Prarambh - 30 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 30

પ્રારંભ પ્રકરણ 30

કેતન અંધેરી વરસોવા રોડ ઉપર એના કોલેજ મિત્ર રવિ ભાટીયાને મળવા માટે ગયો હતો. રવિના પિતા પણ ડાયમંડ માર્કેટમાં જ હતા પરંતુ રવિએ હોટલની લાઈન પસંદ કરી હતી અને અંધેરીમાં પોતાની એક હોટલ પણ ઊભી કરી હતી.

"હું સમજ્યો નહીં. તું કંઈક નવું કરવા માગે છે એટલે મારી પાસે આવ્યો છે એ વાત મને સમજાઈ નહીં." રવિ બોલ્યો.

"અરે પણ એમાં આટલો મૂંઝાઈ શું કામ ગયો છે ? હું તારી સલાહ લેવા આવ્યો છું. વર્ષોથી હું તને ઓળખું છું. તારી પાસે જાતજાતતા આઈડિયા હોય છે એ હું ક્યાં નથી જાણતો ? તું મને પણ એવી કોઈ લાઈન બતાવ કે જેમાં મને રસ પડે." કેતન બોલ્યો.

"ઠીક છે. એ બધી ચર્ચા પછી કરીએ. સૌથી પહેલાં તને શું ફાવશે એ બોલ. ચા પીવાની ઈચ્છા છે કે પછી કંઈ ઠંડુ મંગાવું ? ડ્રીંક લેવાની ઈચ્છા હોય તો પણ કહી દે.આ ગુજરાત નથી. અહીં બધી છૂટ છે." રવિ હસીને બોલ્યો.

" ના ના. એ ટેવ તો મેં પાડી જ નથી. અમેરિકામાં હતો તો પણ મોટેભાગે એનાથી દૂર જ રહ્યો છું. બપોરનો સમય છે કંઈક ઠંડું મંગાવ." કેતન બોલ્યો.

રવિએ ઇન્ટરકોમથી કેન્ટીનમાં બે પેપ્સીનો ઓર્ડર આપ્યો.

"જો કેતન.. લાઈનો તો ઘણી છે પણ તારી પાસે એટલી મોટી મૂડી છે કે એને રોકવા માટે બહુ મોટી લાઈન વિચારવી પડે. ૧૫ ૨૦ કરોડમાં કોઈપણ ધંધો સેટ કરી શકાય પરંતુ અઢીસો કરોડ રોકવા માટે વિચારવું પડે." રવિ બોલ્યો.

"એટલે તો હું પોતે પણ કોઈ નિર્ણય લઈ શકતો નથી. " કેતન બોલ્યો.

"જો તને હોટલ લાઈનમાં રસ પડતો હોય તો એમાં મોટું રોકાણ થઈ શકે અને ફાઇવ સ્ટાર હોટલ પણ બનાવી શકાય. અત્યારે જુહૂ તારા રોડ ઉપર એક જગ્યા મારા ધ્યાનમાં છે. ત્યાં મોટી ફાઇવ સ્ટાર હોટલ બનાવી શકાય." રવિ બોલ્યો.

"ફાઇવ સટાર હોટલ ઊભી કરીને શું કરવાનું ? આ તો ઘરે હાથી બાંધવા જેવી વાત છે. હોટલ ચાલે કે ના ચાલે, દર મહિને લાખોનું મીટર ચાલુ થઈ જાય અને કમાણીની કોઈ ગેરંટી નહીં. એના માટે સારા સંપર્કો, માર્કેટિંગ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ થોડો ઘરોબો જોઈએ." કેતન બોલ્યો.

"વાહ તારી પાસે પણ નોલેજ તો ઘણું છે. તારી વાત સાથે હું પૂરેપૂરો સહમત છું. એમાં બહુ મોટી કમાણીની આશા ના રાખી શકાય. હા સ્ટેટસ ચોક્કસ મળે. ૨૦૦ ૩૦૦ બેડની એક મોટી હોસ્પિટલ સારા એરિયામાં ઉભી કરી દે તો પણ એ સારી લાઈન છે. એમાં આવકની ગેરંટી !" રવિ બોલ્યો.

"હોસ્પિટલમાં મને રસ નથી. એ તો હું બનાવી ચૂક્યો છું. " કેતનથી બોલાઈ ગયું.

"તું હોસ્પિટલ બનાવી ચુક્યો છે ?" રવિએ આશ્ચર્યથી પૂછ્યું.

"અરે મારો મતલબ હું હોસ્પિટલનો પ્રોજેક્ટ બનાવી ચૂક્યો છું. ઢગલાબંધ લાયસન્સ લેવાં પડે છે અને બધાને સાચવવા પડે છે. બહારથી જેટલું સરસ દેખાય છે એવું નથી હોતું." કેતન બોલ્યો.

"એનો મતલબ કે ધંધો કરવા માટે તેં અત્યાર સુધીમાં કસરત તો ઘણી કરી છે." રવિ હસીને બોલ્યો.

" છેલ્લા બે મહિનાથી એ જ તો કરી રહ્યો છું. " કેતન બોલ્યો.

" તો પછી એક કામ કર. એક ભવ્ય મંદિર બનાવી દે અને મહંત બની જા. અથવા કોઈ મોટો આશ્રમ ઊભો કરી દે અને બાપુ બની જા. એકદમ ધીકતો ધંધો !" રવિ હસીને બોલ્યો.

"ખોટું કામ કરવું નથી રવિ. નહીં તો મારા મિત્રની ડ્રગ્સમાં પૈસા રોકવાની ઓફર પણ હતી." કેતન બોલ્યો.

"મારા મગજમાં તો આ સિવાય હવે બીજા કોઈ જ આઈડિયા નથી. મારે લાયક બીજી કોઈ સેવા હોય તો કહે " રવિ બોલ્યો.

એટલામાં વેઇટર પેપ્સી લઈને આવ્યો અને બે ગ્લાસમાં કાઢી.

" બીજા શું સમાચાર છે ? તારી પેલી ગર્લફ્રેન્ડ જાનકી સાથે લગ્ન કર્યાં કે હજુ કુંવારો જ છે ?" રવિ બોલ્યો

"લગ્ન તો હજી બાકી જ છે. ધંધામાં એકવાર સેટ થઈ જાઉં પછી લગ્ન વિશે વિચારીશ. બીજા આપણા ફ્રેન્ડ સર્કલના શું સમાચાર છે ? હું તો બે વર્ષ અમેરિકા હતો એટલે બધા સંપર્કો જતા રહ્યા છે." કેતન બોલ્યો.

"ફ્રેન્ડ સર્કલમાં તો પેલો ક્રિકેટર જીગર પટેલ કાયમ માટે અમેરિકા જતો રહ્યો. પેલો પહેલવાન અમિત ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની ગયો. અરે હા, યાદ આવ્યું. તું પેલી નવસારીવાળી નેહા ભગતને ઓળખે ?" રવિએ પૂછ્યું.

"નેહા ભગતને તો બધા જ ઓળખે ! કોલેજના દરેક ફંક્શનમાં એ સ્ટેજ ઉપર ગાતી હતી. એક વાર ડ્રામામાં પણ ભાગ લીધેલો. " કેતન બોલ્યો.

"હા એ જ. એને બિચારીને કેન્સર થયું છે. પેનક્રિયાસનું કેન્સર છે અને લીવર સુધી એની અસર છે. એનો કેસ હવે સિરિયસ થતો જાય છે. કીમોથેરપી લીધા પછી પણ બચવાના ચાન્સ ઓછા છે !" રવિ ગંભીર થઈને બોલ્યો.

"એ તો નવસારીમાં જ રહે છે ને ?" કેતને પૂછયું.

"ના. ટ્રીટમેન્ટ માટે છ મહિનાથી ભાડાના મકાનમાં અહીં મુંબઈમાં જ રહે છે. એના પપ્પાના કોઈ મિત્રનો જ ફ્લેટ છે." રવિ બોલ્યો.

"એનું એડ્રેસ મળી શકે ? માનવતાની દ્રષ્ટિએ એની ખબર કાઢવા જવું જોઈએ " કેતન બોલ્યો.

"એડ્રેસ તો તને મેળવી આપું. કારણ કે એનો એક કઝિન છે મેહુલ ભગત. એ જ્યારે પણ નવસારીથી મુંબઈ આવે છે ત્યારે મારી હોટલમાં જ ઉતરે છે. હમણાં અઠવાડિયા પહેલાં જ અહીં રોકાયો હતો. એનો ફોન નંબર મળી જશે. આપણે એને નેહાનું એડ્રેસ પૂછી લઈશું. નેહાના સમાચાર એણે જ આપેલા." રવિ બોલ્યો.

" પરંતુ તમે બંને એક બીજાને કેવી રીતે ઓળખો ? " કેતને પૂછ્યું.

"અરે એ પણ એક સરસ મજાની વાત છે. એક વાર મેહુલ અહીં હોટલમાં રોકાયેલો અને રાત્રે કોઈ છોકરીને લઈને આવેલો. એણે રિસેપ્શનિસ્ટ પાસે રુમની ચાવી માગી તો રિસેપ્શનિસ્ટે મેડમને રૂમમાં સાથે લઈ જવાની ના પાડી. એમાં થોડી બોલાચાલી થઈ." રવિ વિગતવાર વાત કરી રહ્યો હતો.

"રિસેપ્શનિસ્ટે રાત્રે મને ઘરે ફોન કર્યો એટલે મેં એને ફોન ઉપર સમજાવ્યો. છોકરીને તો એ મૂકી આવ્યો પરંતુ બીજા દિવસે સવારે મેં એને મારી ચેમ્બરમાં બોલાવ્યો. એ નવસારીનો હતો અને સરનેમ ભગત હતી એટલે મેં જસ્ટ નેહા વિશે પૂછ્યું ત્યારે બધી ચોખવટ થઈ કે એ નેહાનો જ કઝીન બ્રધર છે. એણે જ એ વખતે સમાચાર આપ્યા કે નેહાને કેન્સર છે અને મુંબઈમાં ટ્રીટમેન્ટ ચાલુ છે." રવિએ પોતાની વાત પૂરી કરી.

" ઠીક છે. તો મને એડ્રેસ લાવી દે. જો અત્યારે મળી જાય તો આજે જ નેહાને મળી આવું" કેતન બોલ્યો.

રવિએ રિસેપ્શનિસ્ટ પાસે હોટલનું રજીસ્ટર મંગાવ્યું અને અઠવાડિયા પહેલાંની એન્ટ્રીઓ જોઈ. મેહુલ ભગત નામ વાંચીને એનો મોબાઈલ નંબર જોઈ લીધો અને પછી એ નંબર ડાયલ કર્યો.

"અરે મેહુલભાઈ... મને જરા નેહાનું એડ્રેસ જોઈતું હતું. મારા એક ડૉક્ટર મિત્ર આવ્યા છે. એ નેહાને ઓળખે છે એટલે નેહાને તપાસવા અને ખબર કાઢવા જવા માંગે છે." રવિ એ થોડી વાર્તા કરી.

મેહુલે ફોન ઉપર એડ્રેસ લખાવ્યું જે રવિએ એક પેડ ઉપર લખી દીધું. કાંદીવલી ઠાકુર વિલેજમાં ભૂમિ હિલ્સ એ વીંગ નું એડ્રેસ હતું.

" તેં તો મને ડૉક્ટર બનાવી દીધો." કેતન હસતાં હસતાં બોલ્યો.

"ભાઈ છોકરીનું એડ્રેસ મેળવવાનું હોય એટલે આવો ડ્રામા કરવો પડે ! નહીં તો જલદી કોઈ એડ્રેસ ના આપે." રવિ બોલ્યો.

" ઠીક છે તો પછી આજે સમય છે તો હું આજે જ એક આંટો મારી આવું." કેતન બોલ્યો.

"પરંતુ તું ત્યાં જઈને શું કરીશ? એને મળવાથી કે એના ખબર અંતર પૂછવાથી થોડી એની તકલીફ દૂર થઈ જવાની છે ? હા આર્થિક રીતે તું એને કોઈ મદદ કરવા માંગતો હોય તો વાત જુદી છે !!" રવિ બોલ્યો.

" એ તો હું એને મળું ત્યારે ખબર પડે કે એને કઈ જાતની મદદની જરૂર છે !" કેતન બોલ્યો.

"ચાલ હું તને મારી હોટલ બતાવું. અને મારી વાત સાંભળ. જો ભવિષ્યમાં તને હોટલ લાઈનમાં રસ પડે તો મજાની લાઈન છે. કોઈને કોઈ હોટલ તારા માટે હું શોધી કાઢીશ. જો ફાઇવ સ્ટાર હોટલની ઈચ્છા હોય તો એ પણ જગ્યા મારા ધ્યાનમાં છે. સાવ નવરા બેઠા કરતાં કોઈક પ્રવૃત્તિ શરુ કરવી સારી." રવિએ સલાહ આપી.

એ પછી રવિએ ત્રણેય માળ ફરીને પોતાની હોટલ કેતનને બતાવી. બે રૂમ ખુલ્લા હતા. એ ખોલીને અંદરનું ઇન્ટિરિયર પણ બતાવ્યું. રવિએ દિલથી પૈસા ખર્ચીને હોટલને રીનોવેટ કરી હતી.

"જો આ કિચન છે. ત્રણ છોકરાઓ અહીં કામ કરે છે. એક સાઉથ ઇન્ડિયન આઈટમનો એક્સપર્ટ છે. અહીંથી રૂમ સર્વિસ પૂરી પાડવામાં આવે છે. મોટાભાગે તો અહીં ગરમ બ્રેકફાસ્ટ જ બનાવવામાં આવે છે. કોઈને લંચ કે ડિનર લેવું હોય તો બાજુમાં થોડેક દૂર એક પંજાબી રેસ્ટોરન્ટ છે. ત્યાંથી અમે મંગાવી આપીએ છીએ." રવિ બોલ્યો.

કેતને બાજુના ટેબલ ઉપર પડેલું મેનુ જોયું તો એમાં ઈડલી સંભાર, ઢોંસા, મેંદુવડા, ઉત્તપમા, ઉપમા, બ્રેડબટર, સેન્ડવીચ, ભાજી પાઉં જેવો નાસ્તો અહીં જ બનાવવામાં આવતો હતો.

"તારે કંઈ ખાવાની ઈચ્છા હોય તો નાસ્તો કરીને જા." રવિ બોલ્યો.

" ભાભીએ પૂરણપોળી ખવડાવી છે એટલે અત્યારે તો પેટ ફૂલ છે. અને પેપ્સી પીધા પછી તો હવે બિલકુલ જગ્યા નથી." કેતન બોલ્યો.

એ પછી રવિ કેતનને છેક બહાર સુધી મૂકી આવ્યો. રીક્ષા આવી ત્યાં સુધી સાથે જ ઉભો રહ્યો !

રીક્ષા આવી એટલે કેતને રીક્ષાવાળાને અંધેરી સ્ટેશને લઈ લેવાની સૂચના આપી. અંધેરીથી ટિકિટ લઈને એણે ધીમી લોકલ પકડી અને કાંદીવલી પહોંચી ગયો. ત્યાંથી એણે ઠાકુર વિલેજ જવા માટે ફરી રીક્ષા પકડી અને ભૂમિ હિલ્સ ટાવર પહોંચી ગયો.

કઈ શક્તિ એને નેહા ભગત પાસે ખેંચી લાવી હતી એ જ એને સમજાતું ન હતું. નેહા ભગત કેન્સરના છેલ્લા સ્ટેજમાં હતી એવું રવિએ કહ્યું હતું. નેહાના બચવાની કોઈ જ શક્યતા ન હતી છતાં પોતે કેમ અહીં આવ્યો હતો ?

ઘણીવાર કેતનને એમ લાગતું હતું કે પોતાની ઉપર ક્યારેક કોઈ બીજી જ શક્તિ કબજો લઈ લેતી હતી !! પોતે જાણે યંત્ર હોય અને યંત્રનો ચલાવનાર કોઈ બીજો જ હોય એવો અનુભવ થતો હતો !

લિફ્ટ આવી એટલે એણે સાતમા માળનું બટન દબાવ્યું. ઉપર આવીને ૭૦૨ નંબરના ફ્લેટ પાસે આવીને એ ઉભો રહ્યો.

નેહા અને પોતે કોલેજમાં સાથે જ ભણતા હતા પરંતુ એ એની ક્લાસમેટ ન હતી અને બંને વચ્ચે એવા કોઈ સંબંધો પણ ન હતા. એ સારી ગાયિકા હતી અને દરેક સ્ટેજ શોમાં ભાગ લેતી હતી એટલે બધા જ એને ઓળખતા હતા પરંતુ એ બધાને ઓળખતી હોય એ જરૂરી ન હતું. હા પોતે ઇલેક્શનમાં ઉભો હતો અને જીએસ બન્યો હતો એટલે કદાચ એ મને ઓળખતી હોય !

આ બધી ગડમથલ વચ્ચે એણે ડોરબેલ દબાવી. દરવાજો ખૂલતાં જરા વાર લાગી. બપોરના પોણા ચાર વાગ્યા હતા. અત્યારે બધાં આરામ કરતા હોય એવું પણ બને. બીજી વાર બેલ દબાવવાની ઈચ્છા થઈ પણ એણે મનને રોકી રાખ્યું. ક્યારેક ક્યારેક ધીરજ બહુ જરૂરી હોય છે.

એ પછી થોડીક ક્ષણોમાં જ દરવાજો ખૂલ્યો. ૬૦ ની આસપાસના એક વડીલે દરવાજો ખોલ્યો. એ કદાચ એના પિતા જ હશે.

" કોનું કામ છે ભાઈ ? " વડીલે પૂછ્યું.

" જી હું નેહાનો કોલેજ ફ્રેન્ડ છું. અમે સુરત કોલેજમાં સાથે જ ભણતાં હતાં. નેહાની તબિયત વિશે આજે જ મને ખબર પડી એટલે હું એની ખબર પૂછવા આવ્યો છું. " કેતન બોલ્યો.

નેહાના પિતાને આશ્ચર્ય થયું કારણ કે આજ સુધી એનો કોઈ કોલેજ ફ્રેન્ડ આ રીતે ખબર પૂછવા આવ્યો ન હતો. એમણે કેતને અંદર આવવાનો ઇશારો કર્યો. કેતન એમની પાછળ પાછળ ડ્રોઈંગ રૂમમાં ગયો અને સોફા ઉપર બેઠક લીધી. વડીલ પણ સામે જ બેઠા.

" કોણ આવ્યું છે ? " કહીને કોઈ બહેન પણ બેડરૂમમાંથી બહાર આવ્યાં અને ધીમે ધીમે ચાલીને સોફામાં બેઠા. એમને ઢીંચણની તકલીફ હોય એમ લાગતું હતું.

"નેહાના કોઈ ફ્રેન્ડ છે. બંને જણાં કોલેજમાં સાથે ભણતાં હતાં. ખબર કાઢવા આવ્યા છે. " વડીલ બોલ્યા.

" કેતન સાવલિયા મારું નામ છે. હું સુરતનો છું. નેહા પાસે જઈ શકું ? " કેતન બોલ્યો.

" નેહાની તબિયત બહુ સારી નથી. ડોક્ટરે તો બચવાની આશા છોડી દીધી છે. જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. ખાવા પીવાનું લગભગ બંધ જેવું જ છે. માત્ર પ્રવાહી લઈ શકે છે. વધારે વાતચીત કરી શકતી નથી. " વડીલ બોલ્યા અને એમણે ચશ્મા કાઢીને પોતાની ભીની આંખો લૂછી નાખી.

"હું સમજી શકું છું. હું નેહાને કોઈ તકલીફ નહીં આપું. મારી ઈચ્છા છે કે હું ૧૦ ૧૫ મિનિટ નેહાની સામે બેસું. મારે એકાંત જોઈએ છે. " કેતન બોલ્યો.

કેતનની વાતોથી વડીલને આશ્ચર્ય થયું. છતાં હવે આ સ્ટેજે કેતન એકલો જ યુવાન નેહાના રૂમમાં હોય તો બીજો કોઈ ડર ન હતો એટલે એમણે સંમતિ આપી.

" ભલે. પેલો બેડરૂમ નેહાનો છે. તમે અંદર જઈ શકો છો." વડીલ બોલ્યા અને એમણે બેડરૂમ તરફ ઈશારો કર્યો.

કેતન ઉભો થયો. નેહાના બેડરૂમ પાસે ગયો અને ધીમેથી દરવાજો ખોલ્યો.

" અંદર આવું ? " કેતન બોલ્યો અને જવાબની અપેક્ષા વગર જ એ અંદર દાખલ થયો અને નેહાના બેડ પાસે એક સ્ટૂલ ઉપર બેસી ગયો. રૂમમાં બીમારીના કારણે ઘણી નેગેટિવ એનર્જી હતી ! બધી ક્રિયાઓ બેડમાં જ થતી હોવાના કારણે એક પ્રકારની વાસ પણ આવતી હતી !

નેહાની આંખો ખુલ્લી હતી અને એ કેતન સામે જોઈ રહી હતી. કદાચ એ એને ઓળખવાનો પ્રયત્ન કરતી હતી.

" હું કેતન સાવલિયા. સુરત કોલેજમાં આપણે બધાં સાથે જ ભણતાં હતાં. તમને તો આખી કોલેજ ઓળખે છે પરંતુ તમે કદાચ મને ના ઓળખતા હો. હું જીએસના ઇલેક્શનમાં ઉભો હતો અને જીત્યો હતો ! " કેતને પોતાનો પરિચય આપ્યો.

" ઓળખું છું." નેહા મંદ મંદ અવાજે બોલી અને સ્માઈલ આપ્યું. " જાનકી મજામાં છે ? "

કેતનને હવે આશ્ચર્ય થયું. એનો મતલબ કે જાનકીના કારણે નેહા મને ઓળખે જ છે.

" જાનકી એકદમ મજામાં છે. આવતી કાલે જ હું એને મળવાનો છું. તમારી યાદ એને ચોક્કસ આપીશ. " કેતન બોલ્યો.

" તમે મારી ખબર કાઢવા માટે આવ્યા છો ? મારી તબિયત એટલી બધી સારી નથી. કીમો લઈને જુઓ આ માથાના વાળ પણ ખરવા લાગ્યા છે. ડોક્ટરે તો આશા છોડી દીધી છે. " નેહા ફિક્કું હસીને બોલી. એણે માથા ઉપર કપડું બાંધ્યું હતું.

"મને બધી જ ખબર છે. હું તમને કેન્સરમાંથી સંપૂર્ણપણે બહાર કાઢવા માટે આવ્યો છું. નવી જિંદગી આપવા માટે આવ્યો છું. અને આ કોઈ મજાક નથી ! ૩૦ દિવસમાં તમારું પેનક્રિયાસ અને લીવર એકદમ નોર્મલ હશે ! " કેતન આત્મવિશ્વાસથી બોલ્યો.

નેહા તો એની સામે બસ જોઈ જ રહી !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED