આઇલેન્ડ - 13 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇલેન્ડ - 13

પ્રકરણ-૧૩.

પ્રવીણ પીઠડીયા.

શ્રેયાંશ જાગીરદાર તેના ભવ્ય બેડરૂમમાં આદમકદ અરિસા સામે ઉભો રહી રાતની પાર્ટીમાં જવા તૈયાર થતો હતો. તેણે પોતાનાં અડધા સફેદી મઢયાં વાળને બરાબર ’સેટ’ કર્યાં. સાંઈઠની ઉંમ્મરે પહોંચવા આવ્યો હોવા છતાં તેના વાળનો જથ્થો ઠીકઠાક કહી શકાય એટલો ભરાવદાર હતો. એકદમ પરફેક્ટ રીતે ટ્રિમ કરેલી દાઢી અને એટલી જ વ્યવસ્થિત શેપમાં ’કટ’ કરેલી જાડી મુછમાં તેનો ગૌર.. થોડો રતાશ પડતો ચહેરો આ ઉંમ્મરે પણ ભલભલાને તેની તરફ આકર્ષિત કરવા સક્ષમ હતો. તે એકદમ પરફેક્ટ રીતે રહેવા ટેવાયેલો વ્યક્તિ હતો. તે જેટલો પોતાનાં સામાજીક સ્ટેટસ પ્રત્યે સભાન હતો એટલો જ સ્વયંનાં શરીરને વ્યવસ્થિત રાખવા મહેનત કરતો. તે માનતો કે માણસે સફળ થવું હોય તો જીવનની તમામ બાબતોમાં સંતુલન રાખવું જોઈએ. મહેનત સાથે મગજ અને શરીરનો જે વ્યક્તિ વ્યવસ્થિત ઉપયોગ કરી જાણે છે એ વ્યક્તિ બીજાની તુલનામાં વધું સફળ થાય છે એ તેનો જાત અનુભવ હતો. અને એટલે જ આજે છેલ્લી ચાર ટર્મથી તે વેટલેન્ડ જેવા અતી સમૃધ્ધ આઈલેન્ડનો એમ.એલ.એ. ચુંટાતો આવ્યો હતો. એક રીતે કહી શકાય કે તે આ આઈલેન્ડનો સર્વેસર્વા હતો. તેનો બોલ આઈલેન્ડવાસીઓ માટે હંમેશા આખરી ફેંસલો ગણાતો. આખરે કેમ ન હોય… આ આઈલેન્ડનો પાયો નાંખનાર, તેનો વિકાસ કરનાર તેના પરદાદા હતા જેનો તેને ગર્વ હતો. આઈલેન્ડને ’વેટલેન્ડ’ જેવું અનોખું નામ પણ તેના પરદાદાએ જ આપ્યું હતું અને એ નામ પાછળ પણ એક અનોખી કહાની હતી જે માત્ર થોડા… ગણ્યાં-ગાંઠિયા લોકો જ જાણતાં હતા.

તૈયાર થઈને તેણે રિસ્ટવોચમાં નજર કરી. રાતનાં નવ થયાં હતા. પાર્ટી દસ વાગ્યે શરૂ થવાની હતી જે છેક સવાર સુધી ચાલવાની હતી. બેડરૂમમાંથી બહાર આવી તે બાજુનાં કમરા તરફ ચાલ્યો. એ તેની પત્ની ચારુલતાનો બેડરૂમ હતો. તેણે હળવેથી ચારૂલતાનાં કમરાનાં દરવાજે ટકોરા માર્યાં અને પછી દરવાજો ધકેલીને અંદર દાખલ થયો. ચારૂલતાનો બેડરૂમ જૂઈનાં પરફ્યૂમથી મધમધતો હતો. તે તૈયાર થઈને બહાર નીકળવાની તૈયારીમાં જ હતી કે શ્રેયાંશ તેના કમરામાં આવ્યો હતો. એકબીજાને જોઈને તે બન્નેનાં ચહેરા ઉપર હળવી મુસ્કાન ઉભરી આવી.

“ તું ખૂબ સુંદર લાગે છે.” શ્રેયાંશ બોલ્યો અને ચારૂલતાની નજીક જઈને તેના કપાળે એક મૃદુ ચૂંબન કર્યું. ઢળતી ઉંમરે પણ ચારૂલતાનાં ગાલ ઉપર રતાશ તરી આવી. લગ્નનાં પાંત્રીસ વર્ષ થયા હોવા છતાં તેમની વચ્ચેનો સ્નેહ પહેલા જેવો જ અકબંધ હતો.

“ચાલો હવે, પાર્ટીમાં મહેમાનો રાહ જોઈ રહ્યાં હશે.” ચારૂલતાએ શ્રેયાંશની બાંહમાં હાથ પરોવ્યો અને તેઓ કમરાની બહાર આવ્યાં. એ દ્રશ્ય ઘણાને ઈર્ષા પમાડે એવું હતું.

----------------

“બાબી, ક્યાં છે તું…?” મારો અવાજ જરૂર કરતાં ઉંચો હતો. જીમીની હાલત જોઈને મારી અંદર અજીબ ખળભળાટ મચ્યો હતો અને ભયંકર ક્રોધથી હું રીતસરનો ધ્રૂજતો હતો. જે બેરહમીથી તેને પીટવામાં આવ્યો હતો એ કોઈ કાળે સહન થાય એમ નહોતું. ડેની અને વિક્રાંત એની તમામ હદો વટી ગયા હતા. માન્યું કે તે શક્તિશાળી લોકો હતા અને તેની સામે પડવું કોઈને પરવડે એમ નહોતું પરંતુ એનો મતલબ એ નહોતો કે તેઓ મનફાવે એમ વર્તે. તેમને સબક શિખવવો જરૂરી હતો.

“હું જ્યાં હોઉં ત્યાં, પરંતુ તું અને જીમી ગેરેજ બંધ કરીને ક્યાં રખડો છો એ બોલ..?” બાબી પહેલેથી તોછડો જ હતો અને અત્યારે પણ એવી જ ભાષામાં તેણે પૂછયું.

“બાબી..! તું ગેરેજે આવ્યો છે…?” મને આશ્વર્ય થયું. તેનો સવાલ અધ્યાહાર જ રહી ગયો હતો કારણ કે એ ભાગ્યે જ ક્યારેક ગેરેજે દર્શન દેતો.

“હાં, કેમ ન અવાય..?”

“એવું નથી, પણ… ખેર, છોડ એ વાત. મારે જાણવું છે કે ડેની અત્યારે ક્યાં મળશે..?” મને ખબર હતી કે બાબી પાસે સમગ્ર ઈલાકાની રજ-રજ ની માહિતી હશે.

“ડેની…! પેલો નશેડી…? એ હશે એની બખોલમાં. પણ તારે એનું શું કામ પડયું?” બાબીએ આશ્વર્ય ઉછાળ્યું. મેં તેને જીમી વાળી હકીકત જણાવી દીધી. ફોનમાં મને દેખાતું તો નહોતું પરંતુ એટલો અંદાજ જરૂર હતો કે જીમી વિશે સાંભળીને બાબી ચોક્કસ ઉછળી પડયો હશે.

“વોટ..? એ હરામખોર મરવાનો થયો છે.” બાબીએ બે-ચાર ગંદી ગાળો બકી. પછી અચાનક તે અટક્યો. “એક મિનિટ, તું ક્યાંક ડેનીની ધોલાઈ કરવાનું તો નથી વિચારતો ને…? જો એ ખ્યાલ મનમાં આવ્યો હોય તો તાત્કાલિક કાઢી નાંખજે. તેનો બાપ કોણ છે એ જાણે છે ને તું..! જીમી તો સાજો થઈ જશે પરંતુ ડેનીને હાથ લગાવ્યાં પછી તું જીવવા લાયક નહી રહે.” બાબીએ સત્ય હકીકત જણાવી. મને એ ખ્યાલ હતો. ડેનીનો બાપ… શ્રેયાંશ જાગીરદાર, વેટલેન્ડનો સૌથી શક્તિશાળી વ્યક્તિ, એ પોતાના છોકરાને હાથ લગાવનારને એક ક્ષણ પણ જીવતો ન રહેવા દે એ સત્ય હકીકત હતી.

“તું એ બધું મારી ઉપર છોડ, મારે ડેનીનું સરનામું જોઈએ. તું આપી શકતો હોય તો બોલ નહિતર હું જાતે શોધી લઈશ.” મારો પિત્તો છટક્યો હતો.  ડેનીનો બાપ ભલે મોટું માથું હોય પરંતુ જીમી મારો મારો જીગરી યાર હતો. તેની આવી હાલત કરનારને એમ જ છોડી દઉં એટલો હું દયાળું નહોતો.

“ઓહ… શું વાત છે, તો ભાઈ સાબ ડેની સાથે પંગો લેશે એમ..! હા..હા..હા…” બાબીને મારી વાત ઉપર હસવું આવ્યું. તે કદાચ જીમીની હાલતની ગંભીરતા સમજ્યો જ નહોતો એટલે મારી મજાક ઉડાવી રહ્યો હતો. “ચલ તને જણાવી જ દઉં…એ અત્યારે એલીટ ક્લબમાં હશે.” તે બોલ્યો અને… વધું મગજમારી કરે એ પહેલાં મેં ફોન કાપી નાંખ્યો. મારે જે જાણવું હતું એ તેણે જણાવી દીધું હતું પછી તેની સાથે વધું મગજ ખપાવવાનો કોઈ મતલબ નહોતો. એલીટ ક્લબ ક્યાં આવી છે એ મને ખબર હતી. હું નીચે ઉતર્યો અને બાઈક ઉપર સવાર થઈ એલીટ ક્લબની દિશામાં બાઈક ભગાવી.

એ સમયે… જીવણાનાં સ્ટ્રેચર પરથી મળેલી પેલી ચીજ મારા ખિસ્સામાં જ હતી. જો જીમી વાળો હાદસો થયો ન હોત તો ચોક્કસ એક અલગ જ દિશામાં હું ફંટાયો હોત અને તો આ કહાનીએ અલગ જ રંગત જમાવી હોત પરંતુ એવું થયું નહોતું.

-------------

દક્ષિણ દિશાએથી તોફાન શરૂ થયું હતું. હજું સાંજ સુધી જરા સરખો અણસાર પણ નહોતો અને એકાએક જ વાતાવરણમાં જબરજસ્ત પરીવર્તન આવ્યું હતું. સમૃદ્ર ઉપરથી વહેતો પવન અતી તિવ્રતાથી વહેવો શરૂ થયો હતો જે ધીરે-ધીરે ભયાનક રૂપ ધારણ કરતો જતો હતો. પવનની ગતી સાથે સમૃદ્રમાં વિશાળ મોજા ઉછળવા શરૂ થયા હતા અને વેટલેન્ડનાં કાંઠાને તરબતર કરી નાંખવા માંગતા હોય એમ કિનારા તરફ તેજ ગતીએ ધસી આવ્યાં હતા. વાતાવરણમાં એ પરીવર્તન સાવ ઓચિંતુ જ થયું હતું. કુદરતી રીતે સમૃદ્રમાં ઘણી વખત એવું બનતું હોય છે જેમાં કોઈ જ દેખીતા કારણ વગર અચાનક જ પવનનાં તોફાનો ઉદભવતા હોય છે. આજે પણ એવું જ બન્યું હતું.

વેટલેન્ડનો સમૃદ્ર કિનારો આમ પણ પહેલેથી છિછરો, તેમાં ભયાનક ઝડપે ઉછળતા મોજાઓ છેક અંદર સુધી.. જ્યાં વેટલેન્ડની ધરતી શરૂ થતી હતી ત્યાં સુધી ઘસી આવ્યાં હતા. સમૃદ્રનાં પેટાળમાં પણ જબરી હલચલ મચી હતી. દહીની હાંડીમાં જેમ છાસ વલોવાય એમ સમૃદ્રનું પેટાળ વલોવાતું હતું અને એવું લાગતું હતું જાણે આખું પેટાળ વલોવાઈને બહાર ઠલવાય જશે.

પેટાળનો એ પટારો ઘણી ઉથલ-પાથલ મચાવી રહ્યો હતો જે સમૃદ્રની અંદરની ધરતીમાં વર્ષોથી ધરબાઈને પડેલા કેટલાય અવશેષોને સપાટી ઉપર ઉલેચી લાવ્યો હતો. તેમાં એક નાનકડું જહાજ પણ હતું જે કદાચ ઘણાં લાંબા સમય પહેલા ડૂબી ગયું હશે. એ જહાજ ડૂબ્યું એ પછી કાળક્રમે સમૃદ્રનાં તળીયે એકઠા થયેલા ’કાંપ’માં ધીરે-ધીરે કરતા ધરબાઈ ગયું હતું જે અત્યારે ઉઠેલા તોફાનમાં બહાર ખેંચાઈ આવ્યું હતું અને તળીયાની સપાટી ઉપર તેના ભારેખમ વજનનાં કારણે આડું ખલાઈ રહ્યું હતું. એ જહાજ કોનું હતું… કેમ કરતા ડૂબ્યું… ક્યારે ડૂબ્યું… એ કોઈ નહોતું જાણતું. અને જો કોઈ જાણતું હોય તો પણ વહેતા સમયનાં વહેણ સાથે તેને ભૂલાવી દેવામાં આવ્યું હતું. કે પછી કોઈ હતું જે આજે પણ તેને શોધી રહ્યું હતું…?

પવનનાં વંટોળ સાથે ધીમી ધારે વરસાદ પણ શરૂ થયો હતો જે વેટલેન્ડની કોરી સડકોને ભિંજવી રહ્યો. હું મારું બાઈક ધમધમાવતો એલીટ ક્લબે પહોંચવા આવ્યો હતો. એ સમયે… જે જહાજ સમુદ્રનાં તળિયેથી બહાર આવ્યું હતું એ આવનારા સમયમાં સમગ્ર વેટલેન્ડની તકદિર બદલી નાંખવાનું હતું.

--------------

બાબી આભો બનીને મોબાઈલ સામું જોઈ રહ્યો. તે મજાકનાં મૂડમાં હતો પરંતુ રોનીએ જે રીતે ફોન કટ કર્યો હતો એ સામાન્ય બાબત નહોતી. તે તૈયાર થયો અને તેણે પણ એલીટ ક્લબની રૂખ કરી.

-------------

એલીટ ક્લબ… વેટલેન્ડની સૌથી મોટી, સૌથી ભવ્ય, સૌથી વિશાળ, જંગી એરીયામાં પથરાયેલી એકદમ આધૂનીક અને સૌથી લોકપ્રિય ક્લબ હતી. વેટલેન્ડનાં મોટાભાગનાં ધનવાન પરીવારો તેના સભ્યો હતા. અહી જેવા તેવા વ્યક્તિને પ્રવેશ મેળવવો એ સ્વપ્ન સમાન હતું. સાંજ થતાં જ લગભગ સમગ્ર વેટલેન્ડની જવાની એલીટ ક્લબનાં ડિસ્કોથેકમાં જમાં થવા લાગતી. અને પછી શરૂ થતો દારૂ, ડ્રગ્સ અને ડાંન્સનો દૌર. એ દૌર છેક સવાર સુધી ચાલતો. જુવાનીની રંગતમાં ડૂબેલા જીસ્મ જ્યારે ડ્રિંકનાં ગ્લાસ સાથે ડિસ્કોથેકનાં ફ્લોર ઉપર થિરકતા ત્યારે એક ક્ષણ માટે સમસ્ત કાયનાત પણ થંભીને તેને જોઈ રહેતી. અત્યારે પણ એવો જ કઈંક માહોલ જામ્યો હતો. ચારેકોર ઝગમગ થતી ચકાચૌંધ રોશની અને લાઉડ મ્યૂઝિકનાં સથવારે નાચતાં જૂવાનિયાઓએ ક્લબની અંદરનો માહોલ રીતસરનો ગરમ કરી મૂક્યો હતો.

ગુસ્સાથી ધમધમતો ડેની પેગ ઉપર પેગ ઠપકારી રહ્યો હતો. જીમીએ તેનો ’ઈગો’ હર્ટ કર્યો હતો. જે બખૂબીથી તેણે તેના હાથમાંથી તેની જ ગન ખેંચીને તેની ઉપર તાકી હતી એ દ્રશ્ય હજું પણ નજરો સામે તરવરતું હતું. એટલું ઓછું હોય એમ માનસાએ પણ તેનો સાથ દેવાને બદલે જીમીનો સાથ દીધો હતો એ વધારે કઠયું હતું. વળી તેણે ડેડીને કહી દેવાની ધમકી પણ ઉચ્ચારી હતી. ડેડીનું નામ આવતાં અચાનક જ તેના મોમાં કડવાહટ ફેલાય અને ટેબલ ઉપર પડેલો આખો ગ્લાસ તે એક જ ઘૂંટમાં ખાલી કરી ગયો. એ સાથે જ તેને અંતરસ ઉપડી અને તે ખાંસવા લાગ્યો. તેની આંખોમાં પાણી ધસી આવ્યું.

“રીલેક્ષ બોય.” વિક્રાંતે તેના ખભે હાથ મુક્યો. તે ક્યારનો ખામોશીથી ડેનીની બાજુમાં બેસીને તેને નીરખી રહ્યો હતો. તે ક્યારેય ડેની જેવો ઉશ્કેરાટ અનુભવતો નહી. તે ખામોશીથી પોતાનું કામ કરવામાં માનતો.

“એ હરામખોર… જીમી… હું નહી છોડું તેને. તેને અને માનસાને… બન્નેને બતાવી દઈશ કે ડેની શું ચીજ છે. એન્ડ યુ…” વિક્રાંતનો હાથ ઝટકતા તેણે તેની તરફ આંગળી લાંબી કરી. “તને કોણે અમારી વચ્ચે પડવાનું કહ્યું હતું. હું… હું…. “ વળી તેને ખાંસી ઉપડી એટલે બાકીનાં શબ્દો તેના જ ગળામાં અટવાઈ ગયા. વિક્રાંત કંઈક બોલવા જતો હતો કે એકાએક તે અટક્યો. તેની નજરો ડિસ્કોથેકનો દરવાજો ખોલીને અંદર દાખલ થતા એક યુવક તરફ મંડાઈ. તે એને ઓળખતો હતો. એ રોની હતો. જીમીનો દોસ્ત રોની. વિક્રાંત સજાગ થયો. તેની ઠંડી, ક્રૂર આંખોમાં એકાએક શૈતાની ચમક ઉભરી આવી.

(ક્રમશઃ)