પ્રારંભ - 32 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 32

પ્રારંભ પ્રકરણ 32

જેવો કેતન હોટલ શિવસાગરમાંથી બહાર નીકળ્યો કે તરત જ એક ખૂબસૂરત યુવતી એની પાસે આવી. કેતનના નાકમાં અમેરિકન પર્ફ્યુમની સુગંધ છવાઈ ગઈ.

એ યુવતી ક્યારનીય પોતાની મોંઘી બી.એમ.ડબલ્યુ ગાડી પાસે ઉભી રહીને સિગરેટ પીતી પીતી કેતનનો જ ઇન્તજાર કરતી હતી.

"આઈ એમ ઈમ્પ્રેસ્ડ ! પહેલાં ક્યારે પણ આ એરિયામાં જોયા નથી !!
ફ્રેન્ડ્ઝ ? " કહીને યુવતીએ દોસ્તી માટે પોતાનો હાથ લાંબો કર્યો.

"થેન્ક્સ... બટ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઈન ફ્રેન્ડશીપ ! " કેતન બોલ્યો અને નહેરુ રોડ ઉપર ચાલવા લાગ્યો.

પેલી યુવતી પણ એની સાથે જ ચાલી. પહેલીવાર કોઈએ એની ફ્રેન્ડશીપ ઠુકરાવી હતી !

"છોકરીઓથી આટલા બધા ભડકો નહીં. અને આ ખાનદાન લોકોનો એરીયા છે. મારું નામ રુચિ માખીજા. આવો... મારી ગાડીમાં બેસી જાઓ. તમારે જ્યાં જવું હશે ત્યાં ઉતારી દઈશ. " રુચિ બોલી.

કેતને ઘણી આનાકાની ખરી પરંતુ રુચિ માની નહીં. કેતનને અંદરથી લાગ્યું કે ડરવા જેવું નથી એ પછી જ એ એની સાથે ગાડીમાં બેઠો.

" કઈ બાજુ લઉં ગાડી ? " રુચિ બોલી.

" બસ સીધા જ હાઇવે તરફ જવા દો. છેક છેડે ગુજરાત સોસાયટી આવશે. બહુ જૂની સોસાયટી છે. મારા મોટાભાઈ ત્યાં રહે છે એમના ત્યાં જઈ રહ્યો છું." કેતન બોલ્યો.

" કયા પોલીસ સ્ટેશનમાં બેસો છો મિસ્ટર....." રુચિ બોલી.

" સાવલિયા. મારું નામ કેતન સાવલિયા. " કેતને રુચિનું વાક્ય પૂરું કર્યું.

" તમે મારા સવાલનો જવાબ નહીં આપ્યો " રુચિ બોલી.

"શું જવાબ આપું ? હું પોલીસ ઇન્સ્પેક્ટર છું જ નહીં ! " કેતને સ્માઈલ આપીને જવાબ આપ્યો.

"પણ તમે પેલા મવાલી જેવા ગુંડાને તો એક મિનિટમાં વશ કરી દીધો. એ તમને હાથ જોડતો હતો. એણે છેલ્લે તમને સલામ પણ કરી. હોટલવાળાએ પણ તમારી પાસેથી પૈસા લીધા નહીં " રુચિ બોલી.

"તમારી બધી જ વાત સાચી પણ મેં કોઈને પણ કહ્યું નથી કે હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું. હા એ ગુંડો મારી વાતચીત ઉપરથી ચોક્કસ મને પોલીસ ઇન્સ્પેક્ટર માની બેઠો હતો. જે રીતે એ આ દંપત્તિને ધમકાવતો હતો અને એ લોકો બિચારા ફફડી રહ્યા હતા એટલે મને દયા આવી. " કેતન બોલ્યો.

"પણ તમારી પર્સનાલિટી તો પોલીસ ઇન્સ્પેક્ટર જેવી જ છે. ભલભલા ચક્કર ખાઈ જાય. તમે પેલાને જે રીતે હેન્ડલ કર્યો એના માટે પણ છાતી મજબૂત જોઈએ અને નીડરતા જોઈએ. તમારામાં આ બધું જ છે એ મેં જોયું. તમે એને આટલો બધો વશ કઈ રીતે કરી લીધો એ જ મને તો સમજાતું નથી. હું તમારાથી ખૂબ જ પ્રભાવિત થઈ છું " રુચિ બોલી.

" થેન્ક્સ.. પણ મેં કોઈ જાદુ કર્યો નથી. એ લોકોને બચાવવાની મારી ભાવના સાચી હતી એટલે ઈશ્વરનું નામ લઈને હું એ લોકોની પાસે ગયો. અને જે થયું તે તમે જોયું. " કેતન નિખાલસતાથી બોલ્યો.

" પરણેલા છો ? જો કોઈની સાથે કમીટેડ ના હો તો મને તમારો સાથ ગમશે. " રુચિ બોલી.

" પરણેલો નથી પરંતુ કમીટેડ ચોક્કસ છું. " કેતન બોલ્યો.

" મારે એક મોટા કામ માટે તમારી મદદ જોઈએ છે. તમને જોયા પછી મને લાગ્યું કે તમે મને મદદ ચોક્કસ કરી શકશો. તમે મને સાથ આપશો ? " રુચિ બોલી.

" હું કોઈ ડિટેક્ટિવનું કામ નહીં કરી શકું. " કેતન હસીને બોલ્યો.

" અરે પણ મેં ક્યાં કહ્યું કે તમારે ડિટેક્ટિવ બનવાનું છે ? આ કામ માટે આપણે એક કલાક બેસવું પડશે. તમે એક કામ કરો. હું ખાર લિંકિંગ રોડ ઉપર રહું છું. પ્લોટ નંબર ૩૮૭ મારું એડ્રેસ. બંગલાની બહાર લક્ષ્મીચંદ માખીજાનું બોર્ડ હશે. તમે કાલે બપોરે ૧૨ વાગે મારા ઘરે આવો. આપણે લંચ સાથે જ લઈશું. હું રસોઈ સારી બનાવું છું. અને મારા ઘરે ડરવાની જરૂર નથી. " રુચિ હસીને બોલી.

"ઓકે. કાલે ચોક્કસ મળીએ છીએ હવે મારી સોસાયટીનો ગેટ આવી ગયો. સાઈડમાં દબાવી દો. " કેતન હસીને બોલ્યો.

" ફ્રેન્ડ્ઝ ? " ફરી રુચિએ કેતન તરફ ફરી પોતાનો હાથ લંબાવ્યો.

"કાલે તમારી વાત સાંભળ્યા પછી આનો જવાબ આપીશ. " કેતન બોલ્યો અને દરવાજો ખોલી નીચે ઉતરી ગયો.

ગેટમાં દાખલ થઈને સડસડાટ પોતાના ફ્લેટમાં પહોંચી ગયો. ઘરે પહોંચ્યો ત્યારે રાતના સવા આઠ વાગી ગયા હતા.

" આજે તો મિત્રની હોટલમાં બહુ રોકાયો ! હું તો ૭ વાગ્યાનો તારી રાહ જોઉં છું " સિદ્ધાર્થ બોલ્યો.

"નહીં ભાઈ રવિ ભાટીયાના ત્યાંથી તો હું બપોરે નીકળી ગયો હતો. પરંતુ બીજાં એક બે કામ યાદ આવ્યાં એટલે પતાવતો આવ્યો. " કેતન બોલ્યો.

પોતાને મળેલી સિદ્ધિઓ વિશે અને એનાથી થતા ચમત્કારો વિશે ઘરમાં કોઈ વાત કરવાની એની ઈચ્છા ન હતી. કારણ કે આ એના ગુરુજીનો પ્રસાદ હતો અને એની પાછળ લોકોને મદદ કરવાની ભાવના હતી !

" આજે રેવતીએ મિક્સ ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો છે. મેથીના ગોટા છે. બટેટાની પતરીના ભજીયા છે. થોડા અજમાના પાનના પણ ભજીયા છે તો થોડા બટેટાવડા પણ છે. મેં રેવતીને કહ્યું કે બનાવીને રાખ. પરંતુ એ કહે કે ભાઈ આવે પછી જ ગરમ ગરમ ઉતારીશ. " સિદ્ધાર્થ બોલ્યો.

" હા તો સાચી જ વાત છે ને ! ભાઈ ક્યાં જામનગરથી રોજ રોજ અહી આવવાના છે ? " રેવતી બોલી.

લોટ પલાળીને મસાલો કરીને તૈયાર જ રાખ્યો હતો. મેથી પણ પલાળી રાખી હતી. બટાકાની પતરી પણ પાડી હતી. બાફેલા બટેટાનો મસાલો પણ તૈયાર હતો. અડધા કલાકમાં તો રેવતીએ બે ડીશ જેટલા ભજીયા ઉતારી પણ દીધા અને બંને ભાઈઓને ચટણી સાથે ટેબલ ઉપર પીરસી પણ દીધા.

" વાહ ભાભી ! કમાલ ના ભજીયા બનાવ્યા છે !! દરેકનો એક અલગ જ ટેસ્ટ છે. સૌથી બેસ્ટ બટેટાવડા છે. ખટમીઠો ટેસ્ટ બહુ સરસ બનાવ્યો છે. તજની એક અલગ સુગંધ પણ આવે છે. એ પછી મેથીના ગોટા. ત્રીજા નંબરે અજમાના પાનના ભજીયા. " કેતન બોલ્યો.

"તો બટેટાની પતરીના ભજીયાને ખોટું નહીં લાગે ? " રેવતી હસીને બોલી.

" ના ના. ભજીયા તો ચારે ચાર સરસ જ છે. મેં તો માત્ર નંબર આપ્યા છે. બીજા ત્રણ ભજીયા ના બનાવ્યા હોત તો બટેટાની પતરીના ભજીયા એક નંબર ઉપર હોત ! " કેતન હસીને બોલ્યો.

" હું તો મજાક કરું છું. બીજો ઘાણ પણ ઉતારી જ રહી છું. " રેવતી બોલી અને થોડીવારમાં બીજી વાર બંને ભાઈઓની પ્લેટ ભરી દીધી.

રાત્રે જાનકી સાથે વાત કરવાની એની ઈચ્છા હતી પરંતુ હવે પ્રોગ્રામ બદલાયો હતો અને આવતીકાલે એ ખાર જવાનો હતો એટલે એને વાત કરવાનું માંડી વાળ્યું.

સિદ્ધાર્થ સાથે એના સ્ટોક માર્કેટ ની પણ થોડી ચર્ચા કરી લીધી. અત્યારે તો સિદ્ધાર્થ સારું કમાઈ રહ્યો હતો !

સવારે વહેલા પાંચ વાગે ઊઠીને હાથ મ્હોં ધોઈ કેતન ધ્યાનમાં બેસી ગયો. પોણો કલાક જેટલો સમય ધ્યાનમાં કાઢીને એણે ગાયત્રી મંત્રની ૧૧ માળા કરી. એ પછી રૂટિન યોગાસનો કરીને એ બેડરૂમમાંથી બહાર આવ્યો.

સવારના સાત વાગી ગયા હતા. રેવતી ભાભી કિચનમાં હતાં. ભાઈ હજુ બેડરૂમમાંથી બહાર આવ્યા ન હતા.

કેતન આજ સવારનું આવેલું પેપર લઈને સોફા ઉપર બેઠો. મુંબઈના પેપરમાં મોટાભાગની જાહેરાતો તો બિલ્ડરો તરફથી જ હતી. નવી નવી સ્કીમો નવા નવા એરિયામાં બની રહી હતી. અહીંના બીજા સમાચારમાં તો એને કોઈ રસ હતો નહીં. થોડીવાર પાનાં ફેરવ્યાં ત્યાં સિદ્ધાર્થભાઈ તૈયાર થઈને બહાર આવી ગયા.

" અરે તું તો તૈયાર પણ થઈ ગયો ! " સિદ્ધાર્થ બોલ્યો.

" હું તો પાંચ વાગે ઉઠી જાઉં છું ભાઈ. તમને ખબર તો છે જ. ધ્યાન અને ગાયત્રીની માળા કરીને હમણાં જ બહાર આવ્યો. " કેતન બોલ્યો.

" અરે રેવતી...ચા લાવજે હવે." સિદ્ધાર્થ બોલ્યો.

" બસ તૈયાર જ છે. " કહીને રેવતી એક ટ્રે માં ચાના બે કપ લઈ આવી અને બંને ભાઈઓની આગળ મૂક્યા.

એ ફરી અંદર ગઈ અને તવીમાં ઘી નાખીને સાંતળેલી ૧૦ જેટલી ગરમ ગરમ બ્રેડ એક પ્લેટમાં લઈ આવી.

" તું પણ આવી જા ને." સિદ્ધાર્થ બોલ્યો.

" હા હા આવું જ છું. " કહીને રેવતી પોતાનો ચાનો કપ લઈને બહાર કાચના ગોળ નાનકડા ડાઇનિંગ ટેબલ પાસે આવી અને બંને ભાઈઓની સાથે સિદ્ધાર્થની બાજુમાં ત્રીજી ખુરશી ઉપર બેઠી.

" હવે શરૂ કરો ભાઈ બ્રેડ ઠરી જશે. " રેવતી બોલી.

"સહના વવતુ... સહનૌ ભુનકતુ ... આપણે ત્રણેય સાથે જ બ્રેડ ખાવાની છે " કેતન બોલ્યો અને એક બ્રેડ હાથમાં લીધી.

વાતો કરતાં કરતાં બ્રેડ પણ ખવાઈ ગઈ અને ચા પણ પીવાઈ ગઈ.

"ભાભી બપોરે જમવામાં હું નથી. એક મિત્રની સાથે લંચ લેવાનો છું. સાંજે ડીનર પહેલાં હાજર થઈ જઈશ. " કેતન બોલ્યો.

" અરે પણ મેં તો તમારા માટે આખું પ્લાનિંગ કરી દીધું છે. તમારા ભાઈને જવાનું હોય એટલે દાળ તો બની પણ ગઈ છે. " રેવતી બોલી.

"સોરી ભાભી.. મારે તમને રાત્રે જ કહેવા જેવું હતું. તમારા આ પ્રોગ્રામ માટે હું વધુ એક દિવસ રોકાઈશ. કારણ કે કાલે પાછો જાનકીના ત્યાં જવાનો પ્રોગ્રામ વિચાર્યો છે. " કેતન બોલ્યો.

"તું તારે જ્યાં જવું હોય ત્યાં જા કારણ કે બે ત્રણ દિવસ માટે જ આવ્યો છે. ઘરે જમવાનું આજે નહી તો પછી થશે. હજુ તો દાળ જ થઈ છે." સિદ્ધાર્થ કેતનની સામે જોઈને બોલ્યો.

૧૨ વાગે રુચિના ત્યાં પહોંચવાનું હતું ૧૧ વાગ્યે નીકળી જવું જરૂરી હતું. ટ્રેનમાં અને રીક્ષામાં જવું એના કરતાં ભાઈની હુંડાઈ ક્રેટા ગાડી લઈને જવું વધારે સારું.

એણે લગભગ ૧૧ વાગે ભાભીને કહીને ગાડીની ચાવી લઈ લીધી અને પાણી પીને નીચે ઉતરી ગયો.

ગાડી પાર્કિંગ પ્લોટમાંથી બહાર કાઢી અને હાઇવે તરફથી ખાર તરફ લીધી. સાન્તાક્રુઝ ગયા પછી ખારનું બોર્ડ આવતાં જ એણે ગાડીને જમણી બાજુ વાળી.

એસ.વી રોડ સુધી જઈને પછી લિંકિંગ રોડ તરફ ગાડીને વાળી દીધી.

ગૂગલ મેપ માં ડાયરેક્શન મૂકી દીધું હતું એટલે પ્લોટ નંબર ૩૮૭ શોધવામાં વાર ન લાગી.

એ પહોંચ્યો ત્યારે બાર માં દસ મિનિટ વાર હતી. ગાડીને બંગલાની બાજુમાં સાઈડમાં પાર્ક કરી. અને કમ્પાઉન્ડમાં જઈને દરવાજાની ડોરબેલ વગાડી.

રુચિએ જ દરવાજો ખોલ્યો. બંગલો અંદરથી બહુ જ લક્ઝુરીયસ હતો. આખોય ફ્લોર વૉલ ટુ વૉલ કાર્પેટ નાખેલો હતો. રુચિની ડ્રેસ સેન્સ બહુ જ સરસ હતી. અત્યારે મોડર્ન અને વેસ્ટર્ન આઉટફીટના બદલે એણે બ્લુ જીન્સ અને યલો કુર્તી પહેરી હતી. રુચિનાં વસ્ત્રોમાંથી સમબડી પર્ફ્યુમની સુગંધ મહેંકી રહી હતી.

" વેલકમ્... મિ. સાવલિયા ! " રુચિ બોલી.

" તમે કેતનભાઈ કહો તો પણ ચાલે." કેતન બોલ્યો.

" હજુ આદત પડી નથી. વર્ષોથી અમેરિકા જ રહ્યાં છીએ. છેલ્લા દોઢ વર્ષથી જ અમે લોકો અહીં આવ્યાં . એટલે અમેરિકાની આદત હજુ છૂટતી નથી." રુચિ બોલી.

" અમેરિકામાં કઈ જગ્યાએ ?" કેતને સોફામાં બેસીને પૂછ્યું.

" ન્યૂયોર્ક... ક્વીન્સમાં. " રુચિ બોલી.

"ગુડ. હું પણ ત્રણ ચાર મહિના પહેલાં જ અમેરિકાથી આવ્યો છું. બે વર્ષ શિકાગો હતો. " કેતન બોલ્યો.

" વાઉ ! નાઈસ ટુ હિયર ધીસ ! " રુચિ બોલી.

" હવે સૌથી પહેલાં જમવાનું પતાવી લઈએ. આ મારી મમ્મી છે. પપ્પા એક વર્ષ પહેલાં જ દેવલોક પામ્યા. હું એકની એક જ છું એટલે બધી જ જવાબદારી મારા માથે છે. " રુચિ બોલી.

સામેના સોફા પર બેઠેલી એક આધેડ સ્ત્રીનો રુચિએ પરિચય કરાવ્યો. એ થોડી ગમગીન દેખાઈ રહી હતી.

રુચિ કેતનને ડાઇનિંગ હોલમાં લઈ ગઈ. ત્યાં વોશ બેસિનમાં કેતને હાથ અને મ્હોં ધોઈ નાખ્યાં. રુચિ નેપકીન લઈને બાજુમાં જ ઊભી હતી. કેતને તે હાથમાં લઇ મ્હોં લૂછી નાખ્યું અને ડાઇનિંગ ટેબલ ઉપર જઈને બેઠો.

"અત્યારે અષાઢ મહિનો ચાલે છે અને ચોમાસાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે એટલે આજે દૂધપાક બનાવ્યો છે. પૂરી, ટીંડોરા બટાકાનું શાક, લચકો દાળ, કઢી ભાત બધું મેં જ બનાવ્યું છે. માત્ર ખમણ બહારથી મંગાવ્યાં છે. રસોઈ કરવા વાળી બાઈને આજે આરામ આપ્યો છે. અહીંના ગુજરાતીઓની પસંદ મને ખબર છે. " રુચિ બોલી.

"મારા માટે આટલું બધું કરવાની કંઈ જરૂર નહોતી. દાળ ભાત શાક અને રોટલી બનાવી હોત તો પણ ચાલત " કેતન બોલ્યો.

" તમે પહેલીવાર મારા ઘરે આવ્યા છો અને એ પણ મારા આમંત્રણથી એટલે મહેમાનગતિ તો કરવી જ પડે !" રુચિ બોલી.

રુચિએ રસોઇ ખરેખર સરસ બનાવી હતી અને સિંધી સ્ટાઇલની કઢી પણ અલગ હતી.

જમ્યા પછી રુચિ કેતનને ફરી ડ્રોઈંગ રૂમમાં લઈ ગઈ.

" મેં તમને આજે એક જવાબદારી સોંપવા માટે બોલાવ્યા છે. મને પૂરેપૂરી ખાતરી છે કે આ કામ તમે જ કરી શકશો. આ કામ માટે જ અમે અમેરિકા છોડીને દોઢ વર્ષથી અહીં આવ્યાં છીએ. પપ્પાએ એક વર્ષ સુધી ખૂબ જ મહેનત કરી, ખૂબ પૈસા પણ બગાડ્યા પરંતુ આ કામ ના થઈ શક્યું. છેલ્લા છ મહિનાથી હવે આ કામ મેં હાથમાં લીધું છે પરંતુ મને એવો કોઈ મરદ માણસ મળતો નથી. " રુચિ બોલી રહી હતી.

" ગોરેગાંવ ઈસ્ટમાં ઓબેરોય મોલથી આગળ ડીંડોશી રોડ ઉપર એક મોટી ઝૂંપડપટ્ટી છે. આ આખોય સ્લમ એરિયા ૬૦૦૦ ચોરસ વાર એટલે કે લગભગ ૫૪૦૦૦ ચોરસ ફુટ છે જે અમારી માલિકીનો છે. રોડ ટચ પ્રાઈમ લોકેશન છે. વર્ષો સુધી અમે લોકો અમેરિકા રહ્યાં એટલે આખી ઝુંપડપટ્ટી અહીંયા બની ગઈ. દોઢ વર્ષ પહેલાં અમને ખબર પડી એટલે અમે અહીં આવી ગયાં. આ આખોય પ્લોટ સામ દામ દંડ ભેદ નીતિથી ખાલી કરાવવાનો છે. " રુચિ વિગતવાર વાત કરી રહી હતી.

"મુંબઈના જાણીતા બિલ્ડર શાપુરજી પાલનજી નું નામ તો તમે સાંભળ્યું જ હશે. બહુ જૂની અને પ્રતિષ્ઠિત કંપની છે. એમની સાથે પણ અમારે મીટીંગ થઈ ગઈ છે. એ આ પ્રોપર્ટી ખરીદીને ત્યાં સ્કીમો મૂકવા તૈયાર છે પરંતુ પ્રોપર્ટી ખાલી કરીને ટાઈટલ ક્લિયર કરીને અમે આપીએ તો જ એ ખરીદે એવી એમની કન્ડિશન છે. " રુચિ બોલી.

" શાપુરજી પાલનજી તો બહુ મોટું નામ છે મુંબઈમાં. એમની સ્કીમોમાં કંઈ કહેવું જ ના પડે. " કેતન બોલ્યો.

" હા એ જ. હવે આ પ્લોટ ખાલી કરાવવાની જવાબદારી તમે લઈ શકો ? તમે જે કિંમત માગો તે આપવા હું તૈયાર છું. આ જગ્યાએ લગભગ સવા સો જેટલાં ઝુંપડાં છે. થોડાંક પાકાં છે તો મોટાભાગનાં કાચાં છે. અત્યારે એ એરિયામાં ટાઈટલ ક્લિયર જગ્યા એક ચોરસ ફૂટે વધુમાં વધુ ૧૫ થી ૨૦ હજાર ના ભાવે વેચાઈ શકે છે. અમુક જગ્યા રોડ કપાતમાં જાય એટલે આ જગ્યા ખાલી કરાવી, બુલડોઝર ફેરવી, ટાઈટલ ક્લિયર કરાવીએ તો પણ ૧૦૦ કરોડમાં સોદો આરામથી થાય. " રુચિ બોલી રહી હતી.

" જગ્યા ખાલી કરાવ્યા પછી ટાઈટલ ક્લિયર કરવામાં પણ પૈસા સારા એવા ખર્ચાવાના છે. એટલે વધુમાં વધુ હું તમને ૭૦ થી ૭૫ કરોડની છૂટ આપું છું જેમાં આ જગ્યા એકદમ ખાલી થઈ જવી જોઈએ. અત્યારે જેમ જેમ જરૂર પડે તેમ તેમ તમારા ખાતામાં હું પૈસા ટ્રાન્સફર કરતી જઈશ. અને આ ૭૫ કરોડ આ જગ્યા ખાલી કરાવવાના ખર્ચ પેટે છે. તમારી મહેનતના જે પણ પૈસા હું આપીશ તે તમારી કલ્પના બહારના હશે. હું તમને મારા ભાગીદારની જેમ જ ટ્રીટ કરીશ. હવે બોલો.. ફ્રેન્ડ્ઝ ?" રુચિએ ફરી હાથ લંબાવ્યો.

આ વખતે કેતને કોઈ આનાકાની કરી નહીં અને રુચિ સાથે ફ્રેન્ડશીપનો હાથ મિલાવ્યો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)