Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 75

"કૉલેજ કેમ્પસ"ભાગ-75
પરી "ઓકે" એટલું જ બોલી અને ત્યાં કોઈ ચાલી જેવો એરિયા આવ્યો ત્યાં આકાશે એક્ટિવા રોક્યું અને કોઈકને ફોન કરીને પેલું પાર્સલ લેવા માટે બોલાવ્યા.
હવે પાર્સલ લેવા માટે કોણ આવે છે તે પરીને ખબર પડી જશે અને કદાચ પોલીસ તેને રેડહેન્ડેડ પકડી પણ લે? કારણ કે આકાશના એક્ટિવાની પાછળ પાછળ જ સમીર પોતાની કાર લઇને આવી રહ્યો છે અને માટે જ આજે પરી બિલકુલ બેફિકર છે.
હવે આગળ....
સમીર ધારત તો આકાશને અને પેલા પાર્સલ લેવાવાળા બંનેને બેફીકરાઈથી રેડહેન્ડેડ પકડી લેત પરંતુ તેને ચિંતા પરીની હતી જો તે અત્યારે આકાશને રેડહેન્ડેડ પકડી લે તો સાથે પરી પણ હતી એટલે પરીનું નામ પણ ન્યૂઝ પેપરમાં અને ટીવી ન્યૂઝ મીડિયા ઉપર પણ આવી જાય એટલે પરી માટે બધું ખોટી રીતે છપાય તે તો ડ્રગ્સની ટોળકીને પકડાવવાવાળી હતી તેને બદલે તે આ બધામાં સામેલ છે તેવું સાબિત થાય એટલે સમીર સાયલેન્ટ જ રહ્યો અને તેણે આ બધું જ જોઈ લીધું.
આકાશે પાર્સલ આપી દીધું પછીથી તે પરીને લઈને ત્યાંથી પાછો ફરી ગયો અને રસ્તામાં એક સરસ કેનની બનાવેલી રેસ્ટોરન્ટ આવતી હતી ત્યાં તેણે પોતાનું એક્ટિવા રોક્યું અને બોલ્યો, "ચાલ કોફી પીએ અને બેસીએ થોડીકવાર" પરી ઈન્કાર ન કરી શકી. બંને કોફી પીવા માટે બેઠાં એટલે આકાશે પોતાના પોકેટમાંથી સિગારેટનું પેકેટ બહાર કાઢ્યું અને એક સિગારેટ સળગાવી અને તેનો નશો ખેંચ્યો અને પછી પ્રેમસભર લાચાર નજરે પરીની સામે જોયું અને તેને પ્રપોઝ કર્યું કે, "પરી, તું મને ખૂબ ગમે છે. હું તને કોઈપણ સંજોગોમાં ભૂલી શકું તેમ નથી તારે લગ્ન તો મારી સાથે જ કરવા પડશે." અને આકાશ વધારે કંઈપણ આગળ બોલવા જાય તે પહેલાં જ પરીએ તેને કહ્યું કે, "આકાશ મેં તને પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે, મારા જીવનનો ગોલ કંઈક અલગ જ છે અને જ્યાં સુધી હું તે હાંસલ નહીં કરી લઉં ત્યાં સુધી બીજું કંઈ વિચારવાનો મારે માટે કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો."
આકાશ આજે પણ પરીના નકારાત્મક જવાબથી નારાજ થતો હોય તેમ બોલ્યો, "તો તું નહીં માને એમજ ને માય ડિયર?"
"હા, તું એ વાત ફરીથી ન દોહરાવે તે જ આપણાં બંને માટે સારૂં છે."
"પણ તું તો મારો ફોન પણ નથી ઉઠાવતી? હમણાંની તો તે મારી સાથે વાત કરવાની જ બંધ કરી દીધી છે!" આકાશે ફરીથી પોતાની નારાજગી વ્યક્ત કરી.
"હા, હું અમદાવાદથી આવી પછીથી મારી એક્ઝામ હતી અને હવે ફાઈનલ્સ આવી રહી છે. મને સમય જ નથી મળતો. હવે જેમ જેમ હું આગળ વધુ છું તેમ તેમ મારું સ્ટડી વધતું જાય છે એટલે હું કોઈની પણ સાથે વાત નથી કરી શકતી ઈવન મારા નાનીમા સાથે પણ હું વાત નથી કરી શકતી."
"એટલે હવે તું બહુ મોટી માણસ થઈ ગઈ છે એમ જ ને?"
"ના એવું કંઈ નથી પણ કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડે છે અને જે મેળવવું હોય તેની પાછળ જ લાગ્યા રહો તો જ તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો છો અને હું તે કરીને બતાવીશ." પરી મક્કમ અવાજે બોલી.
"એટલે ઈન શોર્ટ તું મારી સાથે વાત નહીં કરે એમ જ ને?"
"હા બસ એવું જ સમજી લે. હું અમદાવાદ આવવાની હોઈશ તો તને ચોક્કસ ફોન કરીશ."
"ક્યારે આવીશ અમદાવાદ?"
"હમણાં તો નહીં જ સિવાય કે કંઈ ઈમરજન્સી"
"આઈ પ્રે ટુ ધ ગોડ, કે કંઈ ઈમરજન્સી થાય અને તારે આવવું પડે!"
"એઈ સ્ટુપીડ, મારી નાનીમા માટે કંઈ આડુંઅવળું ન વિચાર.." અને પરીએ આકાશને પોતાના હાથ વડે સ્હેજ ધક્કો માર્યો.
"હાંશ, બહુ સારું લાગ્યું. ફરીથી એમ કર તો.." આકાશને પરીનો સ્પર્શ મીઠો લાગ્યો.
પરીએ આ વખતે તેને સ્હેજ એક ટાપલી લગાવી અને બંને જણાં જરા હસ્યા...
"ચાલ, હવે નીકળીશું. મને બહુ લેઈટ થઈ જશે." પરીએ કહ્યું.
"સ્યોર, ફરી ક્યારે મળીશું?"
"સીતાનું હરણ થયું.. હરણની સીતા થઈ કે નહીં. એવી વાત કરે છે ડફર જેવો.." પરી જરા અકળાઈને બોલી રહી હતી, "તને શુધ્ધ ગુજરાતીમાં કહ્યું તો ખરું, લખીને આપું? કે મારી પાસે ટાઈમ નથી એટલે હવે મને ફોન ના કરીશ હું અમદાવાદ આવીશ ત્યારે તને ફોન કરીશ."
આકાશે પરીની સામે બે હાથ જોડ્યા અને તે બોલ્યો, "ઓકે મારી માં નહીં કરું બસ." અને ફરીથી પરી અને આકાશ વચ્ચે હાસ્યનું મોજું ફરી વળ્યું.
આકાશ પરીને ત્યાં જ ડ્રોપ કરીને ગયો જ્યાંથી તેને પીકઅપ કરી હતી અને બંને એકબીજાને "બાય" કહીને છૂટાં પડ્યાં.
આકાશ માટે આજનો દિવસ યાદગાર હતો કદાચ પરી સાથેની આ મજેદાર મુલાકાત તેની છેલ્લી મુલાકાત હતી હવે પછી તે જો પકડાઈ જાય તો કદાચ પરીને તે એક ફ્રેન્ડ તરીકે પણ ગુમાવી બેસશે. વર્તમાન સમયની આ હકીકત છે કે, પોતાની ખરાબ આદતોના નશામાં ચકચૂર અત્યારના છોકરાઓ આવી સારી સારી છોકરીઓને ખોઈ બેસતા હોય છે. (આ વર્તમાન સમયના સમાજનું એક કડવું સત્ય છે...!! માટે આ વાર્તા ઉપરથી એક શીખ લેવા જેવી છે કે અત્યારની ભણેલીગણેલી હોંશિયાર છોકરીઓ એક સેકન્ડમાં કરોડપતિ પિતાના વ્યસની છોકરાઓને ઠુકરાવીને ચાલી જાય છે કારણ કે પોતે એટલી કેપેબલ હોય છે અને હોવી જ જોઈએ તેમ હું પણ માનું છું. આપનું શું માનવું છે? જણાવવા વિનંતી 🙏)
વધુ આગળના ભાગમાં...
શું આકાશ અને તેનાં સાથીઓને પકડવાના મિશનમાં સમીર કામિયાબ રહેશે?
શું આકાશની આ પરી સાથેની છેલ્લી મુલાકાત હશે?
મીડિયાવાળા બહુ સ્માર્ટ હોય છે ક્યાંકથી અને ક્યાંકથી લીંક શોધી કાઢતા હોય છે તો નક્કી કર્યા મુજબ પરીના નામનો આ મિશનમાં ક્યાંય ઉલ્લેખ તો નહીં આવે ને?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...

~ આપની જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/5/23