Pranay Parinay - 37 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 37

પ્રણય પરિણય ભાગ ૩૭.


પ્રતાપ ભાઈની સાંભળીને મિહિરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.. તેને લાગ્યું કે તેના મગજની નસ ફાટી જશે. તેનાથી આપોઆપ તેનો હોઠ દાંત નીચે દબાઈ ગયો. હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું. ગુસ્સામાં એનું આખું શરીર કાંપી રહ્યું હતું.


'અરે! ચૂપ..' મિહિર અચાનક બોલી ઉઠ્યો: 'તમે સ્ત્રીઓને પગલુછણીયું સમજવા વાળા લોકો છો.. તમારુ ઘર ગઝલને લાયક જ નથી.. મે તો ફક્ત એટલું કહેવા માટે ફોન કર્યો છે કે અમારી ગઝલએ વિવાન શ્રોફ સાથે લગ્ન કરી લીધા છે.. એ જ વિવાન શ્રોફ કે જેના જૂતાંમાં પગ નાખવા માટે પણ તમારા મલ્હારને સાત જનમ લેવા પડે.. સસરાની સંપત્તિ હડપ કરનાર માણસોને ખાનદાન કોને કહેવાય તેની શું ખબર પડે.. ચલ ફોન મૂક..'


મિહિરનુ શરીર હજુ ધ્રુજી રહ્યું હતું એ શું બોલી ગયો, શું કામ બોલી ગયો એ તો એને પોતાને પણ ખબર નહોતી.

મિહિર ફોન પર જે બોલ્યો એ સાંભળીને રઘુ ખુશીથી ઉછળી પડ્યો. એકદમ જોશમાં આવીને એ હાથની મુઠ્ઠી વાળીને ત્રણ વાર "યસ, યસ, યસ.." બોલ્યો.


'કંટ્રોલ રઘુ કંટ્રોલ..' હોઠના ખૂણેથી બોલીને વિવાને તેને વાર્યો.


કૃપાનો ચહેરો પણ મલકી ઉઠ્યો. મિહિરનું શરીર ગુસ્સામાં ધ્રુજી રહ્યું હતું. કૃપાએ ટેબલ પરનાં જગમાંથી ફટાફટ એક ગ્લાસમાં પાણી ભરીને તેને આપ્યું. એક ઘૂંટડો પાણી પીધા પછી તેણે વિવાન અને રઘુ સામે જોયુ.


'તમે લોકો હજુ ગયા નથી?' મિહિર બોલ્યો.


'એવું ન બોલાય.. જમાઈ રાજ છે..' કૃપા હસીને બોલી અને વિવાનને ઈશારો કર્યો.


વિવાનને તરત ટ્યુબલાઇટ થઇ. તે તરત ઝુકીને મિહિરને પગે લાગ્યો.


'સુખી રહો..' મિહિર તેની પીઠ પર હાથ મૂકીને બોલ્યો.


વિવાન કૃપાને પણ પગે લાગ્યો.

'અરે! અરે! મને પગે ના લાગવાનું હોય.' કૃપાને થોડુ ઓડ લાગતા એ શરમાઈ.


'તમે મારા સાસુની જગ્યાએ છો.' વિવાન એકદમ વિનમ્રતાથી બોલ્યો.


'પણ હજુ મેં તને માફ નથી કર્યો.' મિહિર આંખો ઝીણી કરીને વિવાનની સામે જોઈને બોલ્યો.


'મેં જે કંઈ કર્યુ છે તે ગઝલના ભલા માટે થઈને જ કર્યું છે, તેમ છતાં હું તમારી માફી માંગુ છું. તમે જે કંઈ સજા આપશો તે મને મંજુર છે.' વિવાન તેની સામે પોતાનુ માથું ઝુકાવીને ઉભો રહ્યો. તેની બાજુમાં રઘુ પણ નીચી મુંડી રાખીને ઉભો રહ્યો.


કૃપાએ મિહિર સામે જોઈને આંખોથી જ "માફ કરી દો બિચારાને." એવું સમજાવ્યું.


'ઠીક છે, પણ મારી એક શરત છે..' મિહિરે કહ્યુ.


'જી ભાઈ, કહો.' વિવાન એકદમ મૃદુતાથી બોલ્યો. રઘુ ફરીથી ખુશ થયો.


'તમારે વિધિવત ગઝલ સાથે લગ્ન કરવા પડશે.' મિહિરે પોતાની શરત જણાવી.


'જી મિહિર ભાઈ, તમારી ઈચ્છા જરૂર પુરી થશે. પરંતું હુ ઈચ્છુ છું કે ગઝલ મારો હૃદયથી સ્વીકાર કરે તે પછી જ હું અગ્નિની સાક્ષીએ વિધિવત તેની સાથે લગ્ન કરુ. ત્યાં સુધી અમે સાથે રહીશું પણ જ્યાં સુધી ગઝલ મને પ્રેમ કરતી ના થાય સુધી અમારો સંસાર શરૂ નહીં થાય. હું તમને વચન આપુ છું કે હું ગઝલને દુખ થાય એવું કામ ક્યારેય નહીં કરુ.' વિવાને કહ્યુ.


કૃપા અને મિહિર વિચારમાં પડ્યાં.


'ભાઈએ મંદિરમાં ભગવાન મહાદેવ સમક્ષ એવી પ્રતિજ્ઞા લીધી છે.' રઘુએ ચોખવટ કરી.


'ભાઈ, ભાભી.. તમે બંને પહેલાં છો, જેને મેં બધી સત્ય હકીકત કહી દીધી છે. તમને મારા ડેડીએ અમારા ઘરે આવવાનું આમંત્રણ આપ્યું છે.. મારી તમને એટલી જ વિનંતી છે કે તમે પ્લીઝ મારા ઘરમાં કોઈને આ હકીકત કહેતાં નહીં. કારણ કે એ લોકો આટલો મોટો આઘાત સહન કરી શકે તેમ નથી. કાવ્યાના અકસ્માત પાછળનું સત્ય પણ ઘરમાં મે કોઈને કહ્યુ નથી. મે બધાને એમ કહ્યું છે કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે અમે ભાગીને લગ્ન કર્યા છે.' વિવાન એકદમ નિખાલસતાથી બોલ્યો.


કૃપા અને મિહિર એકબીજા સામે જોઈ રહ્યાં.


'વિવાને આગળ કહ્યું: ગઝલને પણ કાવ્યા અને મલ્હાર વાળી વાત મેં કહી નથી. કેમ કે તેનાથી તેના મગજમાં કારણ વગર કાવ્યા તરફ તિરસ્કાર ઉભો થઈ શકે. મલ્હાર સાથેની તેની યાદો તાજી છે. તે એટલી આસાનીથી આ બધું માનવા તૈયાર નહીં થાય. કદાચ તે એવું માનવા લાગે કે કાવ્યાના લીઘે તેણે મલ્હારને ખોવો પડ્યો. અથવા તો મલ્હાર સાથે બદલો લેવા માટે થઈને મે તેની સાથે લગ્ન કર્યા.' વિવાન થોડી વાર અટક્યો.


પછી બોલ્યો: 'સરકારી કાગળ પર તો અમે પતિ પત્ની છીએ જ. પણ હું માનું છે કે લગ્ન એ કોઈ કોન્ટ્રેક્ટ નથી, એ તો જન્મોજન્મનું બંધન છે. ફકત બે શરીર જ નહી, જ્યારે બે હૃદય અને બે મન એક થાય છે ત્યારે તે બંધન પરિણયમાં પરિણમે છે. મારો પ્રણય ત્યારે જ પરિણય માં પરિણમશે જ્યારે ગઝલ મને મન, હૃદયથી સ્વીકારશે. હું તમને વિશ્વાસ અપાવું છું કે ગઝલ મારા ઘરે બિલકુલ એવી રીતે જ રહેશે જેવી રીતે તે અહીં રહેતી હોય. હું તેને ખુબ પ્રેમ કરૂ છું અને કરતો રહીશ. તેને મારી પલકોં પર બેસાડીશ. અને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરીશ. મારા કે મારા ફેમિલી મેમ્બર્સ તરફથી તેને કોઈ પણ પ્રકારની તકલીફ કે રોકટોક નહીં થાય.


એટલું બોલીને તેણે કૃપા અને મિહિર સામે જોયુ અને કહ્યું: 'હવે અમે નીકળીએ છીએ. હું અને ગઝલ તથા અમારુ ફેમિલી તમારા આવવાની રાહ જોઈશું.' વિવાન અને રઘુએ તેમની તરફ બે હાથ જોડ્યા અને રજા લીધી.

મિહિર અને કૃપાએ દરવાજા સુધી જઈને તેમને વળાવ્યા.


વિવાન ઘણો ખુશ હતો પણ રઘુ તો એના કરતાંય વધારે ખુશ હતો.


'ભાઈ તમને શું લાગે છે? મિહિર ભાઈ ડેડને સાચી વાત કરશે કે તમે સમજાવ્યું છે એમ જ કહેશે? અને ભાભી ઘરે જવાની જીદ કરશે તો?' રઘુએ ગાડી સ્ટાર્ટ કરતાં પુછ્યું.


'રઘુ.. મિહિર ભાઈ ડાહ્યા અને સમજદાર માણસ છે. અને મેં ગઝલને ખરા દિલથી પ્રેમ કર્યો છે. એટલે મને લાગે છે કે ભગવાન મારો સાથ આપશે. તું જ જોને અહિંયા આપણા ધાર્યા કરતાં પણ વધારે સારું પરિણામ મળ્યું ને? તો હવે આગળ પણ બધુ સારુ જ થશે.' કહીને વિવાને ઉંડો શ્વાસ લીધો.


'તમે તો પેલા શાહરૂખ ખાન જેવી વાત કહી.. આપ અગર કિસીકો શિદ્દત સે ચાહો તો પુરી કાયનાત તુમ્હે ઉસસે મિલાનેમેં લગ જાતી હૈ..' રઘુ એકદમ ફિલ્મી ઢબે બોલ્યો.


રઘુની ફિલ્મી સ્ટાઈલને લીધે વિવાનને હસવું આવી ગયું.

'ચલ હવે ગાડી હોસ્પિટલ લઈ લે..' વિવાન હસતા હસતા બોલ્યો.


**

વિવાન અને રઘુ ગયાં એટલે કૃપા અને મિહિર એકલા પડ્યાં.


'તમને પ્રતાપ ભાઈએ એવું તો શું કહ્યું કે તમે એટલાં બધા ઉશ્કેરાઈ ગયા અને ગઝલએ વિવાન સાથે લગ્ન કરી લીધાં છે એમ બોલી ગયા? મે તો આ પહેલા તમને ક્યારેય આટલા ગુસ્સામાં નથી જોયા.' કૃપાએ પૂછ્યું.

પ્રતાપ ભાઈ ફોન પર જે બોલ્યાં એ બધું મિહિરે કૃપાને કહ્યું. ગઝલ માટે જે શબ્દો પ્રતાપ ભાઈએ વાપર્યા હતા એ સાંભળીને કૃપાને આઘાત લાગ્યો.


'કોઈ માણસ આમ સાવ છેલ્લી પાટલીએ કેવી રીતે જઈ શકે? સારુ થયુ ગઝલના લગ્ન એ ઘરમાં ના થયા.' કૃપા બોલી.


'મને તેના શબ્દો સાંભળીને કંઇક થઇ ગયું.. હું મારા પર કંટ્રોલ જ ના કરી શક્યો. કોઈ માણસ સ્ત્રીઓ માટે આવા શબ્દો વાપરી શકે એજ મારા માનવામાં નથી આવતું. સાવ હલકટ માણસ છે એ.'


'સાચી વાત છે તમારી.. જુઓને આપણે મુંબઈ આવવા નીકળતા હતા ત્યારે સુમતિ બેને કહ્યું હતું ને કે ભગવાન કરે કે તમારી ગઝલના લગ્ન મારા મલ્હાર સાથે ના થાય.. નહિતર ગઝલની હાલત પણ મારા જેવી થશે.. એક માં ઉઠીને દિકરા માટે આવું ક્યારે બોલે?'


'હું પણ એ જ વિચારું છું કેટલા અધમ માણસો હશે ત્યારે જ તો એની સગી માં આવું કહેતી હશેને?'


'હાં, એજ ને..' કહીને કૃપા અટકી. પછી બોલી: 'હવે આપણે આગળ શું કરવાનું છે?'


'સૌ પ્રથમ તો આપણે ગઝલને મલ્હારથી દૂર રાખવી પડશે.. નહિતર એ પાછો એને ભોળવવાની કોશિશ કરી શકે છે. એનો બાપ ભલે લગ્નની ના પાડે પણ મલ્હાર આ અપમાનનો બદલો લેવા માટે કંઇ પણ કરી શકે છે.'


'ગઝલને જો મલ્હારથી દૂર રાખવી હોય તો તે વિવાનના ઘરે રહે એ જ યોગ્ય છે.' કૃપા બોલી.


'પણ ગઝલ માનશે? તે આ લગ્ન સ્વીકારશે?' મિહિરે કહ્યુ.


'કદાચ એટલી જલ્દી નહીં માને.. કારણ, તેના મનમાં વિવાનની જે ઇમેજ બની હશે તેને સુધારવામાં ઘણો સમય જશે. જ્યારે તેને સમજાશે કે વિવાન તેના માટે પરફેક્ટ છે અને તેના ભલા માટે જ આ બધું કર્યું છે, ત્યારે તે એને ખૂબ પ્રેમથી સ્વીકારશે.. ભલે ધીમે ધીમે, પણ તે સ્વીકારશે જરુર. બાકી હું મારી રીતે સમજાવીશ તેને.' એક સ્ત્રી તરીકે કૃપા સમજી શકતી હતી કે ગઝલ કેવું રિએક્ટ કરશે.


'આપણે તો વિવાનને સ્વીકારી લીધો પણ ગઝલ આપણને બધુ પૂછશે તો શું કહીશું?' મિહિરનાં મનમાં હજુ મુંઝવણ હતી.


'આપણે તે વિવાન પર છોડવું જોઈએ. ગઝલ હજુ નાદાન છે, એનુ સુખ શામાં છે તે જોવાની જવાબદારી આપણી છે. હું સમજાવીશ તેને.' કૃપા બોલી.


'હમ્મ.. ઠીક છે.' મિહિર બોલ્યો.


'આપણે સેલવાસ પોલીસને ગઝલ મળી ગયાંની જાણ કરી દેવી જોઈએ.' કૃપા બોલી.


'હાં. સાચી વાત છે તારી.' કહીને મિહિરે સેલવાસ પોલીસ કમિશનરને ફોન કરીને ગઝલ મળી ગયાના સમાચાર આપી દીધા.


**


ગઝલ દાદીના રૂમમાં જ ફ્રેશ થઈ પછી તૈયાર થઈને પાછલા ચાર પાંચ દિવસમાં તેની સાથે શું શું બની ગયું એ વિચારતી બેડ પર બેઠી હતી.


'વહુ બેટા..' દાદી અંદર આવતા બોલ્યા.


'હંઅઅ..' ગઝલ વિચારોમાંથી બહાર આવી.


'શું થયું? શું વિચારે છે?'


'ના, કંઈ નહીં.'


'તારા ભાઈ ભાભી આવે ત્યારે શું કહેવું એ વિચારે છે ને?'


ગઝલએ ચમકીને તેની સામે જોયું.

દાદીને તો વિવાને એમ જ કહ્યું હતું કે ગઝલ તેની સાથે ભાગીને આવી છે. એટલે એતો એમ વિચારતા હતા કે છોકરી તેના ભાઈ ભાભીનો સામનો કરતાં ડરતી હશે.


'બિલકુલ ગભરાઈશ નહીં, તું હવે શ્રોફ કુટુંબની વહુ છે. તને કોઇ કશુ નહીં કહે. તારા ભાઈ ભાભીને કૃષ્ણકાંતે સંદેશો મોકલ્યો છે. એ લોકો આવતા જ હશે.' દાદીએ સમાચાર આપ્યા.


'ભાઈ ભાભી આવે છે?' ગઝલ ખુશ થઈ ગઈ. વળી પાછી નિમાણી થઇ ગઇ. તેને એમ હતું કે તે પોતાના ઘરે જશે અને પછી ત્યાં જ રહેશે. એના બદલે મિહિર અને કૃપા અહીં આવવાના હતા. તેને મુંઝવણ એ થઈ પડી કે હવે અહીં ભાઈ ભાભીને બધુ કેવી રીતે કહેવું?


'એટલી બધી ફિકર નહી કર.. બધુ ઠીક થઇ જશે.. વિવાન છેને! એ બધું સંભાળી લેશે.' દાદી ગઝલના માથે હાથ ફેરવીને બોલ્યા.


'એના લીધે જ તો આ બધી રામાયણ થઇ છે.' ગઝલ મનમાં બોલી.


'તારા પિયરિયાં આવે એટલે હું કોઈને મોકલીશ તને બોલાવવા. ત્યા સુધી તું આરામ કર.'


તેણે હાંમાં માથુ ધુણાવ્યું. દાદી રૂમની બહાર ગયાં અને ગઝલ પાછી વિચારે ચઢી.


""


વિવાન અને રઘુ હોસ્પિટલમાં કાવ્યાને જોવા આવ્યા. વિવાન કાવ્યાની રૂમમાં ગયો. તેની પરિસ્થિતિમાં કશો ફેર પડ્યો નહોતો. નાની બહેનને આમ નિશ્ચેતન પડેલી જોઈને વિવાનની આંખો ભરાઈ આવી.


'ભાઈ, સંભાળો ખુદને.' રઘુ તેના ખભા પર હાથ મૂકીને બોલ્યો.


'હેલો વિવાન..' ડો આચાર્ય અંદર આવતા બોલ્યા.


'કાવ્યા સારી ક્યારે થશે સર?' વિવાન આંખો લૂછતાં બોલ્યો.


'શ્રધ્ધા અને હિંમત રાખ વિવાન.. અત્યારે આપણી પાસે એનાથી સારી કોઈ દવા નથી. ડો. સ્ટીફનના કહેવા મુજબ આપણે એક એક કરીને બધા ટેસ્ટ કરી રહ્યા છીએ. અમુક ટેસ્ટ કાવ્યાને થોડી રીકવરી આવ્યા પછી થશે. કમજોર શરીર પર ઓપરેશન કરવાથી સફળતાના ચાન્સ ઘટી જાય છે એટલે આપણે થોડી ધીરજ રાખવાની જરૂર છે.

બટ યૂ ડોન્ટ વરી, મારે ડો સ્ટીફન જોડે રોજ વાત થાય છે અને હું તેને કાવ્યાની બધી અપડેટ નિયમિત પહોંચાડુ છું.' ડો. આચાર્યએ ખૂબ શાંતિથી વિવાનને કાવ્યાની અત્યારની પરિસ્થિતિ વિશે સમજણ આપી.


'તમારે જે કંઈ કરવું પડે એ બધુ કરો પણ જેમ બને તેમ જલ્દી કાવ્યાને સાજી કરો ડોકટર..'


'થશે, કાવ્યા જરુર સાજી થશે..' કહીને ડોક્ટરે વિવાનની પીઠ થપથપાવીને રૂમની બહાર નીકળી ગયા.


'રઘુ, કાવ્યાની સિક્યોરિટી હજુ ટાઈટ કર. પુરી હોસ્પિટલમાં અને બહાર બધે આપણાં માણસો ફેલાયેલા હોવા જોઈએ. મલ્હારને મારા અને ગઝલના લગ્નની ખબર પડશે એટલે તે અટકચાળું કર્યા વગર નહીં રહે.'


'જી ભાઈ, તમે બિલકુલ ટેન્શન નહીં લો, હું અને વિક્રમ પણ વારા ફરતી અહીં રહેશું.'

વિવાન કાવ્યાનો હાથ પકડીને તેની સામે જોતો બેઠો.


થોડી વાર પછી રઘુએ તેને ઘરે મિહિર અને કૃપા આવવાના છે યાદ કરાવતા કહ્યુ: 'ભાઈ, આપણે નીકળવું જોઈએ, ઘરે મહેમાન આવવાના છે.'


'હમ્મ.. ચલ નીકળીએ.' કહીને વિવાન ઉભો થયો, તેણે કાવ્યાના કપાળ પર એક ચૂમી ભરી, તેના માથે હાથ ફેરવ્યો અને ત્યાંથી નીકળી ગયો.


બીજી તરફ પ્રતાપ ભાઈએ વિચાર્યું કે મલ્હારનો ઘા હજુ તાજો છે, ગઝલ મળી ગઈ છે અને વિવાનને પરણી છે એ સમાચાર વિશે જો મલ્હાર જાણશે તો વળી પાછો એ વિવાનની અદેખાઇ કરશે અને ખમતીધર શ્રોફ કુટુંબ સાથે દુશ્મની વહોરી લેશે. થોડા દિવસો પછી એ હળવો થાય પછી કહીશ એમ વિચારીને તેણે ગઝલ વિષે હમણાં મલ્હારને કશું નહી કહેવાનો નિર્ણય કર્યો.


તેને ખબર નહોતી કે મલ્હારે ઓલરેડી વિવાન સાથે દુશ્મની વહોરી લીધી છે.

.

.


**

ક્રમશઃ


મિહિર અને કૃષ્ણકાંતની મુલાકાત કેવી રહેશે?


ગઝલ પોતાની વાત મિહિર કૃપાને જણાવવા માંગે છે પણ એ લોકોને તો વિવાને હકીકત જણાવી દીધી છે. તો હવે એ લોકો ગઝલને કેવી રીતે સમજાવશે?


પ્રતાપ ભાઈ મલ્હારને ગઝલ અને વિવાનના લગ્ન બાબત નહીં કહે, તો શું એ ક્યારેય આ વાત જાણી શકશે?


કાવ્યા હજુ ક્યાં સુધી હોસ્પિટલમાં રહેશે?


**


મારા પ્રિય વાચક મિત્રો, તમારા બધાના સાથ સહકારને લીધે આ નવલકથા પ્રણય પરિણય અત્યાર સુધીમાં ત્રીસ હજાર વાર ડાઉનલોડ થઈ ચૂકી છે. નવલકથાને પુષ્કળ પ્રેમ આપવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. 🙏🙏


❤ પ્રકરણ વાંચીને પ્રતિભાવ જરૂરથી આપશો ❤

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED