પ્રણય પરિણય - ભાગ 36 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 36

પાછલા પ્રકરણનો સાર:


વિવાન ધમકી મારીને ગઝલને ઘરે લઈ જાય છે, ઘરવાળાને એમ કહીને પટાવે છે કે ગઝલ અને તેની વચ્ચે પ્રેમ હતો પણ ગઝલના ઘરના જબરદસ્તી તેની મરજી વિરૂધ્ધ બીજા છોકરા સાથે લગ્ન કરી રહ્યા હતા એટલે તે આત્મહત્યા કરવા જતી હતી એમા મારે તેને ભગાડીને લગ્ન કરવા પડ્યા.

જોકે દાદી અને ફઈને તેની વાર્તામાં રસ નહોતો, તેને તો ગઝલ પહેલી નજરે જ પસંદ પડી ગઈ હતી એટલે તેઓ ખૂબ ખુશ હતા અને કૃષ્ણકાંતને પોતાની આબરુને છાજે એ રીતે દિકરો પરણાવવાની હોંશ હતી. છેવટે એક મોટી રિસેપ્શન પાર્ટી આપવાનુ નક્કી થાય છે.

આ બાજુ બેડરૂમમાં વિવાનની બદમાશીથી ગઝલ ડરી જાય છે પણ અચાનક વૈભવી ફઈ આવીને ગઝલને વિવાનના તોફાની ઇરાદામાંથી ઉગારી લે છે. હજુ તો ગઝલએ માંડ રાહતનો શ્વાસ લીધો હોય છે ત્યાં દાદી તેને વિવાનની મમ્મી જાનકીના દાગીના અને ઘરચોળુ, શેલુ આપે છે અને તે અવઢવમાં મુકાઈ જાય છે.

સામે વિવાનનુ પણ એવું જ થાય છે, એ ઘરવાળાને સમજાવવાની પળોજણમાંથી માંડ પરવાર્યો હોય છે ત્યાં કૃષ્ણકાંત મિહિર અને કૃપાને મળવા માટે ઘરે બોલાવવાનો આદેશ આપે છે.


હવે આગળ..


પ્રણય પરિણય ભાગ ૩૬


'ભાભીની ફેમિલીને ગમે કે ના ગમે પણ તમારા લગ્ન થઈ ગયા છે એ હકીકત છે. તમને સ્વીકારવા સિવાય તેમની પાસે બીજો કોઈ ઓપ્શન નથી. એક તો શ્રોફ ગૃપનો પાવર અને પહોંચની એ લોકોને ખબર છે. બીજું કે આ લગ્નની વાત કાલ સવારે બધે જ ફેલાઈ જશે. ત્રીજી વાત કે હવે તમે કાયદેસર પતિ પત્ની છો, એટલે તેઓ ધારે તો પણ ભાભીના લગ્ન બીજે ક્યાંય કરાવી નહીં શકે..'

સામાન્ય રીતે રઘુનું કામ ઊલટા સુલટા સેટિંગ અને લોકો પાસેથી યેનકેન પ્રકારેણ કામ કઢાવી લેવાનું રહેતું એટલે એનુ મગજ પણ એવી રીતે જ વિચારતું હતું.


રઘુની વાત સાંભળીને વિવાન થોડું હસ્યો. પછી કહ્યુ: 'આપણે કોઈ બિઝનેસ ડીલ કરવા નથી જતાં ભાઈ.. મારા સાસરે જઈએ છીએ. આમા આપણે તારા ખેપાની આઇડિયા નથી વાપરવાનાં. આપણે એમને પ્રેમથી જીતવાના છે અથવા તો વિનમ્રતાથી હારી જવાનું છે.'


રઘુએ વિસ્મયથી વિવાન તરફ જોયું અને ગાડી મિહિર ભાઈના ઘર તરફ લીધી.


મિહિર અને કૃપા ગઝલની ચિંતા કરતાં કરતાં પોતાની રીતે તપાસ કરતા હતાં. અને ઘણા લોકોને પૂછપરછ પણ કરતાં હતાં એટલે લગ્નના દિવસે ગઝલ ભાગી ગઈ છે એવી વાત એના સમાજમાં બધે ફેલાય ગઈ હતી. લોકોને જવાબ દઇ દઇને પતિ પત્ની બંને કંટાળ્યા હતા. આ જ કારણે મિહિરને ઓફિસમાં જવું પણ ગમતું નહોતું એટલે સેલવાસથી આવ્યા બાદ તે ઘરે જ હતો.


'સાહેબ, નીચે મિ. શ્રોફ તમને મળવા આવ્યા છે.' એક નોકરે આવીને તેને કહ્યું.


'વિવાન શ્રોફ?' મિહિરે પૂછ્યું.


'હાં સાહેબ, એવું જ નામ કીધું હતું તેમણે.'


'ઠીક છે હું બે મિનિટમાં આવું છું...'


'જી.' કહીને નોકર ગયો.


વિવાન મને મળવા શું કામ આવ્યો હશે? મિહિર વિચાર કરતાં બોલ્યો.


'ગઝલ બાબત સાંભળ્યું હશે એટલે મળવા આવ્યો હશે, બીજુ શું હોય શકે!' કૃપાએ કહ્યુ.


'હં, એ બની શકે. ચલ..' મિહિરે કહ્યુ અને તેઓ બંને નીચે ઉતર્યા.


નીચે રઘુ અને વિવાન સોફામાં બેઠા બેઠા તેમની રાહ જોઈ રહ્યા હતા.


'નમસ્કાર વિવાન.. આવ આવ..' મિહિર પગથિયાં ઉતરતા બોલ્યો.


'નમસ્કાર..' વિવાને તેમને બંનેને નમસ્કાર કર્યા.


કૃપાએ એક હળવું સ્મિત કરીને નમસ્કાર કર્યા. પછી તે બંને સામેની સાઈડના સોફામાં બેઠા. વિવાન આજે થોડો નર્વસ હોય તેવું મિહિરના ધ્યાનમાં આવ્યું.


'વિવાન ભાઈ, આજે આ બાજુ ભૂલા પડ્યા.. કોઈ ખાસ કામ કે બસ અમસ્તા..?' મિહિરે વિવાનની નર્વસનેસ ઓળખીને મોટી સ્માઈલ કરીને પુછ્યું.


'હ.. અં.. આમ તો ખાસ કારણે જ..' વિવાને પહેલા રઘુ સામે અને પછી મિહિર સામે જોયુ.


'બોલો ને..'


'ગઝલ..' વિવાન એટલું જ બોલ્યો ત્યાં મિહિર અને કૃપાએ એકબીજા સામે જોયું પછી વિવાન તરફ જોયું.


'ગઝલનું શું..?' કૃપાએ આસ્તેથી પૂછ્યું.


'ગઝલ મારી પાસે છે.. આઇ મીન મારા ઘરે છે.' વિવાને શાંતિથી કહ્યુ.


'હેએએં.. ગઝલ તમારે ત્યાં છે? તમને ક્યાંથી મળી? કેમ છે એને? એ ઠીક તો છે ને?' કૃપાની આંખમાં પાણી આવી ગયાં. ગઝલ મળી ગઈ એ વાતથી તે ખૂબ ખુશ થઈ ગઈ હતી. મિહિર તો એની જગ્યાએથી ઉભો થઈ ગયો.


'હાં, એ એકદમ મજામાં છે..' વિવાન બોલ્યો અને પછી મિહિર સામે જોઈને કહ્યું: 'તમે બેસો મિહિર ભાઈ.'


'હાં, પણ એ તમારે ત્યાં કેવી રીતે પહોંચી?' મિહિરે બેસતાં પૂછ્યું.


'હું જ લઇ ગયો હતો.. અમે લગ્ન કરી લીધાં છે.' વિવાન બોલ્યો ત્યાં મિહિર અને કૃપા ચમકીને ઉભા થઈ ગયા.


'લગ્ન..?' મિહિરે આઘાત સાથે પૂછ્યું.


'હાં અમારા લગ્ન થઈ ગયા છે.' કહીને વિવાને રઘુને ઈશારો કર્યો. રઘુએ મેરેજ સર્ટિફિકેટ તથા બંને જણ એકબીજાને રિંગ પહેરાવતા હોય અને વિવાન ગઝલની માંગ ભરતો હોય એવા સેલવાસના ફાર્મહાઉસમાં પાડેલા ફોટા બતાવ્યાં. એ જોઈને મિહિર અને કૃપાને જોરદાર આંચકો લાગ્યો. વિવાન અને રઘુ શાંતિથી તેમને જોઈ રહ્યા હતા.


થોડી સેકન્ડ સુધી મિહિરના ઘરમાં સન્નાટો છવાઈ ગયો. કોઈ કશું બોલ્યું નહીં.


'મતલબ તમે જ એને કિડનેપ કરી હતી?' થોડીવાર પછી મિહિર ગુસ્સાથી બોલ્યો.


'હાં..' વિવાન શાંતિથી બોલ્યો.


'તમને ખબર છે તમે શું કર્યું છે મિ. વિવાન શ્રોફ? તમારા લીધે અમારી શું હાલત થઈ છે? સમાજમાં કેટલી બદનામી થઈ છે એનુ ભાન છે તમને? અને લોકો ગઝલ માટે કેવી કેવી વાતો કરે છે એની કલ્પના છે તમને?' ગુસ્સામાં મિહિરનો ચહેરો લાલઘૂમ થઈ ગયો.


'આઈ એમ સોરી મિહિર ભાઈ.. પણ મારા પાસે આના સિવાય બીજો કોઇ રસ્તો નહોતો.. ગઝલના લગ્ન અગર મલ્હાર રાઠોડ સાથે થયા હોત તો ગઝલની હાલત પણ મારી બહેન કાવ્યા જેવી હોત. અને હું તે કદાપિ સહન કરી શક્યો ના હોત.' વિવાન ધારદાર અવાજમાં બોલ્યો.


'મતલબ?' કૃપાએ પૂછ્યું.


'મારી બહેન સાથે જે કંઈ બન્યું એના માટે પૂર્ણપણે મલ્હાર રાઠોડ જવાબદાર છે. તેનો અકસ્માત નહોતો થયો, મલ્હારે તેના પર જીવલેણ હુમલો કરાવ્યો હતો. શ્રીમંત ઘરની છોકરીઓને ફસાવીને તેના સાથે પ્રેમનું નાટક કરીને તેમનો ફાયદો ઉઠાવવાનો અને મન ભરાઈ જાય એટલે તેને છોડી દેવાની આ જ તેનો ધંધો છે.' વિવાનની આંખમાં ક્રોધ છવાયો.


કૃપા અને મિહિરે એકબીજા સામે જોયું. તેને એટલું તો સમજાયું હતું કે વિવાનની વાત સાચી છે. મલ્હારના ચારિત્ર્ય વિષે તથા તેમના ઘરમાં સ્ત્રીઓની હાલત વિષે તેમને હમણાં જ જાણવા મળ્યું હતું. અને અત્યારે કાવ્યા વિશે સાંભળીને તેમને ખરેખર આઘાત લાગ્યો. પણ તેઓ વિવાનની વાત સાંભળી રહ્યાં.


'તમને હજુ સુધી મલ્હારના ખાનદાન અને તેના કુકર્મો વિશે પૂરે પૂરી જાણકારી નહીં હોય એટલે જ તમે તેની સાથે ગઝલનો સંબંધ કર્યો હશે એવું મારુ માનવુ છે. એક ચહેરો સભ્ય અને બીજો ચહેરો સ્વાર્થી, હલકટ. મલ્હારના બાપ પ્રતાપ ભાઈએ પણ જગતશેઠની એકની એક દીકરી સુમતિ બેન સાથે લગ્ન કરીને એનો આખો ધંધો હડપી લીધો હતો. એનો દિકરો તો એના કરતાંય બે કદમ આગળ છે.' વિવાન બોલ્યો.


મિહિર અને કૃપા એકબીજાની સામે જોઈ રહ્યાં.


વિવાને તેમને ફરીથી બેસવાનું કહ્યુ.

તેઓ બંને બેઠા પછી તેણે પોતાની વાત આગળ વધારી: 'છોકરીઓનો ઉપભોગ કરવો, યૂઝ કરીને ફેંકી દેવી. જો એની જાતે રસ્તામાંથી ના હટે તો તેની હત્યા સુદ્ધાં કરી નાખવામાં મલ્હારનું રૂંવાડુંયે ફરકતું નથી. તેને એક પત્ની નહીં પણ એક કહ્યાગરી ગુલામડી ઘરમાં જોઈતી હતી, જે સુંદર હોય, માં બાપની એકની એક હોય અને પૈસાદાર હોય. એના નસીબે ભલી ભોળી ગઝલ સામેથી તેના પ્રેમમાં પડી.. ગઝલમાં એને બધા ગુણ મળી ગયાં. ભલે તે માંબાપનું એકલું સંતાન નહોતું પણ સંજોગોવસાત એકલી વારસદાર બની શકે તેમ હતી.


મિહિર અને કૃપાને વિવાનની વાતમાં સચ્ચાઈનો રણકો સંભળાતો હતો. છતાં આખી વાતનો મેળ એમના મગજમાં બેસતો નહોતો.


'પણ આના પરથી તમે એવું કેમ કહી શકો કે કાવ્યાની હાલત પાછળ મલ્હાર જવાબદાર છે, અને આ બધાંમાં ગઝલ વચ્ચે ક્યાં આવી?' મિહિરે પૂછ્યું.


મલ્હારે કેવી રીતે કાવ્યાને ફસાવી ત્યાંથી માંડીને એબોર્શન, લગ્નની લાલચ, ખોટા લગ્ન અને નાઈટક્લબમાં આરોહીએ સાંભળેલી ગઝલ વિશેની આખી વાત વિવાને વિગતવાર મિહિરને કરી અને તેની વાતની તેમને ખાત્રી કરવી હોય તો આરોહી તથા યશનો નંબર પણ તેને આપ્યો.


'તમારો ગઝલ સાથે શું સંબંધ હતો?' કૃપાએ પૂછ્યું.


'હું ગઝલને ખૂબ પ્રેમ કરુ છું.' વિવાન ખરા દિલથી બોલ્યો.


કૃપા અને મિહિર બંનેને આશ્ચર્ય થયું.


'પહેલીવાર ગઝલને જોઇ ત્યારથી હું તેને પ્રેમ કરવા લાગ્યો હતો. હું તો વિધિસર તેનો હાથ માંગવા તમારી પાસે આવવાનો હતો પણ મલ્હારે વચ્ચે જ ગઝલને પ્રપોઝ કરી દીધું અને ગઝલએ સ્વીકારી લીધું એટલે હું પાછળ હટી ગયો.' વિવાન એકદમ ગમગીન અવાજે બોલ્યો.


'અને એટલે ગઝલનું અપહરણ કરીને લગ્ન કર્યાં?' કૃપાના અવાજમાં થોડો રોષ ભળ્યો.


'મલ્હારની હકીકત જાણ્યા પછી ગઝલ તો શું બીજી કોઈ પણ છોકરીને મેં તેના હાથે બરબાદ ના થવા દીધી હોત.. ગઝલ તો મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે.. હું તેની હાલત મારી બહેન કાવ્યા કે જગત શેઠની દિકરી સુમતિ બેન જેવી કેવી રીતે થવા દઉં?' વિવાનના અવાજમાં મિહિર અને કૃપાને સચ્ચાઈ વર્તાતી હતી.

તેના હાવભાવમાં એક વીર પુરુષ જેવો લડાયક જુસ્સો અનુભવાઈ રહ્યો હતો. તેની આંખોમાં ગઝલ પ્રત્યેનો પ્રેમ દેખાઈ આવતો હતો.


'તમે અમને આ બધું કિડનેપ કરતાં પહેલા પણ કહી શકતાં હતાં.' કૃપાના અવાજમાં હવે થોડી સ્વસ્થતા આવી હતી.


વિવાને લુખ્ખુ સ્મિત કર્યું.

'સાચું કહેજો ભાભી.. મેં પહેલા કહ્યુ હોત તો તમે મારી વાત માન્યા હોત? તમને તો એમ જ લાગ્યું હોત કે હું મારી બહેનનો બદલો લેવા માટે થઈને ગઝલનો સંબંધ તોડાવવા માંગુ છું. આજે પણ મલ્હારને ગુનેગાર સાબિત કરવા માટે મારા હાથમાં પૂરતાં પૂરાવા નથી. પણ જે દિવસે મારી બહેન કોમામાંથી બહાર આવશે એ દિવસ મલ્હારની જિંદગીનો આખરી દિવસ હશે.' વિવાન ક્રૃર ઠંડકથી બોલ્યો. તેની આંખોમાં ગુસ્સો તરી આવ્યો.


'ગઝલને મલ્હાર વિષે ખબર છે?' મિહિરે પૂછ્યું.


'નહીં..' વિવાન નિરાશ થઈને બોલ્યો.


'તો પછી તેણે તમારી સાથે લગ્ન કેવી રીતે કર્યા? તેણે વિરોધ કેમ ના કર્યો?' કૃપાએ પૂછ્યું.


'આઈ એમ સોરી.. ભાભી.. મિહિર ભાઈ.. લગ્ન કરવા માટે મારે તેની સાથે ખોટું બોલવું પડ્યું. તમારા બંનેના જીવ પર ખતરો છે એમ કહીને બ્લેકમેલ કરીને જબરદસ્તી-- તેની મરજી વિરૂધ્ધ મેં ગઝલ સાથે લગ્ન કર્યા છે. મારી પાસે આના સિવાય કોઈ રસ્તો નહોતો.. કેમ કે મલ્હાર ખૂબ ચાલાક માણસ છે.. તેણે કોઈ પણ રીતે ગઝલને ફરીથી ફસાવી હોત. તમને પણ ખબર છે કે ગઝલ હજુ કેટલી નાદાન છે...'


'બસ્સ..' મિહિર વિવાનને અધવચ્ચે રોકીને ફરીથી ઉભો થઈ ગયો.. તેને જોઇને વિવાન, રઘુ અને કૃપા પણ ઊભા થઇ ગયા..


'મિસ્ટર વિવાન શ્રોફ.. અમને પણ મલ્હારની હકીકત જાણવા મળી છે.. પણ તેને ખરાબ ચીતરીને તમે તમારી છબી ઉજાળવાની વાહિયાત કોશિશ કરી રહ્યા છો. તમારી બહેન સાથે જે કંઈ થયું તેનો અમને પણ બેહદ અફસોસ છે– એ નહોતું બનવું જોઈતું. પણ એનો મતલબ એ નથી કે તમને કોઈ નિર્દોષની લાગણીઓ સાથે રમવાનો અધિકાર મળી ગયો... તમે જે કર્યુ એ પણ એક છેતરપિંડી જ છે. પછી તો મલ્હાર અને તમારામાં વચ્ચે ફરક શું રહ્યો? તમારી જેવા ખાનદાન કુટુંબના નબીરા પાસેથી આવી અપેક્ષા કોઈને ન હોય.' મિહિર એકી શ્વાસે બોલી ગયો.


'પણ..' વિવાન કંઇક બોલવા ગયો પણ મિહિરે એક હાથ આડો કરીને તેને બોલતો અટકાવ્યો અને રઘુ સામે જોઈને બોલ્યો: 'ભાઈ, તમારુ નામ જે કંઈ હોય તે.. આને તમે લઇ જાઓ અને કૃષ્ણકાંત ભાઈને કહેજો કે અમે અમારી ગઝલને લેવા આવીએ છીએ અને તેઓ તેમના દિકરાની હરકત બદલ માફી માંગવાની તૈયારી કરી રાખે.'


રઘુને મિહિર પર ગુસ્સો ચઢતો હતો. તેનો હાથ સળવળતો હતો એ વિવાન પામી ગયો. તેણે રઘુનો હાથ પકડી લીધો અને આંખના ઈશારે શાંત રહેવાનું કહ્યુ. રઘુએ થૂંક ગળા નીચે ઉતાર્યું. થૂંકની સાથે તે ગુસ્સો પણ ગળી ગયો.


'ચલો ભાઈ..' રઘુ હોઠનાં ખૂણેથી બોલ્યો. વિવાને ઈશારો કરીને તેને થોડીવાર થોભવા કહ્યુ.


આ બાજુ મિહિર કૃપા તરફ ફરીને બોલ્યો: 'હવે જ્યારે ગઝલનો પત્તો લાગી ગયો છે તો પ્રતાપ ભાઈને ફોન કરીને કહી દઇએ. પછી આપણો તેના સાથેનો વ્યવહાર પણ પૂરો.. લાવ મારો મોબાઈલ આપ.'


કૃપાએ યંત્રવત્ પોતાની જમણી સાઈડમાં રહેલી ટીપોઈ પરથી મિહિરનો મોબાઈલ ઉઠાવીને તેને આપ્યો. તે પોતે હજુ પણ અસમંજસમાં હતી. આ સિચ્યુએશનમાં શું કરવું એ તેને સમજાતુ નહોતું.


મિહિરે પ્રતાપ ભાઈને ફોન લગાવ્યો.

આ બાજુ રઘુ અને વિવાન ચુપચાપ ઉભા હતા.


'હેલ્લો..' ચાર પાંચ રીંગ વાગ્યા પછી પ્રતાપ ભાઈએ ફોન ઉપાડ્યો.


'હેલ્લો પ્રતાપ ભાઈ, મિહિર બોલું છું.'


'હાં બોલો..' પ્રતાપ ભાઈના અવાજમાં શુષ્કતા હતી. મિહિર ઓછપાઈ ગયો.


'પ્રતાપ ભાઈ.. ગઝલ મળી ગઈ છે.'


મિહિરને હતું કે પ્રતાપ ભાઈ ગઝલ ક્યાં હતી અને કેવી રીતે મળી એના વિષે પુછશે. ગઝલના ખબર અંતર પુછશે. પણ એના બદલે પ્રતાપ ભાઈએ બીજી જ વાત કરી.


'જુઓ મિહિર ભાઈ.. મલ્હાર સાથે ગઝલના લગ્ન થવાના હતા એ વાત સાચી પણ હવે પરિસ્થિતિ અલગ છે. તમે હવે અમારા પાસેથી કોઈ આશા નહિ રાખતા. અમને ખબર નથી કે તમારી બહેન ક્યાં ક્યાં અને કોની કોની સાથે રહીને આવી છે. અમારે એ જાણવું પણ નથી. અમારો મલ્હાર ભોળો છે, અણસમજુ છે. પણ તમને એક વાત કહી દઉં કે એ નાનો હતો ત્યારે પણ ક્યારેક કોઈ તેના રમકડાથી રમી લેતું તો પછી અમે મલ્હારને એ રમકડાને પણ હાથ લગાડવા નથી દીધો. આ તો અમારા ઘરમાં વહુ લાવવાની વાત છે.. ચાર રાત બહાર વીતાવી આવી હોય એવી છોકરી માટે તો આ ઘર તમે ભૂલી જ જજો..'


આ સાંભળીને મિહિરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.. તેને લાગ્યું કે તેના મગજની નસ ફાટી જશે. તેનાથી આપોઆપ તેનો હોઠ દાંત નીચે દબાઈ ગયો. હોઠમાં લોહી નીકળવા લાગ્યું. ગુસ્સામાં એનું આખું શરીર કાંપી રહ્યું હતું.


'અરે! ચૂપ..' મિહિર અચાનક બોલી ઉઠ્યો: 'તમે સ્ત્રીઓને પગલુછણીયું સમજવા વાળા લોકો છો.. તમારુ ઘર ગઝલને લાયક નથી.. મે તો ફક્ત એટલું કહેવા માટે ફોન કર્યો છે કે અમારી ગઝલએ વિવાન શ્રોફ સાથે લગ્ન કરી લીધા છે.. એ જ વિવાન શ્રોફ કે જેના જૂતાંમાં પગ નાખવા માટે પણ તમારા મલ્હારને સાત જનમ લેવા પડે.. સસરાની સંપત્તિ હડપ કરનાર માણસોને ખાનદાન કોને કહેવાય તેની શું ખબર પડે.. ચલ ફોન મૂક..' મિહિરનુ શરીર હજુ ધ્રુજી રહ્યું હતું એ શું બોલી ગયો, શું કામ બોલી ગયો એ તો એને પોતાને પણ ખબર નહોતી.

.

.


**


ક્રમશઃ

.

શું મિહિર ભાવાવેશમાં જ બોલી ગયો હશે? કે એના અંતરમને વિવાનને સ્વીકારી લીધો હતો?


મિહિર અને કૃપા કૃષ્ણકાંતને મળશે ત્યારે શું થશે?

**

હવે શું થશે? પ્રતાપ ભાઈ દ્વારા મલ્હારને ખબર પડશે તો એ ગઝલને વિવાનની પત્ની બનતાં જોઈ શકાશે?


વિવાનનું આગામી કદમ શું હશે?


❤ તમારા અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે. ❤