અપેક્ષા જેવી ઘરમાં પ્રવેશી કે તરતજ લક્ષ્મી સમજી ગઈ હતી કે, નક્કી ધીમંત શેઠને ત્યાં કોઈ એવી વાત બની છે જેને કારણે અપેક્ષા વિચારોમાં ખોવાઈ ગઈ છે.
અપેક્ષા ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ અને કપડા બદલીને હાથ પગ મોં ધોઈને જરા ફ્રેશ થઈ અને બેડ ઉપર આડી પડી ગઈ પરંતુ તેની નજર સામેથી લાલજી ભાઈ જે પોતાની સામે હાથ જોડીને ઉભા હતા તે દ્રશ્ય ખસતું નહોતું અને તેના કાનમાં હજીપણ એ શબ્દો ગુંજી રહ્યા હતા કે, "બેન ના ન પાડતાં મારા શેઠ સાહેબ બહુ સારા માણસ છે તમે એમની સાથે ખૂબ ખુશ રહી શકશો." અને અપેક્ષાએ એક ઉંડો નિસાસો નાખ્યો તેની નજર સામે તેનો ભૂતકાળ ફૂંફાડા મારતો તરવરી રહ્યો હતો અને એક ક્ષણ માટે તેનાં શરીરમાં ધ્રુજારી વ્યાપી ગઈ તેને આખાયે શરીરમાં પરસેવો છૂટી ગયો તે ઉભી થઈને રસોડા તરફ પાણી પીવા માટે દોડી ગઈ અને આ બધું જ જાણે લક્ષ્મી જાણી ગઈ હોય તેમ તે અપેક્ષાને પાણીનો ગ્લાસ લઈને પોતાના રૂમમાં જતી જોઈ રહી અને પાછળ પાછળ તે પણ અપેક્ષાની રૂમમાં પ્રવેશી....
અપેક્ષા એકજ શ્વાસે બધું જ પાણી ગટગટાવી ગઈ જાણે પાણીની સાથે સાથે તે પોતાના ભૂતકાળને પણ પેટાળમાં ધકેલી દેવા માંગતી હોય તેમ!!
લક્ષ્મી એકીટશે પોતાની નર્વસ, જિંદગીથી થાકેલી હારેલી દીકરી અપેક્ષાની સામે જોઈ રહી હતી.
તે કંઈ બોલે તે પહેલાં અપેક્ષા પોતાની માં લક્ષ્મીને વળગી પડી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.. અપેક્ષા રડી રહી હતી અને લક્ષ્મી પોતાના કોટન સાડલાના પાલવ વડે તેના આંસુ લૂછવાનો નિરર્થક પ્રયત્ન કરી રહી હતી આજે અપેક્ષા આખાયે દાયકાનું જાણે ભેગું જ રડી લેવા માંગતી હતી.
લક્ષ્મી તેને પંપાળતી રહી અને તેના મનનો ઉભરો ઠલવાઈ ન જાય ત્યાં સુધી ચૂપ રહી.
થોડીવાર પછી અપેક્ષાએ પોતાની માં ની સામે જોયું અને તે બોલી કે, "માં મારી સાથે જ કેમ આવું થાય છે? હજી તો હું ઈશાનને ભૂલી નથી શકી અને મારી સામે જીવનસાથી નો નવો એક પ્રસ્તાવ મૂકાઈ ગયો છે. હું શું કરું તેની મને કંઈજ ખબર નથી પડતી."
આ નિર્દય અને નિર્લજ્જ સમાજ વચ્ચે એકલા રહીને પોતાના બંને સંતાનોને લક્ષ્મીએ ભણાવી ગણાવીને મોટા કર્યા હતા, પ્રૌઢાવસ્થામાં પહોંચેલી લક્ષ્મીએ જિંદગીના ધૂપ અને છૉંવને ખૂબ નજીકથી જોયા છે અને અનુભવ્યા છે તેણે પોતાની દીકરી અપેક્ષાના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો અને તે બોલી, "બેટા, હજી તો તારે જિંદગીની ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે અને તું અત્યારથી આમ ઢીલી પડી જઈશ તો કઈ રીતે ચાલશે? દરેકના જીવનમાં ઉતાર ચઢાવ તો આવે જ છે બેટા તેને સ્વીકારવા માટે આપણે તૈયાર રહેવું પડે બેટા અને તું આમ નબળી પડી જઈશ તો મુશ્કેલીઓ તારો પીછો નહીં છોડે પરંતુ જો તું હિંમત રાખીને તેનો સામનો કરીશ તો તે તારાથી દૂર ભાગી જશે માટે હિંમત રાખ બેટા. જીવનમાં જે પણ પ્રશ્ન આવે તેનો બહાદુરીથી સામનો કરવામાં જ મજા છે બેટા. બોલ હવે શાંતિથી બધી વાત કર કે શું થયું તું કેમ આટલું બધું રડે છે અને આટલી બધી દુઃખી થઈ ગઈ છે."
અપેક્ષાએ પોતાનું મોં લુછી કાઢ્યું અને ફ્રેશ થવાનો પ્રયત્ન કરવા લાગી તેની નજર સામે બે હાથ જોડીને ઉભા રહેલા લાલજીભાઈ અને સજ્જન તેમજ સરળ સ્વભાવી ધીમંત શેઠ તરવરી રહ્યા હતા, શું કરવું? તે તેને સમજાતું નહોતું.
"માં લાલજીભાઈ મને ધીમંત શેઠ સાથે લગ્ન કરવા માટે સમજાવી રહ્યા છે અને ધીમંત શેઠની ઈચ્છા પણ મારી સાથે લગ્ન કરવાની છે પરંતુ તે મારા ભૂતકાળથી અજાણ છે કદાચ માટે જ તે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી રહ્યા હશે. હું શું કરું માં?"
"તારી શું ઈચ્છા છે બેટા? જો ધીમંત શેઠ સાથે લગ્ન કરવાની તારી તૈયારી હોય તો તારે તેમને તારા ભૂતકાળથી વાકેફ કરી દેવા જોઈએ અને જો તેમ કરવાની તારી ઈચ્છા ન હોય તો તારે લાલજીભાઈને આ સંબંધ માટે પ્રેમથી ના પાડી દેવી પડે અને તેમની કંપનીમાંથી પણ રાજીનામું આપીને તારે ધીમંત શેઠના જીવનમાંથી કાયમને માટે અલવિદા લઈ લેવી પડે."
"તારી વાત બિલકુલ સાચી છે માં પણ મારે હવે લગ્ન કરવા કે ન કરવા તે જ મારી સમજમાં નથી આવતું? અને કદાચ પતિનું સુખ મારા નસીબમાં છે જ નહીં માટે જ મારી સાથે બંને વખતે અણબનાવ જ બન્યો છે."
લક્ષ્મીએ તેને વચ્ચે જ અટકાવી અને તે બોલી, "જો બેટા દરેકને પોતાના કર્મ ભોગવવા જ પડતા હોય છે તેમાં ઈશ્વરનું પોતાનું પણ કશું જ ચાલતું નથી તો પછી આપણે તો બેટા તુચ્છ મનુષ્ય છીએ આપણું ક્યાંથી કંઈ ચાલવાનું હતું? તું એક કામ કર અત્યારે શાંતિથી સૂઈ જા આપણે આ બધી વાતોની ચર્ચા આવતીકાલે શાંતિથી કરીશું."
અને લક્ષ્મી પોતાના પ્રેમાળ હાથથી અપેક્ષાને પંપાળતી રહી પરંતુ અપેક્ષાની આંખમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી.
લક્ષ્મીએ પોતાને ગમતું એક સુંદર ભજન બિલકુલ ધીમા અને મધુર અવાજે અપેક્ષાને સંભાળાવવાનું શરૂ કર્યું અને થોડીવારમાં આખાયે દિવસની થાકેલી અને જિંદગીથી હારેલી અને કંટાળી ગયેલી અપેક્ષા સૂઈ ગઈ અને ધીમે રહીને લક્ષ્મી તેની બાજુમાંથી ઉભી થઈ અને પોતાની આંખો લૂછતી લૂછતી તે પાણી પીવા માટે રસોડામાં ગઈ.
બીજે દિવસે સવારે અપેક્ષા સમય કરતાં થોડી વહેલી જ ઉઠી ગઈ હતી પરંતુ આજે તેનામાં દરરોજ જેવી ન તો એનર્જી હતી કે ન તો તેના ચહેરા ઉપર ખુશી દેખાતી હતી.
લક્ષ્મી પોતાના દરરોજના નિયમ મુજબ 6 વાગ્યે ઉઠીને પ્રભુ આરતી કરીને પોતાની અને અપેક્ષાની ચા બનાવી રહી હતી અને એટલામાં તો અપેક્ષા બ્રશ કરીને ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ તેને જોઈને જ લક્ષ્મી સમજી ગઈ હતી કે, હજી રાતની વાતોનો ભાર અપેક્ષાના મન ઉપરથી ઉતર્યો નથી. લક્ષ્મીએ તેને ખૂબજ પ્રેમથી બોલાવી અને તેને માટે તેમજ પોતાને માટે ગરમાગરમ ચા લઈને તે પણ અપેક્ષાની સામે ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ.
એટલામાં યુ એસ એ થી અક્ષતનો ફોન આવ્યો એટલે લક્ષ્મી પોતાના દીકરા સાથે વાત કરવા લાગી અને અપેક્ષાને વાત કરવા માટે કહેવા લાગી.
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
9/4/23