Savai Mata - 21 books and stories free download online pdf in Gujarati

સવાઈ માતા - ભાગ 21

નવલકથા : સવાઈ માતા (ભાગ ૨૧)
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા
તારીખ : ૨૮-૦૪-૨૦૨૩

મેઘનાબહેને મનુને અને તેનાં માતા-પિતાને સાથે લીધાં અને લિફ્ટમાં બીજા માળ ઉપર ગયાં જ્યાંથી તેનાં કપડાં લેવાનાં હતાં. રમીલાએ સમુને લઈ તેનાં માટે મોજાં, હાથરૂમાલ તેમજ અંતઃવસ્ત્રો ખરીદી લીધાં. આજે સમુ પોતાને કોઈ પરીથી ઉતરતી નહોતી સમજતી. તે ખૂબ જ ખુશ હતી. તે બંને બિલ બનાવડાવી ઉપરના માળે ગયાં જ્યાં મનુનાં કપડાં લેવાઈ રહ્યાં હતાં.

મનુને મઝાનાં શર્ટ-પેન્ટની ટ્રાયલ લેતો જોઈ સમુ હરખાઈ રહી. થોડી જ વારમાં મનુ માટે ચાર જોડી શર્ટ પેન્ટ, પાંચ ટી-શર્ટ, બે કોટનની અને બે સ્પોર્ટસ શોર્ટસ લેવાઈ ગઈ. મનુ માટે જેકેટ પસંદ થઈ રહ્યું હતું ત્યાં સુધીમાં રમીલાએ તેનાં માટે પણ હાથરૂમાલ, મોજાં અને અંતઃવસ્ત્રો ખરીદી લીધાં. મનુ માટે પસંદ થયેલ કપડાંનું બિલ બનાવડાવી રમીલાએ ચૂકવણી કરી અને બધાં લિફ્ટમાં ત્રીજે માળ ગયાં. અહીંથી ટુવાલ, ચાદરો, ઓશિકાનાં કવર, રેક્રોનનાં ઓશિકાં, ગોળ-ચોરસ તકિયા, તેનાં કવર, બધાંને માટે ઓછાડ લઈ લેવાયાં જેથી ઘરની વ્યવસ્થા થયે સીધાં રહેવા જ જઈ શકાય. ઘણું બધું લેવાઈ ગયું હતું પણ હજી રમીલા અને મેઘનાબહેનનાં લીસ્ટ મુજબ ખરીદી બાકી હતી.

લગભગ ચાર કલાક થયાં હતાં અને બધાંને ભૂખ પણ લાગી હતી. છયે જણ લિફ્ટમાં પ્રવેશ્યાં અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવ્યાં જ્યાં કોફી, આઇસક્રીમ અને ફાસ્ટફૂડ મળતાં હતાં. મેઘનાબહેને બધાં માટે ફ્રેશ મેંગો આઈસ્ક્રીમ મંગાવ્યો જેથી થોડી ભૂખ શાંત થાય. મનુ અને સમુને ગઈ કાલે પણ આઈસ્ક્રીમ ખાવાની ખૂબ મઝા આવી હતી તેથી બેયને આજે વધુ એક - એક આઈસ્ક્રીમ ખાવો હતો. મેઘનાબહેને બેયને બીજો આઇસ્ક્રીમ ઘરે જઈને નિખિલ સાથે ખાવા સૂચવ્યું અને રમીલાએ બધાં માટે ફ્રેન્કી મંગાવી જેથી તેનાં માતા-પિતા સહેલાઈથી ખાઈ. શકે. મેઘનાબહેન તેની આ ચતુરાઈથી ખુશ થયાં.

હવે સીધાં ઘરે જ જવાનું હતું એટલે રમીલાએ બે ફેમિલી પેક આઈસ્ક્રીમ લીધાં અને નિખિલ માટે એક સેન્ડવીચ અને એક ફ્રેન્કી લીધાં. મનુએ અને સમુએ પોતપોતાનો સામાન ઉંચક્યો હતો. તે ઉપરાંતની ખરીદીનો સામાન રમીલાનાં માતાપિતાએ ઉપાડ્યો હતો. મેઘનાબહેન બેય બાળકોનાં સામાનનું ધ્યાન રાખતાં લિફ્ટમાં પ્રવેશ્યાં.

બધાં અંદર પ્રવેશ્યાં એટલે રમીલાનાં સૂચન મુજબ મનુએ ટચ પેડ ઉપર બેઝમેન્ટનું બટન દબાવ્યું. લિફ્ટ નીચે પહોંચતાં બધાં પોતે ઉંચકેલ સામાન સંભાળી રમીલાની પાછળ ગાડી તરફ જવા લાગ્યાં. આ વખતે રમીલાએ મનુને પોતાની બાજુમાં બેસાડ્યો અને તેને સીટબેલ્ટ બાંધતાં શીખવ્યું. મેઘનાબહેન પોતાનાં ઉછેર પર ખુશ થઈ રહ્યાં. રમીલાએ પોતાનો સીટબેલ્ટ બાંધી બધાં દરવાજા સેન્ટ્રલ લોકથી બંધ કરી ગાડીનું એક્સીલરેટર દબાવ્યું. બેઝમેન્ટમાંથી ઉપર આવતી ગાડી ફરી એકવખત ચગડોળની માફક ગોળ ચક્કર મારીને મુખ્ય રસ્તાને સમાંતર આવી. ઘરની દિશામાં ગાડી મધ્યમ ઝડપે હાંકીને લગભગ પચીસમી મિનિટે રમીલાએ બધાંને ઘરે પહોંચાડ્યાં.

દરવાજે ઘંટડી વાગતાં નિખિલ તરત જ બારણું ખોલી ઊભો. તે આખો દિવસ વાંચ્યાં પછી હવે થોડું ચાલવા જવા માંગતો હતો. મનુના માથે ટપલી મારતો તે મેઘનાબહેનને કહી ચાલવા નીકળ્યો. રમીલાએ તેને મોબાઈલ ફોન સાથે લીધો છે કે નહીં તે વિશે પૃચ્છા કરી. જવાબમાં તેણે પોતાનાં પેન્ટનાં ખિસ્સામાંથી ફોન બતાવ્યો.

બધાં ઘરમાં આવ્યાં. રમીલાનાં કહ્યાં મુજબ ખરીદેલો બધો સામાન તેનાં ઓરડામાં મૂકાયો. રમીલાએ ફ્રેન્કી અને સેન્ડવીચ એક પ્લેટમાં મૂકી ડાયનિંગ ટેબલ ઉપર મૂક્યાં અને આઈસ્ક્રીમ ફ્રીજમાં મૂક્યો. બધાંએ વારાફરતી કપડાં બદલીને હાથ-પગ-મોઢું ધોઈ લીધાં. લગભગ સાંજનાં સાત વાગ્યાં હતાં. મેઘનાબહેને પૂજાઘરમાં દીવો કરી ઓરડાઓમાં ધૂપ દીધો ત્યાં સુધીમાં નિખિલ આવી જતાં સમુએ તેને ડાયનિંગ ટેબલ ઉપર મૂકાયેલ પ્લેટ બતાવી. નિખિલે હાથ-પગ ધોઈ ફ્રેન્કી ખાધી પણ સેન્ડવીચ ફ્રીજમાં મૂકી.

મેઘનાબહેને ગુવારસીંગમાં ઢોકળી બનાવવા માટે લોટ બાંધ્યો. રમીલા અને તેની માતાની મદદથી પોણો કલાકમાં ઢોકળી અને ભાત તૈયાર થઈ ગયાં. મનુ અને સમુએ પીરસવા માટેનાં વાસણો નિખિલની મદદથી કાઢી ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધાં. દરવાજે ઘંટડી વાગતા નિખિલે દરવાજો ઊઘાડ્યો. સમીરભાઈ ઘરમાં આવ્યાં. બધાંને કામમાં મશગૂલ જોઈ મોં ઉપર આનંદ સાથે બેડરૂમમાં ગયાં. અડધા કલાકે જ્યારે ફ્રેશ થઈ બહાર આવ્યાં ત્યારે થાળીઓ પીરસાઈ રહી હતી. નિખિલે તેમની અને પોતાની થાળી લઈ ટેલિવિઝન સામેનાં ટેબલ ઉપર મૂકી. સમુ પણ તેનાં પિતા સાથે બહાર આવીને જમવા બેઠી.

જમી-પરવારી બધાં અડધો કલાક સાથે બેઠાં પછી આખો દિવસનાં થાકેલાં બધાંય સૂવા ગયાં. નિખિલ વાંચવા બેઠો અને રમીલા એક બિઝનેસ મેગેઝિન લઈ વાંચતી તેને કંપની આપી રહી. લગભગ રાત્રે બે વ્ગ્યે મસાલેદાર ચા પીને બેય ભાઈ-બહેન પોતપોતાનાં ઓરડામાં સૂવા ગયાં.

ક્રમશ:

*આવતીકાલની સવાર હવે કેવી પડશે તે માટે વાંચશો ભાગ ૨૧.

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED