આઇલેન્ડ - 14 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇલેન્ડ - 14

પ્રકરણ-૧૪.

પ્રવીણ પીઠડીયા.

ડિસ્કોથેકનું બારણું હડસેલીને જેવો હું અંદર પ્રવેશ્યો કે ત્યાં વાગતાં એકદમ લાઉડ મ્યૂઝિકનો ઘોંઘાટ મારા કાને અથડાયો. મેં ચારેકોર નજર ઘુમાવી. અંદર યૌવન હિલોળે ચડયું હતું. હું બાર કાઉન્ટર તરફ ચાલ્યો અને કાઉન્ટરનાં એક ખૂણે ખાલી પડેલા ટેબલ ઉપર જઈને બેઠો. ત્યાંથી ડિસ્કોથેકનો ખૂણે-ખૂણો જોઈ શકાતો હતો. મારી ખોજ ડેની હતો. ડેની અને તેનો દોસ્ત વિક્રાંત… એ બન્નેને ઠમઠોરવા મારાં હાથ થનગની રહ્યાં હતા. જીમી… મારો જીગરી દોસ્ત… એ હરામખોરોએ તેને હાથ લગાવાની જૂર્રત કરી હતી એનો જવાબ તો આપવો પડે એમ હતો. એ લોકો મોટા બાપનાં દિકરા હોય તો એનો મતલબ એ નહોતો કે તેઓ મન ફાવે એમ બસ્તીનાં છોકરાઓ ઉપર હાથ ઉઠાવે. જો કે એ બન્ને મારાં કરતાં બધી રીતે ઘણાં તાકતવર હતા. તેમાં ખાસ તો વિક્રાંત. અગાઉ એક વખત અમારી મુલાકાત થઈ ચૂકી હતી એટલે મને ખ્યાલ હતો કે એનો સામનો કરવો આસાન નહી બને. પરંતુ… તેણે જીમી ઉપર હાથ નહોતો ઉઠાવવો જોઈતો. જીમીનો ભાંગેલો ચહેરો મારી નજરો સામે તરવર્યો અને મારાં દાંત ભિંસાયા. બરાબર એ સમયે જ મારી નજર ડિસ્કોથેકનાં એક કોર્નર તરફ ખેંચાઈ. એ વિક્રાંત હતો જે આ તરફ જ જોઈ રહ્યો હતો. અમારી નજરો આપસમાં ટકરાઈ. મારા મનમાં ઉભરતું ખૂન્નસ ઓર બેવડાયું. હું ઉભો થયો અને તેની તરફ ચાલ્યો.

વિક્રાંતે ડેની સામું જોયું. ડેની એકદમ ટલ્લી હતો. તેણે ડ્રગ્સ લીધું હતું અને એની ઉપર બેફામ દારૂ ઢિંચ્યે જતો હતો. તે અત્યારે કોઈ કામનો નહોતો રહ્યો. મને આવતો જોઈને વિક્રાંત ઉભો થયો એ દરમ્યાન હું તેની નજીક પહોંચી ચૂક્યો હતો. કદાચ એ પણ સમજી ગયો હતો કે હું અહી શું કામ આવ્યો છું.

વિક્રાંત મારી કરતા ઉંચો હતો. ઉંચો અને ખડતલ. તેની નજરોમાં જે ઠંડક છવાયેલી રહેતી એ ભલભલાને ડારતી. એક ક્ષણ પૂરતો હું પણ ઠરી ગયો હતો પરંતુ અત્યારે મારા મનમાં ભયાનક ખૂન્નસ ઉભરતું હતું. તેની સાવ નજીક જઈને હું ઉભો રહ્યો અને… પહેલો ઘા રાણાનો, એ હિસાબે શરૂઆત પણ મેં જ કરી. હું ભલે દેખાતો સામાન્ય હોઉં પણ ગેરેજમાં કામ કરી-કરીને મારા હાથમાં ઘણી તાકત આવી હતી. વિક્રાંત કંઈ સમજે એ પહેલા મેં તેના જડબા ઉપર એક મુક્કો ઠોકી દીઘો હતો. એ સાવ અણધારી હરકત હતી અને વિક્રાંત ઉંઘતો ઝડપાયો હતો. “આહ…” પારાવાર દર્દથી તે ચીખી ઉઠયો. પ્રહાર એટલો જોરદાર હતો કે મારા હાથની આંગળીઓમાં પણ ટચાકા બોલી ગયા હતા. હાથ ઝટકાવીને મેં એ દર્દ ખાળવાની કોશીશ કરી. એ દરમ્યાન જબરદસ્ત ધક્કાથી વિક્રાંત પાછળ ધકેલાયો હતો. તેના પગ આપોઆપ લડખડાયા હતા અને નીચે પડતા બચવા માટે તેણે ટેબલની ઘાર પકડી લીધી હતી. એ ચેષ્ઠાથી આખું ટેબલ ખળભળી ઉઠયું અને તેની ઉપર મુકાયેલા કાચનાં ગ્લાસ આડા પડીને નીચે લુઢક્યાં. ’ખનનન….’ કરતો જોરદાર અવાજ થયો, એક સાથે ઘણાબધાં ગ્લાસ ફૂટવાનાં અવાજથી ટેબલ નજીક ઉભેલા લોકોમાં ખળભળાટ મચી ગયો અને બધાનું ધ્યાન એકાએક જ અમારી તરફ ખેંચાયું હતું.

મારાં એક જ મુક્કે વિક્રાંતનો હોઠ ચીરાયો હતો અને હોઠની કિનારીએ લોહી ઉભરી આવ્યું હતું. તે ખળભળી ઉઠયો. હું આટલું ફાસ્ટ રિએક્ટ કરીશ એનો અંદાજો નહી હોય તેને. પરંતુ બીજી જ ક્ષણે તે સંભળ્યો હતો અને મારા ભયાનક આશ્વર્ય વચ્ચે… ટેબલની ધાર પકડીને, વાંકા ઉભા રહીને જ… અત્યંત વેગથી તેનો પગ હવામાં લહેરાયો. “ધફફફફ….” કરતાં મારા પેટમાં તેની લાત પડી. અને તે એટલેથી જ અટક્યો નહી, કોઈ સરકસનાં કલાબાજની જેમ તે અત્યંત વેગથી સીધો થયો અને પગની પાની ઉપર ગોળ ફર્યો અને… તેની બીજી લાત મારા ચહેરા સાથે અથડાઈ. એક સાથે બેવડો પ્રહાર થયો હતો. મારાં પેટમાં એકાએક જ અજીબ ચૂંથારો ઉપડયો અને ચહેરો પીડાથી તરડાયો. મેં કહ્યુંને કે એનો સામનો કરવો આસાન નહોતું. એ કોઈ એથલેટ્સને પણ શરમાવે એવી સ્ફૂર્તી ધરાવતો હતો. હું સંભળું એ પહેલા તે એકદમ જ મારી ઉપર ધસી આવ્યો હતો અને મારો કોલર પકડીને, મને સીધો ઉભો કરી… મારો ચહેરો છૂંદી નાંખવા માંગતો હોય એટલા ફોર્સથી હાથની મુઠ્ઠી વાળી પ્રહાર કર્યો. એક ક્ષણ… ફક્ત એક ક્ષણમાં મારો જમણો હાથ ઉંચકાયો હતો અને મારી હથેળીમાં તેની મુઠ્ઠી સમાઈ ગઈ હતી. ક્ષણનાં ચોથા ભાગમાં એ બન્યું. તેનો હાથ મારા ચહેરાથી ફક્ત બે ઈંચ દૂર અટકી ગયો. મને એક વાત બરાબર સમજાઈ હતી કે વિક્રાંતને સમય આપવો એ સામેથી મોતને આમંત્રણ આપવાં બરાબર હતું. જો તેને પહોંચી વળવું હશે તો એ કંઈ કરે એ પહેલા સામો વાર કરવો જરૂરી હતો. બસ, એક સેકન્ડમાં ફેંસલો લેવાયો અને મેં મારું માથું તેના કપાળે દઈ માર્યું. “ધડિંગ…” અવાજ થયો અને તેનું કપાળ ફૂટયું. એ સાથે જ મેં તેના હાથને ઝટકો મારીને તેને નજીક ખેંચ્યો અને તેની છાતીમાં કોઈ આખલાની જેમ માથું ઠોકી દીધું. “ઘરરર.. “ તેના ગળામાંથી દર્દ ભર્યો અવાજ નિકળ્યો અને તેની આંખોમાં પાણી ઉભરાય આવ્યું. એક પછી એક ડબલ પ્રહારથી તે કરાહી ઉઠયો. અત્યારે જ મોકો હતો જેનો ભરપૂર લાભ મેં ઉઠાવ્યો. સહેજે સમય ગુમાવ્યાં વગર હું રીતસરનો તેની ઉપર તૂટી પડયો અને મિનિટોમાં વિક્રાંત ડિસ્કોથેકની ફર્શ પર આળોટવા લાગ્યો હતો. એ ભયાનક દ્રશ્ય હતું. વિક્રાંત જેવો ખતરનાક માણસ લસ્ત થઈને નીચે પડયો હોય એ ખૂદ મારા માટે પણ કોઈ સ્વપ્ન સમાન હતું. ડિસ્કોથેકમાં વાગતું મ્યૂઝિક ક્યારનું બંધ થઈ ચૂક્યું હતું અને લગભગ બધાં જ ડઘાઇને અમને જોઈ રહ્યાં હતા. સુંવાળી યુવતીઓ ચીખો પાડતી બહાર તરફ ભાગી હતી અને થોડીવારમાં તો ક્લબમાં બાઉન્સરોનું નાનકડું એક ધાડું ત્યાં ધસી આવ્યું હતું. તેમાથી બે બાઉન્સરોએ મને પકડયો અને બીજા બે જણાંએ વિક્રાંતને ઉભો કર્યો.

એ દરમ્યાન… કોઈ નહોતું જાણતું પરંતુ હું અને વિક્રાંત એકબીજાને પરાસ્ત કરવામાં લાગ્યાં હતા ત્યારે બીજી પણ એક ઘટના બની હતી જેણે આખો સિનારિયો બદલી નાંખ્યો હતો. એ ઘટનાને લીધે જે પરિસ્થિતી ઉભી થવાની હતી એ આવનારા ભવિષ્યમાં સમસ્ત વેટલેન્ડની કિસ્મત બદલી નાંખવાની હતી. એ ઘટના હતી ક્લબમાં બાબીનું આગમન.

મારી ફિકરમાં બાબી એલીટ ક્લબ સુધી દોરાઇ આવ્યો હતો અને સીધો જ ડિસ્કોથેકમાં દાખલ થયો હતો. તેણે અમને બાખડતા જોયા હતા. તે મને મદદ કરવા આગળ વધ્યો જ હતો કે બરાબર એ સમયે જ ભયંકર નશામાં ડોલતો ડેની એકાએક તેની જગ્યાએથી ઉઠયો હતો. તેણે પોકેટમાંથી ગન ખેંચી કાઢી હતી. તેને કોઈ ભાન નહોતું પરંતુ એટલું સમજ્યો હતો કે તેનો દોસ્ત વિક્રાંત મુસીબતમાં છે અને તેણે મદદ કરવી જોઈએ. તેનાથી સરખું ઉભું પણ રહેવાતું નહોતું. તેની આંખો પરાણે ખૂલતી હતી છતાં અમને બાખડતા જોઈને તે ઉભો થયો હતો અને ઘેરાતી આંખોએ જ તેણે મારી તરફ નિશાન તાક્યું હતું. બાબીએ એ જોયું અને ભયાનક વંટોળની જેમ દોડયો હતો. ડેનીની આંગળી ગન ટ્રિગર ઉપર દબાય એ પહેલા તે તેની પાસે પહોંચી ગયો હતો અને ડેનીનો હાથ હવામાં અધ્ધર કરી દીધો.

“ધાંય….” એક ભયાનક ધમાકો થયો. હવામાં કશુંક સળગવાની સાથે ગન પાવડરની ગંધ ફેલાઈ. ગનમાંથી છૂટેલી ગોળી ડિસ્કોથેકની છતમાં ક્યાંક અથડાઇ હતી અને પછી ગૂમ થઈ ગઈ. ચારેકોરથી ’પેક’ ડિસ્કોથેકમાં ફાયરિંગનો અવાજ એકાએક કોઈ ડાયનામાઈટ ફૂટયા બરાબર હતો. એ અવાજથી ડિસ્કોથેકની અંદર ભયંકર આંધાધૂંધી ફેલાઈ ગઈ. ત્યાં એકઠા થયેલા જુવાનિયાઓ ડરની ચીચીયારીઓ પાડતાં બહાર નિકળવાનાં દરવાજા તરફ ભાગ્યાં. એકાએક ડિજે વાગતું બંધ થયું હતું અને ચોતરફ અફરા-તફરી અને આતંકનો માહોલ છવાયો. હર કોઈને આ પરિસ્થિતીમાંથી બહાર ભાગવું હતું જેના લીધે દરવાજા પાસે લોકોનો જમાવડો એકઠો થઈ ચૂક્યો હતો. એ દરમ્યાન બાબીએ ઝપટ મારીને ડેનીનાં હાથમાંથી ગન ખેંચી લીધી અને તેને ધક્કો મારીને ફરીથી ખૂરશી ઉપર બેસાડી દીધો. તે અમારી તરફ ફર્યો.

“હેય… યુ…. સ્ટોપ, નહિતર તારી ખોપરી ખૂલી જશે.” બાબી એકાએક જ અલગ અંદાજમાં આવી ગયો હતો. તે અમારી તરફ ધસી આવ્યો હતો અને વિક્રાંતનાં માથાનું નિશાન લઈને કોઈ જૂની હોલીવૂડ ફિલ્મનાં હિરોની જેમ ગન તાકીને ઉભો રહી ગયો. બે જ સેકન્ડમાં ત્યાં સ્તબ્ધતા છવાઈ ગઈ. વિક્રાંત મહા મહેનતે પોતાનાં પગ ઉપર ઉભો રહ્યો હતો. તેની છાતીમાં ભયાનક ચાહકા ઉઠતા હતા. આજે જીંદગીમાં કદાચ પહેલીવાર તેણે માર ખાધો હતો એનું આશ્વર્ય હજુપણ તેના ચહેરા પર છવાયેલું હતું. અને એ પણ મારી જેવા એક સૂકલકડી યુવાનનાં હાથે.

પરંતુ એથી વધું આશ્વર્યનો ઝટકો તો મને લાગ્યો હતો. મને બાબીને અહી જોવાની આશા બિલકૂલ નહોતી અને એ પણ આ અવતારમાં..! તે કોઈ હિરોની જેમ આવ્યો હતો અને ક્ષણભરમાં તો આખી પરિસ્થિતી બદલાઈ ગઈ હતી.

“બાબી, તું અહી શું કરે છે..?” હું તેની તરફ ધસી ગયો હતો.

“તું ખામોશ રહે.” તેણે મને કહ્યું અને આંખોથી જ શાંત રહેવાનો ઈશારો કર્યો. મને ખ્યાલ નહોતો આવતો કે એ કરવા શું માંગે છે…? પરંતુ એક વાત હતી, તેને મારી પાછળ આવેલો જોઈને મને અજીબ પ્રકારની રાહત ઉપજી હતી.

“હેય મિ. બોડી બિલ્ડર, ચલ… ડેનીની બાજુમાં બેસ જોઉં.” તેણે હાથમાં પકડેલી ગનથી જ વિક્રાંતને ઈશારો કર્યો. વિક્રાંત પાસે કોઈ ચારો નહોતો, અથવા કદાચ તેને બાબીનાં તેવર જોતા ખ્યાલ આવ્યો હશે કે જો તેણે તેની વાત ન માની તો એ ગન ચલાવામાં વાર નહી લગાડે. તે ઉભો થયો અને ડેનીની બાજુમાં બેઠો. બાબીનાં હોઠો ઉપર મુસ્કાન રેલાઈ. “ગૂડબોય.“ પછી તે મારી તરફ ફર્યો. “શું વાત છે રોની…! તું તો બહાદૂર નિકળ્યો. મને એમ કે તું હજું નાનું બચ્ચું જ છે. ચલ બોલ, શું કરવાનું છે આ લોકોનું..?” તેણે મારો ઉપહાસ ઉડાવ્યો હતો કે ખરેખર તારિફ કરી હતી એ મને સમજાયું નહી પરંતુ એ ખરેખર સિરિયસ હતો. જો કે તેના સવાલથી હું મુંઝાયો હતો. ગુસ્સાથી ધમધમતો હું અહી દોડી આવ્યો હતો કારણ કે મારે જીમીનો બદલો લેવો હતો. વિક્રાંતને ઓલરેડી સબક મળી ચૂક્યો હતો અને ડેની નશામાં એટલો ધૂત હતો કે તેને મારો કે ન મારો કોઈ ફરક પડવાનો નહોતો. તો હવે શું…? એ પ્રશ્ન તો મને પણ ઉદભવ્યો. બાબી જવાબની આશાએ મારી સામું જોઈ રહ્યો. મેં ખભા ઉલાળ્યાં. “ઓકે, તો ચાલ અહીથી.” તે બોલ્યો અને મારો હાથ પકડીને ખેંચ્યો. હું તેની પાછળ દોરવાયો.

“આ પિસ્તોલ..!” એકાએક મારું ધ્યાન તેના હાથમાં રહેલી પિસ્તોલ તરફ ખેંચાયું હતું. બાબીએ પિસ્તોલ ઉંચી કરી.

“એ હવે મારી પાસે જ રહેશે.” તે બોલ્યો… અને પછી હસ્યો. તેના હાસ્યમાં મને આવનારા સમયનો પડઘો સંભળાયો. ભયંકર આશ્વર્યથી હું તેને જોઈ રહ્યો. મને એ બિલકૂલ યોગ્ય લાગ્યું નહી. બાબી જેવા વંઠેલ છોકરાનાં હાથમાં ખતરનાક હથીયાર હોવું મતલબ સામેથી મુસીબતોને નિમંત્રણ આપવું. અને આ કોઇ નાનું રમકડું નહોતું… પિસ્તોલ હતી. અને એ પણ વેટલેન્ડનાં સૌથી શક્તિશાળી પરીવારની માલીકીની હતી. જો એ બાબીનાં હાથમાં રહી તો…!! આગળનું વિચારતા જ મારી આંખોએ અંધારા આવવા લાગ્યાં.

અને એટલું ઓછું હોય એમ ક્લબનાં મેનેજરે પોલીસને ફોન કરી દીધો હતો.

(ક્રમશઃ)