25 જુલાઈ 2016
અર્ચના જાણતી હતી સેક્ટર-11 હવે થોડા દિવસ માટે જ એનું હતું. એ સેકટર 11 ના પોતાના ઘરના દરવાજાથી થોડેક દુર ઓટોમાંથી ઉતરી ત્યારે ઘરની આસ-પાસ નીરવતા વ્યાપેલી હતી. રાત્રીના બાર એક વાગ્યાનો સમય હતો ને એ સમયે સેકટર 11 માં નીરવતા હોય એ નવાઈની વાત ન હતી.
પાછલા એક વર્ષમા અર્ચનાનું જીવન ઘણા વળાંકો લઇ ચુક્યું હતું. શ્યામને નોકરી મળી એ ખુશીએ ખુશીના સમાચાર સાંભળ્યાને એકાદ વર્ષ જેટલો સમય થઇ ગયો હતો અને ત્યાર બાદ એને ફરી ક્યારેય કોઈ ખુશીના સમાચાર સાંભળવા મળ્યા જ નહોતા. એ મનમાં બબડી પ્રિતું મારા જીવનમાં આવી ત્યારથી જ બધું ડહોળાવા લાગ્યું હતું અને આજે જિંદગી એક એવા મોડ પર આવીને ઉભી હતી જયારે અર્ચના પાસે કશું જ બચ્યું નહોતું. એ પોતાની નોકરી, મિત્રો, મમ્મી પપ્પનો વિશ્વાસ અને પોતાના પ્રેમ શ્યામને ગુમાવી ચુકી હતી.
જોકે હવે એની પાસે ગુમાવવા માટે કઈજ નહોતું. એણીએ બધા વિચારો ખંખેરી એક ઊંડો શ્વાસ લીધો અને મૃત્યુદંડ સ્વીકારવાની ઈચ્છા સાથે પોતાના ઘરની પ્રેમીસમાં દાખલ થઇ.
એ ઘરના પોલીસ કરેલા લાકડાના દરવાજા પાસે પહોચી અને ડોરબેલ વગાડી. એની ત્રણ ડોરબેલ પછી દરવાજો ખુલ્યો. એના પિતાને જોઇને એ ગુસ્સામાં બરાડી ઉઠી, “મેં આ ગઈ. અબ ખુશ...?”
“કયું આઈ...?” અર્ચનાના પિતા એને જોઈ ચોકી ગયા.
“આપને પૂરી પુલીસ ફોર્સ હમારે પીછે લગા દી થી. અબ આપ મુજે ખતમ કર શકતે હે. લેકિન શ્યામ આપકે હાથમેં નહિ આયેગા... કભી નહિ આયેગા...”
એ રૂમમાં પ્રવેશી. એના પિતાએ દરવાજો બંધ કર્યો. એની માતા એને વીંટળાઈ વળી.
“તું વાપસ કયું આઈ?” એની માતા પણ બોલી.
“આપને કેસ કિયા ઈસલીયે.”
“હમને કોઈ કેસ નહિ કિયા.” એની મમ્મી ચોકી ગઈ, એના ખભા પકડી એ બોલી, “હમે પતા થા તું શ્યામ કે સાથ ભાગી થી. હમ ભી ચાહતે થે કી તુમ્હારી શાદી શ્યામ સે હો જાયે. હમ ચાહતે થે કી તુમ ભાગકે શાદી કરો. સમાજ કે ડર સે તેરે પાપા તુમ દોનો કી શાદી નહિ કરવા શકતે થે. તુમે વાપસ નહિ આના ચાહિયે થા મેરી બચ્ચી.” એની મમ્મીના અવાજમાં ફિકર દેખાઈ રહી હતી પણ અર્ચના ચુપ રહી. એને વિશ્વાસ નહોતો થતો. બધું કઈક ન સમજાય એવું થયું હતું.
*
બીજે દિવસે તેઓ ચંડીગઢનું મકાન ખાલી કરીને સોનીપતમાં ગામડે ચાલ્યા ગયા.
અર્ચનાએ શ્યામને ફોન કર્યો પણ નંબર સ્વીચ ઓફ આવતો હતો. અઠવાડિયા પછી એને કોઈ મોટો પોલીસ અફસર મળવા આવ્યો હતો જે એના પિતાજીનો ફ્રેન્ડ જ હતો. એ પોલીસ અફસરના સવાલો પરથી એને ખબર પડી ગઈ કે શ્યામે એની સાથે મોટો વિશ્વાસઘાત કર્યો હતો. એનો ઉપયોગ કરીને શ્યામે હોમ મીનીસ્ટરની કેટલીક ફાઈલો ચોરી હતી. ઓફિશિયલી કોઈ પોલીસ ફરિયાદ નોધાઇ ન હતી એટલે અત્યારે એ સલામત હતી પણ શ્યામ ન મળે ત્યાં સુધી એને કયાંય ન જવાની પોલીસ અધિકારીએ સલાહ અને ચેતવણી આપી હતી. શ્યામના કારણે એની નોકરી ગઈ હતી. એના પિતાજીએ સમાજમાં એ ભાગી ગઈ છે એ વાતની કોઈને ખબર પડવા દીધી ન હતી પણ માતા-પિતા અને ભાઈ આગળ એની કોઈ ઈજ્જત નથી રહી એવો એને એહસાસ થતો હતો.
દરેક દુઃખની દવા સમય છે એમ એના પિતાજીએ કહ્યું હતું અને એ દિવસો વિતાવવા લાગી હતી. એની જીંદગીમાં હવે કોઈ હેતુ રહ્યો ન હતો. એ પોતાની જાતથી નફરત કરવા લાગી હતી. શ્યામને એ એટલી નફરત કરવા લાગી હતી કે એ શ્યામ વિશે વિચારતી પણ ન હતી.
*
નવેમ્બર 9, 2016 અર્ચનાનો જન્મદિવસ હતો. પણ એને કોઈ ખુશી ન હતી. ખાસ એને મળવા એની નાની બહેન કાવ્યા સાસરેથી આવી હતી. આજે એની તબિયત સારી ન હતી. એને સવારથી ઝીણો ઝીણો તાવ આવતો હતો. એને ઉલટી અને ઉબકા પણ થઇ રહ્યા હતા. એની મરજી વિરુદ્ધ કાવ્યા એને ગનૌર ડોક્ટર પાસે લઇ ગઈ. ડોકટરે એને દવા આપી અને એનું બ્લડ સેમ્પલ લીધું. ડોકટરે એને આવતીકાલે લેબોરેટરી રીપોર્ટ લઇ જવા કહ્યું હતું.
*
નવેમ્બર 11, 2016
સવારના નવેક વાગ્યે જ ગનોરના ડોક્ટરનો અર્ચના પર ફોન આવ્યો હતો.
“કેસા લગ રહા હે અબ બેટી?” ડોકટરે પિતા જેમ પૂછ્યું.
એને જીવવાની કોઈ ઈચ્છા ન હતી છતાં તેણીએ ડોક્ટરને પૂછ્યું, “પેહલે જેસા. કોઈ ફરક નહિ હે. વાઈરલ ઇન્ફેકશન હે યા સિમ્પલ ફીવર?”
“ના ઇન્ફેકશન હે ના ફીવર.” ડોક્ટર બોલ્યા ત્યારે હસી પડ્યા.
“તો..?” એણીએ પૂછ્યું.
“ઘબરાને કી કોઈ બાત નહિ હે. મુબારક હો, બેટી, તુમ મા બનનેવાલી હો. એક દો દિનમેં અપને આપ ઠીક હો જાયેગા. તુમે યહાં આનેકી જરૂરત નહિ હે. પર તુમ કિસી મેટરનીટી ડોક્ટરસે હો શકે ઇતના જલ્દી મિલ લેના...” ડોકટરે ફોન મુક્યો.
તેને ખ્યાલ જ ન આવ્યો કે આ બધું ક્યારે બની ગયું હશે.
શ્યામનું બાળક..?
એક સમયે જે સોનેરી સપનું હતું એ આજે એને નર્ક સમાન લાગતું હતું. એ નાલાયકે મને ક્યાંયની ન છોડી. એનું મન ચકડોળે ચડ્યું. એ જેને નફરત કરતી હતી, જેણે એની જિંદગી બરબાદ કરી હતી એનો અંશ એના પેટમાં હતો!
આ વિચાર જ એના માટે અસહ્ય થઇ ગયો. એણીએ તરત જ દિલ્હીમાં એની બહેનપણી રીમાને ફોન કર્યો અને કહ્યું કે એ એક મુસીબતમાં ફસાઈ ગઈ છે અને એની જોડે આવી રહી છે. ફોન ઉપર બધી વાત નહિ થઇ શકે એટલે રૂબરૂ મળીને જણાવીશ એમ કહી એણીએ ફોન મૂકી દીધો.
નિર્ણય એણીએ તરત જ લઇ લીધો. એની મમ્મી પાસે જઈ કહ્યું કે એ થોડાક દિવસ મન હળવું કરવા માટે દિલ્હી રીમા પાસે જવા માંગે છે. મહિનાઓથી એ ઉદાસ રહેતી હતી એટલે એની મમ્મીને લાગ્યું કે વાતાવરણ બદલાશે તો એના મગજના વિચારો પણ બદલાશે એટલે એને જવાની પરવાનગી આપી.
સાંજે એ કાવ્યા સાથે નીકળી ગઈ. કાવ્યા સોનીપત ઉતરી ગઈ અને એ દિલ્હી રીમાના ઘરે ગઈ. એણીએ રીમાને બધી વાત કરી.
રીમાએ એને પૂછ્યું, “તુમ કબ કરવાના ચાહતી હો?”
એનો જવાબ હતો, “હો સકે તો અભી.”
કોઈ મોટી હોસ્પિટલ કે સારા ડોક્ટર આ કામ કરે નહિ એ રીમા જાણતી હતી એટલે એણીએ એક નાનકડું કલીનીક શોધી કાઢ્યું.
દસ હજારની લાલચમાં એ ડોક્ટર તૈયાર થયો. ડોકટરે એને બાર તારીખે રાતે આવવા કહ્યું કેમકે આવા કાળા કામ રાતે જ થતા હોય છે.
ક્રમશ: