Island - 29 books and stories free download online pdf in Gujarati

આઇલેન્ડ - 29

પ્રકરણ-૨૯.

પ્રવીણ પીઠડીયા.

દમયંતી દેવીનો ક્રોધ કેમેય કરીને શાંત થતો નહોતો. મહારાજાની આંગળીઓનાં નિશાન ભલે ગાલ ઉપર પડયાં હોય પરંતુ એના સોળ તેમનાં જીગરમાં ઉઠયાં હતા. પોતાના બન્ને હાથ ઘસતા તેઓ આમથી તેમ આંટા મારી રહ્યાં હતા. ભયાનક ગુસ્સાથી તેમનું માથું ફાટ-ફાટ થતું હતું અને મહારાજાની કરતૂતોનો બદલો કેવી રીતે વાળવો એનું ધમાસાણ મનમાં ચાલતું હતું. તેઓ જ્યારથી પરણીને સાસરે આવ્યાં હતા ત્યારથી તેમણે ફક્ત મહારાજા ઉગ્રસેન અને વિજયગઢ રાજ્યને જ પોતાનું સર્વસ્વ માનીને જીવન વિતાવ્યું હતું. લગ્નનાં આટલા વર્ષે હવે એ બધું વ્યર્થ ગયું હોય એવું તેમને લાગ્યું. એ અફસોસ તેમનાં માહ્યલાંને ઝકઝોરતો રહ્યો.  તેઓ એટલા ખૂદ્દાર ખાનદાનમાં જનમ્યાં હતા કે કોઈ દગો કરે એ સહન કરવું તેમનાં માટે અધરું થઈ ગયું હતું. બસ… એટલે જ તેઓ એવું કંઈક વિચારી રહ્યાં હતા જેનાથી મહારાજાની શાન ઠેકાણે આવે અને એમને તેમની કરતૂતો બદલ સફસોસ થાય. પરંતુ શું…? તેમણે મગજ કસ્યું. અચાનક… તેમની આંખોમાં એક ખતરનાક ચમક ઉભરી આવી અને હોઠો ઉપર મુસ્કાન છવાઈ. એક ભયાનક વિચાર તેમનાં મનમાં ઝબક્યો હતો. તેમણે તુરંત એક દાસીને દોડાવી અને હુકમસિંહને રાણીવાસમાં બોલાવી લાવવા કહ્યું.

હુકમસિંહ… વિજયગઢ રાજ્યનો ખજાનચી… તેની પણ એક અજબ કહાની હતી. તે દમયંતી દેવીની સાથે અવંતીપૂરમથી આવ્યો હતો. નાનપણથી તે દમયંતી દેવીનો ખાસ અંગરક્ષક હતો અને એક રીતે સમજો તો તેને દમયંતી દેવીનાં દહેજમાં અપાયો હતો એમ કહી શકાય. મહારાજા ઉગ્રસેનને હુકમસિંહ ખાસ કંઈ ગમતો નહી એટલે દમયંતી દેવીથી દૂર રાખવા માટે તેને રાજ્યનો ખજાનચી બનાવી દીધો હતો જેનાથી તે કંઈક પ્રવૃતીમાં પરોવાયેલો રહે. એ હુકમસિંહ ખરા સમયે દમયંતી દેવીને યાદ આવ્યો હતો અને દાસીને કહીને તેને બોલાવી મંગાવ્યો હતો. હુકમસિંહ મારતાં ઘોડે રાણીવાસમાં આવી પહોંચ્યો હતો અને એ રાતે રાણીવાસમાં એક ખતરનાક સાઝિશનાં પાયા નંખાયા હતા જેનો તોડ લગભગ કોઈની પાસે નહોતો. બે વર્ષ… પૂરા બે વર્ષ… તેમણે અને હુકમસિંહે મહારાજાનાં નાક નીચેથી રાજ્યનો ખજાનો ધીમે-ધીમે કરીને ઉલેચવો શરૂ કર્યો હતો અને એ તમામ ધન દોલતને મહારાજાનાં જ શયનખંડમાં બનાવાયેલા છૂપા ભોયરામાં જમા કર્યું હતું. સાથોસાથ મહારાજાને ખબર ન પડે એમ તેમની શરાબમાં ધીમું વિષ ભેળવીને આપવાનું શરૂ કર્યું હતું. દમયંતી દેવીને ખ્યાલ હતો કે તેમનું આ કાવતરું ક્યારેક તો પકડાશે જ કારણ કે આ જગતમાં ક્યારેય કોઈ ચીજ છૂપી રહી શકી નથી એમ તેમની પણ રહેશે નહી. તેમા વળી જ્યારથી રાજ્ય ઉપર ડફેરોનાં આક્રમણો શરૂ થયા હતા અને તેમનો સામનો કરવા માટે વિરસેનની આગેવાની હેઠળ અંગ્રેજી કુમકને વિજયગઢની સહાયતા માટે બોલાવામાં આવી હતી ત્યારથી તેમને ડર પેઠો હતો કે તેમનો ભાંડો બહુ જલદી ફૂટી જશે. એટલે અંગ્રેજ અધીકારી હથીયારો લઈને વિજયગઢ પહોંચવાનો હતો એના થોડા દિવસો પહેલા જ તેમણે મહારાજાને અપાતાં વિષની માત્રા વધારી દીધી હતી અને એકઠા કરેલા ખજાનાને લઈને અવંતીપૂરમ જવાની તૈયારીઓ આરંભી દીધી હતી કારણ કે તેમના માટે હવે વિજયગઢમાં રહેવું સલામત નહોતું.

-------

રંગમહેલમાંથી દાસી ખબર લઈને આવી કે મહારાજાની તબીયત અચાનક બગડી છે. દમયંતી દેવીને એ સમાચારનો જ ઈંતજાર હતો. તેમણે મહારાજાને તાબડતોબ મહેલમાં લઈ આવવાની સુચનાઓ આપી અને સાથે એ વાત બહાર ન જાય એવા આદેશો જારી કર્યા. માત્ર અંગત ચાર માણસોની સહાયથી મહારાજાને મહેલમાં લાવવામાં આવ્યાં હતા. એ વાતની કોઈને કાનોકાન ખબર પડવા દીધી નહોતી. બહારનાં લોકોને તો એમ જ હતું કે મહારાજા તો હજું પણ રંગમહેલમાં જ છે. મહારાજાને મહેલમાં લાવવામાં આવ્યાં ત્યારે તેમની તબીયત અત્યંત નાજૂક હતી. ભયંકર રીતે ઢિંચેલા શરાબ અને તેમાં ભેળવાયેલા કાતિલ વિષે તેનું કામ બરાબર કર્યું હતું. એક નજરમાં જ કોઈને પણ સમજાય જાય કે મહારાજા હવે થોડાક સમયનાં જ મહેમાન છે. દમયંતી દેવી અને હુકમસિંહને પણ એ સમજાયું હતું અને તેમણે તે દિવસેથી જ છૂપાવેલા ખજાનાને ઉલેચવાનું શરૂ કર્યું હતું. ચાર બળદગાડા ભરાય એટલું ધન હુકમસિંહની નિગરાની હેઠળ છૂપી રીતે બહાર કાઢવામાં આવ્યું હતું અને તેને અવંતીપૂરમનાં રસ્તે રવાના કરવામાં આવ્યું હતું. હવે તેમને મહારાજાનાં મૃત્યુંનો ઈંતજાર હતો.

બળદગાડા અવંતીપૂરમ જવા નિકળ્યાં તેના બીજા જ દિવસે હુકમસિંહે મહારાજા ઉગ્રસેનને બેહોશીની હાલતમાં ઓર ભારે માત્રામાં ઝેર પીવડાવ્યું હતું અને બીજી તૈયારીઓ કરવા તે મહેલ છોડીને ચાલ્યો ગયો હતો.

એ ઝેરની અસર હેઠળ ઉગ્રસેને મહારાણીની નજરો સામે જ અંતિમ શ્વાસોશ્વાસ લીધા હતા. એ દ્રશ્ય ભયાનક હતું. ડચકા ખાતાં ઉગ્રસેનની સામે મહારાણી દમયંતી દેવી ફાટી આંખોએ જોઈ રહ્યાં. એક તમાચાની આટલી ભયાનક સજા અત્યાર સુધીમાં લગભગ કોઈને મળી નહી હોય. પોતાનાં જ પતિનું કાળસ કાઢવાં તેમણે ત્રાગ રચ્યો હતો પરંતુ છેલ્લી ઘડીએ તેમનાં હદયમાં ભયાનક ડર અને અપરાધ ભાવની અજીબ લાગણીઓ ઉદભવી હતી. તેમણે પોતાની આંખો મિંચી લીધી હતી. આખરે વધુ સહન ન થતાં તેઓ ડચકા ખાતા મહારાજાને એમ જ મૂકીને છૂપે રસ્તેથી રાજ્યની બહાર નિકળી ગયા હતા. હુકમસિંહ વિજયગઢ રાજ્યની સિમાને પેલે પાર… જંગલમાં… પોતાનાં વિસ સાથીદારોને લઈને મહારાણીની પ્રતિક્ષામાં ઉભો હતો. મહારાણી આવતાં એ કાફલો અવંતીપૂરમની દિશામાં ચાલી નિકળ્યો. અત્યારે તેઓ અડધો જંગલ વિસ્તાર વટાવી ચૂક્યાં હતા અને મહારાણી દમયંતી દેવીની નજરો સામેથી તેમનો ભૂતકાળ પસાર થઈ રહ્યો હતો. તેમણે ઉંડો નિશ્વાસ નાંખ્યો.

બરાબર અડધા કલાક બાદ ખજાનો ભરેલાં બળદગાડાઓ પણ તેમની સાથે થઈ ચૂક્યાં હતા. હવે ફક્ત અવંતીપૂરમની સિમાઓ દેખાય એની તેમને રાહ હતી. પરંતુ… તેમનાં નસીબમાં કુદરતે કંઈક અલગ જ લખ્યું હતું. એવું કઈંક જેનાથી તેમની રુહ સુધ્ધા કાંપી ઉઠવાની હતી.

------------

શંકર એક સાથે ત્રણ મોરચે લડી રહ્યો હતો. એક… રાજ્યની અંદર વ્યવસ્થાની જવાબદારી તેની માથે આવી હતી. બે… રાત્રે રુદ્ર દેવ મંદિરનાં ભોયરાનાં ખજાનો જોવા જવાનો હતો. ત્રણ… વિરસેને મહારાણીનું પગેરું દબાવવાની વધારાની જવાબદારી તેની ઉપર નાંખી હતી. શંકરે એ ત્રણેય મોરચે ભારે જહેમતથી ઘેરાબંધી કરવા માંડી હતી. રાજ્યની અંદર અત્યારે પરિસ્થિતી સામાન્ય હતી. ક્યાંય કશી હલચલ વર્તાતી નહોતી એટલે એ બાબતે તે આશ્વત હતો. મંદિરમાં તે રાત્રે એકલો જવા માંગતો હતો. અને… દમયંતી દેવીની પાછળ તેણે એક એવા વ્યક્તિને મોકલ્યો હતો જે પોતાનામાં એક આખી સેના હતો. એ હતો વેંકટા રેડ્ડી.

વેંકટાને લોકો રાક્ષસ કહેતાં કારણ કે એકસો એંસી કિલોનો એ ભારેખમ માણસ રાક્ષસ સમાન જ દેખાતો. અફવાઓ તો એવી પણ ઉડતી કે તેની પાસે અસૂરી શક્તિઓ છે જેનાથી તે ધારે એને પોતાના વશમાં કરી શકતો. સાચું ખોટું તો રામ જાણે પરંતુ તેને જોઈને જ ભલભલાને પરસેવો છૂટી જતો. ભાગ્યે જ કોઈ હશે જે વેંકટાનાં હાથમાં પડવા ઈચ્છે.

તેને આદેશ મળતાં જ તેણે જંગલ તરફ રુખ કરી. તેને આવું કામ ગમતું. તેના મનમાં હંમેશા એક જ ધૂન છવાયેલી રહેતી... કોઈપણ ભોગે સામેવાળાનો ખાત્મો બોલાવી દેવો. બસ, એ સિવાય બીજું કંઈ તેને સુઝતું નહી. તેણે ઘોડાઓ જોડ્યાં હતા અને રથ તૈયાર કરી દમયંતી દેવીની પાછળ નિકળી પડયો હતો.

----------------

હથીયારો બરાબર હતા. જો કે વિરસેન એ નહોતાં જાણતાં કે એ બધા જંગ ખાઈ ચૂકેલા જૂના હથીયારો છે જેને નવાં સાજ-સજાવટ કરીને અંગ્રેજોએ મોકલી આપ્યાં છે. વિરસેને સૈનિક છાવણીમાં તુરંત એલાન કરાવી દીધું કે આવતી કાલે સવારે બધાને એ હથીયારો કેમ ચલાવવા એનું પ્રશિક્ષણ આપવામાં આવશે. ખાસ તો તોપ કેમ ચલાવવી એ શિખવું મહત્વનું હતું.

પરંતુ… એ સવાર ક્યારે અને કેવી પડશે એ કોઈ નહોતું જાણતું.

-------

વિજયગઢની શેરીઓમાં સૂનકાર પથરાયેલો હતો. અડધી રાતનો પ્રથમ પ્રહર ભાંગ્યો હતો અને એક ઓળો માથે કાળો કાંબળો ઓઢીને રુદ્ર દેવનાં મંદિર પરીસરમાં ચૂપકીદીથી દાખલ થયો. એ શંકર હતો. તેની દિશા મંદિરનાં ગર્ભગૃહની નીચે બનેલા ભોયરા તરફની હતી. આજ સુધી તેણે એ જગ્યા વિશે હજ્જારો કહાનીઓ સાંભળી હતી. એ કહાનીઓ અને લોકવાયકાઓમાં કેટલું સત્ય છે અને કેટલું મિથ્યાં છે એ કોઈ નહોતું જાણતું પરંતુ આજે તે સ્વયં એનો તાગ મેળવવા માંગતો હતો. ભોયરામાં જો ખરેખર કોઈ ખજાનો છે તો એની સુરક્ષાની જવાબદારી તેની હતી. તે કોઈપણ ભોગે એ ખાજાનાને આતાતાઈઓનાં હાથમાં જતાં બચાવવા માંગતો હતો કારણ કે તે સમજી ચૂક્યો હતો કે વિજયગઢ હવે સુરક્ષિત નથી. સંજોગો વિપરીત બન્યાં હતા કે કુદરત રૂઠી હતી એનો તાગ મેળવવાનું તેનું ગજું નહોતું છતાં જે સંજોગો સર્જાયા હતા એ કોઈ અનહોની તરફ ઈશારો જરૂર કરતાં હતા. શંકરનું કાળજું એટલે જ થડકતું હતું. તેના જેવો ભડભાદર આદમી આજે વિજયગઢની સુરક્ષા બાબતે સંશયિત બન્યો હતો.

ક્યાંય કશી હલચલ નહોતી. મંદિરનાં પ્રાંગણમાં ઉગેલો પિપળો અડીખમ ઉભો હતો. હવાની લહેરખીઓ સાથે લહેરાતાં પાંદડાઓનો ખડખડિત અવાજ અવીરતપણે ચોપાસ ફેલોતો હતો. સામે જ મહાદેવ… રૂદ્ર દેવનું ભવ્ય મંદિર દ્રશ્યમાન હતુ. તેની મંઝિલ એ મંદિર નહોતું પરંતુ મંદિરની બાજુમાં દેખાતું એક ખખડધજ મકાન હતું. એ મકાન મંદિરનો જ એક ભાગ હતું. પહેલા તેમાં મંદિરનાં પૂજારીઓ રહેતા હતા પરંતુ બીજી જગ્યાએ સારી સગવડો થતા તેઓ ત્યાં રહેવા ચાલ્યાં ગયા હતા ત્યારથી એ મકાન એમ જ ખાલી પડયું રહ્યું હતું. બે માળનું લાંબી પરસાળ ધરાવતું એ મકાન ભલે સામાન્ય દેખાતું હોય પરંતુ ખરેખર એ સામાન્ય નહોતું. મકાનનો એક કમરો ખાસ હતો. ખાસ એટલા માટે કે એ કમરામાંથી નીચે જમીનમાં ઉતરી શકાતું. મતલબ કે એક સુરંગનુમાં ભોયરાનું મોઢું એ કમરામાં ખૂલતું હતું જેની માત્ર ગણ્યાં-ગાંઠ્યાં થોડા લોકોને જ જાણ હતી. તેમાં એક શંકર પણ હતો જેને એ કમરાનાં રાઝની ખબર હતી. તે મકાનનું પરસાળ વટાવીને મુખ્ય દરવાજે આવ્યો. ખિસ્સાં ફંફોસીને એક ચાવી કાઢી અને દરવાજે લટકતાં ભારેખમ તાળામાં ભેરવી. તેને એમ હતું કે કેટલાય વખતથી બંધ પડેલું તાળુ ખૂલવામાં મહેનત કરાવશે પરંતુ… “ખટ્ટાક” અવાજ થયો અને પહેલી કોશીશે જ તાળું ખૂલી ગયું. આશ્વર્યચકિત બની ગયો શંકર, પરંતુ એવી લાગણીઓ જતાવવાનો તેની પાસે સમય નહોતો. હળવે રહીને તેણે દરવાજાનો આગળીયો ખોલ્યો અને બે તરફ ખૂલતાં ફાટકને હથેળીનો ધીમો ધક્કો માર્યો. “કરરરડડડડડ…..” કરતાં દરવાજાનાં મિજાગરા ચીખી ઉઠયાં અને વધું અવાજ થાય એ પહેલા શંકર પોતાના શરીરને સંકોરીને અંદર ઘૂસી ગયો. અંદર ઘોર અંધકાર પથરાયેલો હતો.

----------------

“ધડામ…” એક ભયંકર ધમાકાનો અવાજ આવ્યો અને વિજયગઢની દક્ષિણ તરફનાં કોટની દિવાલમાં ભગદળું પડયું. એ સાથે જ ત્યાં રહેતા લોકો ભર ઊંઘમાંથી જાગીને ચીચીયારીઓ પાડતા ચારેકોર ભાગવા લાગ્યાં.  હજું તો પોહ ફાટવાને પણ વાર હતી. રાતનો બીજો પ્રહર વિત્યો હશે કે એ પહેલા તો વાતાવરણમાં ચારેકોર ધૂળનાં ગોટેગોટ ઉડવા લાગ્યાં અને એક-બે ઠેકાણે તો આગ પણ ફાટી નિકળી હતી. એ સાવ અચાનક બન્યું હતું. વિજયગઢ વાસીઓ ઉંઘતાં ઝડપાયા હતા. એટલું ઓછું હોય એમ એક પછી એક ધમાકાઓથી આખો દક્ષિણ વિસ્તાર ધ્રૂજી ઉઠયો હતો. જાણે ધમાકાઓની એક શૃંખલા રચાઈ હતી જે કોઈનાંથી રોકાય એમ નહોતી.

પહેલા તો લાગ્યું કે ધરતીકંપ આવ્યો છે પરંતુ થોડા સમયમાં જ સમજાયું હતું કે એ ડફેરોનું આક્રમણ હતું. વિરસેનનાં કાને એ સમાચાર પહોંચ્યાં અને તેઓ સન્નાટામાં આવી ગયા. એ અસંભવ હતું. ડફેરો પાસે તોપ ક્યાંથી હોય…? છતાં હતી, એનો મતલબ કે… “ઓહ…” વિરસેને ભયંકર  ખિન્નતાથી પોતાનું માથું ધૂણાવ્યું. તેમને જે સમજાયું હતું એ ખતરનાક હતું. અંગ્રેજોએ તેમની સાથે દગો કર્યો હતો. વિજયગઢને હથીયારોની સહાયતા મોકલી હતી સાથોસાથ ડફેર આતંકીઓને પણ હથીયારો પૂરા પાડયાં હતા. અંગ્રેજો વિશે તેમણે જે સાંભળ્યું હતું એ સાચું પડયું હતું. એકાએક તેમને શંકર યાદ આવ્યો. તેણે તેમને ચેતવ્યો હતો. હવે…? વધું વિચારવાનો તેમની પાસે સમય નહોતો. તેમણે સૈનિકોને સાબદા કર્યાં અને એક કુમકને તુરંત દક્ષિણ તરફ રવાના કરી. એટલું જ નહી, હથીયારો લઈને આવેલા તમામ અંગ્રેજોને બંદી બનાવીને કારાગારમાં નાંખવાનું ફરમાન જારી કર્યું. પરંતુ… હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED