પ્રકરણ-૪૮.
પ્રવીણ પીઠડીયા.
નકશો કઈ જગ્યાનો હતો એ સમજાતું નહોતું. ઘણું મગજ કસ્યું પરંતુ જરી-પૂરાણા એ નકશાનો કોઈ ’ક્લ્યૂ’ જડયો નહી એટલે તેને બાજુમાં મૂકી ફોનમાંના બીજા ફોટો પર ફોકસ કર્યું. તિજોરીમાં છૂટા કાગળોમાં કોઈનો વંશવેલો ચિતર્યો હતો. મતલબ કે કોઈ એક કુટુંબનાં નામો ક્રમ પ્રમાણે લખ્યાં હતા. એ થોડું અજૂગતું હતું. એ સિવાય એક પૂસ્તક હતું. મને તેમા રસ પડયો. એ પૂસ્તક જીવણાનાં ઘરેથી જે પૂસ્તક મળ્યું તેની કાર્બન કોપી હોય એવું પહેલી નજરે જ સ્પષ્ટ જણાઈ આવતું હતું. મેં તેના અંદરનાં પાનાનાં ફોટા પણ પાડયાં હતા. એકાએક હું ચમકયો. મતલબ કે એક પૂસ્તકની બે કોપીઓ હતી. એક જીવણા પાસે અને એક માનસાનાં ડેડી પાસે. પણ એ કેમ શક્ય બને..? ક્યાં જીવણો અને ક્યાં શ્રેયાંશ જાગીરદાર…! મારું માથું ઠનક્યું. બધું જ રહસ્યમય રીતે આપસમાં ગુંચવાઈ રહ્યું હતું. હું આવ્યો હતો પેલા લાકડાનાં ટૂકડાને જોવા પરંતુ અહી તો એથી પણ વધારે મળ્યું હતું જે જીવણાને જાગીરદાર સાથે સાંકળતું હતું. એ તાળો મેળવવો જરૂરી હતો અને તો જ આગળ કંઇ સમજાય એવું હતું. હું અને માનસા એકબીજાની સામું જોઈ રહ્યાં. અમારા બન્નેનાં હદય જોરથી ધડકતાં હતા.
“કંઈ સમજાય છે તને…?” માનસાએ પૂંછયું. તે ક્યારની મારી બાજુમાં બેસીને હું શું કરું છું એ નિહારી રહી હતી. તેને આ બાબતમાં મારી જેટલો જ ઉત્સાહ વર્તાતો હતો. તેની આંખોમાં કોઈ નાના બાળક જેવું કુતુહલ આવીને સમાયું હતું. “આ નામાવલી…!” તેની આંખો ઝિણી થઈ જાણે કંઈક યાદ કરતી હોય. “ઓહ, અરે આ તો મારા કુટુંબની યાદી છે. પણ ડેડીએ તેને તિજોરીમાં સાચવીને શું કામ મૂકી હશે…?” એકાએક તેણે ધડાકો કર્યો. હું ચમકી ઉઠયો.
“શું કહ્યું તેં, આ તારા પરીવારનાં વડવાઓનાં નામ છે..? પણ તારા ડેડીનું નામ એમાં કેમ નથી..?”
“બહું સિમ્પલ છે યાર, કારણ કે આ નામાવલી તેમનાં પહેલા કોઈકે બનાવી હશે. મારા ડેડીનો જન્મ એ સમયે નહી થયો હોય. તું એ કાગળનાં હાલ પરથી એટલું નથી સમજી શકતો..?” તે બોલી ઉઠી. તેની વાત સાચી હતી. મને એ સમજાવું જોઈતું હતું. પણ આવી નામાવલી તૈયાર કરવાની અને તેને તિજોરીમાં રાખવાની શું જરૂર હતી…? હું પૂસ્તકમાં અટવાયો હતો અને માનસાએ નામાવલીનું રહસ્ય સૂલજાવી નાખ્યું હતું. ફોનમાં ફરીથી એ ફોટાઓ સ્ક્રોલ થયા અને હું એ નામ વાંચવા લાગ્યો.
“નહી યાર, આ તારું કુટુંબ કેવી રીતે હોઈ શકે..? તું જરા ધ્યાનથી નામ તો વાંચ.” તેમા લખેલા નામોએ મને આશ્ચર્ય પમાડયું હતું. ખરેખર તો પહેલી વખતે જ મને એ સમજાવું જોઈતું હતુ પરંતુ હું એટલો ગુંચવાયેલો હતો કે એ મારા ધ્યાન બહાર રહી ગયું હતું.
“જેક વિલિયમ્સ, જ્યોર્જ વિલિયમ્સ, એલેકઝેન્ડર વિલિયમ્સ, ઓલીવર વિલિયમ્સ, ડેનીયલ વિલિયમ્સ, બેન્જામિન વિલિયમ્સ….” એક શ્વાસે માનસા નામો વાંચી ગઈ. તેની આંખોમાં દુનિયાભરનું વિસ્મય ઉમડયું હતું. “યુ આર રાઈટ રોની. પણ… એક મિનિટ.” તે કઈક વિચારોમાં ખોવાઈ. “હું નાની હતી ત્યારે ડેડીએ જ આ નામો મને કહ્યાં હતા. ત્યારે મને આ બાબતે કોઈ વિસ્મય થયું નહોતું કારણ કે એ સમયે મારી સમજણ હોય પણ કેટલી…? આઈ એમ ડેમ્ડ શ્યોર કે આ અમારાં કુટુંબની જ નામાવલી છે કારણ કે ડેડી જાણી જોઈને મને ખોટું તો કહે નહી ને…!”
“આ બાબતે તારે તારા ડેડીને પૂંછવું જોઈએ એવું તને નથી લાગતું…?”
“શું કહું તેમને.. કે તમારી તિજોરી મેં ઊઘાડી હતી એમ…? તને પહેલા જ કહ્યું હતું કે એ બાબતે ડેડી એકદમ સખત વર્તે છે.”
“પરંતુ જો આ તારા વડવાઓનાં નામો હોય તો એ તારે જાણવું પડશે જ. અથવા બની શકે કે તારા ડેડીને તને જુઠ્ઠું કહ્યું હોય.” મેં દલીલ કરી. માનસાને સમજાયું નહી કે તે શું બોલે એટલે ખામોશ રહી. તેનું દિમાગ ફાટતું હતું. શું તેમના વડવાઓ અંગ્રેજ હતા…? તો પછી તેઓ ભારતીય કેમ છે…? નહિં… ક્યાંક તો બહુ મોટી ગરબડ હતી. એ વખતે જ તેણે એ ગરબડ જાણી લેવાનું મન બનાવી લીધું. પછી ભલેને ડેડીનો ખૌફ વહોરવો પડે. “મારું માનવું છે કે ડેડીનો ડર રાખ્યાં વગર તેમને સીધું જ પૂંછી લેવું જોઈએ. આપણી રીતે તપાસ કરવામાં ખબર નહી કેટલો સમય લાગે.” મેં તેને સીધી સલાહ આપી. તે વિચારમાં પડી.
“ઓકે, એજ બહેતર રહેશે.” તે બોલી તો ખરી પરંતુ તેનો અવાજ બોદો હતો. એ સમજાય એવી વાત હતી. તેના ડેડીને પૂંછતા તે ડરે એ સ્વાભાવિક હતું. તેણે એક ઉંડો શ્વાસ લીધો. “તું એક કામ કર, આ બધાની કોપીઓ કઢાવી લે જેથી મોબાઈલની જરૂર ન રહે. એક કોપી મને પણ આપજે. યોગ્ય મોકો જોઈને હું ડેડીનાં કાને આ વાત નાંખીશ. ખાસ કરીને તેમનો મૂડ સારો હોય ત્યારે.”
“એ સારું રહેશે.” હું બોલ્યો. હવે મારે અહી કોઈ કામ નહોતું. માનસાનું સાનિધ્ય તો ગમે એવું હતું પરંતુ વધું રોકાવું પણ યોગ્ય નહોતું એટલે હું ત્યાંથી નિકળી ગયો. ત્યારે મને ખબર નહોતી કે એ સાંજે જ માનસા તેના ડેડી સમક્ષ આ વાત ઉખેળશે અને ઈતીહાસની પરતો પાછળ ઘેરાયેલું એક ભયાનક રહસ્ય ઉજાગર થશે. એ રહસ્ય આઈલેન્ડની ઉત્પત્તિ અને ઉદય સાથે જોડાયેલું હતું.
--------------
શ્રેયાંશ જાગીરદાર સન્નાટામાં આવી ગયો. તેની નજરો સમક્ષ એકાએક અંધારું છવાયું હોય એવું લાગ્યું. રાતનું ભોજન લઈને હમણાં જ તે તેના બેડરૂમમાં આવ્યો હતો અને તેની પાછળ માનસા પણ આવી હતી. તેના હાથમાં કશાક કાગળીયા હતા જે તેણે તેની સમક્ષ ધર્યા હતા અને ખામોશ નજરે તેને તાકી રહી હતી. માનસાનાં ચહેરા પર હજ્જારો સવાલો રમતાં હતા જેણે શ્રેયાંશ જાગીરદારને ખળભળાવી મૂક્યો હતો.
“ડેડી, આપણાં વડવાઓ અંગ્રેજ હતા…?” તેણે સીધો જ સવાલ કર્યો. શ્રેયાંશ જાગીરદાર ખચકાયો અને ધફ્ફ દઈને બેડ પર પાથરેલા મુલાયમ ગાદલા પર બેસી પડયો.
“આ ક્યાંથી મળ્યું તને, તું મારા કમરામાં આવી હતી…?” નજરો ઉંચી કરીને તેણે માનસા સામું જોયું. એ નજરોમાં એકાએક વિચિત્ર ભાવો ઉમડયા હતા. એ જોઈને માનસાનું હદય એક ધબકારો ચૂકી ગયું. જાગીરદારે એ નોંધ્યું હોય એવું લાગ્યું અને એકાએક તે ઢિલો પડી ગયો. “અચ્છા.. ઓકે.. તેમા ડરવાની જરૂર નથી. વહેલા મોડા ક્યારેક તો મારે એ વિશે તને જણાવવાનું જ હતું. ડેની ઉપર મને સહેજે ભરોસો નથી એટલે મારાં પછી તમામ વહીવટ તને જ સોંપવાનું મન બનાવ્યું હતું પરંતુ હવે તું જાણી જ ગઈ છો તો સાંભળ…”
અને… તેણે એક કહાની કહેવી શરૂ કરી. એ કહાની હતી પરાજય પામેલા વિજયગઢ રાજ્યની. તેના ખજાનાની અને વેટલેન્ડનાં સર્જનની. માનસા ધડકતા હદયે, ફાટી નજરોએ એ કહાની સાંભળી રહી.
------------
“તારા વડદાદાનું નામ હતું ઓલીવર વિલિયમ્સ. આ કહાની તેમણે જ શરૂ કરી હતી. એક ખતરનાક ખેલ તેમણે ખેલ્યો હતો જેના કારણે આ આઈલેન્ડ અસ્તિત્વમાં આવ્યો હતો.” ભારેખમ નિસાસો નાંખતા શ્રેયાંશ જાગીરદારે વાતની શરૂઆત કરી. માનસાએ ત્યાં મૂકાયેલી વજનદાર ચેરને ડેડીનાં પલંગ નજીક ખસેડી અને ઉચક જીવે તેના પર બેઠક લીધી. તેના જહેનમાં કંઈક અજૂગતું સાંભળવાની જીજ્ઞાષા ભયાનક રીતે ઉછાળા મારતી હતી.
“ઘણાં લાંબા સમય પહેલાની વાત છે. એમ સમજને કે 1857 નો વિપ્લવ થયો અને ત્યારબાદ હિન્દુસ્તાનમાં જે પરિસ્થિતી પેદા થઈ એ પછીનો કાળ બ્રિટિશ હુકુમત અને દેશી રજવાડાઓ માટે ઘણો કપરો વિત્યો હતો. એ આગ ઠરતાં દસકાઓ કરતા વધું સમય લાગ્યો હતો. ઈસવીસન 1871 ની આસપાસ હિન્દુસ્તાનની ધરતી ઉપર બ્રિટિશ હુકુમતનાં પગ ધીરે-ધીરે સ્થિર થયા હતા અને દેશ ઉપર તેની પકડ વધુને વધુ મજબૂત બનતી જતી હતી. મારા પિતાનાં પિતાનાં પિતા, એટલે કે ઓલિવર વિલિયમ્સ એ સમયે બ્રિટિશ ફોજમાં કર્નલમાં પદ ઉપર આરૂઢ હતા. તેની એક દિકરી હતી… માર્ગારિટા. જેના લગ્ન જેમ્સ કાર્ટર નામનાં અંગ્રજ અફસર સાથે થયા હતા. આ જેમ્સ કાર્ટર ભારે મહત્વકાંક્ષી અફસર હતો. બ્રિટનમાં સાવ કંગાળ હાલતમાંથી ઉબાઈને તે હિન્દુસ્તાન આવ્યો હતો. તે ભારે ખંધો અને સ્વાર્થી હતો એમ કહું તો ખોટું નહી કહેવાય. તેની મહત્વકાંક્ષાઓનો કોઈ અંત નહોતો. ઓલિવરની દિકરી સાથે તેના લગ્ન થયા એના થોડા સમય બાદ ફોજમાં તેને બઢતી મળી હતી અને તે પણ કર્નલ બની ગયો હતો. પોતાની સત્તાઓ વધતાં તે બેફામ બનવા લાગ્યો હતો અને અચાનક તેના કાને દક્ષિણનાં એક અતી સમૃધ્ધ રાજ્ય વિજયગઢનું નામ પડયું. વિજયગઢ પાસે અપાર સંપત્તિ હોવાનાં સમાચારે તેની દાઢ સળકી હતી અને તેણે કોઈપણ ભોગે વિજયગઢને પોતાના તાબામાં લેવાનું મન બનાવી લીધું હતું. એ માટે તેણે એક અફલાતૂન બાજી ખેલી હતી.”
“કેવી બાજી…?” માનસાની જીજ્ઞાષા તેની પરાકાષ્ઠાએ પહોંચી હતી. તેણે આવી કહાની ક્યારેય સાંભળી નહોતી.
(ક્રમશઃ)