સવાઈ માતા - ભાગ 15 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 15

ગાડી ઘર સુધી પહોંચી એટલામાં મેઘનાબહેનને ઘરે છોડીને આવેલાં ત્રણ બાળકો યાદ આવ્યા.
તેમણે રમીલાને ઘરની ગલી પહેલાં આવતી દુકાનોની હાર પાસે ગાડી રોકવા કહ્યું. ગાડી રોકી રમીલા જાતે જ ઉતરીને આઈસ્ક્રીમ પાર્લર તરફ ગઈ અને બધાં માટે બટરસ્કોચ અને મેંગો ફ્લેવરનાં કપ લઇ લીધાં. મેઘનાબહેન તરફ સ્મિત આપી તે ફરી ગાડીમાં બેઠી અને ગાડી ઘરના પાર્કિંગ સુધી લઇ આવી.
મેઘનાબહેને ગાડીમાંથી ઉતરતા પહેલાં રમીલાને કહ્યું, “હાલ વાસણ ઘરમાં નથી લઈ જવા. જમીને પરવારી જઈએ, પછી બાળકોની સાથે મળીને બધું ઘરમાં લવાશે. આમ પણ ગાડી તો ઘરનાં પાર્કિંગમાં જ છે ને?”
રમીલાને પણ તેમનો વિચાર યોગ્ય લાગ્યો. બધાને ભૂખ લાગી હતી. લગભગ ચાર કલાક થયા હતાં બધી ખરીદી કરીને ઘરે પહોંચતા, તેથી મેઘનાબહેનને થોડો થાક લાગ્યો હતો. રમીલાએ દરવાજા ઉપરની ઘંટડી વગાડતાં નિખિલે ઉભા થઇ બારણું ખોલ્યું.

ઘરમાં નિખિલ સાથે ટેલિવિઝન ઉપર કાર્ટુન ફિલ્મ જોઈ રહેલાં બંને બાળકો રમીલાને વળગી પડ્યાં અને પૂછવા લાગ્યાં, “બુન, અમાર માટ હું લાઈ?”
રમીલાએ મેઘનાબહેન મી સામું જોઈ આછું સ્મિત આપ્યું અને આઈસ્ક્રીમનાં કપ ભરેલી પેપરબેગ બતાવીને બોલી, “લાવ્યા તો છીએ, પણ જમીને મળશે.”
બેય ભોળાભટાક બાળકોએ પેપરબેગને એક-એક વખત હાથથી અડી લીધું અને એકમેક સામે હસી ઉઠ્યાં.
મેઘનાબહેન પોતાના ઓરડામાં ગયાં અને હાથ-મોં ધોઈ, કપડાં બદલીને ડાયનીંગ ટેબલ ઉપરનાં વાસણો લઇ રસોડામાં જમવાનું ગરમ કરવા ગયાં. ત્યાં સુધીમાં રમીલા અને તેની માતા પણ હાથ-મોં ધોઈને આવી ગયાં.
મેઘનાબહેને નિખિલને સંબોધીને કહ્યું, “બેટા, તમે ત્રણેયે જમી લીધું કે બાકી છો?”
નિખિલે ઉત્તર વળ્યો, “મેં બરાબર જમી લીધું છે. આ બંનેએ માત્ર દાળ-ભાત જ ખાધાં છે. તેમને ફરી જમવા બેસાડજો.”
નિખિલની વાત સાંભળી બંને બાળકો બોલી ઉઠ્યા, “પણ અમાર તો હવ કાયજ નથ ખાવું.”
સાચી મઝા નિખિલને હવે પડી. તે બોલ્યો, “તમને હવે કઈ જ નથી ખાવું, બરાબર?”
બેય ભોળિયા ફરી બોલ્યાં. “હા, અમાર હવ કાયજ નય જોએ.”
નિખિલ આઈસ્ક્રીમની બેગ ઉઠાવતાં બોલ્યો, “આ બધો હવે મારો. તમને તો ભૂખ જ નથી ને?”

તેઓએ એકમેક સામે જોઈ એ પેપરબેગમાં શું હશે તેનો ઈશારો કર્યો પણ કાઈ સમજાયું નહીં એટલે જ ઈને રમીલાને વળગી પડ્યાં, "બુન કે' ને? આમાં હું લાઈ છ અમાર માટ?"

રમીલા હસતાં હસતાં બોલી, "તે પૂછી લો ને આ ભાઈને જ?"

બેયની જીભ સિવાઈ ગઈ એટલે મેઘનાબહેને નિખિલને કહ્યું, "જા, તું તમારાં ત્રણનો આઈસ્ક્રીમ કાઢી લાવ. અમે જમી લઈએ."

નિખિલ બેયને લઈને રસોડામાં ગયો અને આઈસ્ક્રીમનાં બંને ફેમિલી પેક બે અલગ અલગ થાળીમાં મૂકી, ખોલી તે બંન્નેમાંથી માંથી એક એક સ્કૂપ આઈસ્ક્રીમ લઈ ત્રણેયને માટે બાઉલ ભર્યાં. બાઉલમાં ચમચીઓ મૂકી અને બાકીનો આઈસ્ક્રીમ ફ્રીઝરમાં મૂકી દીધો. ત્યાં સુધી બેય બાળકો તેની ગતિવિધિ જોઈ રહ્યાં. પછી, નિખિલે ત્રણૈય બાઉલ ઉઠાવીને એક ટ્રેમાં મૂક્યાં અને બેય બાળકોને બહાર આવવા કહ્યું. ફરીથી ત્રણેય ટેલિવિઝન સામેનાં સોફામાં ગોઠવાયાં અને એક એક બાઉલમાંથી આઈસ્ક્રીમ ખાવા લાગ્યાં. આજ સુધી માંડ ક્યારેક લારી ઉપરની કુલ્ફીની ઠંડક માણી શકેલાં બેય બાળકો એરકન્ડિશન્ડ ઓરડાની ઠંડકમાં આઇસ્ક્રીમ માણી રહ્યાં.

મેઘનાબહેને થાળીઓ પીરસતાં નિખિલને પૂછ્યું, "રમીલાનાં પિતાજીનો કોઈ ફોન આવ્યો હતો?"

નિખિલે નકારમાં માથું ધુણાવ્યું. રમીલાએ પોતાનો મોબાઈલ ફોન તપાસ્યો. તેમાં પણ કોઈ મિસ્ડ કોલહન હતો. મેસેજનો તો સવાલ જ ન હતો કારણ કે તેઓ તો બિલકુલ નિરક્ષર હતાં. હવે ત્રણેય સ્ત્રીઓને ચિંતા થઈ. રમીલાએ પહેલાં તેનાં પિતાને ફોનકોલ જોડ્યો. સતત રીંગ વાગતી રહી. બીજી અને ત્રીજી વખત ફોન જોડતાં પણ તેમ જ થયું. એટલે રમીલાને તેમનાં પાડોશી એવાં રઘુભાઈને ફોનકોલ જોડ્યો.

બે રીંગ પછી થોડી ધ્રુજારીવાળો અવાજ સંભળાયો, "કોણ, રમલી?"

રમીલા સાશંક બોલી, "હા, તમે રઘુભાઈ ને?"

રઘુ હા બોલતામાં રડી પડ્યો. ત્યાં રમુડીએ આવીને તેનાં હાથમાંથી ફોન લગભગ ખેંચી લીધો.

રમીલા ગભરાઈને બોલી, "રઘુભાઈ, બોલો તો શું થયું? મારાં પિતાજી આવ્યાં હતાં ને?"

ત્યાં રમુડીનો અવાજ સંભળાયો, "હા, રમલી, આઈવા ઉતાં પણ, પેલો મુકાદમ બી આજે જ આઈવો ઉતો. તે બોવ જ ધમકાઈવા એમને."

મેઘનાબહેન બધું પડતું મૂકી રમીલાની નજીક આવ્યાં અને તેનાં ખભે હાથ મૂકી બીજા. હાથથી ઈશારો કર્યો, 'શું થયું?"

રમીલાએ ફોન સ્પીકર ઉપર મૂક્યો. રમુડીનો અવાજ સંભળાયો, "તાર મા ને બાપુ મુકાદમને તિયાં દાડિયે જતાં તે હવ જવાની ના પાડી. ઉપ્પરથી તાર ભયી ને બુન પણ હવ નંઈ આવ એવું તાર બાપુએ કયું. જૂનું દેવુ અહે તૈણ-ચાર અજારનું તે મુકાદમ બોવ જ બગયડો ને ઘાંટાઘાંટ કરી મૂકી. તાર બાપુએ બધુંય ચૂકવી દેવાનું કયું એટલે તો એ ઓર અકળાયો. બોયલો કે અવ તમ મજૂરો મારું દેવું ઉતારહો ? ઘર બાંધવાનું કોમ છોડીન ઘરમાં રેવા જાહો? અજુય તે બાર ફળિયામાં તાર બાપુને જેમતેમ બોલે છે. ઘરનો સામાન લેઈ જવા દેતો નથ."

મેઘનાબહેને વચ્ચે જ ફોનમાં કહ્યું," અમે હમણાં જ આવીએ છીએ. તું થોડું ધ્યાન રાખજે તેમનું, બહેન."

મેઘનાબહેન, રમીલા અને રમીલાની માતા તેમનાં રહેઠાણ તરફ જવા ઉપડ્યાં. મેઘનાબહેને પર્સમાં રૂપિયા દસહજારની નોટો સાથે લીધી.

રમીલાએ પાર્કિંગમાંથી ગાડી કાઢી. તેની માતા રડમસ અવાજે બોલી, "બુન, એ મુકાદમ તો બોવ જ નકોમો માણહ સે. ઈ નું કોમ સોડવું એટલે જીંદગી સોડવી. અમન ઈમ કે ઈ થોડો ઘર હુધી આવહે. અમ તો કાલની જ રજા લીધેલી. આજ તો રઘુએ એને કેઈ દીધેલું કે અમ લોક બારગામ ગેયલા સે એક લગનમાં." અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.

મેઘનાબહેને પોતાનાં શીતળ શબ્દોથી તેને સાંત્વના આપી. રમીલાએ પણ થોડી સ્વસ્થતા ધારણ કરી ગાડી તેનાં ઘર તરફ હાંકી. મેઘનાબહેને બે ફોનકોલ કર્યાં જે સાંભળી રમીલાને ટાઢક થઈ. પચીસ મિનિટમાં તેઓ રમીલાનાં ઘરની ગલી સુધી આવી ગયાં.

હવે તેઓનું શું થશે? શું મુકાદમનો ગુસ્સો ઓર વધી જશે?

ક્રમશઃ
મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા