પ્રારંભ - 44 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 44

પ્રારંભ પ્રકરણ 44

મંદિરેથી દર્શન કરીને કેતન લોકો હોટલ લેમન ટ્રી પહોંચ્યા ત્યારે બપોરના બાર વાગવા આવ્યા હતા.

"આપણે અત્યારે હવે જમી લઈએ અને જમીને એક દોઢ કલાક આરામ કરીએ. એ પછી આપણે બેટ દ્વારકાનો પ્રોગ્રામ બનાવીએ છીએ. ઓખા અહીંથી ૩૦ કિ.મી. દૂર છે. કોઈપણ હિસાબે આપણે ૩ વાગ્યે નીકળી જવાનું છે અને ૪ વાગ્યા સુધીમાં ઓખા પહોંચી જવાનું છે. જેથી બોટમાં બેસીને દરિયામાં ૫ કિ.મી. દૂર બેટ દ્વારકા દર્શન કરીને આપણે રાત પહેલાં દ્વારકા પાછા આવી શકીએ." કેતન બોલ્યો.

પરિવારના તમામ સભ્યો કેતનની વાત સાથે સહમત થયા અને નીચે આવેલા રેસ્ટોરન્ટમાં બધા જમવા ગયા. જેની જે ચોઇસ હતી એ પ્રમાણે જમી લીધું. એક વાગ્યે પોતપોતાની રૂમમાં જઈને દોઢ કલાકનો આરામ પણ કરી લીધો.

બપોરે અઢી વાગે કેતને બધાને તૈયાર થઈ જવાનું કહી દીધું. જયેશ અને મનસુખભાઈને પણ તૈયાર રહેવા માટે ફોન કરી દીધો. ૧૫ મિનિટમાં બધા તૈયાર થઈને નીચે આવી ગયા અને ગાડીઓમાં ગોઠવાઈ ગયા. સાંજે ૩:૪૫ વાગે બંને ગાડીઓ ઓખાની બેટ દ્વારકા જતી જેટીના ગેટ પાસે પહોંચી ગઈ.

ગાડીઓને ગેટ બહાર પાર્કિંગમાં ઉભી રાખી બધો પરિવાર અંદર ગયો. દૂર દૂર સુધી દેખાતા દરિયામાં અનેક બોટો આવન જાવન કરતી હતી. એક બોટ જાય એટલે બીજી ભરાતી હતી. કેતન લોકો પણ જે બોટ હવે ભરાવાની હતી એ જેટી ઉપર આવીને લાઈનમાં ઊભા રહ્યા. આઠ દસ મિનિટમાં જ બીજી હોડી આવી અને બધાએ એમાં બેસવા માટે ધસારો કર્યો.

કેતને મમ્મી અને પપ્પાને હાથ પકડી પકડીને સાચવીને અંદર લીધા. જગ્યા મળી તે પ્રમાણે સૌ અંદર બેસી ગયા. બોટ ભરાઈ ગઈ એટલે મશીન ચાલુ થયું અને મોટરબોટ બેટ દ્વારકા તરફ આગળ સરકવા લાગી.

બેટ દ્વારકા જેટી ઉપર પહોંચીને બધા જ યાત્રાળુઓ ધીમે ધીમે ઉતરી ગયા અને પગથિયા ચડીને મુખ્ય માર્ગ ઉપર આવી ગયા. અહીંથી મંદિર સુધીનો અડધા કિલોમીટરનો રસ્તો ચાલતા જ જવાનો હતો. વૃદ્ધો અને અશકતો માટે અહીં લારીઓની વ્યવસ્થા પણ હતી જેના ઉપર બેસીને મંદિર સુધી જઈ શકાતું હતું !

બપોરની ચા પીવાની હજુ બાકી હતી એટલે રસ્તામાં ચાલતાં ચાલતાં જ એક રેકડી ઉપર બધાંએ ચા પી લીધી. રસ્તામાં ચા પીવાનો પણ એક અલગ આનંદ છે. જીવનને અનેક રીતે માણી શકાય છે.

મંદિર બહુ ભવ્ય ન હતું પરંતુ અહીં શ્રીકૃષ્ણની ચેતના એકદમ જાગૃત હતી. કોઈપણ પુરાણા મંદિરમાં જતી વખતે કેતનની એક ટેવ હતી કે એ જે તે મંદિરનો પૂરો ઇતિહાસ જાણી લેતો.

માયાવી અવસ્થામાં એ જ્યારે ગોકુળ મથુરા વૃંદાવન અને જગન્નાથપુરી ગયો ત્યારે ત્યાં પણ બધો જ ઇતિહાસ એણે પૂછી લીધો હતો !

કેતને ગાઈડ તરીકે કામ કરતા એક ગુગળી બ્રાહ્મણને શોધી કાઢ્યો. એને બેટ દ્વારકાના આ મંદિરનું મહત્વ પૂછ્યું. માહાત્મ્ય જાણ્યા પછી જ અંદર દર્શન કરવાનું એણે નક્કી કર્યું.

"જુઓ લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં બેટ દ્વારકાની આ જગ્યાએ દ્વારકાધિશ શ્રીકૃષ્ણનો મોટો મહેલ હતો અને આ મહેલ એમનું નિવાસ સ્થાન હતું. અને દ્વારકામાં જે ભવ્ય મંદિર છે એ ભગવાન શ્રીકૃષ્ણનો રાજમહેલ એટલે કે રાજ્ય દરબાર હતો ! " ગાઈડ સમજાવી રહ્યો હતો.

"એ સમયે દ્વારકા રાજ્યનો વિસ્તાર અહીંથી ૫૦ કિલોમીટર સુધી હતો. બેટ દ્વારકાના આ નિવાસસ્થાન થી ૩૫ કિલોમીટર દૂર દ્વારકા રાજમહેલ સુધી એક ગુપ્ત માર્ગ હતો જે અત્યારે દરિયામાં લુપ્ત થઈ ગયો છે. એ માર્ગે ભગવાન શ્રીકૃષ્ણ પોતાનો રથ લઈને રાજ દરબારમાં જતા. આ આખા દ્વારકા રાજ્યના અધિપતિ તરીકે શ્રીકૃષ્ણ રાજ્ય કરતા હતા. એટલા માટે જ અહીં એ દ્વારકાધિશ કહેવાય છે. અધિશ એટલે રાજા અથવા માલિક."

"અને આ બેટ દ્વારકાનું મૂળ નામ ભેટ દ્વારકા છે. કારણ કે શ્રીકૃષ્ણ અને સુદામાની ભેટ એટલે કે મુલાકાત આ મહેલમાં જ થયેલી. એમણે આપેલી તાંદુલની ભેટ ઉપરથી જ ભેટ દ્વારકા નામ પડેલું. પરંતુ હજારો વર્ષ પછી આ આખો વિસ્તાર અને મહેલ બધું દરિયામાં ડૂબી ગયું અને એક બેટ જ રહી ગયો એટલે સમય જતાં ભેટમાંથી બેટ દ્વારકા નામ અપભ્રંશ થયું છે. " ગાઈડ કહી રહ્યો હતો.

"અત્યારે પણ અહીં સુદામાની મૂર્તિ છે. તમામ અંગત મિત્રો અને મુલાકાતીઓ શ્રીકૃષ્ણને મળવા માટે એમના આ નિવાસસ્થાને આવતા. અર્જુન પણ અહીં આવતી વખતે એકવાર ઓખા પાસેના જંગલમાં લૂંટાઈ ગયેલો ! " ગાઈડ સમજાવી રહ્યો હતો.

" અહીં ભગવાન શ્રીકૃષ્ણની જે મૂર્તિ છે એની સ્થાપના સ્વયં શ્રીકૃષ્ણનાં પત્ની રુકમણીજીએ કરેલી છે. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણની જેટલી ચેતના સક્રિય છે એટલી જ એમના આ નિવાસસ્થાને પણ છે. નરસિંહ મહેતાએ પોતાની હૂંડી આ મૂર્તિ આગળ જ મૂકી હતી અને જેનો સ્વીકાર સ્વયં ભગવાને કર્યો હતો."

" મીરાંબાઈ પણ છેલ્લે છેલ્લે જોગન બનીને સાધુ સંતો સાથે દ્વારકામાં જ રોકાયાં હતાં અને છેવટે ૧૫૪૭ માં એમણે આ જ મંદિરમાં આ જ મૂર્તિની સામે ઊભા રહીને દેહ ત્યાગ કર્યો હતો અને આ મૂર્તિમાં સમાઈ ગયાં હતાં. "

" અત્યારે આ જે મંદિર છે એનું નિર્માણ લગભગ ૫૦૦ વર્ષ પહેલાં શ્રી વલ્લભાચાર્યજીએ કરેલું છે. " ગાઈડ તરીકે કામ કરતા ગુગળી બ્રાહ્મણે આ મંદિરનું મહત્વ વિગતવાર કેતન લોકોને સમજાવ્યું.

આ બધું સાંભળ્યા પછી કેતનને દર્શન કરવાનો એક અલગ જ આનંદ આવ્યો. એ પોતે પણ જાણે કે શ્રીકૃષ્ણ સુદામાના દિવસોમાં સરી ગયો હોય એમ દ્વારકાધિશની મૂર્તિને પ્રત્યક્ષ કૃષ્ણ માનીને એણે ખૂબ જ આનંદથી દર્શન કર્યાં. પોતાના અંગત જીવન માટે નહીં પરંતુ પોતાના આધ્યાત્મિક જીવન માટે અને ઉર્ધ્વગતિ માટે એણે દિલથી પ્રાર્થના કરી.

બેટ દ્વારકાનો મહિમા સાંભળ્યા પછી પરિવારના બાકીના સભ્યોએ પણ ખૂબ જ ભાવથી દ્વારકાધિશની મૂર્તિનાં દર્શન કર્યાં.

જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા આ પહેલાં પણ બેટ દ્વારકા આવી ગયા હતા. પરંતુ બેટ દ્વારકાનું આટલું મહત્ત્વ આજે પહેલી વાર જ સાંભળ્યું હતું એટલે એમણે પણ ભાવથી દર્શન કર્યાં.

બેટ દ્વારકામાં આ સિવાય બીજું કંઈ ખાસ જોવાનું ન હતું એટલે દર્શન કરીને અડધા કલાકમાં એ લોકો પાછા વળી ગયા અને જેટી ઉપર આવી ગયા. બે બોટ ભરાતી હતી એટલે એમાંથી એક બોટમાં બેસીને ફરી પાછા ઓખાના કિનારે આવી ગયા.

જેટીના ગેટમાંથી બહાર નીકળીને સૌ પોતપોતાની ગાડીમાં ગોઠવાઈ ગયા. અને ફરી બંને ગાડીઓ દ્વારકા તરફ આગળ વધી. રોડ એટલા સરસ બની ગયા હતા કે ગાડી સડસડાટ દોડતી હતી.

દ્વારકામાં પ્રવેશ કર્યો ત્યારે રાતના આઠ વાગવા આવ્યા હતા એટલે કેતને ગાડી સીધી તીનબત્તી ચોક તરફ લઈ લેવાનું મનસુખ માલવિયાને કહ્યું. ત્યાં આવેલા શ્રીનાથ ડાઇનિંગ હોલનું ભોજન ખૂબ જ વખણાતું હતું અને કેતને એનો અનુભવ પણ કર્યો હતો.

લાઈન ખૂબ જ હતી એટલે અડધો કલાક વેઇટ કરવું પડ્યું છતાં બધાએ ધરાઈને જમી લીધું. આ ડાઇનિંગ હોલમાં પીરસનારા દિલથી પીરસતા હતા.

એ પછી કેતન લોકોએ દ્વારકાની બજારમાં ચાલતાં ચાલતાં જ એક ચક્કર માર્યું. શયન આરતી થયા પછી મંદિર બંધ થવાનો ટાઈમ ૯:૩૦ વાગ્યાનો હતો પરંતુ બજાર હજુ ધમધમતું હતું. જાનકીએ પોતાના ઘર માટે ઠોર અને મઠડીનો પ્રસાદ લીધો.

દ્વારકા ચારધામ પૈકીનું એક મોટું તીર્થધામ હોવાથી અને ભગવાન શ્રીકૃષ્ણની ચેતના અહીં જાગૃત હોવાથી આ ભૂમિ ઉપર કેતનને અદભુત આનંદ થતો હતો !

આખો પરિવાર લેમન ટ્રી હોટલ ઉપર પાછો આવ્યો ત્યારે રાત્રિના સાડા દસ વાગવા આવ્યા હતા. હજુ આવતીકાલે સવારે પણ દ્વારકાધિશના દર્શન કરવાની સૌની ઈચ્છા હતી !

બીજા દિવસે સવારે કેતન તો રાબેતા મુજબ પાંચ વાગે જ ઉઠી ગયો. અડધો કલાક ધ્યાન કરીને એણે ગાયત્રીની ૧૧ માળા પૂરી કરી. એ પછી નાહી ધોઈને એ તૈયાર થઈ ગયો. સવારે સાત વાગે નીચે ઉતરીને થોડું જોગિંગ કરી લીધું. દરિયા કિનારાના કારણે દ્વારકામાં વાતાવરણ અહીં ખૂબ જ ખુશનુમા હતું.

આઠ વાગ્યા સુધીમાં તમામ સભ્યો જાગી ગયા હતા એટલે કેતને પોતાના જ સ્યૂટમાં બધાની ચા અને ગાંઠિયાનો ગરમ નાસ્તો મંગાવી લીધો. મમ્મી પપ્પા અને ભાઈને બોલાવી લીધા.

"સૌરાષ્ટ્રના ગાંઠિયાનો આ ટેસ્ટ સૌરાષ્ટ્ર સિવાય બીજે ક્યાંય પણ નહીં મળે. કદાચ અહીંના પાણીની જ આ મીઠાશ હશે ! " નાસ્તો કરતી વખતે કેતન બોલ્યો.

" તારી વાત સાચી છે કેતન. અહીંના ગાંઠિયાની એક અલગ પ્રકારની મીઠાશ છે. આપણા સુરતમાં પણ ફાફડા મળે છે પરંતુ આ ટેસ્ટ ત્યાં જોવા નથી મળતો. " જગદીશભાઈ બોલ્યા.

" હવે આપણે લોકો સવાર સવારમાં ભગવાનનાં દર્શન કરી આવીએ. અહીં બીજું તો કંઈ જોવાનું છે જ નહીં. તમારા બધાની ઈચ્છા હોય તો અહીંથી થોડેક જ દૂર શિવરાજપુરનો બીચ છે. એ અત્યારે ડેવલપ થઈ રહ્યો છે. હું ગયો નથી પરંતુ એના વિશે સાંભળ્યું છે. તો આપણે દર્શન કરીને પછી ત્યાં પણ ફરી આવીએ." કેતન બોલ્યો.

" હા ભાઈ દરિયા કિનારે ફરવાની તો મારી ખૂબ જ ઈચ્છા છે. મને તો આમ પણ પહેલેથી દરિયો ખૂબ જ ગમે છે. મહિનામાં એકવાર ડુમ્મસ પણ જાઉં જ છું. " શિવાની બોલી ઉઠી.

" શિવરાજપુરના બીચ વિશે મેં પણ પેપરમાં ક્યાંક વાંચેલું છે. આપણે આટલે સુધી આવ્યા છીએ તો જવું જ જોઈએ. " જાનકીએ પણ શિવાનીને સાથ આપ્યો.

" બસ તો પછી ફાઇનલ. ચાલો હવે તમે લોકો બધા નાહી ધોઈને તૈયાર થઈ જાવ. હું નીચે રિસેપ્શન હોલમાં બેઠો છું. આપણે ૯:૩૦ વાગે અહીંથી નીકળવાનું છે. " કેતન બોલ્યો.

તમામ લેડીઝ સભ્યો કેતનના સ્યૂટમાં જ હતા એટલે ન્હાવા ધોવા માટે પ્રાઇવસી આપીને કેતન નીચે ઉતરી ગયો.

અને ફરીથી બંને ગાડીઓ મંદિર પાસે પાર્કિંગમાં જઈને ઊભી રહી. ત્યાંથી ચાલતા ચાલતા સૌ ફરી મંદિરમાં ગયા.

સવારે મંગળા આરતી થઈ હોવાથી અત્યારે ભગવાન શ્રીકૃષ્ણનું વસ્ત્ર પરિધાન અલગ હતું. દર્શન કરવામાં અત્યારે ખૂબ જ શાંતિ હતી. છેક આગળ ઊભા રહીને ક્યાંય સુધી કેતન જગતનિયંતા શ્રીકૃષ્ણને એકી ટસે નિરખી રહ્યો. ભાવ અવસ્થામાં ખોવાઈ ગયો !!

સુંદર દર્શન કરીને તમામ લોકો બહાર નીકળ્યા. ગઈકાલે ગોમતીઘાટ ઉપર જઈ આવ્યા હતા એટલે અત્યારે જવાની કોઈ જરૂર ન હતી એટલે મુખ્ય ગેટથી બહાર આવીને કેતન લોકો પાર્કિંગ તરફ આગળ વધ્યા.

રસ્તામાં યાત્રાળુઓનો એક મોટો સંઘ સામે મળ્યો. બધા જ નાચતા કૂદતા ગુલાલ ઉડાડતા શ્રીકૃષ્ણની સુંદર ધૂન મોટા અવાજે એકસાથે ગાઈ રહ્યા હતા.

"દ્વારકાનાથ જય રાધે રાધે" ની ધૂન મનને પ્રસન્ન કરી જતી હતી. ક્યાંક ગોપાલ કૃષ્ણ તો ક્યાંક રાધે રાધે ! કેટલા બધા નામોથી લોકો આ કનૈયાને પ્રેમ કરતા હતા !!

ગાડીમાં બેઠા પછી કેતને મનસુખભાઈને ગાડી ફરી ઓખા તરફ લેવાનું કહી દીધું. ઓખાના રસ્તે જ અધવચ્ચે શિવરાજપુર આવતું હતું.

અડધા કલાકમાં તો શિવરાજપુર બીચ આવી પણ ગયો. પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અને બધા નીચે ઉતરીને ચાલતા ચાલતા છેક બીચ સુધી પહોંચી ગયા.

અફાટ દરિયા સિવાય અહીં કંઈ જ ન હતું. દરિયાનાં ઉછળતાં મોજાંનો ઘૂઘવતો અવાજ મનને પ્રસન્ન કરી જતો હતો. દરિયાના અવાજ સિવાય બીજો કોઈ જ અવાજ ન હતો. દૂર દૂર સુધી બસ દરિયો જ લહેરાતો હતો. બીચ ઉપર પણ કોઈ ભીડ ન હતી. માત્ર આઠ દસ સહેલાણીઓ જોવા મળતા હતા અને ફોટોગ્રાફી કરતા હતા.

કેતન અને જાનકીએ પણ ફોટોગ્રાફીનો આનંદ માણ્યો. શરદપૂર્ણિમા આસપાસના દિવસો હતા એટલે દરિયામાં ભરતી હતી અને ઉછાળા મારતું પાણી પગ પ્રક્ષાલન કરીને પાછું ફરતું હતું ! એક રોમાંચક અનુભવ થઈ રહ્યો હતો !

અડધો કલાક સુધી બીચ ઉપર પ્રકૃતિનો આનંદ માણ્યા પછી બધા પાછા ફર્યા અને ગાડીમાં ગોઠવાઈ ગયા.

બધા હોટલ લેમન ટ્રી ઉપર પાછા આવ્યા ત્યારે બપોરનો એક વાગવા આવ્યો હતો. બધા સભ્યો જમવા માટે સીધા રેસ્ટોરન્ટમાં ગયા. આજે બધાએ પંજાબી ડીશ જમવાનું જ પસંદ કર્યું.

જમ્યા પછી દોઢ બે કલાક આરામ કરવાની બધાની ઈચ્છા હતી. સાડા ત્રણ વાગ્યા સુધી બધાએ આરામ કર્યો અને પછી કેતનના સ્યૂટમાં બધાની ચા મંગાવી.

"હવે આપણે લોકો નીકળીએ છીએ. છ વાગ્યા સુધીમાં આરામથી ઘરે પહોંચી જઈશું. સાંજની રસોઈ બનાવવાનું તો મેં સુધામાસીને ફોન કરીને કહી દીધું છે. " કેતન બોલ્યો.

" અમેરિકા મેનેજમેન્ટનું કરી આવ્યા પછી કેતનનું મેનેજમેન્ટ ખરેખર અદભૂત છે. એકદમ એડવાન્સ પ્લાનિંગથી એ બધું જ કામ કરી રહ્યો છે. જાનકી ખરેખર નસીબદાર છે." જગદીશભાઈ હસીને બોલ્યા.

"એ આજનો જ નહીં નાનપણથી જ આ રીતે પ્લાનિંગવાળો છે. મેનેજમેન્ટ તો એના લોહીમાં છે. " જયાબેન બોલ્યાં.

" એ વાત તો તમે એકદમ સાચી કહી હોં મમ્મી ! કોલેજમાં પણ એ પોતે ઇલેક્શન લડીને જી.એસ. બનેલા ત્યારે વિદ્યાર્થીઓના કોઈપણ જાતના પ્રશ્નો હોય, એ સોલ્યુશન લાવી દેતા. કોલેજમાં કોઈપણ કલ્ચરલ પ્રોગ્રામ હોય તો પણ એનું આયોજન કેતનને જ સોંપવામાં આવતું." જાનકીએ મમ્મીની વાતમાં સૂર પુરાવ્યો.

આ રીતે વાતો કરતાં કરતાં અડધો કલાક ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ના પડી.

ચાર વાગે હોટલ ચેક આઉટ કરીને બધા બહાર નીકળ્યા અને કેતન તથા જયેશે પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢી.

ફરી બંને ગાડીઓ જામનગરના રસ્તે દોડવા લાગી. દ્વારકાધિશના ભવ્ય મંદિરની ઊંચાઈ એટલી બધી હતી કે દૂર દૂર સુધી ધજા સાથે એ દેખાઈ રહ્યું હતું.

પટેલ કોલોની જામનગર પહોંચ્યા ત્યારે સાંજના સવા છ વાગી ગયા હતા.

" જયેશ ખૂબ ખૂબ આભાર. તારી સાથે રસ્તામાં વાતો તો ના થઈ શકી પરંતુ મિત્રની ગાડી લાવીને તેં મારા પરિવારને દ્વારકા જવામાં દિલથી જે સપોર્ટ આપ્યો એનો મને ખૂબ જ આનંદ છે. ગાડી આપવા બદલ મિત્રને કોઈ વ્યવહાર કરવાનો હોય તો પણ મને કહી દેજે. " ઘરે પહોંચ્યા પછી ગાડીમાં જ બેઠેલા જયેશને કેતને કહ્યું.

" અરે કેતનભાઇ એમાં આભાર માનવાનો થોડો હોય ? અને હું તમારા પરિવારને ક્યાં નથી ઓળખતો ? સુરત ભણતો ત્યારે તમારા ઘરે પણ આવેલો છું. મારા અંગત મિત્રની ગાડી છે. છતાં મારી રીતે હું સમજી લઈશ." જયેશ બોલ્યો.

" મનસુખભાઈ હવે અત્યારે તો મારે બીજું કંઈ કામ નથી. એટલે તમે પણ જયેશની ગાડીમાં નીકળી જાઓ. કાલે જે પણ પ્રોગ્રામ બનાવીશ એ હું તમને સવારે ફોન કરી દઈશ. " કેતન બોલ્યો.

જયેશે ગાડી સ્ટાર્ટ કરી અને મનસુખ માલવિયાને લઈને એ નીકળી ગયો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)