આઇલેન્ડ - 47 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

આઇલેન્ડ - 47

પ્રકરણ-૪૭.

પ્રવીણ પીઠડીયા.

કમરો શાનદાર હતો. અને કેમ ન હોય, વેટલેન્ડનો સૌથી ધનિક અને સૌથી પાવરફૂલ આદમી તેમા રહેતો હતો. શ્રેયાંશ જાગીરદાર એ નામ જ કાફી હતું તેની ઓળખાણ માટે. પાછલાં ઘણા વર્ષોથી… એમ સમજોને કે વેટલેન્ડની ઉત્પત્તીથી જાગીરદાર કુટુંબ વેટલેન્ડમાં એકહથ્થું સાશન ભોગવતું હતું એવું કહેવામાં કોઈ અતી-શયોક્તિ નહોતી. કાયદેસર રીતે તે એક એમએલએ હતો પરંતુ સત્તા કોઈ મહારાજા જેટલી ભોગવતો હતો. લોક વાયકાઓ તો એવી પણ વહેતી હતી કે તેના પૂર્વજોએ જ વેટલેન્ડની નિંવ રાખી હતી. મતલબ કે એક વખતનાં નિર્જન ટાપૂને વેટલેન્ડ જેવા અફલાતૂન, બહેતરીન નગરમાં તબદિલ કરવામાં જાગીરદાર કુટુંબનો સિંહ ફાળો હતો. આવું તો ઘણું મેં સાંભળ્યું હતું પરંતુ એ બધું અત્યારે કોઈ મહત્વ ધરાવતું નહોતું અને મને તેની પરવા પણ નહોતી કારણ કે હું સ્તબ્ધ હતો. અને કેમ ન હોઉં… મને લાગ્યું જાણે હું કોઈ સેવનસ્ટાર હોટેલનાં સૌથી બહેતરીન સ્યૂટમાં આવી પહોચ્યો છું. ’વાહ…’ બસ એટલા જ શબ્દો નિકળ્યાં મારા ગળામાંથી.

“અરે ત્યાં શું ઉભો છે. અહી આવ…” એકાએક માનસાનાં અવાજે મને વાસ્તવિક દૂનીયામાં લાવી દીધો નહીતર હું આ ભવ્ય મહેલ જેવા શાનદાર કમરાને જોવામાં જ ખોવાઈ ગયો હતો. એ એક વિશાળ ટેબલ પાસે ઉભી હતી. મારા પગ આપોઆપ એ તરફ ચાલ્યાં.

આ સમય, આ ઘડી, અને હું જે જોવાનો હતો એ દ્રશ્ય મારું સમગ્ર જીવન બદલી નાખવાનાં હતા. ફક્ત મારું જ નહી પરંતુ… વેટલેન્ડનું નસીબ પણ પલટાઈ જવાનું હતું.

---------

ઘેરા લાલ, કાળા રંગનાં અજીબ મિશ્રણનું, ઓરીજનલ સિસમનાં લાકડામાંથી એ ટેબલ બનેલું હતું. તેની મજબૂતાઈનો ફક્ત એક નજરે જોવાથી જ ખ્યાલ આવતો હતો. તેની લંબાઈ અંદાજે આઠેક ફૂટ અને પહોળાઈ ચાર ફૂટ જેટલી હશે. મારું ધ્યાન સૌ પહેલા એ ટેબલ તરફ ખેંચાયું હતું અને પછી મેં તેની ઉપર ગોઠવાયેલી ચીજોને જોઈ હતી. દુનિયાભરમાંથી એકઠી કરેલી એન્ટિક ચીજોનો ટેબલ ઉપર જાણે શંભુ-મેળો રચાયેલો હતો. મને તેમા કોઈ રસ નહોતો. મારી નજરો એક જ વસ્તુને ખોજી રહી હતી.

“ક્યાં છે એ…” મેં અધીરાયભેર માનસાને પૂછયું. મારી જેમ માનસા પણ ટેબલ ઉપર નજર ફેરવી રહી હતી. અચાનક તેની આંખોમાં ચમક ઉભરી. હાથ લંબાવીને તેણે એ ટૂકડાને ઉંચકયો અને મારી સમક્ષ ધર્યો. બિલકુલ મારી પાસે હતો એવો જ એ ટૂકડો હતો. મારા જીગરમાં એકાએક ઉત્સાહ છલકાયો અને હાથ લંબાવીને એ ટૂકડાને મેં તપાસ્યો. હવે એક જેવા બે ટૂકડા મારી પાસે હતા. એક મારા ઘરે અને એક માનસાનાં ઘરે. એવું કેમ બને…? પહેલી વખત એ ટૂકડો મને જીવણાનાં સ્ટ્રેચર પરથી મળ્યો ત્યારે મને એ કોઈ વજનદાર ધાતુંનો બનેલો માલૂમ પડયો હતો પરંતુ એવું નહોતું. એ સિસમનાં લાકડાનો, ખાસ રીતે ’કોરી’ને બનાવ્યો હોય એવો પથ્થર જેટલો મજબૂત ટૂકડો હતો. “હું આ લઈ જાઉં…?” મેં માનસાને પૂંછયું

“ડેડી મને મારી નાંખશે.”

“તું આટલું નહી કરી શકે…?”

“નહી, એ શક્ય નથી.” માનસા સાફ નામૂકર ગઈ. હું વિચારમાં પડયો. “તું અહી જ કેમ નથી જોઈ લેતો..? આખરે છે શું આ અજીબ દેડકા જેવા લાકડાનાં ટૂકડામાં..?” તેણે પૂંછયું. હવે હું એને કેમ સમજાવું કે આવો જ એક ટૂકડો મને મૃત પડેલા જીવણા પાસેથી મળ્યો હતો જે મારા ઘરનાં ટેબલ પર તેણે પણ જોયો હતો.

“મારે પણ એજ જાણવું છે.” હું ત્યાંજ એક ભવ્ય ચેર પર બેસી પડયો અને એ ટૂકડાને નિરખવા લાગ્યો. એ કોઈ ’રગ્બી’ મેચનાં બોલની નાની પ્રતિકૃતી સમાન હતો. ગોળ અને અકબંધ. માનસા મારી સામેની ચેરમાં ગોઠવાઈ. તેની આંખોમાં પણ જબરી ઉત્સૂકતાં ચમકતી હતી. લગભગ પંદરેક મિનિટ એ ટૂકડાને બરાબરનો ઉલટાવી સૂલટાવીને મેં નિરખ્યો. એ બસ… એક વિચિત્ર પ્રકારનો ટૂકડો જ હતો. એ સિવાય કશું જ નહી. આખરે થાકીને મેં તેને સામે પડેલી ટીપોઈ ઉપર મૂકી દીધો અને કંટાળીને ચેરને ટેકો દઈને બેઠો. મારી નજરો પેલા ટેબલ ભણી ખેંચાઈ હતી અને પછી દિવાલે લટકતા ચિત્ર તરફ.

“એ પેઈન્ટિંગ કોનું છે…?” એમ જ, કંટાળો દૂર કરવા માનસાને મેં પૂંછયું.

“મારાં દાદા, કે એના પણ દાદાનું હશે. મને ચોક્કસ ખ્યાલ નથી.” તેણે ખભા ઉલાળતા જવાબ આપ્યો. મને એકાએક એ ચિત્રમાં દિલચસ્પી જાગી અને ઉભા થઈને એ ચિત્ર પાસે પહોંચ્યો. લગભગ અડધા ટેબલને આવરતું એ ભવ્ય ચિત્ર હતું. તેની ફ્રેમ જાડી અને મજબૂત જણાતી હતી. જાણે કોઈ નાનો ’કપબોર્ડ’ જોઈ લો. મને એ વાતનું આશ્વર્ય ઉભર્યું. હાથ લંબાવીને  એ ચિત્રની કિનારીઓ હું ફંફોસવા લાગ્યો અને…

“માયગોડ…” એકાએક મારો શ્વાસ અધ્ધર થઈને મારાં જ ગળામાં સલવાઈ ગયો. એ… એ… ચિત્ર એક બાજુથી ખૂલે એવું હતું. મતલબ કે… ઓહગોડ, મને એ સમજતા થોડી ક્ષણો થઈ પરંતુ સમજાયું ત્યારે મારાં ઉત્સાહનો કોઈ પાર રહ્યો નહી. એ ચિત્રનાં એક તરફનાં ભાગે નાનકડી ’કળ’ હતી જેને દબાવવાથી તે કોઈ બારીની જેમ ખૂલી જતું હતું. મેં એ કળ દબાવી. ’ખટ્ટ…’ કરતો અવાજ આવ્યો અને એકદમ ખામોશીથી તેનો આગળનો ભાગ એકતરફ ખૂલી ગયો. એ દરમ્યાન માનસા મારી નજીક દોડી આવી હતી અને તેની આંખોમાં પણ ભયંકર આશ્વર્ય છવાયું હતું.

“રોની…!” તે બસ એટલું જ બોલી શકી. મેં હળવેકથી દરવાજો ખોલ્યો. મારી તાજ્જૂબી વચ્ચે તેની પાછળ, દિવાલમાં એક નાકકડી તિજોરી જડેલી હતી. એ તિજોરીનાં બારણે લાલ લાઈટ ઝબકતી હતી અને એ ઉપરાંત તેમાં એક થી દસ આંકડા લખેલા બટન હતા. મતલબ કે કોઈને ખ્યાલ ન આવે એ રીતે આ નાનકડી તિજોરીને પેલા ચિત્રની પાછળ ખૂફિયા રીતે સંતાડીને બનાવાય હતી. મારું અનુમાન કહેતું હતું કે પેલા લાકડાનાં ગોળ ટૂકડાનું રહસ્ય ચોક્કસ આ તિજોરીમાં હોવું જોઈએ. “તું એ ખોલવાનું વિચારે છે…?” સહસા માનસાએ પ્રશ્ન ઉછાળ્યો.

મેં ફક્ત તેની સામું જોયું. એ સમજી ગઈ. મારી જેટલી ઉત્સુકતા તેના જહેનમાં પણ ઉછળતી હતી. ઘડીભર માટે તે ભૂલી ગઈ હતી કે તે તેના ડેડીનાં કમરામાં ચોરી-છૂપીથી એક અજાણ્યાં વ્યક્તિને લઈ આવી છે અને જો તેના ડેડીને ખબર પડી કે માનસાએ તેમની ખાનગી ચિજોને હાથ લગાવ્યો છે તો શું વલે થશે.

“તને આનો કોડ નંબર ખબર છે…?” એ પ્રશ્ન બેવકૂફી ભર્યો હતો. ભલા માનસાને એની ક્યાંથી ખબર હોય.

“ડોન્ટ નો.” તેણે ખભા ઉલાળ્યાં.

કોડ નંબર આગળ કામ ચાલે એમ નહોતું. અમે બન્ને એક-બીજાનો મોં જોતા એમ જ ઉભા રહ્યાં.

--------------

એ નંબર મળ્યો, સાવ અન-અપેક્ષિત અને આશ્વર્યજનક રીતે. માનસા જાણતી હતી કે તેના ડેડી તેને અનહદ ચાહે છે. એટલે સાવ રમત કરતી હોય એમ તેણે તેની બર્થ ડેટ એ ડિવાઈસમાં ડાયલ કરી અને… અમને બન્નેને આશ્વર્યનો ઝટકો લાગ્યો. તિજોરીની રેડ લાઈટ ગ્રિન લાઈટમાં તબદિલ થઈ અને એક હળવા અવાજ સાથે તિજોરી ખૂલી ગઈ.

“ઓહ… વાઉ…” માનસા ઉછળી પડી અને તિજોરીમાં હતી એ તમામ વસ્તુઓ બહાર કાઢી ટેબલ ઉપર પાથરી દીધી. મને અચરજ થયું. એક એવી તિજોરી કે જેને અત્યંત ભેદી રીતે બનાવીને ચિત્ર પાછળ દિવાલમાં સંતાડી રાખવામાં આવી હોય તેમાં માત્ર થોડા જૂનવાણી કાગળો, એક નાનકડુ અમથું પૂસ્તક અને જાડા પાનાનું નકશા જેવું જ કશુંક હતું એ વિસ્મયકારક બાબત હતી. મને એમ કે તિજોરીમાં અત્યંત કિંમતી હિરા, જવેરાત કે એવું કંઈક હશે. પણ ખેર… અમારે ઉતાવળ કરવી પડે એમ હતી એટલે મેં એ તમામ કાગળો તથા નકશાનાં ફોટા મારાં મોબાઈલમાં પાડીને તેને ફરીથી પાછા તિજોરીમાં મૂકી દીધા અને તિજોરી બંધ કરી, જે ચિત્રની પાછળ તેને સંતાડીવામાં આવી હતી એ ચિત્ર, એટલે કે માનસાનાં દાદા કે વડ દાદાનાં ચિત્રનો ફોટો ખેંચી અમે ઝડપથી માનસાનાં કમરામાં પાછા ફર્યાં. એટલું કરવામાં પણ અમારા બન્નેનાં શ્વાસ ફૂલી ગયા હતા. જોકે સાવ અનાયાસે જાણે અમને જેકપોટ લાગ્યો હોય એવો આનંદ થતો હતો. પેલો લાકડાનો ટૂકડો પણ તેની જગ્યાએ યથાવત ગોઠવી દીધો હતો.

એ પછીની ઘટનાઓ બહું ઝડપથી ઘટી હતી. મેં અને માનસાએ એ ફોટાનું વિશ્લેષણ કરવું શરૂ કર્યું હતું અને તેમાથી જે તારણ નિકળતું હતું એ દિલ ધડકાવનારું હતું.

(ક્રમશઃ)