ દોડી રહી હતી.

ઘરે પહોંચ્યા ત્યારે વહેલી પરોઢના સાડા ચાર વાગ્યા હતા. બંને ભાઈઓએ ભેગા થઈને સામાન ઉપર ચડાવી દીધો. સિદ્ધાર્થ અને રેવતીએ બે કલાક આરામ કરવાનું જ નક્કી કર્યું.

શરીરને થોડોક આરામ આપવો જરૂરી હતો એટલે કેતન પણ છ વાગ્યાનું એલાર્મ મૂકીને સૂઈ ગયો.

છ વાગે ઊઠીને એણે ન્હાઈ ધોઈ લીધું અને ગાયત્રીની ૧૧ માળા કરી લીધી. આજે ધ્યાન કરવાની કોઈ ઈચ્છા ન હતી.

રેવતી સવારે ૬:૩૦ વાગે ઉઠી ગઈ અને બ્રશ વગેરે પતાવી ૭ વાગે સૌથી પહેલાં બધા માટે ચા બનાવી દીધી.

" પાંચ દિવસ ક્યાં નીકળી ગયા ખબર પણ ના પડી ! જામનગર દ્વારકા બાજુનું વાતાવરણ ખરેખર ખૂબ જ રળિયામણું છે. મુંબઈ જેવું ધમાલિયું જીવન ત્યાં નથી. " ચા નાસ્તો કરતાં કરતાં સિદ્ધાર્થ બોલ્યો.

"એકદમ સાચી વાત કહી ભાઈ. અહીંના અને ત્યાંના વાતાવરણમાં ઘણો ફેર છે. અહીં બધા દોડતા જ રહે છે. આખી રાત મુંબઈ જાગતું રહે છે જ્યારે જામનગરમાં રાત્રે ૧૦ વાગ્યા પછી સોપો પડી જાય." કેતન હસીને બોલ્યો.

"તારી વાત સાચી છે. સૌરાષ્ટ્ર આમ પણ સંતોષી છે પણ આપણે તો હવે મુંબઈના લાઈફથી ટેવાઈ જવાનું. તારો આજનો પ્રોગ્રામ શું છે ? " સિદ્ધાર્થે પૂછ્યું.

"વિચારી રહ્યો છું. ઘરે તો નહીં જ બેસી રહું. " કેતન બોલ્યો.

"તો પછી તારી ગાડી જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તું મારી ગાડી વાપર. મારે અહીંયા ગાડીનું કોઈ કામ નથી હોતું. ઓફિસ જવા માટે મેં ફર્સ્ટ ક્લાસનો પાસ કઢાવેલો છે એટલે મારે તો ટ્રેઈન જ બરાબર છે." સિદ્ધાર્થ બોલ્યો.

એ પછી થોડી વારમાં જ સિદ્ધાર્થ દલાલ સ્ટ્રીટ પહોંચવા માટે લોકલ ટ્રેઈન પકડવા ઘરેથી નીકળી ગયો.

કેતનને અત્યારે બીજું તો કંઈ કામ હતું જ નહીં. એને નેહા ભગતનો વિચાર આવ્યો.

નેહા ભગતને કેતન ત્રણ મહિના પહેલાં મળ્યો હતો. એ વખતે નેહાને લીવર અને પેનક્રિયાસના ભાગમાં કેન્સર હતું અને એણે જમવાનું પણ છોડી દીધું હતું. માત્ર પ્રવાહી ખોરાક એને નળીથી આપવામાં આવતો હતો.

કેતન નેહાને મળવા ગયો ત્યારે એની આવી હાલત જોઈને એણે નેહાને સ્પેશિયલ હીલિંગ આપ્યું હતું અને પોતાની પાસે જે પણ સિદ્ધિઓ હતી એની તાકાત ઉપર એણે નેહાને વચન આપ્યું હતું કે એક જ મહિનામાં એનું કેન્સર દૂર થઈ જશે. અને એક મહિના પછી લીવર અને પેનક્રિયાસ નોર્મલ થઈને કામ કરતાં થઈ જશે.

સાથે સાથે એણે નેહાને એ પણ કહ્યું હતું કે એણે જીવનભર લગ્ન કરવાનાં નથી અને તમામ ભોગનો ત્યાગ કરી પોતાની જાતને શ્રીકૃષ્ણના ચરણોમાં સમર્પિત કરવાની છે. માનસિક રીતે સતત 'શ્રીકૃષ્ણ શરણમ મમ' મંત્રનો જાપ કરવાનો છે. સંસારી સાધુની જેમ આખું જીવન જીવવાનું છે.

નેહાને મળ્યાને ત્રણ મહિના જેટલો સમય થવા આવ્યો હતો અને હજુ સુધી નેહા તરફથી કોઈ જ ફોન ન હતો એટલે એને વિચાર આવ્યો કે એકવાર કાંદીવલી જઈને નેહાને મળી આવવું.

બપોરે જમ્યા પછી થોડોક આરામ કરીને ચાર વાગ્યે જ એ ભાઈની ગાડી લઈને કાંદીવલી જવા નીકળી ગયો. એણે નેહાનું ઘર જોયું હોવાથી સીધો ઠાકુર વિલેજ પહોંચી ગયો.

નેહાના ફ્લેટમાં જઈને એણે ડોરબેલ વગાડ્યો તો એના આશ્ચર્ય વચ્ચે નેહા ભગત પોતે જ દરવાજો ખોલવા માટે આવી. સામે કેતનને જોઈને એ આશ્ચર્ય પામી ગઈ. સાથે સાથે એને ખૂબ જ ખુશી થઈ.

કેતન એની સાથે ડ્રોઈંગ રૂમમાં જઈને સામેના સોફા ઉપર બેઠો. નેહાના પપ્પા પણ બેડરૂમમાંથી બહાર આવ્યા અને કેતનને જોઈને એ ગળગળા થઈ ગયા. કેતને એમની દીકરીની જિંદગી બચાવી હતી ! એ બે હાથ જોડીને કેતનને પગે લાગ્યા.

" અરે વડીલ તમે મને પગે નહીં લાગો. તમે મોટા છો. અને નેહાને સારું થવાનું હશે એટલા માટે જ થયું. હું તો માત્ર નિમિત્ત બન્યો." કેતન બોલ્યો.

"નહીં કેતનભાઈ મારે તમને પગે લાગવું જ જોઈએ. તમે તો મારી દીકરીની જિંદગી બચાવી લીધી છે. અમે તો બધી આશા છોડી દીધી હતી અને દિવસો ગણતા હતા. મને કલ્પના પણ ન હતી કે એ વખતે તમે જે કહ્યું હતું તે આટલું બધું સાચું પડશે ! આ તો ખરેખર એક ચમત્કાર જ છે. ભગવાને તમને જે પણ શક્તિ આપી છે એનાથી સમાજનું કલ્યાણ થાય એ જ મારા આશીર્વાદ છે." વડીલ બોલ્યા.

નેહાનાં મમ્મી પણ ધીરે ધીરે ચાલતાં બહાર આવ્યાં અને કેતનને બે હાથ જોડીને એ પણ પગે લાગ્યાં.

"મને ખૂબ જ આનંદ છે કે નેહા હવે ધીમે ધીમે નોર્મલ થતી જાય છે. હું આજે એને જોવા માટે જ ખાસ આવ્યો છું. હું હજુ આજે સવારે જ મુંબઈ આવ્યો છું." કેતન બોલ્યો

"કેતનભાઇ તમે તો એ દિવસે મારા માટે સાક્ષાત કૃષ્ણ બનીને જ આવ્યા હતા. તમે મને એક મહિનાનું કહીને ગયા હતા પરંતુ ત્યારે મને વિશ્વાસ ન હતો કે ખરેખર કેન્સર દૂર થઈ જશે ! તમે મારા માટે જે કર્યું છે એ હું ક્યારેય પણ ભૂલી શકીશ નહીં. તમારામાં મેં સાક્ષાત ઈશ્વરનાં દર્શન કર્યાં છે. તમારી એકે એક સૂચનાનું પાલન કર્યું છે. તમે ગયા પછી શ્રીકૃષ્ણ જ મારું સર્વસ્વ છે. સતત એમનું સ્મરણ કર્યા કરું છું. કૃષ્ણ કનૈયાની પિત્તળની એક સુંદર મૂર્તિ પણ વસાવી છે અને પૂજા ઘરમાં રાખી છે. રોજ એમની દિલથી પૂજા કરું છું." નેહા બોલતી હતી.

" મને ઘણું સારું છે અને હું હવે ધીમે ધીમે બધો જ ખોરાક લઈ શકું છું. મને કોઈ જ તકલીફ કે પીડા થતી નથી. હજુ ગયા અઠવાડિયે જ હોસ્પિટલમાં જઈને એક ટેસ્ટ કરાવ્યો છે. એ પણ લગભગ નોર્મલ આવ્યો છે. ડૉક્ટરને પણ આશ્ચર્ય થયું છે. પરંતુ આ રહસ્ય મેં કોઈને પણ કહ્યું નથી અને કહેવા માગતી પણ નથી. માત્ર હું તમે અને મારાં મમ્મી પપ્પા જ જાણે છે." નેહા બોલી.

"નેહા ત્રણ મહિના થઈ ગયા છતાં તેં મને એક પણ ફોન કેમ ના કર્યો ? મને આશા હતી કે એક મહિનો પૂરો થાય પછી અપડેટ આપવા માટે ગમે ત્યારે તારો ફોન મારી ઉપર ચોક્કસ આવશે જ." કેતન બોલ્યો.

"ભાઈ ખોટું ના લગાડશો. મેં તમને જાણી જોઈને ફોન નથી કર્યો. મારી ઈચ્છા એવી હતી કે એક વાર હું સંપૂર્ણ નોર્મલ થઈ જાઉં, બધા જ રિપોર્ટ એકદમ નોર્મલ આવી જાય અને હું બહાર જતી આવતી થાઉં પછી મારે તમને મારા ઘરે જમવાનું આમંત્રણ આપીને બોલાવવા હતા. સરપ્રાઈઝ આપવાની મારી ઈચ્છા હતી. " નેહા બોલી.

"ચાલો કંઈ વાંધો નહીં. હવે ચિંતાનું કોઈ જ કારણ નથી. અને તું સો ટકા નોર્મલ થઈ જઈશ. મારે લાયક કંઈ પણ કામકાજ હોય તો જણાવજે. હું માત્ર ખબર કાઢવા માટે જ આવ્યો હતો." કેતન બોલ્યો.

" આવ્યા તો ભલે આવ્યા. હવે જવાની ઉતાવળ ના કરશો. સાંજે અહીં જમીને જ જાઓ." નેહા બોલી.

" જમવાનું આજે રહેવા દે નેહા. એવું હોય તો અત્યારે ખાલી ચા બનાવી દે." કેતન બોલ્યો.

" ઠીક છે. આજે મેં ઢોકળાંનું પલાળ્યું છે. ૧૫ મિનિટ બેસો. ગરમાગરમ થાળી ઉતારી દઉં છું. ચા સાથે તમને મજા આવશે. " કહીને નેહા કિચનમાં ગઈ અને ૧૫ મિનિટમાં ચા અને ગરમ ઢોકળાંની એક ડીશ પણ લેતી આવી.

એ પછી કેતન ત્યાંથી નીકળી ગયો અને ગાડી સીધી ખારમાં આવેલા રામકૃષ્ણ આશ્રમ તરફ લીધી. કાયમ માટે એ હવે મુંબઈ આવી ગયો હતો અને મુંબઈ જ એની હવે પછીની કર્મભૂમિ હતી એટલે શ્રી શ્રી ઠાકુરના આશીર્વાદ લેવા પણ જરૂરી હતા.

એ આશ્રમ પહોંચ્યો ત્યારે સાત વાગી ગયા હતા અને આરતીનો સમય થઈ ગયો હતો. આરતી પૂરી થાય ત્યાં સુધી એ રોકાયો. એ પછી ઉપરના માળે શારદા માતાનાં દર્શન કરીને પાર્લા જવા માટે એ નીકળી ગયો.

ઘરે પહોંચો ત્યારે સિદ્ધાર્થભાઈ પણ ઘરે આવી ગયા હતા.

"કેતન તને હું કહેવાનું જ ભૂલી ગયો. તારી સાથે મીટીંગ પછી આપણી સામેના ફ્લેટમાં રહેતા અનિલે એની મધર સાથે પોતાની શારીરિક નબળાઈની વાત કરી લીધી છે. સ્વાતિ એના માટે જવાબદાર નથી એ પણ સ્પષ્ટતા કરી છે. સ્વાતિએજ રેવતીને વાત કરી હતી. " રાત્રે જમતી વખતે સિદ્ધાર્થ બોલ્યો.

"હવે સ્વાતિ પણ ખૂબ જ ખુશ છે. સત્ય હકીકત જાણ્યા પછી એની સાસુને પણ પોતાના વર્તન બદલ થોડો પસ્તાવો થયો છે. એ હવે સ્વાતિને સારી રીતે રાખે છે." સિદ્ધાર્થે પોતાની વાત પૂરી કરી.

"ચલો આપણાથી એક નેક કામ તો થયું !! " કેતન બોલ્યો.

"હા પણ ખબર નહીં તેં કઈ રીતે અનિલને એક જ મિટિંગમાં સમજાવી દીધું ? આ વાત હજુ પણ મારા મગજમાં બેસતી નથી. " સિદ્ધાર્થ બોલ્યો.

"કંઈ નહીં ભાઈ આપણી નિષ્ઠા સાચી હોય તો ઈશ્વર પણ આપણને મદદ કરતો જ હોય છે." કેતન બોલ્યો.

બીજા દિવસે સવારે કેતને જયદેવ ઠાકરને ફોન કર્યો.

" જયદેવ હું મુંબઈ આવી ગયો છું અને આપણે લલ્લન પાંડે સાથે હવે મીટીંગ કરવી પડશે. તારી રીતે તું ટાઈમ લઈ લે અને મને જણાવ." કેતન બોલ્યો.

" ઠીક છે. આજે હું પાંડેને ફોન કરીને તને જણાવું છું. મકાનો ખાલી કરવાની વાત તો ઝૂંપડપટ્ટીમાં ફેલાઈ ગઈ છે. પાંડેએ બધા સાથે વાત કરી લીધી લાગે છે. કારણકે તુકારામ અને રાજુ લંગડો બંને મને મળ્યા હતા. તુકારામ રીકરીંગ ડિપોઝિટના પૈસા લેવા મારી પાસે આવે છે અને રાજુ પાસેથી હું વાઈન લઉં છું. બંને આ જગ્યા ખાલી કરવી પડશે એવી વાત કરતા હતા." જયદેવ બોલ્યો.

"ચાલો બહુ સારી વાત છે. આપણને સફળતા મળી એ વાતનો આનંદ છે. હવે મિટીંગ કરીને એની ઓફર શું છે એ જાણી લઈએ પછી આગળ વાત થાય." કેતન બોલ્યો અને ફોન કટ કર્યો.

કેતને એ પછી રુચિ મખીજાને ફોન કર્યો.

"રુચિ હું કેતન બોલું. હવે હું કાયમ માટે મુંબઈ શિફ્ટ થઈ ગયો છું અને આજકાલમાં ગોરેગાંવના પ્લોટ માટે લલ્લન પાંડે સાથે મીટીંગ કરવાનો છું." કેતન બોલ્યો.

" વાઉ ! વેલકમ ટુ મુંબઈ !! તમે બહુ જ સારા સમાચાર આપ્યા. તમે કહેતા હો તો પાંડે સાથેની મિટિંગમાં હું પોતે પણ તમારી સાથે હાજર રહું. " રુચિ બોલી.

" ના રુચિ. હમણાં નહીં. ઉતાવળ કરવાની જરૂર નથી. એકવાર મને પાંડે સાથે મીટીંગ કરી લેવા દો. એની ઓફર સમજી લેવા દો. એની નાડ મારા હાથમાં છે. હમણાં હું એકલો જ હેન્ડલ કરીશ. બધું ફાઈનલ થઈ જાય પછી જ્યારે જરૂર હશે ત્યારે હું તમને સાથે રાખીશ." કેતન બોલ્યો.

" અને તમે મારો પૂરેપૂરો ભરોસો કરી શકો છો. હું ખૂબ જ ટ્રાન્સપરન્ટ છું. પાંડે જે પણ ઓફર આપશે એ જ ફિગર હું તમને કહીશ. મને પૈસાની કોઈ જ લાલચ નથી. તમારાથી કોઈપણ વસ્તુ ખાનગી નહીં રહે. " કેતન બોલ્યો.

" અરે અરે કેતન જી એવું તો હું વિચારી પણ ના શકું. તમે ખોટું સમજ્યા. મને તમારામાં પૂરેપૂરો વિશ્વાસ છે જ અને મેં તો તમને ખુલ્લી ઓફર પણ આપેલી છે. ચાલો ઓલ ધ બેસ્ટ ! " રુચિ બોલી અને એણે ફોન કટ કર્યો.

કેતન સાથે મુલાકાત પછી લલ્લન પાંડે ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો. આ પ્લોટ એના માટે દૂધ દેતી ગાય જેવો હતો. દર મહિને લાખોની બેઠી આવક થતી હતી. પરંતુ કેતને એની સાથે જે રીતે કડકાઈથી વાત કરી અને એનો ભૂતકાળ બતાવી દીધો એ જાણ્યા પછી જેલ જવાની બીકે એ ધ્રુજી ગયો હતો.

કોઈપણ હિસાબે આ પ્લોટ હવે ખાલી કરાવવો જ પડશે. કેતન મોં માગ્યા પૈસા આપવા તૈયાર હતો એટલે એની પાસેથી જેટલા પૈસા ખંખેરી શકાય એટલા ખંખેરવા પડશે એવો નિર્ણય એણે લીધો.

૨૦ મકાનો બનાવી બનાવીને એણે જ વેચ્યાં હતાં અને બાકીના બધા ભાડુઆતો એના પોતાના જ હતા. એનો પોતાનો પણ પ્લોટમાં માથાભારે માણસ તરીકેનો એક રૂઆબ હતો એટલે આમ તો એને પ્લોટ ખાલી કરાવવામાં કોઈ તકલીફ ન હતી. પરંતુ બે માણસોનો એને ડર હતો. એક હતો રાજુ લંગડો અને બીજો દિલાવર ખાન.

રાજુ લંગડો નામચીન બુટલેગર હતો. આ ઝુંપડપટ્ટીમાં અને આજુબાજુના વિસ્તારમાં એનો ધંધો ખૂબ જ સારો ચાલતો હતો. ફિલ્મ સિટીમાં પણ એ વાઈન પહોંચાડતો હતો. કોઈ મોટી રકમ લીધા વગર એ પ્લોટ ખાલી કરે એવી કોઈ શક્યતા ન હતી.

બીજો હતો દિલાવર ખાન. ત્રણ વાર જેલમાં જઈ આવ્યો હતો. અંડરવર્લ્ડ સુધી એના છેડા અડતા હતા. દરેક મકાનમાંથી એ હપ્તા ઉઘરાવતો હતો. લોહીનો વ્યાપાર પણ કરતો હતો અને હથિયારો પણ સપ્લાય કરતો હતો.

લલ્લન પાંડેએ સૌથી પહેલાં રાજુ લંગડા સાથે મીટીંગ કરવાનું નક્કી કર્યું અને એક દિવસ એને પોતાના ઘરે બોલાવ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)