પ્રેમ - નફરત - ૭૨ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૭૨

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૭૨

મીતાબેનના સ્વરમાં વર્ષો પહેલાં અનુભવેલી એ થડકનો અણસાર રચનાના કાનને સ્પર્શ કરી ગયો. એનું હ્રદય પણ હચમચી ગયું. રચના વાત સાંભળતા પહેલાં હ્રદયને કઠણ કરી રહી.

મીતાબેન આગળ બોલ્યા:'એમ્બ્યુલન્સમાંથી ઉતરીને મેનેજર બહાર આવીને જ્યારે અમારી નજીક આવ્યો ત્યારે દેવનાથભાઇને જોઇ પહેલાં તો સહેજ ચમકી ગયો પછી સહાનુભૂતિ વ્યક્ત કરતાં બોલ્યો:'માફ કરજો, મારે એક દુ:ખદ સમાચાર આપવાના છે...'

એના આ વાક્યથી મારા પર જાણે વીજળી પડવા જઇ રહી હતી. મને લાગ્યું કે હું એની વાત સાંભળી નહીં શકું. મેં જાત પર મુશ્કેલીથી કાબૂ મેળવ્યો અને નજીકમાં ઓટલા પર ફસડાઇને બેસી પડી.

મેનેજરને જાણે જવાની ઉતાવળ હોય એમ ફટાફટ બોલ્યો:'રણજીતલાલ હવે આપણી વચ્ચે રહ્યા નથી. હું એમના આપને અંતિમ દર્શન કરાવવા લાવ્યો છું...' અને દોડતો જઇને એમની લાશને બહાર લાવવા કહેવા લાગ્યો.

એમની લાશ જોઇને હું અર્ધબેભાન જેવી થઇ ગઇ. મેં જેમતેમ હોશ સંભાળ્યો. લાશ ઘર પાસે આવી ત્યારે એમને પાટાપીંડીવાળી મૃત હાલતમાં જોઇને હું ભાંગી પડી. મારા પર આભ તૂટી પડ્યું હતું. તારા પિતા મને અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા. તું તો બહુ નાની હતી. ઘરમાં ઊંઘતી હતી. તને ઊઠાડવાનું યોગ્ય ન હતું.

મેનેજર અહેસાન જતાવતો હોય એમ બોલ્યો:'અમે ડૉકટરોને કહ્યું હતું કે જે ખર્ચ થાય એ પણ એમને બચાવી લો. અમારી કંપનીના ઇમાનદાર અને મહેનતુ કર્મચારી છે. એમણે મોટું ઓપરેશન કર્યું અને ઘણા પ્રયાસ કર્યા પરંતુ બચી શક્યા નહીં. ભગવાનની જેવી મરજી. એમના પર કંપનીના જ લોકોએ હુમલો કર્યો હતો. અમે એમને છોડવાના નથી. તમે આગળની વિધિ પતાવો...'

મેનેજરને ગાળો ભાંડવાનો કે આ ઘટના કેમ બની એવા સવાલના જવાબ મેળવવાના મારા હોશહવાસ ન હતા. આસપાસના લોકો ભેગા થઇને શોક વ્યક્ત કરવા લાગ્યા હતા. બધાંને રણજીતલાલના મોતનો આઘાત હતો. હું તો ભાન જ ભૂલી ગઇ હતી. આ એટલો મોટો આઘાત હતો કે એમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ હતું.

રણજીતલાલના અવસાનના એક મહિના પછી મને થોડી કળ વળી હતી. મારે રણજીતલાલના મોતનું સાચું કારણ જાણવું હતું. તને સમજાવી- પટાવી હતી કે પપ્પા બહારગામ ગયા છે. તને ક્યાં ખબર હતી કે પપ્પા લાંબી યાત્રાએ નીકળી ગયા છે અને ક્યારેય પાછા આવવાના નથી. એક તો આપણે ગરીબ હતા અને એમાં સૌથી મોટો આધાર છીનવાઇ ગયો હતો.

દેવનાથભાઇએ આપણાને ઘણી મદદ કરી હતી. એમણે મને વિધવા પેન્શન બંધાવી આપ્યું હતું. એ ઉપરાંત એમના પત્ની નિરુપાએ મને એમની કંપનીમાં કામ અપાવ્યું હતું. ધીમે ધીમે ઘર ચાલી શકે અને તું ભણી શકે એટલા સધ્ધર થઇ શક્યા હતા. મને દેવનાથભાઇની પાસેથી લખમલભાઇની કેટલીક વાત જાણવા મળી હતી. હું મનથી થોડી સ્વસ્થ થઇ એ પછી ખબર પડી કે રણજીતલાલ લખમલભાઇની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. એમને મુકાદમ બનવ્યા પછી મજૂરોનું હિત વધારે જોતા હતા. મજૂરોને એમનો હક અને અધિકાર મળે એ માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. કંપનીનો આશય મજૂરોનું શોષણ કરવાનો જ રહેતો હતો. મજૂરોનું લોહી ચૂસીને એ ધનવાન બની રહ્યા હતા. મજૂરોના હાડકાં દેખાય આવે એટલી કાળી મજૂરી કરાવતા હતા અને એમના શરીર પર ચરબીના થર વધતા હતા. રણજીતલાલ હંમેશા મજૂરોના ન્યાયની વાત કરતા હતા. દેવનાથભાઇ એ વાત જાણતા હતા. મજૂરો એમના પર ગિન્નાય કે એમનો વિરોધ કરે એ વાતમાં દમ ન હતો.

દેવનાથભાઇએ નક્કી કર્યું હતું કે તે રણજીતલાલનું મોત કેવી રીતે થયું એ જાણીને જ રહેશે. એ મને કહેતા હતા કે રણજીતલાલ વિશે એમને ઘણી માહિતી મળી છે. ટૂંક સમયમાં જ એ બધો પર્દાફાશ કરશે. દેવનાથભાઇ મને વિગતે બધી વાત કરવાના હતા. એક દિવસ હું કામ પર ગઇ ત્યારે નિરુપા આવી ન હતી. બપોરે મને જે જાણવા મળ્યું એ ચોંકાવનારું હતું.

ક્રમશ: