સવાઈ માતા - ભાગ 16 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 16

રમીલાની માતાને ગાડીમાંથી ઉતરતાં જોઈ મુકાદમનો ગુસ્સો વધુ પ્રબળ બન્યો, "તે હવે તમે લોકોય ગાડીઓમાં ફરો છો? અમારાં બૈરાંવ જેવી મોંઘી સાડીઓય પહેરો છો? પછી, ઘર બાંધવા કોણ જશે, આ લોકો?" બોલતાં તેણે મેઘનાબહેન તરફ ઈશારો કર્યો.

રમીલા સમસમી ઊઠી. તે હજી કાંઈ બોલવા જાય એ પહેલાં જ મેઘનાબહેને તેનો હાથ ધીમેથી દબાવી વારી લીધી. તેઓ થોડાં આગળ ગયાં અને મુકાદમને કહ્યું, "ભાઈ, થોડાં શાંત થાવ. તમે કહો, તમારે શું જોઈએ છે? આ લોકો તો તમારી રજા લેવાં જ આવ્યાં છે."

મુકાદમ ગરજ્યો, "એ મારા દા'ડિયા છે. એમ તે થોડા જવા દેવાય? જ્યારે જોઈએ, જેટલા જોઈએ એટલા રૂપિયા આપ્યા છે. હિસાબે રાખ્યો નથી. આજે પાછા કયે છે કે હવે કામ પર નહીં આવે. દીકરીને ઘરે રહેવા જશે."

પછી રમીલા તરફ આંગળી ચીંધતાં બોલ્યો," આ તારી છોકરી ને જેને ભણવા મૂકી' તી?"

રમીલાનાં માતાપિતા ભયભીત થઈ ગયાં. આ પહેલાં મુકાદમ ઘણાંય મજૂરો ઉપર હાથ ઉઠાવી ચૂક્યો હતો અને તેમાંય એક યુવાન છોકરો સામો થયેલ તો તેનો હાથ જ ભાંગી નાખ્યો હતો. આ બીકણ, બિચારાં લોક મુકાદમનું કશુંય બગાડી ન શક્યાં હતાં. સંપ તો હતો પણ તકલીફો સહન કરવા પૂરતો, સામે પડીને લડત આપવાનો તો વિચાર પણ તેઓ કરી શકતાં નહોતાં.

રમીલાનો પિતા દોડીને મેઘનાબહેનની આગળ આવી ઊભો રહી ગયો અને મુકાદમને હાથ જોડીને બોલ્યો, "ઉં નંઈ જઉ. પણ આ લોકને કંઈ ન કરતા. આંય જ રઈને તમારી મજૂરી કરીશ."

ત્યાં સુધીમાં રમીલાની માતા તેને અને મેઘનાબહેનને ગાડીમાં બેસી પાછાં જવાં વિનવવા લાગી,"અમાર નસીબમાં તો આંય જ રે'વાનું લયખું છે. તમ લોક જતા રિયો. બેમાંથી કોઈને પણ કંઈ થાહે તો અમને બવ જ દુખ થહે."

મેઘનાબહેને તેનો હાથ પકડ્યો અને થોડો દબાવી હિંમત આપી. ત્યાં જ પોલીસવાનની સાયરન સંભળાઈ. તે ગલીમાં પોલીસવાન આવી ઊભી રહી. તેમાંથી સબ ઇન્સ્પેક્ટર રાકેશ ઝાલા ઉતર્યા અને તેમની પાછળ પાછળ બીજાં બે પુરુષ તેમજ એક સ્ત્રી હવાલદાર ઉતર્યાં. સ્ત્રી હવાલદાર રમીલાની માતા નજીક જઈ ઊભાં રહ્યાં અને બેય પુરુષ હવાલદાર રાકેશ ઝાલાની સાથે મુકાદમ નજીક ગયાં.

સબ ઈન્પેક્ટર રાકેશે મુકાદમને સંબોધી કહ્યું, "મને હાલ જ ફોન ઉપર તમારા વિરુદ્ધ ફરિયાદ મળી છે કે તમે આ મજૂર દંપતીને પરાણે પોતાને ત્યાં મજૂરીએ લઈ જવા માંગો છો?"

પોલીસ જોઈને મુકાદમનો કેફ ઉતરવા લગ્યો. તે પોતાનાં મજૂરો સાથે ભલે ક્રૂર હતો પણ તેની વિરુદ્ધ ક્યારેય કોઈએ ફરિયાદ કરી ન હતી. આજ સુધી તેને કોઈ બાબતે પોલીસ સ્ટેશનનાં પગથિયાં ચઢવા પડ્યાં નહોતાં જ્યારે, આજે તો પોલીસ તેનો પોતાનો સજ્જડ કિલ્લો ગણાતી વસાહતમાં આવી ચૂકી હતી. મુકાદમને ખ્યાલ તો આવી જ ગયો કે આ ભણેલી છોકરીએ કે તેની સાથે આવેલ બહેને જ પોલીસને ફોન કરી જણાવ્યું હશે.

તેનાં હાથ આપોઆપ જોડાઈ ગયાં સબ ઈન્સ્પેકટર સામે અને બોલ્યો, "સા'બ, આ માણસ મારો દાડિયો મજૂર છે અને તેની પત્ની પણ. અચાનક કામ છોડવાની વાત કરે છે. આજ સુધી કાંઈ કેટલાંય રૂપિયા ઉધાર લીધા છે તે કોણ ચૂકવશે? અને, આમ કરતાં કરતાં બીજાંય મજૂરો પોરસાય છે ભણવા ને ભણાવવા." તેની આંખો સાચે જ દયામણી થઈ ગઈ હતી. હાલ સુધીમાં ગલીનાં જ નહીં આજુબાજુની ગલીઓમાં પણ વાત ફેલાઈ જતાં મજૂરો આ નવો દાવ જોવા આવી ગયાં હતાં. હંમેશ તેમને ડારતો મુકાદમ આજે પોલીસનાં સકંજામાં બરાબર ફસાયો હતો.

રમીલાની માતા, સવલીનો જીવ થોડો હેઠે બેઠો. સ્ત્રી હવાલદારે સવલીને ગાડીમાં બેસવા કહ્યું. મેઘનાબહેને તેને ગાડી સુધી દોરી અને અંદર બેસાડી. એરકન્ડિશનર ચાલુ કરી બોટલમાંથી પાણી ગ્લાસમાં ભરી પીવડાવ્યું.

ત્યાં સુધીમાં મજૂરોના હક માટે લડત આપની સેવાભાવી સંસ્થા 'માનવતા સંરક્ષિકા' ની ગાડી આવી જેની બંને તરફ તેમની સંસ્થાનું ચિહ્ન નામ સાથે ખૂબ મોટાં અને ધ્યાનાકર્ષક અક્ષરોમાં છાપેલ હતું. તેમાંથી કુલ ત્રણ કાર્યકરો ઉતર્યાં અને તેઓએ પોલીસ જોડે કાંઈ વાત કરી અને એક સ્ત્રી કાર્યકર્તા મેઘનાબહેન પાસે આવી અને બે પુરુષ કાર્યકર્તાઓમાંથી એક મુકાદમ પાસે ગયો.

તેણે મુકાદમને થોડી કરડાકીથી જ પૂછ્યું, "તમે આમાંથી કોઈને પણ લેખિત કરારથી કામે રાખ્યાં છે?"

મુકાદમે આ સંસ્થાનું નામ પણ સારી પેઠે સાંભળેલું હતું. માનવતા સંરક્ષિકા સાચે જ ગરીબ, મજૂરવર્ગની વહારે ધાતી અને તેમને આવાં ક્રૂર લોકોનાં હાથમાંથી છોડાવતી અને નવી રોજગારી પણ અપાવતી. હવે, મુકાદમનું પલડું હલકું થયું હતું. તેણે મનોમન નક્કી કરી લીધું કે, "જો આનાકાની કરી તો જેલમાં જવું પડશે. હમણાં બધું જ સાચું કબૂલવામાં શાણપણ છે."

તેણે કાર્યકર્તાને જવાબ વાળ્યો, "ના સાહેબ, આ તો અમે બધાં એકબીજાંનાં ઓળખીતાં. એક જ ગામથી અહીં આવેલાં. મને કામ મળે એટલે આ બસો-ત્રણસો કુટુંબોને હું કામે લગાડું."

કાર્યકર્તાએ બીજો પ્રશ્ન કર્યો, "તમે આ લોકોને કામ અપાવો તેમાં તમને શું મળે?"

મુકાદમે શબ્દો ચોરવાની વ્યર્થ કોશિશ કરી, "આ લોકો મને રોજનાં પાંચ-દસ રૂપિયા આપે. કો'કવાર આપે તો કો' કવાર ન પણ આપે."

ત્યાં જ ઝાલાસાહેબે ખોંખારો ખાઈ કહ્યું,"સાચું બોલજો. મદદ કરી હોય તો કોઈ ફરિયાદ ન લખાવે તમારા વિરુદ્ધ."

મુકાદમ ઝાલાસાહેબનાં હાથમાં વેગથી ગોળ ગોળ ફરતી તેમની સ્ટીકને જોઈ ડરતા - ડરતા બોલ્યો, "આ લોકો કામ બાંધ્યા પછી અધવચાળે ન છોડે માટે હું રોજનાં તેમનાં કામનાં પૈસામાંથી અડધા જ તેમને આપું અને..."

" અને બાકીનાંથી તું જલસા કરે એમ જ ને? પછી તે જ રકમમાંથી થોડો થોડો ભાગ તેમને જ જરૂરિયાત પડ્યે ધીરે અને તેની ઉપરેય મસમોટું વ્યાજ વસૂલે, એમ જ ને ?", ઝાલાસાહેબ આ મુકાદમની મથરાવટી સમજતાં બોલ્યાં.

હવે રમીલાથી ન રહેવાયું. તે બોલી," એટલે સાહેબ, આ માણસ મારાં માતા-પિતા અને તેવાં અનેક અક્ષરહીન લોકો સાથે પચીસથીયે વધુ વર્ષોથી બનાવટ કરી રહ્યો છે? તેમનું અને નાનાં બાળકોનું આર્થિક શોષણ કરી રહ્યો છે? કોઈને સામાજિક સ્તરે ઉપર ઉઠવા જ નથી દેતો, એમ જ ને?"

મેઘનાબહેન બોલ્યાં, "હા, બેટા. એટલે જ મેં પોલીસ સ્ટેશનમાં અને માનવતા સંરક્ષિકા માં ફોન કરી તેમને બોલાવી લીધાં. હવે, તારૂં કુટુંબ હોય કે બીજાં કોઈપણ મજૂરનું, આ બેય મળી તેમનું શોષણ નહીં થવા દે."

સબ - ઇન્સ્પેક્ટર ઝાલાએ મેઘનાબહેનની વાતમાં સૂર પૂરાવતાં કહ્યું, "હા, બહેન. આ મેડમ સાચું કહે છે. તારાં પરિવારજનોને આજે જ લઈ જા. અને વાત રહી બાકી લોકોની, તો આ મુકાદમ હવે અહીં કામ નહીં કરે. તેણે માનવતા સંરક્ષિકાને તમારાં બધાંની પાઈ-પાઈનો હિસાબ આપવો પડશે."

બધાંયનો આભાર માનતાં મેઘનાબહેન અને રમીલા તેનાં માતા-પિતાને લઈ ગાડીમાં બેઠાં અને ઘર તરફ ગાડી વાળી લીધી.

* હવે લીલા તેમજ રામજીનું શું થશે?

* રમીલાનાં મોટાં ભાઈ - બહેન સાથે તેનો મેળાપ કેવી રીતે સંભવશે?

ક્રમશઃ


મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા