ખોફ - 17 - છેલ્લો ભાગ H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફ - 17 - છેલ્લો ભાગ

17

અમોલે આરસીના માથા પર મારેલા લાકડાના ફટકાએ આરસીના શરીરમાંની શકિત નિચોવી નાંખી હતી અને એટલે તે ચિતા પર ભયભરી આંખે અમોલ તરફ જોતી પડી હતી.

તો અમોલે સળગતું લાકડું ચિતા તરફ આગળ વધારી દીધું હતું. અત્યારે અમોલ ચિતાને અગ્નિ આપવા ગયો, ત્યાં જ તેના કાને માયાની વૅનનો હોર્ન અફળાયો. તેનો સળગતા લાકડાવાળો હાથ અટકી ગયો. તેણે વૅન તરફ જોયું તો વૅનની હેડ લાઈટ લબક-ઝબક, ચાલુ-બંધ થઈ રહી હતી અને હોર્ન વાગવાનું પણ ચાલુ હતું. વૅનની ડ્રાઈવિંગ સીટ પર કોઈ બેઠું હોય એવું લાગતું હતું.

‘માયા ! તું ગમે તેટલા હોર્ન વગાડીશ, પણ આટલી રાતના અહીં તને કે આ આરસીને કોઈ બચાવવા નહિ આવે. તું મારા હાથમાંથી બચવાના આવા હવાતિયાં બંધ કર.’ અમોલ ગુસ્સાભેર ચિલ્લાયો, ત્યાં જ ડાબી બાજુથી તેને પગલાંનો અવાજ સંભળાયો, તેણે તુરત જ ચહેરો ફેરવીને એ તરફ જોયું તો માયા દોડી આવતી દેખાઈ.

‘માયા અહીં છે, તો વૅનમાં કોણ છે ? !’ અમોલના મનમાં સવાલ જાગ્યો, ત્યાં જ વૅનનું હોર્ન વાગવાનું બંધ થયું. હેડ લાઈટો પણ ઝબકવાની બંધ થઈ અને વૅનના સી.ડી. પ્લેયરમાંથી ગીત ગૂંજવા લાગ્યું. એ ગીત કાને પડતાં જ અમોલના કાન ઊંચા થયાં, એના કપાળે કરચલીઓ પડી, તો ચિતાની નજીક પહોંચી ચુકેલી માયા પણ ચોંકી ઊઠી !

આ..., આ એ જ ગીત હતું જેની પર પચીસ વરસ પહેલાંની એ પાર્ટીમાં અમોલે એટલે કે પ્રિન્સે મંજરી સાથે ડાન્સ કર્યો હતો !

અને માયા માટે ચોંકાવનારી વાત એ હતી કે, એ ગીતની સી. ડી. તેની વૅનમાં નહોતી. પછી કોણ આમ સી. ડી. લગાવીને આ ગીત વગાડી રહ્યું હતું ? !

‘ક...કોણ છે, એ વૅનમાં !’ પચીસ વરસ પહેલાંના ગૂંજી રહેલા એ ગીતે અમોલના મગજને જાણે મુંઝવી નાંખ્યું, એના મનને બેચેન બનાવી નાંખ્યું. તે વૅન તરફ જોઈ રહ્યો.

વૅનનો ડ્રાઈવિંગ સીટવાળો દરવાજો ખુલ્યો, અને એક યુવતી બહાર નીકળી.

એ યુવતીને જોતાં જ અમોલની આંખો ફાટી. તેનું હૃદય ધબકવાનું જાણે બંધ થઈ ગયું. તે પત્થરનું પુતળું બની ગયો. તેના હાથમાંથી સળગતું લાકડું છટકી ગયું ને ઓલવાઈ ગયું.

તો માયાની હાલત પણ સારી નહોતી. તે આશ્ચર્યર્ના આંચકા સાથે-પહોળી આંખે એ યુવતી તરફ જોઈ રહી.

એ યુવતી બીજી કોઈ નહિ, પણ મંજરી હતી !

પચીસ વરસ પહેલાં અમોલના હાથે મરી ચુકી હતી એ મંજરી ! !

મંજરીએ અત્યારે પચીસ વરસ પહેલાંની એ પાર્ટીમાં પહેર્યો હતો એ જ ડ્રેસ પહેરેલો હતો. એેણે એ વખતવાળી જ મોજડી પહેરેલી હતી. એણે એ રીતના જ વાળ ઓળેલા હતા અને એ વખતના જેવા જ એેના ચહેરા પર હાવભાવ હતા. એેના ચહેરા પર મીઠું-ભોળપણ ભર્યું હાસ્ય ફરકતું હતું. એ પોતાની એ જ આગવી સ્ટાઈલ સાથે ચાલતી અમોલ તરફ આવવા લાગી.

અમોલને જાણે પોતાની આંખ પર વિશ્વાસ બેસતો નહોતો. ‘આ..આ તે શું જોઈ રહ્યો હતો ? !’ તેણે માયા તરફ જોયું : ‘માયા.., આ મંજરી...?’ અને તે સવાલ પણ પુરો કરી શકે એવી હાલતમાં નહોતો.

માયા કંઈ બોલી નહિ. પણ મનમાં બબડી : ‘લે, શયતાન ! મંજરી આવી ગઈ તારી સામે પોતાની મોતનું વેર વાળવા !’ અને માયાએ મંજરી તરફ જોયું.

અમોલે કાંપતાં ફરી મંજરી તરફ જોયું.

મંજરી તેની એકદમ નજીક આવી ચુકી હતી.

મંજરી તેની પાસે ઊભી રહી.

વૅનમાંથી હજુ પણ એ જ પચીસ વરસ પહેલાંનું ગીત ગૂંજી રહ્યું હતું.

મંજરીએ અમોલ સામે હાથ લંબાવ્યો.

‘ત..ત..તું...!’ અમોલ આગળ બોલવા ગયો, ત્યાં જ મંજરીએ પોતાનો હાથ અમોલના મોઢા પર મુકી દીધો.

અમોલ જાણે મંજરીના વશીકરણમાં-જાદુમાં આવી ગયોે ! અમોલ જાણે પચીસ વરસ પહેલાંના એ દિવસમાં ચાલ્યો ગયો ! ! અમોલે મંજરીના હાથમાં પોતાનો હાથ મુકયો.

મંજરી તેને લઈને ડાન્સ કરવા માંડી.

ચિતા પર લેટેલી આરસીના માથા પર અમોલે મારેલા લાકડાના ફટકાની કળ વળી ચુકી હતી. તેના માટે પણ આ દૃશ્ય ઓછું નવાઈ પમાડનારું નહોતું.

પચીસ વરસ પહેલાં તેના સાવકા પિતાના હાથે મરણ પામેલી મંજરી, મંજરીનું પ્રેત અત્યારે પાછું ફર્યું હતું અને એ રાતની જેમ જ અમોલ સાથે ડાન્સ કરી રહ્યું હતું !

આરસી એ બન્નેને ડાન્સ કરતાં જોઈ રહેતાં ચિતા પરથી ઊતરી. તેણે બાજુમાં ઊભેલી માયાનો હાથ પકડી લીધો.

મંજરીએ એ ગીત પર ડાન્સ કરતાં-કરતાં અમોલના ગાલ પર હાથ ફેરવ્યો. અમોલના મન-મગજ પર મદહોશી છવાઈ ગઈ હોય એમ તેની આંખો બંધ થઈ.

મંજરી મલકી, ત્યાં જ અમોલે આંખો ખોલી. એ જ પળે મંજરીનો ચહેરો એકદમથી જ પલ્ટાયો. એનો અડધો ચહેરો હાડપિંજર જેવો બની ગયો. અમોલના મોઢેથી ચીસ નીકળી ગઈ, ત્યાં જ મંજરીનો આખોય ચહેરો હાડપિંંજર જેવો બની ગયો. મંજરીએ પોતાનું મોઢું ફાડયું એ સાથે જ એમાંથી કોઈક વિચિત્ર જાતના જંતુઓ બહાર નીકળ્યા અને ધૂળની ડમરી ઊડે એમ અમોલના શરીરની આસપાસ ઊડવા લાગ્યા.

અમોલે એક જોરદાર ચીસ પાડી અને બીજી જ પળે તે ધબ્‌ દઈને જમીન પર ઢળી પડયો.

એ જીવ-જંતુઓ પળવારમાં જ ગૂમ થઈ ગયાં.

મંજરીના પ્રેતનું હાડપિંજરવાળું શરીર ફરી પચીસ વરસ પહેલાં જેવું બની ગયું.

મંજરીના પ્રેતે માયા તરફ જોયું.

માયાની આંખોમાંથી આંસુઓ નીકળવા માંડયાં. તેનાથી બન્ને હાથ જોડાઈ ગયા.

મંજરીના પ્રેતે માયા તરફથી નજર હટાવીને આરસી સામે જોયું અને તેની સામે એક ગમગીનીભરી મુસ્કુરાહટ રેલાવી.

અને આની બીજી પળે જ એેનું શરીર જાણે લીલા રંગના કાચનું બનેલું હોય એમ પારદર્શક બનવા માડયું. ત્રીજી જ પળે એેનું શરીર જાણે લીલા રંગની વરાળનું બનેલું હોય એમ વરાળ નીકળવા માંડી અને એ વરાળ હવામાં ઊડીને વિખરાવાની સાથે જ ધીરે-ધીરે એનું શરીર અદૃશ્ય થવા માંડયું. થોડીક પળોમાં તો મંજરીનું પ્રેત બિલકુલ અદૃશ્ય થઈ ગયું.

અને આ સાથે જ વૅનમાંથી ગૂંજી રહેલું એ ગીત સંભળાવાનું બંધ થઈ ગયું. વૅનની હેડલાઈટ ઝબકવાની બંધ થઈ.

આરસીની નજર સામે જે બન્યું હતું એ જાણે એ જીરવી શકી ન હોય એમ તેની આંખો સામે અંધારાં છવાયાં. તે બેહોશીમાં સરી ગઈ. તેને જમીન પર ઢળી પડતાં માયાએ બચાવી લીધી.

૦ ૦ ૦

આરસીની આંખો ખુલી અને તેણે જોયું તો તેનું માથું માયાના ખોળામાં હતું. તેણે બેઠી થઈ જતાં આસપાસમાં જોયું. તે સ્મશાનમાં જ હતી. વહેલી સવારનું અજવાળું ફેલાયેલું હતું. પોલીસની ચહેલ પહેલ વર્તાતી હતી.

‘કેમ લાગે છે, હવે ? !’ માયાએ પુછયું.

‘ઠીક છે !’ કહેતાં આરસીએ માથે બંધાયેલા પાટા પર હાથ ફેરવ્યો, ત્યાં જ તેની નજર ચિતા પર પડી. ચિતા પર મંજરીની લાશનો અંતિમ સંસ્કાર થઈ રહ્યો હતો.

‘માયા આન્ટી ! અમોલ અને ટાઈગર...!’ આરસી પોતાનો સવાલ પુરો કરે, ત્યાં જ બે સ્ટ્રેચરો લઈને ઍમ્બ્યુલન્સવાળા તેનાથી થોડેક દૂરથી પસાર થયા. એમાં એક સ્ટ્રેચર પર અમોલનું શબ પડયું હતું અને બીજા પર ટાઈગરનું શબ હતું.

‘આરસી !’ માયાએ હળવેકથી કહ્યું : ‘ડૉકટરોએ પોતાની પહેલી તપાસમાં આ બન્નેનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું નિદાન કર્યું છે.’

આરસી એ બન્ને શબને ઍમ્બ્યુલન્સમાં મુકાતાં જોઈ રહી.

ઍમ્બ્યુલન્સ રવાના થઈ, એટલે આરસીએ માયા સામે જોયું. ‘માયા આન્ટી મને ઘરે લઈ ચાલો. અમોલ કહેતો હતો કે એણે નીલને મારી...!’

‘હા, એણે લગભગ મને મારી જ નાંખ્યો હતો.’ આરસીની પીઠ પાછળથી નીલનો અવાજ સંભળાયો એટલે આરસીએ ઉછળીને ઉભી થઈ જતાં પાછળ જોયું તો નીલ તેની સામે મરકતાં ઉભો હતો.

‘નીલ !’ કહેતાં, એક ધ્રુસ્કું મુકતાં આરસી નીલને વળગી પડી.

‘અમોલને એમ કે, હું મરી ચુકયો છું. પણ હકીકતમાં હું બેહોશ થઈ ગયો હતો.’ નીલે આરસીના માથે વહાલથી હાથ ફેરવતાં કહ્યું : ‘હું હોશમાં આવ્યો અને અહીં દોડી આવ્યો ત્યારે તું બેહોશ હતી.’ અને તેણે આરસીને અળગી કરી ને એના આંસુ લુંછયા.

‘નીલ આવી પહોંચ્યો એટલે પછી અમે પોલીસને બોલાવી અને બધી વાત કરી દીધી.’ માયા બોલી, ત્યાં જ સબ ઈન્સ્પૅકટર કાટકર નજીક આવ્યો. ‘..કંઈક પુછવું હશે, ત્યારે બોલાવીશ. હવે તમે જઈ શકો છો.’ કાટકરે કહ્યુંં, એટલે આરસી માયા અને નીલ સાથે સ્મશાનની બહારની તરફ આગળ વધી.

‘માયા આન્ટી,’ આરસી બોલી : ‘હું મંજરીની વાતને એક કાલ્પનિક કથા માનતી હતી, પણ આ તો....’

‘....એક સાચી વાત નીકળી.’ માયાએ કહ્યું : ‘...અને આપણી સામે અને આપણી સાથે જે કંઈ બન્યું એ જો આપણે લોકોને કહીશું તો શું લોકો એને માનશે ?’

‘નહિ જ માને !’ આરસી  બોલી : ‘આ માનવા જેવી વાત જ કયાં લાગે છે.’

‘અને હવે ભવિષ્યમાં ધ્યાન રાખવાનું.’ નીલ બોલ્યો : ‘તમારા જેવી ગભરૂ છોકરીઓએ આવી ભયાનક વાતો નહિ કરવાની.’

‘હા, મારા  ભાઈ !’ કહેતાં આરસી હસી. નીલ અને માયાએ પણ હસવામાં સાથ પુરાવ્યો.

૦ ૦ ૦

નીલ આરસીના બેડરૂમમાં બેઠો હતો. તે આરસી સાથે ટી. વી. પર આવી રહેલા સમાચારો જોઈ રહ્યો હતો.

સમાચાર વાચક જણાવી રહ્યો હતો, ‘પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી એચ. કે. કૉલેજની સ્ટુડન્ટ્‌સના ગૂમ થવા પાછળનું રહસ્ય ખુલી ચૂકયું છે.

શહેરના એક શરીફ માણસ તરીકે જાણીતા મિસ્ટર અમોલ કે જેઓ પચીસ વરસ પહેલાં પ્રિન્સના હુલામણાં નામે ઓળખાતા હતા, એમણે એ વખતે મંજરીનું ખૂન કરીને એની લાશને એચ. કે. કૉલેજના ભોંયરામાં પડેલા પટારામાં પુરી દીધી હતી.

‘મંજરીની લાશ સુધી મિસ્ટર અમોલની સાવકી દીકરી આરસી પહોંચી હતી.

‘મિસ્ટર અમોલે પોતાના ખૂની હોવાનો ભેદ છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમાં એ નિષ્ફળ નીવડયા હતા. એમનું હાર્ટ ફેઈલથી મોત થયું હતું.

‘એ વખતે મિસ્ટર અમોલની સાથેના આ ગુનામાં સામેલ એમના દોસ્ત, એચ. કે. કૉલેજના ફૂટબોલ ટીમના કૉચ ટાઈગરનું મોત પણ હાર્ટફેઈલથી થયું છે.

‘મંજરીની શબના અિંતમ સંસ્કાર સાથે જ, પચીસ વરસ પુરાણા આ કેસનો અંત આવે છે.’

( સમાપ્ત )