માનવધર્મ એટલે શું ? આખી વાત એ તો બહુ મોટી વસ્તુ છે, પણ ટૂંકમાં લઈએ તો મનુષ્યો એકલાનું સાચવે કે એને મારા નિમિત્તે દુઃખ ન જ થવું જોઈએ, એ માનવધર્મ છે.
તમે શેઠ હો અને નોકરને તમે ખૂબ ટૈડકાવતા હો, તે ઘડીએ તમને વિચાર આવવો જોઈએ કે હું નોકર હોઉં તો શું થાય ? આટલો વિચાર આવે તો તમે એને ટૈડકાવવાનું પદ્ધતિસરનું કહેશો, વધારે નહીં કહો. તમે કોઈનું નુકસાન કરતા હો, તો તે ઘડીએ તમને એમ વિચાર આવે, કે હું સામને નુકસાન કરું છું, પણ કોઈ મારું નુકસાન કરે તો શું થાય ?
માનવધર્મ એટલે આપણને જે ગમે છે એટલું લોકોને આપવું અને ના ગમતું હોય તે બીજાને આપવું નહીં. આપણને કો’ક ધોલ મારે તે નથી ગમતું, તો આપણે ધોલ ના આપવી જોઈએ બીજાને. આપણને કોઈ ગાળ દે તે આપણને નથી ગમતી. માટે, બીજા કોઈને આપણે આપવી નહીં. માનવધર્મ એટલે આપણને જે ના રુચે, તે બીજાની પ્રત્યે કરવું નહીં. આપણને ગમતું હોય તે બીજા પ્રત્યે કરવું, એનું નામ માનવધર્મ.
‘મારે લીધે કોઈને અડચણ ના આવે’ એવું રહ્યું, એટલે તો કામ જ થઈ ગયું ને !
પછી કો’કના પંદર હજાર રૂપિયા, સો-સો રૂપિયાની નોટનું એક બંડલ આપણને રસ્તામાંથી જડ્યું, તો આપણા મનમાં એમ થાય કે મારા આટલા રૂપિયા પડી જાય તો મને કેટલું દુઃખ થાય, તો આને કેટલું દુઃખ થતું હશે ? એટલે આપણે જઈને પેપરમાં જાહેર ખબર આપવી જોઈએ, કે ‘ભાઈ, જાહેર ખબરના પૈસા આપી, માલસામાનનો પુરાવો આપીને તમારી વસ્તુ લઈ જાવ.’ બસ, આટલી જ રીતે માનવતા સમજવાની છે. કારણ કે, જેવું આપણને દુઃખ થાય એવું સામાને દુઃખ થતું હશે, એવું આપણે સમજી શકીએ ને ! આવી રીતે તમને હરેક બાબતમાં આવા વિચાર આવવા જોઈએ.
અત્યારે દસ હજાર આપણને આપ્યા હોય અને પાછા ના આપીએ, તે ઘડીએ આપણા મનમાં વિચાર થાય, કે ‘મેં કોઈને આપ્યા હોય ને એ ના આપે તો મને કેટલું દુઃખ થાય ?! માટે એને વહેલી તકે આપી દેવા.’ આપણા હાથમાં રાખવું નહીં.
માનવધર્મ એટલે શું ? જે દુઃખ આપણને થાય છે તે દુઃખ એને થાય જ. કોઈને દુઃખ આપતી વખતે મનમાં એમ થાય, કે મને દુઃખ આપે તો શું થાય ? એટલે દુઃખ આપવાનું બંધ કરી દે એ માનવતા.
પછી, એથી આગળ માનવધર્મ એટલે શું કે સ્ત્રીને જોઈને આકર્ષણ થાય કે તરત જ વિચારે કે મારી બેનની ઉપર કોઈની નજર ખરાબ થાય તો શું થાય ? મને દુઃખ થાય. એમ વિચારે એનું નામ માનવધર્મ. માટે મારે ખરાબ નજરથી ન જોવું જોઈએ. એવો પસ્તાવો લે.
પછી માનવતાથી ઉપર ‘સુપરહ્યુમન’ કોને કહેવાય ? તમે દસ વખત આ ભાઈનું નુકસાન કરો, તોય એ ભાઈ તમારું કામ હોય તે ઘડીએ તમને ‘હેલ્પ’ કરે ! તમે ફરી એમને નુકસાન કરો, તોય તમારે કામ હોય તે ઘડીએ તમને હેલ્પ કરે. એમનો સ્વભાવ જ હેલ્પ કરવાનો છે. એટલે આપણે જાણવું કે આ ભાઈ 'સુપરહ્યુમન' છે. એ દૈવી ગુણ કહેવાય. એવા તો કો’ક જ માણસ હોય. અત્યારે તો એવા માણસ મળે નહીં ને ! કારણ કે, લાખ માણસમાં એકાદ હોય એવું પ્રમાણ થઈ ગયું છે !
માનવતાનાં ધર્મની વિરુદ્ધ કોઈ પણ ધર્મનું આચરણ કરે, જો પાશવી ધર્મનું આચરણ કરે તો પશુમાં જાય, જો રાક્ષસી ધર્મનું આચરણ કરે તો રાક્ષસમાં જાય, એટલે નર્કગતિમાં જાય અને જો સુપરહ્યુમન ધર્મનું આચરણ કરે તો દેવગતિમાં જાય.
એટલે સાચો માનવધર્મ એ જ છે, કે કોઈ પણ જીવમાત્રને કિંચિત્માત્ર દુઃખ ના આપવું જોઈએ. કોઈ દુઃખ આપે તો સામો પાશવતા કરે છે, પણ આપણે પાશવતા નહીં કરવી જોઈએ, જો માનવ રહેવું હોય તો. અને માનવધર્મ સારી રીતે પાળે તો મોક્ષમાં જવાની વાર જ નથી. માનવધર્મ જ જો સમજી જાય તો બહુ થઈ ગયું. બીજો કોઈ ધર્મ સમજવા જેવો છે જ નહીં. આપણને કોઈ ગાળ ભાંડે તો એ પાશવતા કરે છે પણ આપણે પાશવતા ન કરી શકીએ. આપણે મનુષ્યના પ્રમાણમાં સમતા રાખીએ. કો’કનાથી આપણને દુઃખ થાય તો તે એનો પાશવી ધર્મ છે. પાશવીની સામે પાશવી નહીં થવું, એનું નામ માનવધર્મ.