બીજા દિવસે સવારે મેઘનાબહેન અને રમીલા રાબેતા મુજબ પાંચ વાગ્યે ઊઠી ગયાં. નિત્ય કર્મથી પરવારી બેય જણે પૂજાઘરમાં પ્રભુ સમક્ષ દીવો કરી રસોડું આરંભ્યું. મેઘનાબહેનની સાલસતા અને રમીલાનાં સહકારના લીધે તેની માતાનો સંકોચ પણ ઘણાં અંશે ઓછો થઈ ગયો હતો. તે પણ નહાઈને રસોડામાં મદદ કરવા આવી ગઈ. ચા તૈયાર થતાં રમીલાએ ગાળીને ત્રણ કપ ભર્યાં અને મેઘનાબહેને વેજીટેબલ ઈડલી અને ચટણી ત્રણેયની પ્લેટમાં પીરસ્યાં અને ઈડલી કૂકરનો ગેસ સ્ટોવ બંધ કર્યો
બહાર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો તેમાં આ ગરમાગરમ ચા અને ઈડલી હૂંફ આપી રહ્યાં હતાં. ત્રણેય મા-દીકરી અલપઝલપની વાતો કરતાં નાસ્તો કરી રહ્યાં હતાં ત્યાં જ સમીરભાઈ બેડરૂમમાંથી બહાર આવ્યા અને ડાઇનિંગ ટેબલ પાસે આવતાં મેઘનાબહેનને ઉદ્દેશીને બોલ્યાં, "મેઘના, ગઈકાલે હું બહુ જ થાક્યો હતો એટલે આજે રજા રાખું છું. આમ પણ હવે આગળનું કામ મારાં મેનેજરે જ પૂરું કરવાનું છે. જરૂર પડ્યે ફોનથી તેમના સંપર્કમાં રહીશ."
થોડું અટકીને આગળ ઉમેર્યું, "... અને હા, આ નવલરામના ભાઈનો ફોન નંબર છે. તેની સાથે વાત કરીને આજે આપણે મકાનો જોઈ લઈએ. તમે લોકો તૈયાર થાવ એટલે મને કહેજો." પછી રમીલાના માથે હેતથી હાથ ફેરવી ઓરડામાં ફ્રેશ થવા ગયાં.
રમીલા અને મેઘનાબહેનની આંખો મળી અને મૂકસંવાદ રચાયો, 'દીકરીની વિદાય માંડવે જ કલ્પી હતી પણ આ તો થોડું વહેલું જ થઈ ગયું.'
'મોટી મા, મેં નહોતું વિચાર્યું કે તમને છોડીનેય ક્યારેક જવું પડશે.'
ચા માં આંસુની ખારાશ ભળતાં અટકાવવા મેઘનાબહેને પોતાના ડાબા હાથની હથેળી ઉંધી કરી આંખો લૂછી. રમીલા ખુરશીમાંથી ઊભી થઈ અને તે મેઘનાબહેનની કોટે વળગી પડી. રમીલાની માતાને તો દીકરી સાથે રહેવા જવાનું હતું પણ આ બેયને ભાવુક થયેલા જોઈ તેની આંખો પણ ભીની થઈ ગઈ.
બરાબર ટાણે જ નિખિલ ઊઠીને ફ્રેશ થઈ ડાઇનિંગ ટેબલ તરફ આવ્યો. મા-દીકરીની આ ભાવુક પળો જોઈ તે પહેલાં ઢીલો પડ્યો પણ વાતાવરણ સંભાળવા તરત જ સ્વસ્થતા ધારણ કરી બોલ્યો, "અરે, રમુ દી, તું દુઃખી ન થા. મમ્મીને હું એટલું વહાલ કરીશ કે એ તને તરત જ ભૂલી જશે. જો જે, તારો ફોન આવશે તો યે કટ કરી દેશે." અને બેસવા માટે ખુરશી ખેંચતા બોલ્યો, "ચાલ, ચાલ, ચા આપ."
તેનાં ધાર્યા મુજબ રમીલાએ બનાવટી ગુસ્સો કરી તેને ટપલી મારી અને કહ્યું, "મોટી મા માટે તું જ પૂરતો હોત તો મને શું કામ લાવત? મારાં વિના તેમને ચાલે જ નહીં. તારા વગર તો... ચાલી જાય, બરાબરને મોટી મા?"
મેઘનાબહેન પોતાની જાતને સંભાળતાં બોલ્યાં, "મને કોઈ વગર નહીં ચાલે,પણ હવે તમારા લાડકોડમાં ભાગ પડ્યો છે મનુ અને સમુનો."
બેય ભાઈ-બહેન માથે હાથ મૂકી નાટકીય ઢબે બોલ્યાં, "અરે ભગવાન! આ તો અમારૂં જ પત્તુ કપાયું."
પછી ગુસપુસ કરતાં બેય નાસ્તો કરી રહ્યાં. સાડા દસ સુધીમાં બધાં તૈયાર થઈ ગયાં. નવલરામનાં ભાઈ ભરતકુમારને ફોન કરી નિખિલ સિવાય બધાં મકાન જોવાં નીકળ્યાં. નિખિલ બધાંને વળાવી ઘરનો મુખ્ય દરવાજો
બંધ કરી વાંચવા બેઠો. પેટ ભરીને નાસ્તો કર્યો હતો, ઉપરાંત મેઘનાબહેન તેનાં માટે શાક-રોટલી બનાવીને જ ગયાં હતાં જેથી તે સમયસર જમી શકે.
આ તરફ સમીરભાઈએ ડ્રાઈવિંગ સીટ સંભાળી અને મનુને બાજુની સીટ ઉપર બેસાડ્યો. પાછળની બે સીટમાં બાકી સભ્યો ગોઠવાઈ જતાં ગાડી ભરતકુમારના આપેલ સરનામે નીકળી પડી. મેઘનાબહેન અને રમીલાની સાથે બેઠેલ સમુ બારીમાંથી બહાર જોતાં અનેક પ્રશ્નો કરી રહી હતી જેનાં જવાબો તે બંને તેને ધીરજ અને પ્રેમથી આપી રહ્યાં. મનુ ગાડી કઈ રીતે ચાલે છે તેની જાણકારી સમીરભાઈ પાસે મેળવી રહ્યો હતો. સમીરભાઈ રમીલા અને નિખિલની કિશોરાવસ્થાનાં આવાં જ કૌતુહલભર્યાં સમયને યાદ કરતાં તેને જવાબ આપતાં હતાં. મનુના માતા-પિતા પણ થોડીઘણી સમજણ સાથે સમુ અને મનુની વાતો સાંભળતા જાણકારી મેળવતાં રહ્યાં અને મલકતાં રહ્યાં. લગભગ સવા કલાકમાં તેઓ ભરતકુમારે મોકલેલ લોકેશન ઉપર પહોંચી ગયાં.
સમીરભાઈએ ભરતકુમારનો મોબાઈલ ફોન નંબર જોડ્યો અને નજીકમાં જૂની ઢબનો સફારી સૂટ પહેરીને ઉભેલા, થોડાં વયસ્ક વ્યક્તિનાં ફોનમાં રીંગ વાગી. તેણે સ્ટોર કરેલ નામ વાંચી ફોન ઉઠાવી કહ્યું, "બોલો, બોલો, સમીરભાઈ. કેટલેક પહોંચ્યા?"
ભરતકુમારનું વાક્ય પૂરું થતાં સુધીમાં સમીરભાઈ સફારીધારી વ્યક્તિની નજીક આવી ગયાં અને બોલ્યા, "અરે, ભાઈ! પહોંચી જ ગયો."
સફારીવાળી વ્યક્તિને ફોનમાં અને બહાર એક જ સરખું વાક્ય સંભળાતાં તેણે બોલનારનાં અવાજની દિશામાં જોયું અને બોલી ઉઠ્યા," તમે જ... તમે જ સમીરભાઈ કે?"
સમીરભાઈ ફોન કટ કરી પોતાનાં ખિસ્સામાં મૂકતાં બોલ્યા, "હા, હા, હું જ સમીર. તમે જ ભ...".
તે વ્યક્તિ થોડે મોટેથી ખુલ્લા મનથી હસી અને બોલી, "હા, હા, હું જ ભરત. ચાલો બોલાવો ફેમિલીને. આપણે બે ફ્લેટ આ ઈમારતમાં જોવાનાં જે અને બીજાં માટે આગળ જવાનું છે."
ત્યાં સુધીમાં બધાં ગાડીમાંથી ઉતરી ગયાં હતાં. રમીલાએ ઈગ્નીશનમાંથી ચાવી કાઢી ગાડી લોક કરી અને તેઓ બધાં સમીરભાઈની નજીક પહોંચ્યા.
ક્રમશઃ
મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર.