Island - 42 books and stories free download online pdf in Gujarati

આઇલેન્ડ - 42

પ્રકરણ-૪૨.

પ્રવીણ પીઠડીયા.

“પેટી ખોલ..” વસંત માડુએ તેના માણસને હુકમ કર્યો. એ ધમલો જ હતો જે થોડીવાર પહેલા પેટીઓને જોઈને કોઈ અડીયલ ઘોડાની જેમ ઉભો રહી ગયો હતો. તેણે આજ પહેલા આવી મોટી અને એકદમ નવી નક્કોર પેટીઓ ક્યારેય જોઈ નહોતી એટલે આશ્વર્ય પામવું સ્વાભાવિક હતું. એ સમયે તો માડુએ તેને ધમકાવી નાખ્યો હતો અને કામે ચડવાનું કહ્યું હતું. જ્યારે અત્યારે તે ખૂદ જ કામ અટકાવીને પેટીઓ ખોલવાનું કહેતો હતો. ધમલો ખચકાયો અને તેણે ખભે ચડાવેલી પેટી નીચે મૂકી માડુ સામે જોતો ઉભો રહ્યો. તેને લાગ્યું માડુનું દિમાગ એકાએક ફરી ગયું છે. એ દરમ્યાન ખટારો લઈને આવેલો ડ્રાઈવર દોડતો તેની નજીક આવી પહોંચ્યો હતો. એકાએક કામ રોકાતા તેના પેટમાં ફાળ પડી હતી કારણ કે તેને સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે કોઈપણ સંજોગોમાં પેટીઓને સહી સલામત જહાજમાં ચડી જવી જોઈએ.

“શું થયું, કામ કેમ રોક્યું…?” માથેથી અનરાધાર ટપકતા પાણીમાં પણ તેનો શ્વાસ ફૂલી ગયો હતો.

“મારે જોવું છે કે આ પેટીઓમાં શું છે..?” માડુ તેની સમક્ષ ફરતા બોલ્યો.

“પણ… શું કામ..? એની પરમીશન કોઈને નથી.” ડ્રાઈવરે દલીલ કરી. માડુ ખચકાયો. એ સાચી વાત હતી. જહાજમાં લાદવામાં સામાનની તલાશી લેવી એ તેની સત્તા બહારની વાત હતી. તેનું કામ ફક્ત માલ ચડાવવાનું અને તેને યોગ્ય ઠેકાણે યોગ્ય રીતે ગોઠવવા પુરતું સિમિત હતું. તે આવી રીતે કોઈ સામાનને ખોલાવી શકે નહી. તેના માટે ઉપરી સાહેબને વાત કરવી પડે અને જો તેઓ લેખીતમાં પરવાનો આપે તો જ કોઈ સામાન ખૂલી શકે. અને વળી આ તો સ્પેશ્યલ ઓર્ડરથી આવેલો માલ હતો. એના માટે તો કદાચ ઉપરી સાહેબની પહોંચ પણ ટૂંકી પડે. વસંત માડુ વિચારમાં પડયો. તેનું દિલ કહેતું હતું કે પેટીઓમાં જરૂર કંઈક લોચો છે જ્યારે તેના કર્તવ્યમાં કોઈ જ સવાલ જવાબ કર્યાં વગર એ પેટીઓ જહાજમાં ચડાવી દેવાનું આવતું હતું. તેણે પેલા ડ્રાઈવરને સમજાવાની કોશીશ કરી જોઈ પરંતુ તે એકનો બે ન થયો. તે એક જ રટ લઈને બેઠો હતો કે જલ્દીથી પેટીઓ જહાજમાં લઈ જવામાં આવે અને તેને છૂટો કરવામાં આવે.

વસંત માડુ નિસહાય હતો. તેણે ધમલા સામું જોયું અને મૂંડી હલાવી ફરીથી કામે વળગવા કહ્યું. ધમલાએ ફરીથી પેટીને ખભે ચઢાવી જહાજનાં ’ડેક’ તરફ રુખ કરી. એ માલ પહેલા ડેક ઉપર રાખવામાં આવતો હતો અને ત્યાંથી રજીસ્ટરમાં એન્ટ્રી કરીને જહાજમાં ભંડકીયામાં ગોઠવવામાં આવતો. માડુને ખબર હતી કે જો એક વખત રજીસ્ટરમાં એન્ટ્રી થઈ અને માલ ભંડકીયામાં ગયો તો પછી તે કંઈ કરી શકવાનો નથી. જો તેણે જાણવું હોય કે એ પેટીઓમાં આખરે છે શું તો કોઈ જૂગાડ ગોઠવવો જરૂરી હતો. તેનું દિમાગ એ જૂગાડ વિચારવામાં પરોવાયું. એ દરમ્યાન અડધા કલાકમાં બન્ને ખટારાઓ ખાલી થઈ ચૂક્યા હતા અને તેના ડ્રાઈવરોએ માલ ગણાવીને ડેકનાં રજીસ્ટરમાં એન્ટ્રી કરાવી માલ મળી ગયાની રસીદ લીધી હતી અને તેઓ ચાલ્યાં ગયા હતા. હવે એ માલ જહાજનાં કારભારીનાં હાથમાં હતો.

“ધમલા, તારી વાત સાચી લાગે છે. પેટીઓમાં જરૂર કંઈક છે. શું…? એ જાણવું પડશે.” માડુએ તેના સૌથી નજીકનાં માણસ ધમલાને કહ્યું. ધમલાને તો પહેલેથી જ શક પડયો હતો અને તેણે કહ્યું પણ હતું.

“માલીક, એન્ટ્રી તો પડી ગઈ. હવે..?” ધમલાએ માથું ખંજવાળ્યું. ધોધમાર વરસતા પાણીમાં તેઓ બન્ને ડક્કાની લાકડાની જેટ્ટી ઉપર પલળતા ઉભા હતા. પેટીઓ ઉતારીને બીજા ત્રણ માણસો પણ તેમની આસપાસ આવી પહોંચ્યાં હતા.

“એક કામ  કર, ચા બનાવ. પછી મગજ ચાલશે.” માડુ એકાએક જ તેની કેબીન તરફ ચાલવા લાગ્યો. ધમલો તેની પાછળ દોરવાયો. એ સમયે જ વસંત માડુએ ઘરે જવાનું માંડી વાળ્યું હતું અને પેટીઓનું રહસ્ય જાણવાનું નક્કી કરી લીધું હતું.

----------

વસંત માડુ લગભગ દસ વર્ષનો હશે ત્યારથી તે આ કામમાં જોતરાયો હતો. નાનો હતો ત્યારે તેના બાપાની આંગળી ઝાલીને તે ડક્કા ઉપર થતી તમામ ગતીવીધીઓને બારીકાઈ શિખતો આવ્યો હતો અને જૂવાનીમાં કદમ મૂકતા સુધીમાં તો જહાજમાં થતાં સામાનનાં લોડિંગ ઓફલોડિંગનો તે ખેરખા બની ગયો હતો. તે એટલો હોશીયાર હતો કે ધીમે ધીમે તેણે સમગ્ર ડક્કાનું કામ પોતાના હસ્તગત લઈ લીધું હતું. અત્યારે હાલત એવી હતી કે તેને પૂછયાં વિના કે તેની પરમીશન વિના ડક્કા ઉપર પાંદડું પણ હલી શકતું નહી. તેણે ધાર્યું હોત તો અત્યારે જ પોતાની વગ વાપરીને પેટીઓને જહાજનાં ડેક ઉપર જ ખોલાવી હોત પરંતુ… તે બેવકૂફ નહોતો. એવું કરવાનું જોખમ તે જાણતો હતો. એ પેટીઓ ઈગ્લેન્ડ જવાની હતી અને તેની ઉપર બ્રિટિશ હુકુમતનો સિક્કો લાગેલો હતો. એને હાથ લગાવાનો મતલબ હતો કે તે સીધો જ બ્રિટિશ સરકારનો ગુનેગાર બની જાય. પછી ભલેને એ પેટીઓ ચોરી-છૂપીથી ઈગ્લેન્ડ મોકલવામાં આવતી કેમ ન હોય. એટલે સામે ચાલીને તે કોઈ જોખમ વહોરવાનાં મૂડમાં બીલકૂલ નહોતો. તેણે મગજ કસવાનું શરૂ કર્યું. એ દરમ્યાન ધમલો ચા બનાવીને લાવ્યો હતો અને વસંત માડુનાં હાથમાં કપ થમાવ્યો હતો. માડુનાં કપાળે વિચારોનાં સળ ઉપસ્યા હતા. તે આખો પલળેલો હતો અને રીતસરનો નીતરતો હતો. તેણે ચાનો કપ હાથમાં લઈને એક ચૂસ્કી મારી. ચાની ગરમાહટથી શરીરમાં હૂંફ પ્રસરી અને તે ટટ્ટાર થયો. તેની આસપાસ તેના સાથાદારો વિંટળાઈને ચા પી રહ્યાં હતા એની તરફ એક નજર કરીને ઉંડા વિચારોમાં તે ખોવાયો. અને એકાએક…

“ધમલા, ડેક પર કેટલા માણસો છે..?” તેણે પૂછયું. ધમલો વિચારમાં પડયો. એની પાકી માહીતી તો તેની પાસે પણ નહોતી કારણ કે પાછલા થોડા દિવસોથી અનરાધાર વરસતા વરસાદને કારણે ડક્કા ઉપર ક્યારે કોણ આવે છે અને જાય છે એનું શિડ્યુલ ખોરવાઈ ગયું હતું. તેણે માથું ખંજવાળ્યું અને આંગળીનાં વેઢા ગણવા લાગ્યો.

“અં…. વીસેક માણસો તો ખરા. તેમાં દસ જહાજમાં હશે અને બીજા ડક્કા ઉપર કે અન્ય જહાજોમાં હશે.”

“મતલબ કે આપણે દસ માણસોને જ સંભાળવાનાં છે.” માડુ સ્વગત બોલતો હોય એમ બબડયો.

“માલિક, એટલે… તમે કરવા શું ધારો છો..?” ધમલાનાં પેટમાં ફાળ પડી. તે એક રુક્ષ ખારવો હતો. માડુએ હમણાં જે કહ્યું કે ’દસ માણસોને સંભાળવાનાં થશે.’ એ શબ્દોનો અર્થ સમજી ન શકે એટલો તે નાદાન નહોતો.

“એજ, જે તું વિચારે છે.” માડુની આંખોમાં એકાએક વિચિત્ર પ્રકારની ચમક ઉભરી આવી હતી.

“પણ, એ બધું કરવાની શું જરૂર..? આપણે સીધા જ રધુને મળીએ તો..?” ધમલાની છાતીમાં ધમણ ઉપડી હતી. રધુ જહાજ ઉપરનો કેરટેકર હતો. તેને માથે ભંડાકીયાની દેખરેખની જવાબદારી હતી.

“અરે એ અંગ્રેજોનો પિઠ્ઠું છે. તને લાગે છે કે એમ આસાનીથી આપણને કંઈ જણાવશે…? મને તો એક જ રસ્તો સૂઝે છે. ડાયરેક્ટ એકશન.”

“એમા જાનનું જોખમ થશે સરદાર. એ પેટીઓમાં શું છે એ જાણવા માટે એવું જોખમ લેવું યોગ્ય નથી.”

માડુ ધમલાની વાત સાંભળીને ખડખડાટ હસ્યો. તેના હાસ્યથી આખુ કેબિન ભરાઈ ગયું.

“તું બેવકૂફ છે ધમલા..! આ બહાર વરસતો વરસાદ જો… માથે ગરજતી વિજળીનાં ચમકારા ધ્યાનથી નિરખ… આ તોફાનનું જોર જાણ. અરે… જે ખટારા આવ્યાં હતા એની બનાવટ જોઈ તે..? એ ખટારાનાં ડ્રાઈવરોની તુમાખી સમજમાં ન આવી તને…? અને પેલી પેટીઓ જે લાકડામાંથી બનાવામાં આવી એ લાકડું તરોતાજા વહેરવામાં આવ્યું હતું એ તારા ધ્યાનમાં ન આવ્યું…?” માડુ એકસાથે ધણુંબધું બોલી ગયો. ધમલાએ માથું ખંજવાળ્યું. તેને માડુની એકપણ વાત સમજમાં ન ઉતરી. માડુ ધમલાની બેવકૂફી ઉપર ફરીથી હસ્યો. “જો સાંભળ…!”

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED