પ્રારંભ પ્રકરણ 42
કેતને જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા બન્નેને મુંબઈ આવવા માટે લગભગ તો કન્વીન્સ કરી જ લીધા હતા. અને એને પાક્કી ખાતરી હતી કે બંને જણા તૈયાર થઈ જ જશે. ભલે કદાચ થોડો સમય લાગે એટલે એ બાબતે પણ એને થોડો સંતોષ થયો.
ધરમશીભાઈને મળીને પણ એણે ઘણી બધી સ્પષ્ટતા કરી લીધી જેથી કરીને બંગલાની સ્કીમ ચાલુ રહે. અને પોતે ન હોય તો પણ એ સ્કીમ પૂરી થઈ જાય. જો કે નીતાના સંબંધને લઈને એ થોડા નિરાશ ચોક્કસ થયા હશે !
હવે એક વાર આશિષ અંકલને પણ રૂબરૂ જઈને મળવું પડશે. કારણ કે માયાવી જગતમાં હતો ત્યારે એમણે મને બહુ જ મદદ કરી હતી અને દોઢ વર્ષ દરમિયાન મારું ખૂબ જ ધ્યાન પણ રાખ્યું હતું.
અને છેલ્લે માયાવી જગતના ડૉન અને એના જીગરી સાથીદાર મિત્ર એવા અસલમ શેખને આ બે મહિનામાં રૂબરૂ જ મળવું પડશે. પોતે એને ત્રણ કરોડ જેવી મોટી રકમ આપી છે એટલે રૂબરૂ જઈએ તો એના ધંધાનું ડેવલપમેન્ટ પણ જાણી શકાય. છતાં હજુ ઘણો સમય છે એટલે રાજકોટ મળવા જવાની એટલી ઉતાવળ નથી.
બે દિવસ પછી શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો હતો અને એને એકમથી શરૂ કરીને ૪૧ દિવસનું સવાલક્ષ ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ કરવાનું હતું. રોજની ૩૦ માળાઓ કરવાની હતી અને માત્ર એકવાર જમવાનું હતું. જો કે માળા કરવાની ઝડપ આવી ગઈ હોવાથી અઢી કલાકમાં ૩૦ માળા આરામથી થઈ શકે એમ હતી !
છેવટે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો. એકમના દિવસે કેતન વહેલી સવારે ત્રણ વાગે ઉઠી ગયો.અમાવાસ્યાની રાત હતી એટલે ધ્યાન પણ ખૂબ જ સરસ લાગી ગયું અને લગભગ અઢી કલાક સુધી એ ધ્યાનમાં ખોવાઈ ગયો.
આજે કેતન ગાયત્રી પુરશ્ચરણ શરૂ કરી રહ્યો હતો એટલે એને આશીર્વાદ આપવા માટે ખાસ ચેતન સ્વામી પોતે જ સામેથી એના ધ્યાનમાં પધાર્યા. બંને વચ્ચે ધ્યાનના લેવલે થોડો સંવાદ પણ થયો.
" કેવી રહી તારી મુંબઈની યાત્રા ? " સ્વામીજીએ હસીને પૂછ્યું.
"જી સ્વામીજી મને મારી દિશા મળી ગઈ. જેના માટે સતત હું આપને પ્રાર્થના કરતો હતો." કેતન હસીને બોલ્યો.
"એ તારા ઉપર આપણા મહાન ગુરુ સ્વામી અભેદાનંદજીની કૃપા છે. એમણે જ તને હરિદ્વારથી સીધા મુંબઈ જવાની પ્રેરણા આપી હતી અને ત્યાં જે પણ ઘટનાઓ બની એ બધી ઘટનાઓ પાછળ એ મહાન ગુરુજીનો જ હાથ હતો. જેથી તારી પાસે કઈ કઈ સિદ્ધિઓ છે એનો પણ તને ખ્યાલ આવતો જાય." સ્વામીજી બોલતા હતા.
" ટ્રેઇનમાં તને જે જે મુસાફરો મળ્યા અને મુંબઈ ગયા પછી પણ જે જે મુલાકાતો થઈ એ બધી તારી સિદ્ધિઓનું તને ભાન થાય એના માટે જ ગુરુજીએ કરાવી હતી. "
" તને ઋષિકેશ શાંતિકુંજ મોકલવાનો હેતુ પણ એટલો જ હતો કે ગાયત્રી મંત્રની તારી સાધના માટે સમર્થ ગુરુ શ્રીરામ શર્મા આચાર્યજીના પણ તને પ્રત્યક્ષ આશીર્વાદ મળે. અત્યારે આ કલિયુગમાં ગાયત્રી મંત્રના એ નવા અધિષ્ઠાતા છે જેમણે પોતાના જીવન દરમિયાન કરોડો મંત્રો કરીને લોકોને પણ આ મંત્રથી જાગૃત કર્યા." સ્વામીજી બોલ્યા.
" જી સ્વામીજી. આપની એ વાત એકદમ સાચી છે. મને વિશ્વામિત્રએ જ્યાં કઠોર તપશ્ચર્યા કરી હતી એ શાંતિકુંજની ભૂમિ ઉપર ખરેખર અદભુત અનુભવો થયા છે. " કેતન બોલ્યો.
"તને જે સિદ્ધિઓ આપણા ગુરુજીએ આપી છે એ સિદ્ધિઓનો યોગ્ય ઉપયોગ થાય એ તું જોજે. તારા આગળના ભવિષ્યમાં આ બધી જ સિદ્ધિઓ કામમાં આવવાની છે. તારા ભાગ્યનિર્માણ માટે કઈ સિદ્ધિ ક્યાં કામ કરવાની છે એનો મને ખ્યાલ છે જ." સ્વામીજી બોલતા હતા.
" લલ્લન પાંડેનો આખો ઈતિહાસ આપણા ગુરુજીએ જ તારી આગળ ખુલ્લો કરી દીધો હતો. એ સિવાય આટલું બધું જાણી લેવું કોઈના માટે પણ શક્ય નથી. અત્યારે તું મુંબઈમાં સ્થાયી થઈ જા અને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ચાલુ કરી દે. " સ્વામીજી બોલતા હતા.
આ ગાયત્રી પુરશ્ચરણ કર્યા પછી તારી અંદરના કેટલાક દરવાજા ખુલી જશે. કેટલીક નવી સિદ્ધિઓ પણ તને પ્રાપ્ત થવાની છે જેનાથી આગળ ઉપર તારા જીવનની દિશા બદલાઈ જશે. પરંતુ અત્યારે એ વિશે હું કંઈ જ કહેવા માગતો નથી. બસ મારા તને હંમેશાં આશીર્વાદ છે. " કહીને સ્વામીજી અદ્રશ્ય થઈ ગયા.
કેતન સવારે છ વાગે ધ્યાનમાંથી બહાર આવ્યો ત્યારે બધા જ સંવાદો એને યાદ હતા. એણે ખૂબ જ પ્રસન્નતા અનુભવી. એણે ઊભા થઈને બ્રશ કર્યું અને નાહી ધોઈને ચા બનાવી દીધી. ચા પાણી પીને એ મંત્ર જાપ કરવા માટે તૈયાર થઈ ગયો.
એ શાંતિકુંજથી ગાયત્રી માતાનો ફોટો લેતો આવ્યો હતો જેને એણે એક પાટલા ઉપર સ્થાપિત કર્યો. ગઈકાલે જે ફૂલહાર લઈ આવ્યો હતો તે હાર ચઢાવ્યો અને ફૂલો મૂક્યાં. ગાયના ઘીનો અખંડ દીવો પણ એણે પ્રગટાવ્યો. બાજુમાં પાણી ભરેલો તાંબાનો લોટો પણ મૂક્યો. એ પછી અગરબત્તી કરી અને પ્રસાદ તરીકે એક કેળુ મૂક્યું. આ બધી પૂજા એણે શાંતિકુંજમાં શીખી લીધી હતી.
માતાજીને દિલથી પ્રાર્થના કરી અને પ્રથમ દિવસે ત્રીસ માળા એણે ચાલુ કરી દીધી. સવારે સવા સાત વાગે પૂજા ચાલુ કરી હતી એટલે લગભગ દસ વાગે એની માળા પતી ગઈ.
માળા કર્યા પછી એને ઘણું સારું લાગતું હતું. માળા પત્યા પછી એણે મમ્મી પપ્પાના આશીર્વાદ પણ લીધા. ભાઈ ભાભીને પણ અલગ અલગ ફોન કર્યા. આ એના સંસ્કાર હતા.
ગાયત્રી પૂરશ્ચરણ દરમિયાન એણે લગભગ તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દીધી હતી અને નવરાશના સમયમાં એણે પહેલીવાર ગીતા અને શ્રીમદ્ ભાગવત વાંચવાનું ચાલુ કર્યું. બપોરે આરામ કરતો અને રોજ સાંજે થોડું થોડું વાંચન કરતો. શ્રીમદ્ ભાગવતનું પુસ્તક એ શાંતિકુંજથી જ લઈ આવ્યો હતો !
શ્રીકૃષ્ણની સાચી ઓળખ એને થતી ગઈ અને એમની લીલા સમજાતી ગઈ !! ક્યારેક ક્યારેક સવારે ધ્યાનમાં એ વૃંદાવન પણ પહોંચી જતો. ત્યાં રાધે રાધેનો દિવ્ય અવાજ એના કાનમાં ગુંજતો !
બપોરે ધરાઈને જમી લીધા પછી સુધા માસી રોજ સાંજે એને ફરાળમાં માત્ર સુરણનું શાક કરી આપતાં હતાં. એ સિવાય એ માત્ર દૂધ અને ફ્રૂટ લેતો.
તપશ્ચર્યાની આ જિંદગી જીવવાનો પણ એક આનંદ હતો. એક... બે.... ત્રણ... એમ દિવસો પસાર થતા ગયા. આખો શ્રાવણ મહિનો પણ પૂરો થઈ ગયો. હવે ભાદરવાના માત્ર ૧૧ દિવસ બાકી રહ્યા હતા. એ પણ એણે પૂરા કરી દીધા અને ભાદરવા સુદ એકાદશીના દિવસે એણે દશાંશ હવનનું આયોજન વિચાર્યું.
એ માટે એણે ધરમશીભાઈનો સંપર્ક કર્યો. કારણ કે અહીંયા એ કોઈને ઓળખતો ન હતો. હા, માયાવી અવસ્થામાં કોઈ કપિલભાઈ શાસ્ત્રી પાસે નવચંડી હવન કરાવેલો.
"અંકલ મારે ગાયત્રી પુરશ્ચરણ ચાલુ છે અને એની પૂર્ણાહુતિ માટે એક હવન આ ભાદરવાની એકાદશીના દિવસે કરવાની ઈચ્છા છે તો અહીં જામનગરમાં કોઈ સારા શાસ્ત્રીજી હોય તો જરા વ્યવસ્થા કરી આપો ને ? " કેતને ફોન કર્યો.
"હવનની બધી જ વ્યવસ્થા થઈ જશે કેતનભાઈ. તમે જરા પણ ચિંતા કરો મા ! હું આજે જ કપિલભાઈ શાસ્ત્રીને મળી લઉં છું." ધરમશીભાઈ બોલ્યા. હવે એ કેતનકુમાર ઉપરથી કેતનભાઈ ઉપર આવી ગયા હતા !
અને રાત્રે કેતન ઉપર ધરમશીભાઈનો ફોન આવી પણ ગયો. એ પોતે ત્યારે કપિલભાઈ શાસ્ત્રીના ઘરે જ બેઠા હતા.
"કેતનભાઈ હું ધરમશી બોલું છું. હું અત્યારે હવાઈ ચકલામાં કપિલભાઈ પાસે બેઠો છું. લો તમે શાસ્ત્રીજી સાથે જરા વાત કરી લો. " ધરમશીભાઈ બોલ્યા અને એમણે ફોન કપિલભાઈને આપ્યો.
માયાવી અવસ્થામાં પણ શાસ્ત્રીજી તરીકે આ જ નામ સાંભળેલું અને વાસ્તવિક જગતમાં પણ કપિલભાઈ જ નામ છે એ જાણીને કેતનને ફરી આશ્ચર્ય થયું.
"જી કેતનભાઇ આપણે કેટલા ગાયત્રી મંત્રોની આહુતિ આપવાની છે ? એ સંખ્યા મને કહો જેથી કેટલા બ્રાહ્મણો મારે સાથે લઈને આવવા એની ખબર પડે." શાસ્ત્રીજી બોલ્યા.
"સવા લક્ષ મંત્ર પૂરા થશે એટલે દશાંશ હોમ પ્રમાણે ૧૨૫૦૦ આહુતિ આપવી પડે. પરંતુ પ્રાયશ્ચિતરૂપે હું વધારાની માળાઓ પણ કરી રહ્યો છું એટલે હવે ઓછામાં ઓછી ૧૨૫૦ મંત્રોની આહુતિ જ મારે આપવાની છે . સતયુગ માટે જે લખેલું છે એ હવે કળિયુગમાં શક્ય નથી ! એટલે કેટલીક બાબતોનું સમાધાન કરવું પડે છે." કેતન બોલ્યો.
" સાવ સાચી વાત કહી તમે કેતનભાઇ. વધારે મંત્રો હોય તો પછી દશાંશના પણ દશાંશ મંત્રોનો હોમ તમે કરી શકો છો. વધારાના મંત્રો તમે પ્રાયશ્ચિત રૂપે કરી શકો છો. હું તમને કાલે સવારે જણાવું છું. " કપિલભાઈ બોલ્યા.
અને બીજા દિવસે સવારે ૧૧ વાગે શાસ્ત્રીજીનો ફોન આવી પણ ગયો.
"કેતનભાઇ તમારા ઘરે એકાદશીના દિવસે હવનની બધી જ વ્યવસ્થા થઈ જશે. મારી સાથે બીજા ત્રણ પંડિતો પણ આવશે. અમે બધા ચાર માળાઓની આહુતિ આપી દઈશું એટલે ટોટલ ૧૨૫૦ મંત્રોથી પૂર્ણાહુતિ થઈ જશે. તમારું એડ્રેસ મને લખાવી દો. " શાસ્ત્રીજી બોલ્યા.
" શાસ્ત્રીજી મને હવન વિશે કોઈ જ જ્ઞાન નથી. એટલે જે પણ પૂજાપો કે બીજી વસ્તુઓ લાવવાની હોય એની વ્યવસ્થા પણ તમે જ કરજો. બધી જ દક્ષિણા તમને આપી દઈશ. " કેતન બોલ્યો.
" એની તમે ચિંતા નહીં કરો કેતનભાઇ. મને ધરમશીભાઈ એ બધી જ વાત કરી છે. " શાસ્ત્રીજી બોલ્યા.
એ પછી કેતને ધરમશી અંકલને ફોન કર્યો.
" અંકલ કેતન બોલું. શાસ્ત્રીજીનો ફોન આવી ગયો છે અને હવનની વ્યવસ્થા તો બધી થઈ ગઈ છે. પરંતુ આપણે હવન પછી પ્રસાદ તરીકે ૧૫ ૨૦ માણસોની રસોઈ પણ કરવી પડશે. અને આ વ્યવસ્થા તમારે જ કરવાની છે. " કેતન બોલ્યો.
"એ પણ વ્યવસ્થા થઈ જશે. આપણે કોન્ટ્રાક્ટ આપી દઈશું. તૈયાર થયેલી રસોઈ સીધી તમારા ઘરે આવી જશે. માતાજીના થાળમાં તો લાડુ દાળ ભાત શાક ચણા અને ભજીયાં નું જ મેનુ હોય છે." ધરમશીભાઈ બોલ્યા.
અને આ રીતે કેતનના ઘરે ભાદરવા સુદ એકાદશીના દિવસે સુંદર રીતે ગાયત્રી મંત્રના હવનનું આયોજન થઈ ગયું. શાસ્ત્રીજી કેતન માટે પીતાંબર લઈને જ આવ્યા હતા એટલે એ પહેરીને જ એ યજમાન તરીકે બેઠો. ૧૨૫૦ આહુતિ પૂર્ણ કરી. એ પછી માતાજીની આરતી અને પ્રસાદનો થાળ ધરાવ્યો.
બપોરે જમવામાં કેતન અને ૪ પંડિતોની સાથે ધરમશીભાઈ, એમની પત્ની અને નીતા, જયેશ એની પત્ની અને દીકરી, મનસુખભાઈ અને તેમની પત્ની, સુધાબેન તથા બાજુવાળાં પડોશી મનોજભાઈ મંજુલાબેન તથા મનાલીને પણ જમવાનું આમંત્રણ હતું.
યજ્ઞનો પ્રસંગ પતી ગયા પછી એ જ દિવસે સાંજે કેતનના ત્રીજા બંગલાના પાડોશી મનોજભાઈએ કેતનને ચા પાણી માટે પોતાના ઘરે બોલાવ્યો.
" આવો આવો કેતનભાઈ બેસો. " મનોજભાઈ સ્વાગત કરતાં બોલ્યા.
કેતન ઘરમાં પ્રવેશીને મનોજભાઈની સામે સોફા ઉપર બેઠો. મંજુલાબેન પણ મનોજભાઈની બાજુમાં જ બેઠાં હતાં. મનાલી કિચનમાં ચા નાસ્તો બનાવી રહી હતી.
" અમને તો આજે જ ખબર પડી કે તમે હવે એકાદ મહિનામાં જામનગર કાયમ માટે છોડી રહ્યા છો અને મુંબઈ શિફ્ટ થઈ રહ્યા છો. " મનોજભાઈ બોલ્યા.
"અંકલ તમારી વાત સાચી છે. મુંબઈ જઈને આવ્યા પછી મેં જામનગર રહેવાનો વિચાર છોડી દીધો છે. ત્યાં મારા માટે ઘણી બધી તકો અચાનક ઊભી થઈ ગઈ છે એટલે પછી આ નિર્ણય લીધો. " કેતન બોલ્યો.
" તો પછી જામનગર આવવાની જરૂર જ શું હતી ? અને અહીં આવીને વગર વિચાર્યે નવો બંગલો ખરીદવાની જરૂર ક્યાં હતી ? આ તો તમે દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદથી દિલ્હી જેવું કર્યું. " મંજુલાબેન બોલ્યાં.
જો કે મનોજભાઈને આ સવાલ ગમ્યો નહીં પણ બોલાઈ ગયા પછી શું ?
" તમારી વાત સાવ સાચી છે માસી. પણ જિંદગીમાં ક્યારેક ખોટા નિર્ણયો લેવાઈ જતા હોય છે પરંતુ એમાંથી શીખવાનું ઘણું મળે છે. જામનગર આવ્યો ત્યારે અહીંયા જ સ્થાયી થવાનો વિચાર હતો પરંતુ કિસ્મતને મુંબઈ મંજુર હતું !! " કેતન બોલ્યો.
" હા ઈ વાત પણ તમારી હાચી ! " મંજુલાબેન બોલ્યાં.
" મુંબઈમાં જઈને કયા બિઝનેસનું વિચાર્યું પછી ? " મનોજભાઈએ પૂછવા ખાતર આ સવાલ પૂછ્યો.
" ગોરેગાંવમાં ૬૦૦૦ ચોરસ વારનો પ્લોટ લઈ રહ્યો છું અને ત્યાં જ બે ત્રણ મોટાં ટાવરો બનાવવાનું નક્કી કરી દીધું છે." કેતન બોલ્યો.
"ત્યાં ફ્લેટના ભાવ શું ચાલે છે ? અમને તો અહીં બેઠા કોઈ જ આઈડિયા નથી. " મનોજભાઈએ પૂછ્યું.
"સારા એરિયામાં મોટા ફ્લેટો ૧૫ થી ૨૫ કરોડ સુધી પણ વેચાય છે. અમારા પાર્લામાં પણ ૭ થી ૧૫ કરોડના ફ્લેટ છે. મેં હમણાં નવો ફ્લેટ ૭ કરોડમાં લીધો. જુહૂ સ્કીમ અને બાંદ્રા વેસ્ટની તો તમે વાત જ ના પૂછો ! સારા પરા વિસ્તારમાં પણ નવી સ્કીમોમાં પાંચ કરોડથી ઓછા કોઈ ફ્લેટ નથી." કેતન બોલ્યો.
કેતને ૭ કરોડમાં ફ્લેટ લીધો એ વાત સાંભળીને મંજુલાબેન તો ચક્કર ખાઈ ગયાં. આટલા બધા પૈસાદાર માણસને ૩૫ લાખના બંગલાની શુ કિંમત હોય !
"મુંબઈ તો મુંબઈ જ છે સાહેબ. કમાણી પણ મુંબઈની જ હોં !! જો કિસ્મત સાથ આપે તો કરોડો રૂપિયા ત્યાં કમાઈ શકાય એવી એ ભૂમિ છે. અબજોપતિઓ સુરત અને મુંબઈમાં જ જોવા મળે છે. આખા ગુજરાતમાં બીજે ક્યાંય નહીં ! " મનોજભાઈ બોલ્યા.
"સાચી વાત છે વડીલ" કેતન બોલ્યો અને ત્યાં જ ગરમાગરમ ફાફડા અને ચા લઈને મનાલી કિચનમાંથી બહાર આવી.
" અરે આટલું બધું કરવાની અત્યારે ક્યાં જરૂર હતી ? હજુ બપોરે બે વાગે તો આટલું ભારે જમણ આપણે જમ્યા છીએ. " કેતન બોલ્યો.
"જવાનીમાં બધું જ પચી જાય ભાઈ. આવા કાઠીયાવાડના ફાફડા તમને મુંબઈમાં નહીં મળે. " મંજુલાબેન બોલ્યાં.
છતાં ભૂખ ન હતી એટલે કેતને થોડાક જ ગાંઠિયા ખાધા અને ચા પી લીધી. મનાલીએ ચા ખૂબ જ સરસ બનાવી હતી.
"કેતનભાઇ સાવ સાચું કહું તો અમે લોકો મનાલી માટે ખૂબ જ ચિંતિત છીએ. એનું મન તમારા તરફ ખૂબ જ ખેંચાયેલું છે. અમે તમને કોઈ દબાણ તો ના કરી શકીએ. હવે તો તમે પાછા કાયમ માટે મુંબઈ જાઓ છો એટલે અમારી આશા પણ ઓછી થઈ રહી છે. છતાં જે પણ પાત્રો તમે જુઓ એમાં મનાલીનો પણ તમે જરા વિચાર કરજો. મારી દીકરી ખૂબ જ સંસ્કારી છે, લાગણીશીલ છે. અને એ તમને ખૂબ જ સુખી કરશે. મા બાપ તરીકે આટલું કહેવાની મારી ઈચ્છા હતી. અત્યારે પણ તમારે એની સાથે એક મીટીંગ કરવાની ઈચ્છા હોય તો કરી શકો છો." મનોજભાઈ ખૂબ જ ગંભીરતાથી બોલ્યા. મનાલી એ વખતે કિચનમાં હતી.
"અંકલ મનાલીને હું ખૂબ જ સારી રીતે ઓળખું છું. અને મને ટ્રેઈનમાં અને સુરતમાં એનો અનુભવ થયેલો છે. મનાલી ખૂબ જ સારી છોકરી છે અને મને એ પસંદ પણ છે. પરંતુ તકલીફ એ છે કે મારે કોઈ એકની જ પસંદગી કરવાની છે અને અત્યારે મારા લાઇફમાં કોઈ છે. જાનકી સાથે છેક કોલેજથી હું રિલેશનશિપમાં છું અને મનાલી પણ એ વાત જાણે છે." કેતન બોલતો હતો. મનાલી પણ કિચનમાં આ બધી વાત સાંભળી રહી હતી.
"મનાલીને કોઈ સારું પાત્ર ચોક્કસ મળી જશે. તમે જરા પણ ચિંતા ના કરો. મારા ધ્યાનમાં પણ કોઈ સારું પાત્ર આવશે તો હું પણ એના માટે કોશિશ કરીશ. આ જન્મમાં જોડી ઉપરથી લખાઈને જ આવે છે એટલે પાત્ર પસંદ હોય તો પણ પ્રારબ્ધમાં જે લખેલું હોય એ જ થતું હોય છે. " કેતન બોલ્યો.
કેતનની રિલેશનશિપની વાત સાંભળ્યા પછી મનોજભાઈ પણ સમજી ગયા કે કેતન અને મનાલીના સંબંધો આગળ વધી શકે એમ નથી ! વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો !
" તમે તમારી જગ્યાએ સાચા છો કેતનભાઈ. તમારા જીવનમાં કોઈ હોય તો પછી મારે કંઈ બોલવા જેવું રહેતું જ નથી. મુંબઈ જઈને જીવનમાં તમે આગળ વધો એ જ મારી શુભેચ્છા છે." મનોજભાઈ બોલ્યા.
એ પછી કેતન ઉભો થયો. મનાલી પણ કિચનમાંથી બહાર આવી. ત્રણેય ની વિદાય લઇને કેતન બહાર નીકળી ગયો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)