પ્રકરણ-૨૮.
પ્રવીણ પીઠડીયા.
વિરસેન પાસે અફસોસ કરવા સિવાય કંઈ બચ્યું નહોતું. મહારાજા ઉગ્રસેનનાં શયનખંડમાં ચોર દરવાજો બનાવવાનો વિચાર તેમનો જ હતો અને તેમનાં કહેવાથી જ બનાવાયો હતો. ક્યારેક ન કરે નારાયણ અને મહેલમાંથી પલાયન કરવાની નોબત આવે તો આ રસ્તો કામ આવે એ ગણતરીએ તેમણે એક સુરંગ ખોદાવી હતી જેનો એક છેડો મહેલમાં હતો અને બીજો છેડો રાજ્યથી ઘણે છેટે… ઘનઘોર જંગલમાં નિકળતો હતો. એ વ્યવસ્થા મહારાજાની સુરક્ષા માટે બનાવવામાં આવી હતી પરંતુ આજે તેનો ઉપયોગ મહારાણી દમયંતી દેવીએ બરાબરનો કર્યો હતો. હવે તેમની સમજમાં આવ્યું કે વિજયગઢનાં કોષખાનામાંથી ગાયબ થયેલું ધન ક્યા રસ્તેથી સગેવગે કરવામાં આવ્યું હશે. તેઓ ગફલતમાં રહ્યાં અને મહારાણી તેમનાં નાક નિચે કળા કરી ગયા હતા. તેમનું માથું શરમથી ઝૂકી ગયું હતું. ભારે ખિન્નતા અનુભવતા તેઓ મહારાજાનાં નિષ્ચેતન પડેલા દેહ પાસે આવ્યાં. મહારાજાનો ભરાવદાર ચહેરો કાળો પડી ચૂક્યો હતો. સ્પષ્ટ હતું કે વિષ મોટી માત્રામાં તેમની મદિરામાં ભેળવવામાં આવ્યું હતું.
વિરસેન વિચારમાં પડયા કે કેવી રીતે દમયંતી દેવીએ ખજાનો લૂંટયો હશે…! ચોક્કસ થિયરી વગર એ કરવું આસાન નહોતું કારણ કે આટલી મોટી માત્રામાં ખજાનો ખસેડવો એ કંઈ ખાવાનાં ખેલ નહોતા. કોઈની નજરે પડયા વગર એકદમ ખામોશીથી ગાડાનાં ગાડા ભરાય એટલી સંપત્તી એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવી લગભગ અશક્ય જ હતી. છતાં એ થયું હતું… છાના ખૂણે રાજ્યનો ખજાનો લૂંટવામાં આવ્યો હતો એ હકીકતથી તેઓ મોઢું ફેરવી શકે તેમ નહોતાં. તેઓ ત્યાં જ… મહારાજાનાં પલંગનાં એક ખૂણે બેસી પડયાં. “કેમ… કેવી રીતે…?” તેઓ સ્વગત જ બબડયા હતા અને મહારાણી દમયંતી દેવીની જગ્યાએ જો તેઓ ખૂદ આ ચોરી કરવાનું વિચારે તો તેમણે શું કર્યું હોય…! એ વિચારમાં ખોવાયા.
“ઓહ… ભગવાન.” એકાએક તેઓ સડક દઈને ઉભા થઈ ગયા. પલક ઝપકે એટલી વારમાં તેમને સમજમાં આવ્યું હતું હતું કે સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હશે…! જો તેમની ધારણા ખોટી ન હોય તો મહારાણીએ આ યોજના બહુ ચતુરાઈથી ઘડી હશે અને તેનું આયોજન ઘણાં લાંબા સમય પહેલા કરાયું હશે. મહારાણીને ખ્યાલ હતો કે મહારાજાને શરાબ અને શબાબની લત લાગી ચૂકી છે અને રાત દિવસ તેઓ રંગમહેલમાં જ પડયા પાથર્યાં રહે છે. એ વાતને લઈને તેમના મનમાં મહારાજા પ્રત્યે તિરસ્કાર જનમ્યો હશે અને તેમણે મહારાજાની એ કમજોરીનો જ ફાયદો ઉઠાવવાનું મનોમન નક્કી કર્યું હશે. કોઈપણ ભોગે તેમણે રાજ્યનાં ખજાનચી હુકમસિંહને પોતાની સાથે ભેળવ્યો હશે. એ પછી તો કામ ઘણું આસાન હતું. ધીમે-ધીમે તેમણે ખાજાનાને ખાલી કરવા માંડયો હશે અને તફડાવેલી ચિજોને મહારાજાનાં જ શયનખંડની અંદરનાં ભોયરામાં પહોચાડી દીધી હશે. ત્યારબાદ બાકી રહેતા હતા મહારાજા…! સ્પષ્ટ દેખાતું હતું કે દમયંતી દેવીએ ચોક્કસ કોઈ વિરાંગનાને સાધી હશે અને મહારાજાની શરાબમાં ધીમું ઝેર ભેળવવાનું શરૂ કર્યું હશે. જ્યારે તેમને લાગ્યું કે હવે આખરી સમય નજીક આવી પહોંચ્યો છે ત્યારે એ વિષની માત્રા એટલી વધારી દીધી કે તેનાથી મહારાજાનું મોત નિપજ્યું હશે. અને ગઈરાત્રે જ રાત્રે તેઓ ચોરેલું બધું ધન લઈને વિજયગઢની સિમાઓ ઓળંગી ગયા હશે.
“ચોક્કસ એમ જ થયું હશે…!” વિરસેને પોતાનાં જમણા હાથની મુઠ્ઠી ડાબા હાથની હથેળીમાં જોરથી ઠપકારી. ભારે ક્રોધથી તેમનું માથું ફાટવા લાગ્યું. એક રાજ્યનાં સર-સેનાપતી થઈને તેમનાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ હતી. તેઓ સંપૂર્ણપણે અંધારામાં રહ્યાં હતા એ વાતનો મલાલ તેમના જીગરને વલોવા લાગ્યો. એ અસહ્ય હતું છતાં… અત્યારે અફસોસ કરવાનો સમય નહોતો. મહારાણી હજું દૂર નહી ગયા હોય. જો અત્યારે જ તેમનો પીછો પકડવામાં આવે તો ચોક્કસ તેઓ હાથમાં આવી જાય. પરંતુ એ એટલું આસાન નહોતું. એક તો રાજ્ય વિકટ પરિસ્થિતીઓમાથી પસાર થઈ રહ્યું હતુ અને ઉપરથી મહારાજાનાં મૃત્યુની ખબર નગરમાં ફેલાય તો ચારેકોર અફરા-તફરી મચી જાય. એવા સંજોગોમાં નગરવાસીઓને સંભાળવા અઘરા થઈ પડે. એ ઉપરાંત ડફેરોની ટોળકી રાજ્યની સિમા ઉપર ઘેરો ઘાલીને બેઠી હતી અને તેમને આવા જ કોઈ મોકાની તલાશ હતી. જો તેમના કાને ખબર પહોંચે કે વિજયગઢ ધણી-ધોરી વગરનું થઈ ચૂક્યું છે તો રાજ્ય ઉપર હુમલો કરવામાં તેઓ સહેજ પણ વાર લગાવે નહી. એ ઉપરાંત પણ હવે એક નવી સમસ્યા તેમની સામે આવીને ઉભી હતી અને એ હતી એક અંગ્રેજ વ્યક્તિનું વિજયગઢની અંદર હોવું. અંગ્રેજો પણ આ તકનો લાભ ઉઠાવવાનું ચૂકે નહી. તેઓ તરત જ રાજ્યને પોતાના હસ્તગત લેવાનું કાવતરું ઘડે.
વિરસેન મુંઝાઈ ગયા. અંગ્રેજોની આફતને તેમણે સામે ચાલીને આમંત્રી હતી. શંકર ના કહેતો હતો છતાં હથીયારોની લાલચે તેમણે એક અંગ્રેજ વ્યક્તિને રાજ્યસભામાં કારભારી તરીકે નિમણૂક બહાલ કરી હતી. એ ફાયદો હવે મુસીબત બનીને તેમને ગળે પડવાનો હતો. આ પરિસ્થિતીમાંથી નિકળવાનો રસ્તો શોધવો જરૂરી હતો નહીતર વિજયગઢ હાથમાંથી સરકી જતા વાર લાગવાની નહોતી. તેઓ વિચારમાં હતા કે અચાનક જ કોઈક તેમની સામે આવીને ઉભું રહ્યું અને તેઓ ચોંકી ગયા.
“ઓહ, શંકર.. તું છે…” એ શંકર હતો જે હમણાં જ શયનખંડમાં દાખલ થયો હતો.
“વિરસેન, આ ઠિક નથી થયું.” શંકરે સીધું જ કહ્યું. તેનો ઈશારો અંગ્રેજ બાબતે હતો. હજું તેનું ધ્યાન પલંગ તરફ નહોતું ખેંચાયું.
“એથી પણ મોટી સમસ્યા ઉદભવી છે.”
“શું..?”
વિરસેન શંકરને પલંગ નજીક લઈ ગયા. ત્યાં મહારાજા ઉગ્રસેનનું નિષ્ચેતન શરીર પડયું હતું.
“હે મહાદેવ…” શંકરનાં પેટમાં ફાળ પડી. તેણે વિરસેન સામું જોયું. વિરસેને આંખોથી જ પાછળની દિવાલ તરફ ઈશારો કર્યો. શંકર પળવારમાં સમગ્ર મામલો સમજી ગયો. જેની બીક હતી એ જ પરિસ્થિતી મોં ફાડીને તેમની સમક્ષ ખડી થઈ હતી.
“આપણે એક સાથે ઘણાં મોરચે લડવાનું થશે શંકર. તું તૈયાર છે ને…?” એકાએક વિરસેન મક્કમ થયાં હતા. “મહારાજાનાં મોતનાં સમાચાર રાજ્યમાં ફેલાવા ન જોઈએ. કમસેકમ હમણાં તો નહી જ.”
“જી, મહારાણીનું શું કરીશું…?”
“તારી પાસે માણસો છે…?” વિરસેનને ખાતરી હતી કે નહી જ હોય છતાં પૂછયું હતું.
“લગભગ બધાંને જ તેમના ઠેકાણે ગોઠવી ચૂક્યો છું. હવે અઘરું થશે.” શંકર બોલ્યો. રાજ્યમાં અત્યારે સૌથી મોટી વિડંબના વિશ્વાસું માણસો એકઠા કરવાની હતી. કોની ઉપર ભરોસો કરવો એ જ નક્કી થતું ન હોય ત્યાંરે આવી સ્થિતી ઉદભવતી હોય છે. વિરસેન પાસે રાજ્યનો ઘણો મોટો સૈન્ય કાફલો હતો, ગુપ્તચરોનું આખું માળખું હતું છતાં એ નકામું ગયું હતું. “છતાં કોશીશ કરું છું. તમે અહીનું સંભાળો, હું મહારાણી પાછળ કોઈકને મોકલવાની વ્યવસ્થા ગોઠવું છું.” કહીને શંકરે વધું સમય બગાડયા વગર ઝડપથી બહાર નિકળવા પગ ઉપાડયા.
“મારે બે માણસો જોઈશે.” શંકરને ઉતાવળે બહાર જતો જોઈ એકદમ જ વિરસેને કહ્યું. “મહારાજાનાં શરીરને ઠેકાણે પાડવું પડશે.”
“મોકલું છું.” શંકર અટક્યો. અને ફરી પાછો બહાર તરફ ચાલ્યો.
વિરસેન તેને જતો જોઈ રહ્યાં. શંકર એક જ એવી વ્યક્તિ હતો જેની ઉપર વિરસેનને પોતાનાં કરતાં પણ વધું ભરોસો હતો. જો એ સાથે હોય પછી આખી દુનિયા સાથે તે બાથ ભિડી શકે તેમ હતો. તેણે દમયંતી દેવીનો હવાલો સંભાળ્યો હતો તેનો મતલબ કે એ કામ તે કોઈપણ ભોગે પાર પાડીને જ રહેશે. હવે તેણે પણ ઝડપ કરવી પડે એમ હતી. તે ઉઠયો અને મહારાજાનાં દેહ ઉપર ચાદર ઓઢાડી દીધી જેથી કોઈ અચાનક શયનખંડમાં આવી ચડે તો હોબાળો ન થાય. મહારાજાનાં દેહાંતનું તેને દુઃખ નહોતું કારણ કે રાજ્યની જે હાલત થઈ હતી તેના જવાબદાર મહારાજા જ હતા. હવે જોવાનું એ રહ્યું કે આ વાત કેટલો સમય છૂપી રહે છે. વિરસેન શંકરનાં માણસો આવે તેની રાહ જોઈ રહ્યાં.
---------------
મહારાજાનાં શબને છૂપા દરવાજાની અંદર બનાવાયેલા એક અંધારીયા ખંડમાં મુકવામાં આવ્યો. એ કામ શંકરે મોકલેલા માણસોએ બરાબર કર્યું હતું. તેઓ પોતાની સાથે કોઈક ચિકણા પદાર્થથી ભરેલો ઘડો લેતા આવ્યાં હતા જેની અંદરનું દ્રવ્ય તેમણે મહારાજાનાં શરીર ઉપર લગાવ્યું હતું જેથી શરીર જલદી સડે નહી. એ વ્યવસ્થા કામ ચલાઉ હતી કારણ કે મહારાજાનાં મૃત્યુંનાં સમાચારને લાંબો સમય છૂપાવવા લગભગ અશક્ય સમાન હતું.
વિરસેન માટે એક કામ ખતમ થયું હતું. હવે તેમનું સમગ્ર ધ્યાન વિજયગઢ રાજ્યની સુરક્ષા ઉપર આવીને અટક્યું હતું. તેમને સૌથી પહેલા અંગ્રેજોએ મોકલાવેલા હથીયારોનું નિરિક્ષણ કરવું જરૂરી લાગ્યું. તેમણે શસ્ત્રાગારમાં તરફ પગ ઉપાડયા.
--------------
કાળી અંધારી રાતે, બિહામણા જંગલોમાં આડબિડ રસ્તે મહારાણી દમયંતી દેવી થડકતાં હદયે આગળ વધી રહ્યાં હતા. તેમની સાથે ચાર બળદગાડા, બે રથ અને એક બગી હતા. એ ઉપરાંત હુકમસિંહ અને તેના વીસ સાથીદારો વિજયગઢથી ઘણે દૂર આવેલા ઘનઘોર જંગલમાં આવી પહોંચ્યાં હતા. અહીથી તેઓ ઉત્તરમાં તેમનાં પિયર અવંતીપૂરમ જવા માંગતાં હતા. એક વખત અવંતીપૂરમ પહોંચી ગયા પછી કોઈ તેમનો વાળ પણ વાંકો કરી શકે તેમ નહોતું કારણ કે અવંતીપૂરમની ગાદી ઉપર તેમનો સગો મોટોભાઈ રામનરાવ બિરાજમાન હતો. રામનરાવ પોતાની બહેનને ઉંની આંચ પણ નહી આવવા દે એની દમયંતી દેવીને ખાતરી હતી અને… એ ભરોસે જ તેમણે એક ભયંકર કાવતરાને અંજામ આપ્યો હતો. એક એવું કાવતરું જેણે વિજયગઢની નિંવ ખળભળાવી મૂકી હતી. તેમણે વિજયગઢનાં ખજાનામાં ધાપ મારી હતી અને… વાત એટલી જ નહોતી… તેમણે ખૂદ પોતાના પતિનું કાળસ કાઢી નાખ્યું હતું. એ ઘટનાની યાદ આવતાં જ દમયંતી દેવીનાં રૂઆંટા ખડા થઈ ગયા. ઘોર અંધકારમાં ચાલી જતી બગીનાં થાંભલે સળગતી મશાલનાં ફડફડતાં પ્રકાશમાં તેમના કપાળે ઉદભવેલા પ્રસ્વેદનાં બૂંદો ચમકી ઉઠયાં. તેમની આંખો સમક્ષ મહારાજાનો મરતી વખતનો તરડાઈ ગયેલો ચહેરો ઉભરી આવ્યો અને છેક અંદર સુધી તેઓ ફફડી ઉઠયાં. તેઓ એ કરવા નહોતા માંગતાં પરંતુ… આજથી બે વર્ષ પહેલાં…
“મહારાણી, ચાહે તો તમે પાછા તમારાં પિયરે જઈ શકો છો. બાકી હું શું કરું છું એ બાબતથી તમારે કોઈ સરોકાર રાખવાની જરૂર નથી.” મહારાજા ઉગ્રસેનનો ગુસ્સાથી ભરેલો અવાજ આખા શયનખંડમાં ગૂંજી ઉઠયો.
“એટલે…? મારી નજરો સમક્ષ તમે બીજી સ્ત્રીઓ સાથે રંગરેલીયા મનાવતા રહો અને હું કંઈ ન બોલું…? મારા લોહીમાં એવા સંસ્કાર નથી મહારાજ. જો તમે પાછી નહી વળો તો એનું પરીણામ સારું નહી આવે.” દમયંતી દેવીનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ઉઠયો. તેમણે ઘણી વખત મહારાજાને અય્યાશી બંધ કરવા સમજાવ્યાં હતા પરંતુ હવે વાત હદથી બહાર વહી ગઈ હતી.
“ચટ્ટાક…” એક તમાચો દમયંતી દેવીનાં ગાલે પડયો. એ સાથે જ શયનખંડમાં સ્તબ્ધતા પ્રસરી ગઈ. એક તમાચામાં તે બન્ને વચ્ચેની સંબંધોની દિવાલ ધસી પડી. મહારાજા ક્રોધથી ધમધમતાં બહાર ચાલ્યાં ગયાં અને એ વખતે જ મહારાણીએ મનોમન એક નિર્ધાર કરી લીધો હતો કે તેઓ મહારાજાને આ તમાચા બદલ ક્યારેય માફ નહી કરે. એ સમયે તેમને એ પણ સમજાઈ ગયું હતું કે વિજયગઢમાં હવે તેમનું કોઈ ભવિષ્ય નથી. આંખોમાં ઉભરી આવેલા આંસુંઓ ક્યાંય સુધી તેમના ગાલ ઉપર વહેતા રહ્યાં અને જ્યારે તેઓ ઉઠયાં ત્યારે વિજયગઢનાં ઈતીહાસમાં ક્યારેય ન ભૂલાય એવા એક પ્રકરણની શરૂઆત થઈ હતી.
(ક્રમશઃ)