Island - 41 books and stories free download online pdf in Gujarati

આઇલેન્ડ - 41

પ્રકરણ-૪૧.

પ્રવીણ પીઠડીયા.

શંકર અને તેના ચાર સાથીદારો મંદિરનો ખજાનો લઈને તેના ગંતવ્ય સ્થાને પહોંચવા આવ્યાં હતા છતાં આજે શંકરનું મન ઉદાસ હતું. તેના મનમાં ગ્લાની ભાવ ઉદભવ્યો હતો. તેનો ખાસ મિત્ર, સંકટ સમયનો સાથીદાર, સગા ભાઈથી પણ અદકેરો એવો દોસ્ત વેંકટો મરાયો હતો એની વેદનાથી તેનું હદય ફાટતું હતું. એકાએક તે પોતાને સાવ નિસહાય બની ગયેલો મહેસૂસ કરવા લાગ્યો હતો. વિજયગઢ રાજ્ય હાથમાંથી ગયું, વિરસેન જેવો કર્મષ્ઠ સેનાપતી મરાયો હતો અને હવે વેંકટો પણ તેને છોડીને પરલોક સિધાવી ગયો હતો એ આધાત સહન થાય એવો નહોતો. જો તેના માથે રુદ્રદેવનાં ખજાનાની જવાબદારી ન હોત તો આ સમયે જ તેણે સમરાંગણમાં જઈને કેસરિયા કર્યાં હોત પરંતુ હવે એ વિચારવું વ્યર્થ હતું. કદાચ રુદ્રદેવની જ મરજી હશે કે તેમના ખજાનાને સુરક્ષિત રાખવાની જવાબદારી તેના ભાગ્યમાં આવી હતી જેને નિભાવ્યાં વગર છૂટકો નહોતો. તેઓ લગભગ પહોંચવા જ આવ્યાં હતા. એ અતી દૂર્ગમ વિસ્તાર હતો.

---------

જે સ્થળે ખૂદ યમરાજ પણ પગ મૂકવાની હિંમત ન કરે એવા દૂર્ગમ સ્થાને તેઓ આવી પહોંચ્યાં હતા. શંકરે આ સ્થાન ખૂબ વિચારીને પસંદ કર્યું હતું. તેને ખ્યાલ હતો કે અહી ખાજાનો સુરક્ષિત રહેશે કારણ કે અહી સુધી પહોંચવું જેવા-તેવાનું કામ નહોતું. તેના માટે માથું હથેળીમાં રાખીને નિકળવું પડે અને તેમ છતાં જો યોગ્ય દિશા ભાન ન હોય કે અહી સુધી પહોંચવાનો માર્ગ ખ્યાલ ન હોય તો આ ભયાનક જંગલમાંથી જીવતાં બહાર નિકળવું લગભગ અશક્ય બની જાય. શંકરે એટલે જ આ જગ્યા પસંદ કરી હતી. તેણે સાથીદારો સાથે મળીને ખજાનાને વ્યવસ્થિત સ્થાને છૂપાવી દીધો અને રાહતનો શ્વાસ લીધો હતો. જો વેંકટા જીવતો હોત તો તેણે દમયંતી દેવી પાસેથી મેળવેલો વિજયગઢનો ખજાનો પણ આ સ્થળે જ લઈને આવ્યો હોત. વેંકટાની યાદથી વળી તે ઉદાસ થઈ ગયો.

“સાથીઓ… મિત્રો… રુદ્રદેવનાં આ ખજાનાં વિશે આપણાં પાંચ સિવાય બીજા કોઈને જાણ નથી. અને… “ શંકર શ્વાસ લેવા રોકાયો. એ દરમ્યાન તેણે પોતાના સાથીદારો બરાબર ધ્યાનથી તેની વાત સાંભળે છે કે નહી એ નિરખી લીધું હતું. તેઓ તલ્લીનતાથી શંકર શું કહે છે એ સાંભળી રહ્યાં હતા એટલે શંકરનાં હૈયે ધરપત ઉપજી. “હું ઈચ્છું છું કે આ રાઝ આપણાં મોત સુધી રાઝ જ રહે. આવો આપણે પ્રતિજ્ઞા લઈએ કે જીવનનાં છેલ્લા શ્વાસ સુધી ભગવાન રુદ્રદેવનાં ખજાનાનો કોઈની સમક્ષ ભૂલથી પણ ઉલ્લેખ નહી કરીએ.” તે આગળ આવ્યો અને પોતાના હાથમાં સાથે લીધેલી મશકમાંથી પાણીની અંજલી ભરી આકાશ તરફ હથેળી કરીને ઉભો રહ્યો. તેના ચારેય સાથીદારોનાં મનમાં શંકરનાં શબ્દોથી ખૂમારી પ્રગટી અને તેઓએ પણ હાથમાં પાણીની અંજલી ભરી પ્રતિજ્ઞા લીધી. શંકરે મક્કમ મને એ ચારેયનાં ચહેરા સામું જોયું. “બોલો રુદ્રદેવની જય હો…” બુલંદ અવાજે જય પોકારી તેણે હથેળીમાં ભરેલું પાણી જમીન ઉપર ઢોળ્યું. બધાએ તેનું અનુકરણ કર્યું.

“આપણાં બધાનાં મૃત્યું બાદ આ ખજાનાનું શું…? શું એ નોધારો બનીને ભવિષ્યની ગર્તામાં હંમેશાને માટે ધરબાયેલો જ રહેશે…? ક્યાંક એવું ન બને કે કોઈ અજાણ્યાનાં હાથમાં ખજાનો આવી ચડે.” ચારમાંથી એક વ્યક્તિ, જેનું નામ વેલા કંઠા હતું તેણે પ્રશ્ન ઉછાળ્યો. શંકરનાં મનમાં પણ આ પ્રશ્ન રમતો હતો જ પણ તેને વેલા કંઠાએ વાચા આપી હતી.

“એ બાબતનો વિચાર મને પણ આવ્યો જ હતો. એટલે મેં અહી સુધી પહોંચવાનો એક નકશો બનાવ્યો છે. ભવિષ્યમાં કદાચ આ જગ્યાં અત્યારે છે એવી ન પણ રહે અથવા તો આપણાં મોત બાદ કોઈને જાણ જ ન હોય કે રુદ્રદેવનાં મંદિરમાંથી ક્યારેક કોઈ ખજાનો નિકળ્યો હતો જેને અહી સંતાડવામાં આવ્યો છે. એવી પરિસ્થિતીમાં આ નકશો આપણાં સંતાનોને કે પછી આપણાં વારસદારોને કામ આવશે. પરંતુ…” તે ફરીથી શ્વાસ લેવા રોકાયો અને એકાએક તે ગંભીર બની ગયો.

“પરંતુ શું સરદાર..?”

“મારે એક વચન જોઈએ.”

“કેવું વચન સરદાર…? તમે હુકમ કરો. આ ધરતી પર અમારાં આખરી શ્વાસ સુધી એ વચન નિભાવવાની કસમ અત્યારે જ લઈએ છીએ.” વેલા કંઠાનો નાભીમાંથી નિકળતો બુલંદ અવાજ ધનધોર વગડાની વચ્ચે વહી રહ્યો. તેની સાથે ઉભેલા બીજા ત્રણ માણસોનાં સીનામાં પણ એકાએક મગરૂબી છવાઈ જાણે તેઓ આ ક્ષણે જ શંકર જે માંગે તે બધું જ આપી દેવા તૈયાર હોય.

“એક વચન… કે ક્યારેય કોઈ લોભ કે પ્રલોભનમાં આવીને ખજાનાને હાથ નહી લગાવે. એક વચન કે ભૂલથી પણ જબાન પર ખજાના વિશે એક શબ્દ પણ ક્યારેય નહી આવે. એક વચન કે હું જે કહું એ મરતા સુધી બધા તેનું પાલન કરશે. બોલો છે તૈયારી..?”

“અરે સરદાર, એ શું બોલ્યાં..! તમે કહો તો આ ક્ષણે જ અમારા બધાનાં પ્રાણોની આહુતી તમારા ચરણોમાં ધરી દઈએ.”

“મને પ્રાણ નહી, વચન જોઈએ.” શંકરે તમામનાં ચહેરા સામું વારાફરતી જોયું.

“આપ જેમ કહો એમ જ થશે. એ અમારું તમને વચન છે. શું કહો છો મિત્રો..?” વેલા કંઠાએ તેના સાથીદારો સામું જોઈને પૂંછયું. બધાએ વેલાની વાતમાં હામી ભરી. જોકે શંકરને વિશ્વાસ હતી કે તેણે પસંદ કરેલા માણસોની ખાતરી કરવાની હોય નહી છતાં તે કોઈ જોખમ લેવા માંગતો નહોતો.

“ઠીક છે, તો સાંભળો…” એક ઉંડો શ્વાસ છાતીમાં ભરી તેણે બોલવું શરૂ કર્યું.

અને… એ રાત્રે શંકરે એક યોજના બનાવી. એ યોજનાએ રુદ્રદેવનાં ખજાનાને સદીઓ સુધી સુરક્ષિત રાખવાનો માર્ગ પ્રશિશ્ત કર્યો હતો. એ યોજના પ્રમાણે દરેક વ્યક્તિએ પોતાનાં મૃત્યું સમયે ખજાનાનું રહસ્ય યોગ્ય લાયકાત ધરાવતા પોતાના અંગત અનુગામીને જણાવીને જવું એવું નક્કી કરવામાં આવ્યું. શંકરે એ સમયે જ દરેક વ્યક્તિને રુદ્રદેવની સાક્ષીએ સોગંધ લેવરાવ્યાં હતા કે તેઓ યોગ્ય ઉત્તરાધીકારી પસંદ કરીને તેને ખાજાનાની જવાબદારી સોંપશે અને તેને પણ રુદ્રદેવની સોગંધ પ્રમાણે આગળ એ પ્રથા વધારવી પડશે. જો કોઈને એમ લાગે કે તેનો કોઈજ અંગત ઉત્તરાધીકારી એ પ્રતિજ્ઞા પ્રમાણે વર્તે એવો નથી તો એવા સંજોગોમાં તેણે કોઈને પણ ખાજાના વિશે જણાવવાની જરૂર નહોતી. પછી ભલે ખજાનો ઈતીહાસનાં પન્નામાંથી સાવ ભૂલાઈ કેમ ન જાય. મતલબ કે કોઈપણ સંજોગોમાં ખજાનાનો ખતરામાં પડવો જોઈએ નહી. બધા જ એ વાતથી સહમત થયા હતા.

એ પછી શંકરે એ ચારેયને છૂટા કર્યાં હતા. હવે અહી રોકાવાનો પણ કોઈ મતલબ નહોતો. ભારે હૈયે તમામ ત્યાંથી નીકળ્યાં હતા અને પોત-પોતાની રીતે અલગ-અલગ દિશામાં પ્રયાણ કર્યું હતું કારણ કે હવે વિજયગઢ જવાનો કોઈ અર્થ નહોતો. વિજયગઢ આતાતાઈઓનાં હાથે બરબાદ થઈ ચૂક્યું હતું જેનો રંજ તેમના હદયમાં સૂળની ભોંકાતો હતો. શંકર ક્યાંય સુધી સૂનમૂન દશામાં ત્યાંજ બેસી રહ્યો હતો પરંતુ આખરે તેણે પણ પ્રયાણ કર્યું હતું. તેની પોતાની કોઈ જ મંઝીલ નહોતી કે નહોતું તેનું કોઈ ઘર કે જ્યાં તે જઈ શકે. એક અનંત ખાલીપો ઓઢીને તે અંતર્ધાન થઈ ગયો હતો. એ પછી ક્યારેય કોઈએ તેને જોયો નહોતો કે તેના વિશે સાંભળ્યું નહોતું. એ ક્યાં ગયો એ એક રહસ્ય બનીને રહી ગયું હતું. એવું જ રહસ્ય વેલા કંઠા અને તેના સાથીદારોનું હતું.

--------------

કોણ જાણે કેમ પણ વસંત માડુને કંઈ ઠીક લાગતું નહોતું. તેના હદયમાં એકાએક ખટકો જનમ્યો હતો. જે ખટારાઓ ખાલી થઈ રહ્યાં હતા એ ખટારાઓમાં આવેલી પેટીઓમાં ભરેલો માલ જોવાની તિવ્ર ઈચ્છા તેના જીગરમાં ઉદભવતી હતી. આખરે એટલું તે કિંમતી શું હતું જેને આટલા ભયંકર તોફાનમાં  અહી સુધી લાવવું પડયું એ તેની સમજમાં ઉતરતું નહોતું. માથેથી નિતરતું પાણી તેની આંખોમાં જતું હતું એટલે હાથનું નેજવું આડું ધરીને તે ખટારાઓથી થોડે દૂર ઉભો-ઉભો માલ ખાલી થતો જોઈ રહ્યો હતો. તેના મનમાં ચાલતા વિચારોની જેમ જ આજે સમૃદ્ર પણ પરવાન ચઢયો હતો. પશ્ચિમ દિશાએથી શરૂ થયેલું તોફાન સમગ્ર સમૃદ્ર તટને ધમરોળી રહ્યું હતું. ઘડીક લાગતું હતું કે તોફાન રોકાઈ જશે કે ધીમું પડશે પરંતુ તેની બીજી જ ક્ષણે ઓર જોરથી પવન ફૂંકાવા લાગતો હતો અને હિલોળાતા સમૃદ્રનાં પાણીમાં ભયંકર ઉફાણ સર્જાતું હતું. સમૃદ્રનાં પાણી તેના સિમાડાઓ વળોટીને કાંઠાઓ વળોટી છેક અંદર સુધી ધૂસી આવતા હતા. વસંત માડૂને તેની પણ બીક હતી. એ બીક વેટલેન્ડ જહાજને કારણે હતી. વેટલેન્ડ બેતહાશા ડોલી રહ્યું હતું. પાણીનાં દરેક ઉછાળા સાથે જહાજ ડક્કાની દિવાલ સાથે અથડાતું હતું અને પાછું સમૃદ્રમાં ખલાતું હતું. આવી ભયંકર પરિસ્થિતીમાં કોઈ ગાંડો જ જહાજને સમૃદ્રમાં નાંખવાની હિંમ્મત કરી શકે અને… માડુ ગાંડો ન હતો. એટલે જ તેનું મન વિચારે ચઢયું હતું કે આખરે આ પેટીઓને ઈંગ્લેન્ડ મોકલવાની આટલી જલદી કેમ છે..?

“ઓ હોય… રોક, કામ રોક…” એકાએક તેણે બૂમ પાડી અને તેના માણસને ખટારામાંથી પેટીઓ ઉતારતાં રોક્યો હતો અને દોડીને તે એની નજીક પહોંચ્યો. એ કટોકટીની ઘડી હતી. એ પછી જે થયું એ કલ્પનાતિત હતું.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED