Dhup-Chhanv - 96 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 96

ધીમંત શેઠ થોડીવાર ટીવીમાં ન્યૂઝ જોવામાં બીઝી થયા એટલીવારમાં અપેક્ષા લાલજી પાસે કીચનમાં ગઈ અને લાલજીને પોતે અહીંયા દીવાળી સમયે નહીં રહી શકે તેનું કારણ સમજાવવા લાગી. લાલજીને પણ અપેક્ષાએ આપેલું કારણ યોગ્ય જ લાગ્યું પરંતુ અપેક્ષાને અહીં રોકવાનું તેની પાસે બીજું એક કારણ પણ હતું જે તેને અપેક્ષાને કહેતાં થોડો સંકોચ થતો હતો પણ તેને એમ લાગ્યું કે અત્યારે વાત નીકળી જ છે તો કહી જ દઉં અને ઠાવકાઈથી અપેક્ષાની સામે પોતાના દિલની વાત ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો...
"અપેક્ષા મેડમ હું બહુ નાનો માણસ છું પરંતુ શેઠ સાહેબ સાથે વર્ષોથી રહું છું એટલે તેમની સાથે મારે દિલનો નાતો જોડાઈ ગયો છે અને માટે મારા શેઠ સાહેબને તકલીફ પડે કે દુઃખ પહોંચે તે હું જરાપણ સહન કરી શકતો નથી. તમે ખોટું ન લગાડો તો મારે તમને એક વાત કરવી છે. અપેક્ષાએ લાલજીભાઈની સામે જોયું અને તે બોલી, હા બોલો ને લાલજીભાઈ તમારે શું કહેવું છે.
"મેડમ, તમને અમારા ધીમંત શેઠ ગમે છે?"
અપેક્ષા એકદમ વિચારમાં પડી ગઈ અને બોલી કે, "હું કંઈ સમજી નહીં લાલજીભાઈ?"
"મેડમ, તમે જ્યારે આ ઘરમાં આવો છો ને ત્યારે આ ઘરની જાણે રોનક જ બદલાઈ જાય છે આ ઘરની દિવાલો પણ તમારા મીઠાં અવાજથી જાણે જીવતી થઈ જાય છે અને હું અને મારા શેઠ સાહેબ તો ખૂબજ ખુશ થઈ જઈએ છીએ. મારા સાહેબે મને કશું જ નથી કહ્યું પણ એમના વતી હું તમારી પાસેથી તમારો હાથ માંગુ છું.
તમારા ભૂતકાળ વિશે તો મને ખબર નથી પણ હું એટલું તો જાણું છું કે, તમે એકલા છો અને તમારા મમ્મી સાથે રહો છો તો એવું ન થઈ શકે કે, તમે પણ એકલા છો અને મારા શેઠ સાહેબ પણ સતત એકલતા અનુભવે છે તો તમે બંને લગ્ન કરી લો અને તમે કાયમને માટે આ ઘરમાં રહેવા માટે આવી જાવ."
લાલજી ભાઈની વાત સાંભળીને અપેક્ષા વિચારમાં પડી ગઈ શું જવાબ આપવો તેને કંઈ સમજાયું નહીં તે ચૂપ રહી તેને ચૂપ જોઈને લાલજી ભાઈ ફરીથી બોલ્યા કે, "બેન તારે ઉતાવળ કરીને જવાબ આપવાની જરૂર નથી તું મને શાંતિથી આ વાતનો જવાબ આપી શકે છે. તારે પણ વિચારવાનો સમય જોઈએ ને.. અને પછી થોડીવાર માટે લાલજી ચૂપ થઈ ગયો.
અપેક્ષા બહાર ડાઈનીંગ ટેબલ તરફ જતી હતી અને લાલજી ફરીથી બોલ્યો કે, "બેન હું તને આવતીકાલે ફોન કરીશ પણ વિચારજે આમાં કંઈ ખોટું નથી અને મારા શેઠ સાહેબની ઈચ્છા પણ તમારી સાથે લગ્ન કરવાની છે જ."
અપેક્ષા કંઈ પણ બોલ્યા વગર ડાઈનીંગ ટેબલ ઉપર જમવા માટે ગોઠવાઈ ગઈ અને ધીમંત શેઠ પણ તેની સામેની ચેર ઉપર બેસી ગયા. અપેક્ષા બંનેની થાળી પીરસવા લાગી.
આમ એકાએક અપેક્ષાને ચૂપ જોઈને ધીમંત શેઠ વિચારમાં પડી ગયા અને બોલ્યા કે, "કેમ જમવાનું બરાબર નથી બન્યું કે શું? કેમ તું ચૂપ છે અપેક્ષા?"
"ના, લાલજી ભાઈએ જમવાનું બહુ જ સરસ બનાવ્યું છે એટલે જમવામાં જરા બીઝી થઈ ગઈ હતી."
"અચ્છા એવું છે " એટલું બોલીને ધીમંત શેઠ જરા હસી પડ્યા. લાલજી ભાઈએ અપેક્ષા આગળ પોતાના લગ્ન માટે પ્રસ્તાવ મૂકી દીધો છે તે વાતથી તે સાવ અજાણ હતા.
બંનેએ શાંતિથી જમી લીધું પછી અપેક્ષા પોતાના ઘરે જવા માટે ઉતાવળ કરવા લાગી એટલે ધીમંત શેઠે તેને થોડી વાર બેસવા માટે કહ્યું અને તે રોકાઈ ગઈ અને થોડીવાર પછી તેનું ઘડિયાળ તરફ ધ્યાન ગયું તો તે બોલી ઉઠી, "ઓહો નવ વાગી ગયા હવે હું નીકળું, મોમ મારી રાહ જોતી હશે."
અને તે ઉભી થઈ એટલે તેને બહાર સુધી વળાવવા ને બહાને લાલજી ભાઈ પણ તેની પાછળ પાછળ ગયા અને ફરીથી તેને ટકોર કરતાં વિનંતી રૂપે 🙏 બે હાથ જોડીને તેને કહેવા લાગ્યા કે, "બેન, ના ન પાડતાં મારા શેઠ સાહેબ બહુ સારા અને ભલા માણસ છે તમે એમની સાથે ખૂબ ખુશ રહી શકશો."
"હા, લાલજી ભાઈ હું વિચારીને તમને કહું."
અને અપેક્ષાએ પોતાના મોબાઈલમાં થી ઓલા કેબ બુક કરાવી હતી તે આવી ગઈ અને તે પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ.
દીકરીનો ઘરમાં પગ પડે એટલે માં ને ખબર પડી જાય કે તે ક્યાં જઈને આવી છે અને તેનાં મનમાં શું ચાલી રહ્યું છે.
અપેક્ષા જેવી ઘરમાં પ્રવેશી કે તરતજ લક્ષ્મી સમજી ગઈ હતી કે, નક્કી ધીમંત શેઠને ત્યાં કોઈ એવી વાત બની છે જેને કારણે અપેક્ષા વિચારોમાં ખોવાઈ ગઈ છે.
અપેક્ષા ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ અને કપડા બદલીને હાથ પગ મોં ધોઈને જરા ફ્રેશ થઈ અને બેડ ઉપર આડી પડી ગઈ પરંતુ તેની નજર સામેથી લાલજી ભાઈ જે પોતાની સામે હાથ જોડીને ઉભા હતા તે દ્રશ્ય ખસતું નહોતું અને તેના કાનમાં હજીપણ એ શબ્દો ગુંજી રહ્યા હતા કે, "બેન ના ન પાડતાં મારા શેઠ સાહેબ બહુ સારા માણસ છે તમે એમની સાથે ખૂબ ખુશ રહી શકશો." અને અપેક્ષાએ એક ઉંડો નિસાસો નાખ્યો તેની નજર સામે તેનો ભૂતકાળ ફૂંફાડા મારતો તરવરી રહ્યો હતો અને એક ક્ષણ માટે તેનાં શરીરમાં ધ્રુજારી વ્યાપી ગઈ તેને આખાયે શરીરમાં પરસેવો છૂટી ગયો તે ઉભી થઈને રસોડા તરફ પાણી પીવા માટે દોડી ગઈ અને આ બધું જ જાણે લક્ષ્મી જાણી ગઈ હોય તેમ તે અપેક્ષાને પાણીનો ગ્લાસ લઈને પોતાના રૂમમાં જતી જોઈ રહી અને પાછળ પાછળ તે પણ અપેક્ષાની રૂમમાં પ્રવેશી....
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
2/4/23


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED