અમે બેંક વાળા - 31 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 31

*ધ સિનિયર મેનેજર* આશરે 2006 થી 2008 વચ્ચેનો સમય હતો. અમુક સમય એવો ગયો કે જ્યારે પ્રોફેશનલ ટેક્સ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવતો. દર મહિને તેમને પગાર થાય એટલે કર્મચારીઓની વિગત અને ટેકસ કાપ્યાનું ચલણ મોકલી આપવાનું. ત્યાર પછી ફરી પાછો પ્રોફેશનલ ટેક્સ, સેલટેક્સ ડિપાર્ટમેન્ટ જે સાથે સંકળાયેલો હતો તેમાં ફરીથી જતો રહ્યો.
અમુક સમયનો ટેકસ મ્યુનિસિપાલિટી કહે હું માંગુ અને એ જ સમયનો પેલું સરકારી ખાતું માગે. અમારે ચલણ બતાવી ખાતરી કરાવવાની કે કોઈને તો ટેકસ ગયો છે અને તેણે જ લેવાનો હતો.
હવે બે ડિપાર્ટમેન્ટ એક જ ટેક્સ લે અને તેમાં પહેલાનો ટેક્સ આવ્યો અને બીજામાં ભરાયો તેનું reconcilliation એટલે કે તેનો મેળ પાડવાનું અઘરું હતું એટલે એક બાજુથી વેચાણવેરા ખાતું નોટિસ મોકલે કે તમારો અમુક મહિનાનો ટેક્સ આવ્યો નથી તો બીજી બાજુ મ્યુનિસિપલ કોર્પોરેશન કહે કે તમે ક્યારે ભર્યો તે જણાવો. એમાં એક રમુજી ઘટના બની.
હું એ વખતે બેંકની ન્યુક્લોથ માર્કેટ બ્રાન્ચમાં સિનિયર મેનેજર એટલે કે મેનેજર પછીની વ્યક્તિ હતો. એ ચીફ મેનેજર અને અમુક સમયે agm બ્રાન્ચ હતી. તે વખતે સિનિયર મેનેજર બેન્કિંગ હોલ ની વચ્ચે બેસી આખો દિવસ કામ કરે એટલે સવારે 9:45 થી કેટલીક વાર રાતના સાડા દસ જેવું બેંકમાંથી નીકળતા થઈ જાય. તે વખતે સવારે 10 થી રાત્રે 8 ની બ્રાન્ચ હતી. એમાં પણ બીજા લોકો કરતા મેં થોડું વધારે કામ હાથે કરીને માથે લઈ લીધેલું એટલે હસતાં હસતાં , જોક્સ કરતાં કામ કરે રાખવાનું. લોકો સાથે કોઈપણ કેડરનો ઊંચનીચ નો ભેદભાવ રાખ્યા વગર જોબ કર્યે રાખવાની અને કામ કઢાવ્યે રાખવાનું.
આ સંજોગોમાં એક દિવસ એવું થયું કે ચીફ મેનેજર કોઈ ટ્રેનિંગ કે બજેટ મીટીંગ કે એવામાં ગયેલા. મને પ્રોફેશનલ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક બાજુ બેંકના ઇન્ચાર્જ તરીકે હાજર થવાનું કહેવામાં આવ્યું. બીજી બાજુ એ જ દિવસે મ્યુનિસિપાલટીવાળાઓ એ પણ એ જ દિવસે તારીખ આપી કે હાજર થાઓ. હું કંઈ સર્વવ્યાપી ભગવાન થોડો હતો કે એક જ દિવસે બે જગ્યાએ જઉં !
પાછા ચીફ મેનેજર બ્રાન્ચ માં નહીં. બ્રાંચ છોડાય એમ ન હતું.
શું કરવું તે મેં મારી રીતે વિચારી લીધું. એ સરકારી ખાતાને તો આગલે દિવસે જઈ, એપોઇન્ટમેન્ટ લઈ જ્યાં સુધીના અમે પૈસા ભરેલા તેના ચલણો વગેરે બતાવી reconcilliation કરતો આવ્યો પણ બીજે દિવસે સાંજે ચાર વાગે મ્યુનિસિપાલટીમાં જ્યારે હું એકદમ બિઝી, બ્રાન્ચના ચાર્જમાં હોઉં ત્યારે જવું શક્ય ન હતું .

મેં આમતેમ વિચાર કર્યો અને તુક્કો લડાવ્યો.
અમારે બેંકમાં એક પિયુન એકદમ ઊંચો, શરીરે થોડો ભરાવદાર હતો અને વ્યવસ્થિત ડ્રેસ પહેરતો. મોટેભાગે બીજાઓ પહેરે કે ન પહેરે, તે ડ્યુટી પર પટાવાળાઓ માટેના સફેદ યુનિફોર્મ માં હોય અને તે પછી પોતાનો ચેકસ વાળો શર્ટ અને કાળી કે સફેદ પેન્ટ વ્યવસ્થિત ઇન કરીને ઘેર જાય. મૂછો પણ ટીમ કરેલી. એને થોડા થોડા અંગ્રેજી શબ્દો પણ આવડે જેવા કે 'યસ સર', 'વીલ બી ડન' વગેરે.
મેં એને ખૂણામાં બોલાવ્યો.
" શું સાહેબ, ચા કહેવી છે?" એણે પૂછ્યું.
મેં કહ્યું , " તું એક કામ કરીશ? તારે સિનિયર મેનેજર બની મ્યુનિ. કોઠા જવાનું છે. તારા ઘરના રસ્તે છે.
કાલે તું કેશ મૂકી દે પછી એક કામ કરવાનું છે. તું આ બધા કાગળ લઈ મ્યુનિસિપાલટી જા. જે વખતનો ટેક્સ આપણે ભર્યો છે તે એને બતાવી દે, ચલણ પર સહી લઈ પાછો આવ."
" પણ સાહેબ, એમણે તો મેનેજર પોતે આવે એમ કહ્યું છે." પટાવાળાએ વ્યાજબી વાત કરી.
"કંઈ વાંધો નહીં. તું બની જા સિનિયર મેનેજર અંજારીયા. ત્યાં તારે હું અંજારીયા સાહેબ છું એમ કહેવાનું. બસ, ટેકસ ના બધા તું ને ... ફાઈલ કરો છો તે કાગળ બતાવવાના. "
"પકડી લેશે ને આઈડી માગશે તો?" તેણે કહ્યું.
"દેખા જાયેગા. એ લોકો એપોઇન્ટમેન્ટ આગળ પાછળ કરવા તૈયાર નથી, મેનેજર છે નહીં , અહીં કોઈને બ્રાન્ચ સોંપાય એમ નથી તો આપણે શું કરી શકીએ? હું બેંક છોડી શકું એમ નથી તો ચાલ, બની જા એક કલાક સિનિયર મેનેજર." મેં કહ્યું.
સાંજના બરાબર ચાર વાગ્યા. કેશ મુકવાનો ટાઈમ તો તે વખતે રાત્રે 8:00 વાગે હતો પણ પહેલો બેચ કેશ ટેલી કરી દે એટલે 4:00 વાગે મુકાઈ ગયો. એ પિયુન પોતે જ કેશ પીયુન હતો. બસ કેશ મૂકી તિજોરીને તાળું માર્યું અને એ તો સફેદ શર્ટ ઉતારી મૂળ ચેકસ વાળો શર્ટ પહેરી તૈયાર. ટ્રીમ કરેલી મૂછ અરીસામાં જોઈ ઓળી લીધી. મેં પ્રોફેશનલ ટેક્સ ની ફાઈલો અને ચલણો તેના હાથમાં મૂક્યા અને ઓલ ધ બેસ્ટ કહ્યું.
તે પોતાનું બજાજ મોટર બાઈક ચાલુ કરીને ગયો. ઉલટું મારી પાસેનું બજાજ સ્કૂટર દસેક વર્ષ જૂનું, પાછું હોય તેના કરતાં જૂનું દેખાતું હતું.
કપડાં ના દેખાવમાં પણ ક્યારેક મારે શર્ટ પાછળથી ઈન નીકળી ગયું હોય એમ બને. હું પાતળો હોઈ એટલીસ્ટ દેખાવમાં એની પર્સનાલિટી હતી એમ મને લાગેલું.
તે ગયો. પકડાઈએ તો મુશ્કેલી થાય પણ તેને મ્યુનિ. માં અમુક લોકો ઓળખતા હતા. તે સીધો પ્રોફેશનલ ટેક્સ સંભાળતા ડિપાર્ટમેન્ટમાં ગયો. પહેલાં ત્યાં ના ઓફિસરે કે કલાર્કે ટેકસ ભર્યો હોય તેનાં ચલણો જોયાં . 'આ બે મહિનાના ટેક્સ તમે કેમ નથી ભર્યો?' તેમ પૂછયું. પેલા ' સિનિયર મેનેજર ' એ કહ્યું "આ તો સેલ્સ ટેકસ ઓફિસમાં અમે ભરી જ દીધો છે. લો એનું પણ આ ચલણ બતાવું."
"એ તો મ્યુનિસિપાલટીએ લેવાનો હતો. તેમની પાસેથી પાછો લઈ અમને આપો, તમારો બાકી ગણી નોટિસ આપીએ. અમુક સમયમાં ભરો નહીં તો પેનલ્ટી થશે." ત્યાંના અધિકારી કે ક્લાર્કએ કહ્યું.
" ના સર, ઇફેક્ટિવ ડેટ બે મહિના પહેલાની જ છે. વ્હોટ વી હેવ ડન ઇઝ કરેક્ટ. આપ સહી કરી દો કે તમારું કામ પૂરું. સેલ્સ ટેકસ ઓફિસમાં આકારણી ગઈકાલે થઈ ચૂકી છે અને જે તે મહિનાનો ટેક્સ મળ્યા નું તેમણે મને કાગળ પણ આપ્યું છે." કહી તેણે મિસ્ટર અંજારિયા સિનિયર મેનેજર બેન્ક ઓફ બરોડાને કાગળ આપેલો તે રજુ પણ કરી દીધો. સારું થયું, ત્યાં તેમણે સહી લીધી નહીં. ખાલી ગોળ સિક્કો તો આપી રાખેલો પણ જરૂર પડી નહીં.
ફાઈલ ખોલી આગળ પાછળ કાગળો ઉથલાવી મ્યુનિ. વાળાએ બધું જોયું. ફાઈલ કરનારને કયું કાગળ ક્યાં હશે તે મારા કરતાં પણ જલ્દી મળ્યું.
ત્યાંના સાહેબને સંતોષ થયો.
તેમણે કહ્યું "ઓકે સર. યુ કેન ગો ."
પેલાએ "થેંક્યુ. હેવ એ ગુડ ડે." કહી રોફથી અધિકારીની જેમ હાથ મિલાવી ફાઈલો બેગમાં ભરી અને વટથી બહાર નીકળ્યો.
હંમેશા નાટકનું પાત્ર મૂળ પાત્ર કરતા પોતાનો રોલ વધારે સારી રીતે ભજવી શકે છે. અહીં પણ એમ જ થયું.
હું પોતે વ્યવસ્થિત ડ્રેસ પહેરનારો ખરો પણ આમ તેમ દોડાદોડીમાં ક્યારેક પાછળથી શર્ટ ઊંચો થઈ ગયો હોય, ચોળાઈ ગયુ હોય એમ પણ બને. આમ પણ મારું શરીર લાંબુ અને પાતળું. એવી પર્સનાલિટી જે ઊંચા અને ભરેલા શરીરની પડે તેવી મારી ન પડે. એટલે મૂળ પાત્ર કરતાં નાટકનાં પાત્રએ રોલ સારો ભજવ્યો.
તો સાંજના આશરે
6:30 વાગ્યા હશે. બેંકની બહાર ઢુર.. અવાજ સાથે બાઈક પાર્ક થયું અને ડમી સિનિયર મેનેજર અંજારીયા સાચા સિનિયર મેનેજર અંજારીયા સામે બેસી ફાઈલ મૂકી કહે "સક્સેસ સર."
"લે ચાલ, ચા સાથે નાસ્તો કરીએ. જા, ચા અને ભજિયાં કહેતો આવ." મેં કહ્યું.
" અરે સાહેબ કહેતો જ આવ્યો છું. લ્યો, આ ડેકીમાં રાયપુરનાં ગરમાગરમ ભજીયાં છે." તેણે સાંજના તે દિવસે લેટ સીટીંગમાં ડ્યુટી હોય તેવા એક બે ક્લાર્ક, ઓફિસરને પણ બોલાવ્યા. ભજીયાની જ્યાફત ઉડી. પૈસા તો સાચા સિનિયર મેનેજર જ આપે ને! તેઓ બ્રાન્ચના ચાર્જમાં હતા. અને ડમી સિનીયર મેનેજર "ચાલો સાહેબ, રજા લઉં." કહી બાઈક ચાલુ કરી ઘેર જવા રવાના થયો.
હા સાંજે 8:00 વાગે કેશ મુકવા ડેઇલી વેજ કે એક એલાઉન્સ લેતો દફતરી રહેતો.
તો કોઈ માને કે આવું સાચે થયેલું? પણ હા થયેલું.
એ પિયુન નું નામ લખી શકતો નથી.
એ સિનિયર મેનેજર તો આ લખી રહ્યો છે.
આવા હતા એ દિવસો! દસથી આઠની નોકરી અને તેમાં ટેન્શન વચ્ચે આવાં ગતકડાં પણ કરવાં પડે.