પ્રારંભ - 46 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 46

પ્રારંભ પ્રકરણ 46

છેવટે જામનગરને અંતિમ વિદાય આપવાનો દિવસ આવી ગયો ! કેતન એ દિવસે વહેલી સવારે ચાર વાગ્યે જાગી ગયો અને હાથ મ્હોં ધોઈને ધ્યાનમાં બેસી ગયો.

એણે આજે ચેતન સ્વામીને ધ્યાનમાં બોલાવવાની કોશિશ કરી પરંતુ ઘણી કોશિશના અંતે પણ ચેતન સ્વામી એની સામે ના આવ્યા. એ પછી એણે પોતાના સ્પિરિચ્યુઅલ ગાઈડ સ્વામી અખિલેશજીને દિલથી યાદ કર્યા ત્યારે એ થોડી મિનિટોમાં પ્રગટ થયા.

" આજે જામનગરની વિદાય લઈને કાયમ માટે મુંબઈ તરફ પ્રસ્થાન કરી રહ્યો છું ત્યારે ચેતન સ્વામીનાં દર્શન કરવાની ઈચ્છા હતી. મારે એમના આશીર્વાદ લેવા હતા ! " કેતન બોલ્યો.

" સિદ્ધ મહાત્માઓ એમ આપણે ઈચ્છીએ એ મુજબ આપણી સામે હાજર થઈ શકે નહીં. અત્યારે એ હજુ બંગાળમાં જ છે અને પોતાની સાધનાના ભાગરૂપે અત્યારે એ હવન કરી રહ્યા છે. ચાલુ હવને એ સ્થાન છોડીને આવી શકે નહીં ! " અખિલેશ મહારાજ બોલ્યા.

" ઓહ્... મને આ વાતની ખબર ન હતી. બસ મને આપ આશીર્વાદ આપો. મારો આગળનો માર્ગ આપ જેવા સંતોના આશીર્વાદથી ચૈતન્યથી ભરપૂર રહે અને હું દુન્યવી બાબતોમાં ખોવાઈ ના જાઉં. " કેતન નમ્રતાપૂર્વક બોલ્યો.

" તારી ઉપર તો તારા મહાન ગુરુના આશીર્વાદ છે જ અને ચેતન સ્વામી પણ સતત તારું ધ્યાન રાખે છે. તારે એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું પણ તારો માર્ગદર્શક બનતો જ હોઉં છું. ઘણી વાર તારા સબકોન્સિયસ માઈન્ડમાં જઈને તને પ્રેરણા આપું છું." અખિલેશ મહારાજ બોલ્યા.

" મારે આપને એક સવાલ કરવો છે સ્વામીજી." કેતન બોલ્યો.

" હા હા કોઈપણ સવાલ તું પૂછી શકે છે. " અખિલેશ મહારાજ બોલ્યા.

" તમે તો સ્વામીજી સૂક્ષ્મ શરીરમાં છો અને સૂક્ષ્મ જગતમાં જ રહો છો. તમે કદાચ ચોથા કે પાંચમા લોકમાં રહેતા હશો ! તો ઈશ્વરના સ્વરૂપ વિશે કોઈ વર્ણન કરી શકો ? પરમાત્માને તમે કે બીજા કોઈ સિદ્ધ મહાત્માએ કદી જોયા છે ખરા ? " કેતન બોલ્યો.

" મેં આ બાબતમાં પાંચમા લોકના સિદ્ધ મહાત્માઓ સાથે પણ ચર્ચા કરી છે. ઈશ્વરનું કોઈ સ્થૂળ સ્વરૂપ નથી. એના અંશમાંથી અનેક અવતારો પૃથ્વી ઉપર જન્મી ચૂક્યા છે પરંતુ પૃથ્વી ઉપર જન્મ લીધો હોવાથી રામ કે કૃષ્ણના સ્થૂળ શરીરની આપણે ઈશ્વર તરીકે કલ્પના કરી શકીએ છીએ. બાકી ઈશ્વરનું કોઈ જ સ્થૂળ સ્વરૂપ નથી ! એ એક પરમ તત્ત્વ છે જે જીવોને જોઈ શકે છે, એમની પ્રાર્થના સાંભળી શકે છે. જરૂર પડે મૌન દ્વારા બોલી પણ શકે છે જેનો અવાજ સિદ્ધ યોગીઓ માત્ર અંતર્મનમાં જ સાંભળી શકે છે ! " અખિલેશ મહારાજ કહી રહ્યા હતા.

"વીજળીના પ્રવાહની આપણે માત્ર અનુભૂતિ કરી શકીએ છીએ. આજના યુગમાં તો એનાથી આખા વિશ્વનું સંચાલન થઈ રહ્યું છે. વીજળીના તારમાંથી અનેક બલ્બ પ્રગટે છે એને જ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ સ્થૂળ આંખે વીજળી જોઈ શકતા નથી. બ્રહ્માંડમાં વ્યાપેલું ચૈતન્ય તત્વ એ જ ઈશ્વર છે જેનું કોઈ જ સ્થૂળ સ્વરૂપ નથી. પવનનો અનુભવ કરી શકાય છે, સુગંધનો અનુભવ કરી શકાય છે. બસ આ એના જેવું જ છે. એ શૂન્ય છે. એની સાથે જોડાઈને પ્રકૃતિ બધા ખેલ કરી રહી છે." અખિલેશ મહારાજ બોલ્યા.

કેતનને અખિલેશ મહારાજના જવાબથી ખૂબ જ સંતોષ થયો. એના મનમાં હવે બીજા કોઈ પ્રશ્નો ન હતા એટલે એણે અખિલેશ મહારાજને વિદાય આપી.

ધ્યાનમાંથી બહાર આવ્યો ત્યારે લગભગ પાંચ વાગવા આવ્યા હતા. એ પથારીમાંથી ઊભો થઈ ગયો અને બ્રશ કરી નાહી લીધું. એ પછી ગાયત્રી મંત્રની ૧૧ માળા કરી.

સવારના ૬:૩૦ વાગી ગયા હતા એટલે સૌથી પહેલાં જાનકી ઊભી થઈ અને એ પછી રેવતી પણ ઊભી થઈ. જાનકી બ્રશ કરીને બેડરૂમના બાથરૂમમાં સ્નાન કરવા માટે ગઈ તો રેવતી પણ બીજા બાથરૂમમાં તૈયાર થવા ગઈ. બંગલામાં બે વોશરૂમ હતાં એટલે બધા એક પછી એક ઊઠીને ન્હાઈ ધોઈ તૈયાર થતા ગયા.

સાડા સાત વાગે જાનકીએ બધાંને માટે ચા બનાવી અને આઠ વાગે બધા ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા. બરાબર એ જ વખતે સુધામાસી અને મનસુખભાઈ પણ આવી ગયા. સુધામાસીએ આવીને તરત જ બટેટાપૌંઆ બનાવવાનું ચાલુ કરી દીધું. સાથે સાથે માસીએ બટેટાની સુકી ભાજી પણ બનાવી દીધી જેથી ટ્રેઈનમાં થેપલા અને પૂરી સાથે ખાઈ શકાય.

" જુઓ અત્યારે ગરમાગરમ બટેટા પૌંઆ બની રહ્યા છે એટલે ચાની સાથે ભાખરી થોડી ઓછી લેજો. સુધાબેને સૂકી ભાજી પણ બનાવી છે પણ એ આપણે સાથે લઈ લઈશું. " જયાબેન બોલ્યાં.

૧૦ થી ૧૫ મિનિટમાં જ દરેકની સામે ગરમાગરમ બટેટાપૌંઆ પ્લેટમાં પીરસાઈ ગયા. સુધામાસીએ આજે લાલના બદલે લીલું મરચું નાખીને રતલામી સ્ટાઈલથી બટેટાપૌંઆ બનાવ્યા હતા.

"લાજવાબ ટેસ્ટ છે બાકી !" સિદ્ધાર્થ બોલી ઉઠ્યો.

" મુંબઈમાં સુધામાસીની ખોટ પડશે." કેતન બોલ્યો.

" તું ચિંતા ના કર. જાનકી રસોઈ સરસ જ બનાવે છે. અને હવે બે અઢી મહિનાની તો વાર છે. સુરત પહોંચ્યા પછી અમારે લગનની તૈયારીઓ જ ચાલુ કરી દેવાની છે. કપડાં દાગીના બધું જ લેવાનું બાકી છે. રાત થોડી અને વેશ ઝાઝા જેવી વાત છે. " જયાબેન બોલ્યાં.

"તું આ ગાડીનું પછી કેવી રીતે કરીશ ? હજુ હમણાં જ નવી લીધી છે. " જગદીશભાઈ બોલ્યા.

" મનસુખભાઈ સાથે વાતચીત થઈ ગઈ છે. એ થોડા દિવસ પછી મુંબઈ સુધી મૂકી જશે. " કેતન બોલ્યો.

૧૦ વાગ્યા સુધીમાં મનસુખભાઈએ તમામ પેકિંગ કરી દીધું. પટાવાળા તરીકે નોકરી કરી હતી એટલે આ બધી બાબતોમાં એમની આવડત અને કોઠાસૂઝ વધારે હતી. વધારાનો તમામ સામાન બે મોટાં બોક્સમાં જ પેક કરી દીધો હતો. પરચુરણ વસ્તુઓ કોથળામાં પેક કરી હતી.

૧૧ વાગે જયેશ માલવિયા પણ આવી ગયો. તમામ સામાન બંને ગાડીઓમાં ગોઠવી દીધો.

કેતન દરેક ભૂમિને ચૈતન્ય ભૂમિ જ માનતો હતો. માયાવી જગતમાં હતો ત્યારે આ ઘરમાં એ રહ્યો હતો અને જામનગર આવ્યા પછી પણ આ જ ઘરમાં એણે સાધના કરી હતી. દરેક ઘરની એક માયા હોય છે. બંગલામાંથી બહાર નીકળતા પહેલાં દરેક રૂમમાં જઈને એણે આ ભૂમિને મનોમન વંદન કર્યાં. બંગલાનો મુખ્ય દરવાજો બંધ કરીને ચાવી એણે જયેશને આપી. વિદાય હંમેશા વસમી જ હોય છે. બંગલો છોડતાં એની આંખો ભીની થઈ ગઈ.

તમામ લોકો ગાડીઓમાં ગોઠવાઈ ગયા અને બંને ગાડીઓ પટેલ કોલોનીમાંથી બહાર નીકળી ગઈ. થોડીવારમાં જ બધા રેલ્વે સ્ટેશન પહોંચી ગયા.

" મનસુખભાઈ પાણીની ત્રણ ચાર બોટલ તમે લઈ આવો કારણકે જમવાની સાથે ઠંડુ પાણી જોઈશે. " કેતન બોલ્યો.

સામે જ સ્ટોલ હતો એટલે મનસુખ માલવિયા ચાર બોટલ લઈ આવ્યો. કેતને મમ્મી પપ્પા અને ભાઈ સિવાય બધાના હાથમાં એક એક બોટલ પકડાવી દીધી. જો કે મમ્મી ઘરેથી પાણીનો જગ લઈને જ આવી હતી. છતાં રસ્તામાં પાણી જોઈએ. !

સૌરાષ્ટ્ર મેલ ઓખાથી ઉપડતો હતો. બરાબર ૧૨:૩૦ વાગે ટ્રેઈન પ્લેટફોર્મ ઉપર આવી ગઈ. ટુ ટાયર એસીની ટીકીટ હતી એટલે આરામથી બધા કોચમાં ચડી ગયા. મનસુખભાઈએ તમામ સામાન ગોઠવી દીધો. એક જ કમ્પાર્ટમેન્ટમાં છ સીટો આવી ગઈ હતી અને એક સીટ બાજુના કમ્પાર્ટમેન્ટમાં હતી.

કેતન બાજુના કમ્પાર્ટમેન્ટમાં અલગ બેસવા માગતો હતો પરંતુ સિદ્ધાર્થે એને રોક્યો અને પોતે અલગ બેઠો.

કેતન દરવાજા પાસે જઈને ઉભો ત્યારે માયાવી જગતની એને યાદ આવી ગઈ. માયાવી જગતમાં હતો ત્યારે એક વાર જામનગરના આ જ પ્લેટફોર્મ ઉપર જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા એને મૂકવા માટે આવ્યા હતા અને એ વિદાય કાયમી વિદાય બની ગઈ હતી.

માયાવી જગત અદ્રશ્ય થઈ ગયું ત્યારે કેતન ફરી જામનગર આવ્યો હતો અને આખા જામનગરમાં જયેશ ઝવેરી અને મનસુખ માલવિયાની એણે શોધ કરી હતી. પરંતુ એ બંનેમાંથી કોઈ જ અહીં રહેતા ન હતા. એ વખતે એણે જામનગરની વિદાય લીધી ત્યારે એ ટ્રેઈનના દરવાજે ઉભો રહીને રડી પડ્યો હતો !!

આજે ત્રીજી વાર એ ટ્રેઈનના દરવાજે ઊભો હતો. સામે જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા ઉભા હતા. કેતનને બધો જ ભૂતકાળ યાદ આવી ગયો. આ વખતે સારી વાત એ હતી કે આ બંને હવે મુંબઈ પણ આવવાના હતા એટલે એમની વિદાય કાયમી ન હતી !

ટ્રેઈન સ્ટાર્ટ થઈ ગઈ અને કેતન દૂર સુધી હાથ હલાવતો રહ્યો ! બંને દેખાતા બંધ થઈ ગયા એ પછી કેતન અંદર જઈને પોતાની સીટ ઉપર બેઠો. સાઈડની સીટ ઉપર મમ્મી અને પપ્પા બેઠા હતા. સામેની સીટ ઉપર જાનકી અને રેવતી બેઠાં હતાં જ્યારે બાજુમાં વિન્ડો પાસે શિવાની બેઠી હતી !

જામનગર સાથેના ઋણાનુબંધ કાયમ માટે પૂરા થઈ ગયા ! કેતન નજીકના ભૂતકાળમાં સરી ગયો. પાછલા જન્મના કર્મોનું બંધન દૂર કરવા માટે મહાન ગુરુજીએ જામનગરની પસંદગી કરી હતી કારણ કે પૂર્વ જન્મમાં કેતને જમનાદાસ તરીકે જેનું ખૂન કરાવ્યું હતું એ હરીશ અને જેણે ખૂન કર્યું હતું એ સાવંત બંનેનો પુનર્જન્મ અનુક્રમે રાજકોટ અને જામનગરમાં થયેલો હતો !

કેતન જામનગર આવે અને નિમિત્ત બને તો જ આ કર્મ બંધનમાંથી મુક્ત થઈ શકે એમ હતો ! અને એ પ્રમાણે જ થયું. ગુરુજીની માયા ગજબની હતી !

પાપકર્મનું આ બંધન દૂર કરવામાં માયાવી જગતમાં અસલમ શેખ પણ નિમિત્ત બન્યો હતો ! એટલા માટે જ કેતને એને આટલી મોટી મદદ કરી હતી. કેતનની ઈચ્છા રાજકોટ જઈને એકવાર અસલમ શેખને પણ મળી લેવાની હતી પરંતુ પાછળથી એ વિચાર એણે માંડી વાળ્યો હતો !

"અત્યારે સાડા બાર વાગ્યા છે. દોઢ વાગે એટલે આપણે જમવાનું ચાલુ કરીએ કારણકે બટાકાપૌંઆ ખાધા છે એટલે હજુ ભૂખ નથી લાગી. છતાં તમને લોકોને લાગી હોય તો ભાતું ખોલી દઈએ. " જયાબેન બોલ્યાં અને કેતન વિચારોમાંથી બહાર આવ્યો.

" વાંધો નહીં મમ્મી. દોઢ વાગે જ ચાલુ કરીશું." બધા વતી કેતન જ બોલ્યો.

" ભાઈ તમારી વાત તમે જાણો. આપણને તો ભૂખ લાગી છે !" શિવાની બોલી ઉઠી.

"ઠીક છે ચલો ભાઈ. દોઢ વાગે નહીં પણ એક વાગે ચાલુ કરી દઈએ. નાની બહેનને નારાજ તો કરાય નહીં ! " કેતન બોલ્યો.

બરાબર એ જ સમયે પેન્ટ્રીકાર નો વેઈટર પણ જમવાનો ઓર્ડર લેવા માટે આવ્યો. કેતને ના પાડી.

નાસ્તાની બેગ સામેની સીટ નીચે જ હતી. એક વાગી ગયો એટલે જાનકીએ બેગ બહાર ખેંચી લીધી અને એમાંથી નાસ્તાના ડબ્બા બહાર કાઢ્યા. કેતને સિદ્ધાર્થને પણ બોલાવી લીધો.

સાત મોટી પેપર ડીશો અને સાત ચમચી પણ બહાર કાઢી. દરેક ડીશમાં ત્રણ થેપલાં, ત્રણ પુરી, સુખડીના બે પીસ, બાજુમાં બટેટાની સૂકી ભાજી થોડું દહીં અને અથાણું મૂકી દીધું. દરેકના હાથમાં એક એક ડીશ પકડાવી દીધી.

" ગરમ પૌંઆ છેલ્લે આપીશું. જેથી ગરમ ખાધાનો સંતોષ થાય." રેવતી બોલી.

ટ્રેઈનમાં પરિવાર સાથે ભેગા મળીને જમવાનો આનંદ અનેરો હોય છે. ખબર નહીં કેમ એ જ થેપલાં ઘરે જમો અને ટ્રેઈનમાં જમો... એમાં સ્વાદમાં ઘણો ફરક પડી જાય છે.

સુધામાસીએ થેપલાં ખરેખર દિલથી બનાવ્યાં હતાં. જયાબેને પણ પ્રશંસા કરી. મીઠો લીમડો નાખીને વઘારેલી બટેટાની સૂકી ભાજી પણ એકદમ સ્વાદિષ્ટ હતી !

" આપણો સુરતનો મહારાજ પણ થેપલાં તો સરસ જ બનાવે છે. પરંતુ આ બેનનો હાથ ખરેખર સારો છે. " જયાબેન બોલ્યાં.

" ખરેખર થેપલાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ છે. " જગદીશભાઈએ પણ સૂર પુરાવ્યો.

જમી લીધા પછી જાનકીએ બધાંની ડીશમાં થોડા થોડા બટેટાપૌંઆ મૂકી દીધા. કેસરોલમાં હોવાથી હજુ પણ ગરમ હતા.

વાતો કરતાં કરતાં લગભગ પોણા બે વાગે જમવાનું પતી પણ ગયું.

" હવે જેને આરામ કરવો હોય તે ઉપરની સીટ ઉપર જઈને આરામ કરી શકે છે. " કેતન બોલ્યો.

સાંજે સાડા ચાર વાગે સુરેન્દ્રનગર સ્ટેશન આવ્યું ત્યારે કેતનને થોડા દિવસો પહેલાં પોતાને વહેલી સવારે સ્વપ્નમાં થયેલો સંન્યાસીઓનો અનુભવ યાદ આવી ગયો.

ચાનો ટાઈમ થઈ ગયો હતો અને ટ્રેઈન અહીં દસ મિનિટ રોકાતી હતી એટલે કેતન પોતાના પરિવાર સાથે પ્લેટફોર્મ ઉપર નીચે ઊતર્યો. સામે જ ચાનો સ્ટોલ હતો. બધાંએ ચા પી લીધી.

"અમારે તો જાણે રાત્રે અગિયાર વાગે સુરત આવી જાય છે એટલે વાંધો નહીં આવે પરંતુ બોરીવલી મધરાતે અઢી વાગે આવશે એટલે તમે લોકો પાર્લા કેવી રીતે જશો ? " ટ્રેઈન ઉપડ્યા પછી જગદીશભાઈ બોલ્યા.

" જો સામાન ના હોત તો અમે લોકલ ટ્રેઈનમાં જ નીકળી જાત કારણકે આ ટિકિટ છેક મુંબઈ સેન્ટ્રલ સુધી વેલીડ છે. પરંતુ સામાન છે એટલે અમે બોરીવલીથી ટેક્સી જ કરી લઈશું. " કેતન બોલ્યો.

" હું તો લોકલ ટ્રેઈનમાં લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં બેસીને સીધી માટુંગા જતી રહીશ. અને ત્યાંથી ટેક્સી કરીને ઘરે પણ પહોંચી જઈશ. એ બાબતમાં મુંબઈ બહુ જ સલામત છે. " જાનકી બોલી.

"અઢી વાગે નીકળીને ઘરે પહોંચવાની એવી કોઈ ઉતાવળ નથી. એવું હશે તો આપણે બોરીવલી સ્ટેશને જ એકાદ કલાક રોકાઈ જઈશું અને સાડા ત્રણ પછી નીકળી જઈશું. " કેતન બોલ્યો.

" હા એ વાત તેં સાચી કહી. મુંબઈ આમ તો આખી રાત ધમધમતું હોય છે. " જગદીશભાઈ બોલ્યા.

"જાનકી બેટા... તારે એક દિવસ માટે સુરત આવવું પડશે. કારણ કે તારા માટે દાગીના ખરીદવાના છે અને કપડાં પણ લેવાનાં છે એટલે અમારી ઈચ્છા છે કે તારી પોતાની ચોઇસ પ્રમાણે જ ખરીદી થાય. " જયાબેન બોલ્યાં.

" ભલે મમ્મી." જાનકી બોલી.

"અને હા પંડિતજીને પૂછીને ખરીદી કરવાનો સારો દિવસ હું જોવડાવી લઈશ. કારણ કે લગનની ખરીદી ગમે ત્યારે શરૂ ના કરાય. માંગલિક પ્રસંગમાં સારા મુરતમાં જ દાગીના વગેરેની ખરીદી કરવી જોઈએ." ફરી જયાબેન બોલ્યાં.

"તમે કહેશો એ દિવસે સવારે હું આવી જઈશ. " જાનકીએ જવાબ આપ્યો.

વાતો કરતાં કરતાં સાંજે ૭ વાગે અમદાવાદ પણ આવી ગયું. કેતન અને સિદ્ધાર્થ નીચે ઉતર્યા. સ્ટેશન ઉપર પેસેન્જર્સની ભારે ભીડ હતી. આ સ્ટેશન ઉપર અનેક ગાડીઓની આવન જાવન હતી. કેતને સ્ટેશન ઉપરથી બટેટાની સૂકી ભાજી અને ચાર સેન્ડવીચ પાર્સલ કરાવી દીધાં. પાણીની ઠંડી બે ત્રણ બોટલો પણ લઈ લીધી.

" સવારના ઠંડા નાસ્તા સાથે ગરમ સૂકી ભાજી બધાંને બહુ ગમશે. કારણ કે હવે એકલા અથાણા સાથે બધું કોરું પડશે. " કેતને સિદ્ધાર્થને કહ્યું.

" હું તને એ કહેવાનો જ હતો પરંતુ મારા કહ્યા પહેલાં જ તેં લઈ લીધી. " સિદ્ધાર્થ બોલ્યો.

" અમારે તો હવે પેન્ટ્રીમાંથી ગરમ જમવાનું જ મંગાવવું પડશે. સવારનું ખાઈશું તો એસીડીટી થશે. જેને ઠંડુ ખાવું હોય તે ઠંડુ ખાય. જેને ગરમ મંગાવવું હોય તે અત્યારે જ નક્કી કરી લો. હમણાં વેઇટર ઓર્ડર લેવા આવશે." અમદાવાદથી ટ્રેઈન ઉપડી ગયા પછી જગદીશભાઈ બોલ્યા.

"હું તો માસીનાં થેપલાંનો જ આનંદ માણવા માગું છું એટલે તો બટેટાની ગરમ સૂકી ભાજી હું લઈ આવ્યો છું. ચાર સેન્ડવીચ પણ છે. સિદ્ધાર્થભાઈ ભલે ગરમ જમતા. બાકીના સૌ પોતપોતાની પસંદગી આપી શકે છે " કેતન બોલ્યો.

રેવતી જાનકી અને શિવાનીએ પણ સવારનો વધેલો નાસ્તો જ જમવાનું પસંદ કર્યું. કારણ કે ઘણાં બધાં થેપલાં સુખડી અને પૂરીઓ હજી વધી હતી. સાથે ગરમાગરમ સૂકી ભાજી અને સેન્ડવીચ પણ કેતન લઈ આવ્યો હતો.

એ પછી થોડી વારમાં જ પેન્ટ્રી કારમાંથી વેઈટર જમવાનો ઓર્ડર લેવા આવ્યો અને કેતને મમ્મી પપ્પા અને ભાઈ માટે ગરમ ભોજન મંગાવ્યું.

નડિયાદ ગયું પછી ગરમ જમવાનું પણ આવી ગયું અને જાનકીએ ફરી પાછા નાસ્તાના ડબ્બા પણ ખોલી દીધા !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)