શમણાંની શોધમાં - પ્રકરણ 14 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંની શોધમાં - પ્રકરણ 14

          મમ્મી-પપ્પા મને માફ કરજો. કદાચ હું ખોટો હોઈશ પણ મારા ઈરાદા ખોટા નથી. હું ચંડીગઢ જઈ રહ્યો છું અને ત્યાજ સેટલ થવાનો છું. કદાચ શ્યામના પિતાજી ખલીલ જિબ્રાનનું વાક્ય સ્વીકારી ચુક્યા હતા કે તમારા બાળકો તમારા છે પણ એમના વિચારો એમના પોતાના છે. તમે એમને તમારો પ્રેમ આપી શકો છો પણ તમારા વિચારો નહિ. એમના વિચારો એ જન્મે ત્યારે સાથે જ લઈને આવે છે. તો બીજી તરફ શ્યામ લાગણીઓથી ઘેરાઈ ગયો હતો.

          અર્ચનાએ એને કહ્યું હતું કે એ એને ભાડે રૂમ રાખવામાં મદદ કરશે. એ શ્યામને જરૂર પડશે તો નાણાકીય મદદ પણ કરશે. એ પાલનપુર રેલ્વે સ્ટેશન પહોચ્યો ત્યારે રાતના દસ વાગ્યા હતા. શ્યામને ખબર હતી કે ચંડીગઢ – બાંદ્રા એક્સપ્રેસ પોણા અગિયાર વાગ્યે આવવાની હતી. એ પૂરી પીસ્તાલીસ મિનીટ વહેલો હતો. શ્યામને થયું કે પિસ્તાલીસ મિનીટ જતાં વાર નહિ લાગે.

          પરંતુ એ પ્લેટફોર્મ પર પહોચ્યો ત્યારે એને જાણવા મળ્યું કે બાંદ્રા - ચંડીગઢ પુરા ચાર કલાક લેટ હતી. રાતના પોણા અગિયારે આવતી એ ટ્રેન રાતના ત્રણ વાગ્યે પ્લેટફોર્મ પર આવી ત્યારે પ્લેટફોર્મ પર શ્યામ અને ગણ્યા ગાંઠ્યા મુસાફરો હતા.

          શ્યામ ચાર કલાકથી ટ્રેનની રાહ જોઈ કંટાળી ગયો હતો પણ ટ્રેન આવી એટલે ઉત્સાહથી સ્લીપર કોચના S-5 કંપાર્ટમેન્ટમાં ચડ્યો. પોતાની બર્થ પર જઈને બેગને ચેઈન વડે સીટ સાથે બાંધી અને લોક માર્યું.

          ગરમી લાગતી હતી એટલે એણે ફેનની સ્વીચ દબાવી પણ એના નજીક પડતો ફેન એની જગ્યા પર નહોતો.

          ટ્રેનમાં પણ પંખા તોડી નાખે એવા દારૂડિયા આવતા હશે? શ્યામે એક નિસાસો નાખ્યો અને આડો થયો. પણ એ જાણતો નહોતો કે એ ફેન હમણાં થોડાક કલાકો પહેલા જ મલિક અને સાયમનની ઝપાઝપીમાં તુટ્યો હતો.

          શ્યામે બીજા ફેનની સ્વીચ દબાવી. ઠંડા પવનમાં એ વિચાર કરવા લાગ્યો. એ એટલો થાકી ગયો હતો કે સીધો ઊંઘી ગયો. ક્યારે ટ્રેન ઉપડી અને બારીમાંથી પવન ધસી આવ્યો એ પણ એને ખ્યાલ ન રહ્યો.

          દિલ્હી પહોંચ્યો ત્યારે અર્ચનાનો ફોન આવ્યો ત્યારે એ જાગ્યો હતો.

                                                                                                       *

          બીજા દિવસે સાંજે ચાર વાગ્યે શ્યામ ચંડીગઢ ઉતરવાનો હતો પણ ટ્રેન લેટ પડી એટલે રાતે આઠ વાગ્યે એ ચંડીગઢ રેલ્વે સ્ટેશન ઉતર્યો. એ સેક્ટર 17 આવ્યો ત્યારે રાતના સાડા આઠ વાગી ગયા હતા.

          અર્ચનાએ શ્યામ માટે રૂમ રાખી લીધી હતી. અર્ચના જે વિસ્તારમાં રહેતી હતી એ જ વિસ્તારમાં એ રૂમ હતી - માત્ર બે ઘર છોડીને.

          અર્ચનાએ મકાન માલિકને શ્યામનો પરિચય એની ઓફિસમાં કામ કરતા અજય નામના એક એમ્પ્લોયીના ગુજરાતી મિત્ર તરીકે આપ્યો. અર્ચનાએ આ બાબત શ્યામ ટ્રેનમાં હતો ત્યારે એને સમજાવી દીધી હતી અને એ પણ કહ્યું હતું કે મકાન માલિક સામે એ બંને એકબીજા માટે અજાણ્યા હોય એમ વર્તવાનું છે.

          શ્યામને રૂમ મળી ગઈ એટલે એનું એક મોટું ટેન્શન દુર થઇ ગયું.

          એ ખુડા અલી શેર, જ્યાં અર્ચના રહેતી હતી ત્યાં પહોચ્યો ત્યારે રાતના નવ વાગ્યા હતા. ઓટોમાંથી ઉતરીને અર્ચનાની રૂમ સુધી પહોચ્યો. એણે 83 નંબરનું મકાન શોધી કાઢ્યું. એ મકાનનો દરવાજો ખુલ્લો જ હતો. એ અંદર દાખલ થયો.

          “આઇએ...” એને જોઇને રૂમમાંથી એક પચાસેક વર્ષના આઘેડ બહાર આવ્યા.

          “મે ગુજરાત સે..”

          “બહોત દેર કર દી. સામને જો લડકી રહેતી હે વો આઈ થી ઔર આપકે લિયે કમરા રખ કે ગઈ હે...” એ શ્યામને વચ્ચે જ અટકાવી બોલ્યા.

          એ આધેડની પત્ની પણ બહાર આવી.

          “લડકી...? મેં અજય કા દોસ્ત હું. ઉસને મુજે આપકા હી એડ્રેસ દિયા હે. ખુડા અલી શેર મકાન નંબર 83...”  શ્યામે અજાણ્યા બનવાની કોશિશ કરતા કહ્યું.

          “આપ સહી જગહ પે હી આયે હો સાગર જી. વો લડકી ઔર આપકા દોસ્ત અજય એક હી દફતરમેં  કામ કરતે હે. અજયને ઉસકો બોલા હોગા. ઉસને કમરા રખા હે. ચંડીગઢમેં તો કમરે એસે વાયા વાયા હી મિલતે હે.” મકાન માલિક હસીને બોલ્યા.

          “આપને લડકી બોલાતો મેં સમજા મેં કહી ગલત જગહ પે આ ગયા હું સાયદ...”

          મકાન માલિકે હસીને એના હાથમાંથી બંને બેગ લીધી. શ્યામને એની રૂમ બતાવી.

          એ દસ બાય પંદરની રૂમ હતી પણ અર્ચનાએ પંદરસો ભાડામાં રૂમ રાખી હતી એટલે એને એ રૂમ સારો નહિ પણ શ્રેષ્ટ લાગ્યો. રૂમમાં એક ખુરશી હતી. એ એના પર બેઠો. અંકલે બંને બેગ નીચે મૂકી.  

          મકાન માલિક અંકલ નીચે ચાલ્યા ગયા પછી શ્યામે બેગ ખોલી. રૂમમાં બે કબાટ હતા. કબાટને કોઈ દરવાજા ન હતા. એણે એકમાં કપડા મુક્યા અને એકમાં પુસ્તકો.

          “ગદ્દા નહિ લાયે હો?” આંટી ક્યારે રૂમમાં આવ્યા એ શ્યામને ખયાલ પણ ન હતો.

          “સામાન જ્યાદા હો ગયા થા. કલ ગદ્દા તો ઇધરસે હી ખરીદ લુંગા.” શ્યામે કહ્યું.

          એ એક ચાદર જ લઈને આવ્યો હતો. ગુજરાતમાં ગરમી હતી પણ અહી એને ઠંડી લગતી હતી. આન્ટીએ એને એક ગાદલું અને એક ગરમ કામળો આપ્યા. એ થાકી ગયો હતો. એ ફર્શ પર જ ગાદલું પાથરીને એ ભૂખ્યો સુઈ ગયો.

                                                                                                        *

          ટ્રેનની મુસાફરીમાં થાકને કારણે શ્યામ બીજી સવારે મોડો ઉઠ્યો. એણે આંટીને પૂછપરછ કરી અને માહિતી મેળવી કે ખુડા અલી શેર એક નાનકડું ગામડુ હતું.

          ખુડામાં દસેક દુકાનો અને એમાંથી મોટાભાગની દુકાનોમાં ફાસ્ટ ફૂડ અને લંચ ડીનરની  સુવિધા હતી. બાકીની કરીયાણાની દુકાનો. ખુડાથી બે કિ.મી. દુર નયાગાવ છે જે પંજાબમાં ગણાય છે અને ત્યાં બજાર છે અને ત્યાંથી કારીયાણું, કપડા, વાસણ , ટીવી, ફ્રીજ જેવી દરેક ચીજ વસ્તુ મળી રહે.

          નયાગાવથી આગળ સેક્ટર-11 અને પછી પિ. જિ. આઇ. ખુડાની બીજી બાજુએ હરિયાણા અને પંજાબ સરકારના વિધાનસભા ભવન અને સચિવાલયો આવેલા છે. એ જ બાજુએ કન્સલ નામનું ગામડું છે જે પંજાબમાં પડે. ખુડાની ત્રીજી બાજુએ ખેતરોને ચોથી બાજુએ પહાડીઓ. ખુડા વાદીઓના ઢોળાવમાં આવેલું ગામડું છે. ખુડાના મકાનો પુરા થાય એટલે પહાડીની ટોચ આવી જાય જેના પર માતાજીનું મંદિર છે.

          આંટી જોડેથી માહિતી લઈને શ્યામ નયાગાવ ગયો. ગાદલું, ઓશીકું, પાણીનું કેમ્પર અને જરૂરી વાસણો ખરીધા. વળતા રસ્તામાં લંચ કરીને જ આવ્યો. ખુડા અને નયાગાવમાં પ્યોર વેજ પીરસતી દુકાનો ઓછી જોવા મળી. ખુડામાં ગુરુદ્વ્રારા નજીકની દુકાન એકદમ વેજ હતી કેમકે ગુરુદ્વારા નજીક નોનવેજ વેચવાની મનાઈ હતી.

          શ્યામ વેજ પીરસતી એક હોટલમાં જમ્યો. એ સ્થળે પચાસ રૂપિયામાં ભરપેટ જમવાનું મળતું. છ રોટલી અને બે શાક પણ શાકમાં સફેદ ચણા, દેશી ચણા, રાજમા, દાળ જેવા કઠોળ જ મળતા.

                                                                                                      * 

          સાંજે મકાન માલિક અંકલ જોબ પરથી આવી ગયા. એમના બે દીકરાઓ પણ જોબ પરથી આવી ગયા. અંકલ અને શ્યામ અર્ચનાની રૂમ પર ગયા. અંકલે અર્ચનાને શ્યામની ઓળખાણ આપી અને શ્યામને અર્ચનાની. જોકે એ બંને તો એકબીજાને પહેલેથી સારી રીતે જાણતા જ હતા.

          શ્યામે અર્ચનાનો રૂમ રાખી આપવા બદ્દલ આભાર વ્યક્ત કર્યો. અર્ચનાએ શ્યામને કહાસે હો..? ઔર કયાં કરતે હો...? જેવા સવાલો પૂછ્યા જેથી અંકલને શક ન પડે કે તેઓ એકબીજાને પહેલેથી જાણતા હતા..

                                                                                                      *

          મકાન માલિકના ઘરે દૈનિક ભાસ્કર હિન્દીમાં આવતું. ડીલીવરી બોયને શ્યામે કહ્યું એટલે એ શ્યામને ધ ટ્રીબ્યુનની એક કોપી પણ આપી જતો. ટ્રીબ્યુન કલાસીફાઈડમાં જે એડ આવતી ત્યાં શ્યામ કોલ કરતો અને ઈન્ટરવ્યું આપવા જતો. દસેક ઈન્ટરવ્યું આપ્યા છતાં કંઈ મેળ ન પડ્યો. એક બે કોલ સેન્ટરમાં ઈન્ટરવ્યું આપ્યા પણ એ લોકો માત્ર ચાર પાંચ હજાર પગાર જ આપવા તૈયાર થતા.

          અઠવાડિયા સુધી આમ નિષ્ફળ ઈન્ટરવ્યું આપ્યા એટલે શ્યામને નીરાશા ઘેરી વળી. એક સાંજે રૂમ પર આવી એ ખુબ ઉદાસ રહ્યો. એને ડર હતો કે જો નોકરી નહિ મળે તો એને પાછા જવું પડશે. નોકરીના તણાવમાં એ ખાસ્સા દિવસોથી અર્ચનાને પણ મળી શક્યો ન હતો. અર્ચનાને કોલ કરવાનું પણ મન ન થતું. 

          શ્યામના મોટાભાગના ઈન્ટરવ્યું એકાઉન્ટન્ટની પોસ્ટ માટે હોતા. ઈન્ટરવ્યુંઅર એને ટેલી પર કેટલીક એન્ટ્રીઓ કરાવતા. એ એન્ટ્રીઓ તો સાચી કરી શકતો પણ એની સ્પીડ ન હતી. એને ટેલી આવડતું પણ એણે ક્યારેય ટેલી પર કામ કર્યું નહોતું.

          આખરે એના નસીબે એને સાથ આપ્યો હોય એમ એને લાગ્યું હતું. 28 માર્ચ, 2015ના રોજ શ્યામ મણીમાંજરામાં બી.આર. સેફટી મટીરીયલ્સ લીમીટેડમાં ઈન્ટરવ્યું આપવા ઉપસ્થિત થયો. ઈન્ટરવ્યું લેનાર સાઠેક વર્ષનો બુઝુર્ગ હતો. શ્યામને દસ હજારના માસિક પગાર ની નોકરી મળી.

          શ્યામને હવે નોકરી મળી ગઈ હતી. એ દિવસે એ હર્ષભેર રૂમ પર આવ્યો.

          “જોબ મિલ ગઈ હે. જોબકે ટેન્શનમેં તુમે કોલ નહિ કર પાયા થા. એક તારીખસે જોઈનીંગ હે.” રૂમ પર આવતા જ શ્યામે એન્ટીક ખુરશીમાં લંબાવી અર્ચનાને કોલ કરી નોકરી મળી ગયાની ખુશખબરી આપી.

          “પાપા યહા થે ઈસલીયે મેં ભી આપકો કોલ નહિ કર પાઈ.. સોરી. અભી પાપા ઘર ગયે હે.”

          “મેં તુમસે મિલના ચાહતા હું...”

          “શામ કો મિલેંગે..”

          “ઠીક હે.” શ્યામે ફોન મુકતા કહ્યું. એ બહુ ખુશ હતો.

ક્રમશ: