સ્કૂલની એ બેન્ચ Mir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કૂલની એ બેન્ચ

તને યાદ ન હોય પણ મને યાદ છે. બારી પાસેની એ બેન્ચ, ને બારી પાસે મારી જગ્યા. એક દિવસ અચાનક તારું એ બારી પાસેથી પસાર થઈને સામે પાળી પર તારું બેસવું અને મારું સમગ્ર ધ્યાન તારામાં કેન્દ્રિત થવું. તું અહીં કેવી રીતે હોય શકે એ સવાલનું ઉઠવું. જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી તારું ભણતર તો પૂરું થઈ ગયેલું ને છતાં તારું ત્યાં હોવું મારા માટે એક નવાઈની વાત હતી. પણ હંમેશની જેમ બીજું કંઈ પણ વિચાર્યા વગર તને જોઈ લેવાની એ તક મારે ચૂકવી ન હતી. વર્ગમાં સર ભણાવતાં હતાં ને હું તને જોવામાં લીન હતી. આમ જ પિરિયડ પૂરો થયો, સ્કૂલ છૂટી, હું વર્ગમાંથી બહાર આવી ને તને જોતાં જોતાં જ એક આશાએ મારા મનમાં જન્મ લીધો કે કદાચ ફરીથી આવતીકાલે તું મને આ જગ્યાએ જોવા મળે ને એ આવતીકાલના વિચાર સાથે હું શાળાના એ પ્રાંગણની બહાર નીકળી ગઈ.
આમ તો તું મારા મામાનો મિત્ર, એટલે તને જોવાનો લ્હાવો ફક્ત મામાના ઘરે આવું ત્યારે મળે પણ આજે તો જાણે મારી લોટરી લાગી હોય એમ તું જોવા મળી ગયો. ઘરે આવી તો મામા ઘરે જ હતા એમને પૂછ્યું કે તું કેમ મારી શાળામાં હતો તો મામાએ જવાબ આપ્યો કે તારી શાળા કરતાં પહેલાં એ તો એની કૉલેજ છે અને ત્યારે મને યાદ આવ્યું કે અરે હા, મારી શાળા તો એક કૉલેજમાં ચાલે છે. અને ફરી મનમાં તને રોજ ત્યાં જોવાની લાલચ જાગી ને તું આવતો પણ ખરો. બસ તને જોઈને હું ખુશ થતી, ખૂબ ખુશ થતી. ચાર વર્ષ - બે વર્ષ શાળાના અને પછી એ જ કૉલેજમાં એડમીશન લીધું - મેં તને મામાના ઘર સિવાય ત્યાં જોયો પણ ક્યારેય હિંમત ન થઈ તારી સાથે વાત કરવાની કે તને એમ કહેવાની કે હું તને ખૂબ પ્રેમ કરું છું. અને અચાનક તારું આવવાનું બંધ થઈ ગયું.
ખબર પડી કે તું તો લગ્ન કરી આ શહેર છોડી કોઈ બીજા શહેરમાં ચાલ્યો ગયો અને હું ભાંગી પડી. ડિપ્રેશનમાં આવી ગઈ. એક જ સવાલ હતો મનમાં કે હું તને જોતી હતી તો તું પણ તો મને જોતો હતો. તને ક્યારેય મારી આંખોમાં તારા પ્રત્યેનો પ્રેમ કે તને જોવાની તડપ ન દેખાય ? બસ આ જ સવાલ સાથે આખી જીંદગી પૂરી થવા આવી. હવે જીવનની સંધ્યાએ તું ફરી મને જોવા મળ્યો. હવે ઉંમરનો એ પડાવ હતો કે બદનામી ની બીક ન હતી. સમાજનો ડર ન હતો કારણ બંને પોતપોતાના સંસારમાં સુખી હતા. છતાં ઔપચારિક વાત કરતાં કરતાં વર્ષોથી દિલમાં ઉઠેલો સવાલ તને પૂછાય જ ગયો અને તારો જવાબ પણ મળ્યો. પરંતુ હવે એ સવાલ કે જવાબનો કંઈ અર્થ ન હતો. કેમકે તું અને હું સંગાથે ચાલવા ઈચ્છતા હતા પણ મારી શરમ અને તારી આર્થિક પરિસ્થિતિએ આપણા રસ્તા અલગ કરી દીધા હતા. કોઈ પણ ખુશી હોય તો મારે તને કહેવી હતી પણ તું ન હતો. હવે ખબર પડી કે તું પણ તો મને એમ જ દરેક ખુશીમાં યાદ કરતો હતો. મારી જેમ ઈચ્છતો હતો કે મારી સાથે તારા જીવનની દરેક પળ જીવે પણ હવે એ વિચારનો કોઈ મતલબ નથી.
પણ સૌથી મહત્વની વાત એ છે કે મૃત્યુ પહેલાં તને જોવાની અને મારો પ્રેમ દર્શાવવાની એક તક મને મળી. તું પણ તો મને જોવા જ આવતો હતો, પ્રેમ તો તને પણ મારાથી હતો એ જાણવાની મને તક મળી. ભલે રહ્યા આપણે અલગ અલગ પરંતુ સ્કૂલની એ બેન્ચ અને બારી મારી જેમ તારા હ્રદયમાં પણ જીવંત છે એ બહુ છે જીવનથી મૃત્યુ સુધીનો માર્ગ સરળ કરવા માટે. આપણી જેમ જ એ બેન્ચ અને બારી સાથે કંઈ કેટલીયે પ્રેમ કહાનીઓ હશે. કેટલીક પૂરી થઈ હશે ને કેટલીક આપણી જેમ અધૂરી રહી ગઈ હશે.
ભલું થજો સોશિયલ મિડિયા શોધવાવાળનું કે એના કારણે કેટલીયે અધૂરી પ્રેમ કહાનીના સવાલોના જવાબ વર્ષો પછી પણ મળ્યા તો ખરા.