પાછલા પ્રકરણનો સાર:
ગઝલને નોકરના હાથે પહેલી હલ્દી લાગી જાય છે. તેની સાસુએ તેના વિશે પુછ્યું ત્યારે નીશ્કાએ અમે મસ્તી કરતાં હતાં એવું બહાનુ કાઢીને વાત વાળી લીધી.
પછી ગઝલની હલ્દીનો પ્રસંગ સુખ રૂપ પુરો થાય છે. પણ એક નોકર હલ્દીના આખા પ્રસંગ દરમિયાન રહસ્યમય વર્તાવ કરે છે.
કૃપાની તબિયત ખરાબ થવાથી ડોક્ટર બોલાવવા પડે છે.
રાતના દાંડિયા રાસના પ્રોગ્રામમાં ગઝલ-મલ્હારની ગ્રાંડ એન્ટ્રી થાય છે. કૃપા સિવાયના બધા ડાન્સ કરે છે અને દાંડિયા રમે છે. દાંડિયા રમતી વખતે નીશ્કાના લીધે ગઝલનું મીંઢળ તૂટી જાય છે.
સુમતિ બેન તેને અપશુકન અને લગ્નમાં આવેલું વિઘ્ન ગણે છે. પરંતુ મલ્હાર તેની વાત સાંભળવા તૈયાર નથી. તે અપમાનજનક રીતે સુમતિ બેન પર ખિજાય છે. મલ્હારને કોઈ પણ ભોગે આ લગ્ન કરવા હોય છે.
છેવટે સુમતિ બેન આનો તોડ કાઢતાં ગઝલ અને નીશ્કાને વહેલી સવારે મહાદેવ મંદિરે પૂજા કરવા જવા માટે મનાવી લે છે.
હવે આગળ..
**
પ્રણય પરિણય ભાગ ૨૫
'અહીંથી એકાદ કિલોમીટર દૂર એક મહાદેવ મંદિર છે ત્યાં.. બધી વ્યવસ્થા થઇ ગઇ છે, ડ્રાઈવરને બધી ખબર છે. પૂજારી કહે એ રીતે પૂજા કરવાની છે. બધુ તૈયાર છે, તમારે ફક્ત સમયસર પહોંચવાનું છે.' સુમતિ બેને કહ્યુ.
'ઠીક છે મમ્મી.. ડોન્ટ વરી, અમે જઇ આવીશું.' ગઝલએ કહ્યું.
'થેંક્યુ બેટા.. જાવ હવે સૂઇ જાવ.. સવારે વહેલા ઉઠવાનું છે.' કહીને સુમતિ બેને ગઝલના ચહેરા પર પ્રેમથી હાથ ફેરવ્યો.
'હા.. ગુડ નાઈટ..' ગઝલ હસીને બોલી. અને ગઝલ અને નીશ્કા કૃપાની રૂમમાંથી નીકળીને સુવા માટે એમની રૂમમાં ગયા.
**
ગઝલ અને નીશ્કા રાત્રે નક્કી થયા પ્રમાણે સવારે વહેલા ઊઠીને મહાદેવ મંદિરે જવા માટે તૈયાર થઇ રહ્યાં હતાં.
'થઇ ગઇ તમારી તૈયારી?' કૃપાએ તેમની રૂમમાં આવતાં પૂછ્યું. કૃપાની તબિયત ખરાબ હોવા છતાં એ વહેલી ઉઠીને ઉપર આવી હતી. તેને સખત ઠંડી લાગી રહી હોવાથી શૉલ ઓઢી હતી.
'હાં ભાભી ફક્ત પાંચ મિનિટ.' નીશ્કા બોલી. પછી પૂછ્યું: ભાભી તમને મજા નથી છતાં શું કામ એટલા વહેલા ઊઠીને આવ્યાં?' પછી તેણે કૃપાને ચેર પર બેસાડી દીધી.
'અરે મને કંઈ નથી થયું, તમે ફટાફટ તૈયાર થઈને બીજા ઉઠે તે પહેલાં પૂજા પતાવીને આવો.' કૃપા નાક ઉપર ખેંચતા બોલી. શરદીના લીધે એનુ નાક એકદમ લાલ થઈ ગયું હતું.
'હાં બસ ગઝલ સાડી પહેરે છે, એ આવે એટલે નીકળીએ.' નીશ્કા બોલી.
ત્યાં ગઝલ બહાર આવી.
'અરે! આ શું પહેર્યું તે?' કૃપા ગઝલએ પહેરેલી સાડી તરફ જોઈને બોલી.
'હાં એજ જુઓને ભાભી, આ સાડી બરાબર બેસતી જ નથી.' ગઝલ અકળાઈને બોલી.
'અરે પણ તો આટલી કડક સાડી શું કામ પહેરી છે?' કૃપાએ પૂછ્યું.
'એની સાસુએ આ સાડી પહેરવાનું કીધું છે.' નીશ્કા બોલી.
'તું એ દિવસે પહેરી હતી તે સાડી પહેરી લે. આ બહુ કડક છે તને નહીં ફાવે.' કૃપા બોલી.
'પણ મારા સાસુ..' ગઝલ અચકાતા બોલી.
'હું સુમતિ બેનને સમજાવી લઈશ, બાકી તુ આ સાડી પહેરીને પગથિયાં કેવી રીતે ચઢીશ?' કૃપા એક છીંક ખાઇને બોલી.
'ઓહ, પગથિયાં ચઢવા પડશે?' ગઝલ કંટાળાના ભાવ સાથે બોલી.
'હાં, સુમતિ બેન કહેતા હતા કે જુનુ મંદિર છે અને થોડું ઉંચાઇ પર છે.' કૃપાએ કહ્યુ પછી ઉમેર્યું: 'એટલે જ તો એ નથી આવતા તમારી સાથે. પગથિયાં ના ચઢી શકેને તે.. અને મારી પણ તબિયત ખરાબ છે, નહીતો હું જ આવત.'
'ઠીક છે. પણ ભાભી તમે આરામ કરો, નહિતો તમારી તબિયત હજુ વધુ બગડશે.' ગઝલ બોલી અને એ દિવસે મોલમાંથી લીધેલી સાડી (જે વિવાને પસંદ કરી હતી) લઇને પહેરવા ગઈ.
'રેડી?' સુમતિ બેન અંદર આવતા બોલ્યા.
'હાં.' ગઝલએ કહ્યુ.
'ચલો તો પછી, ગાડી તૈયાર છે, ડ્રાઈવર વેઈટ કરે છે.' સુમતિ બેન બોલ્યા. તેણે સાડી વિષે પણ કંઈ પુછપરછ ના કરી.
ચારેય જણ રિસોર્ટની બેક સાઈડના ગેટ પર આવ્યા. ડ્રાઈવર ત્યાં ગાડી લઈને હાજર હતો.
ગઝલ અને નીશ્કા ગાડીમાં બેઠા.
'સંભાળીને લઇ જજે અને પુજા પતાવીને તરતજ પાછા લઈ આવજે..' કૃપાએ ડ્રાઈવરને સૂચના આપી.
'જી મેડમ, તમે બિલકુલ ચિંતા ના કરો, અહીંથી હવે મેડમની સંભાળ રાખવાની જવાબદારી મારી છે.' કહીને ડ્રાઈવરે ગાડી સ્ટાર્ટ કરી. તેનો અવાજ આત્મવિશ્વાસથી છલકાતો હતો.
'ચલો તમે હવે થોડો આરામ કરો. એક દોઢ કલાકમાં આ લોકો આવી જશે.' સુમતિ બેન બોલ્યા.
'હાં ચલો, ભગવાન બધુ સારુ કરશે.' કૃપા બોલી. બંને જણ રિસોર્ટમાં આવ્યાં.
'ભાઈ, કેટલી વાર લાગશે પહોંચતાં?' નીશ્કાએ ડ્રાઈવરને પૂછ્યું.
'દસ મિનિટમાં પહોંચી જઈશું મે'મ.' ડ્રાઈવરે કહ્યું.
થોડીવારમાં તેઓ મંદિરના પગથિયાં પાસે પહોંચી ગયા.
સવારના સાડા પાંચ વાગ્યા હતાં, ઝાંખુ અજવાળું થઇ ગયું હતું. ગઝલ અને નીશ્કા ગાડીમાંથી ઉતરી.
'આ જ મંદિરે જવાનું છે?' ગઝલએ પૂછ્યું.
'હાં મે'મ.' ડ્રાઈવરે જવાબ આપ્યો.
'બાપરે! કેટલા બધા પગથિયાં છે..?' ગઝલ છાતી પર હાથ મૂકીને બોલી.
'સોએક તો હશે જ..' નીશ્કાએ અંદાજ બાંધ્યો.
'એકસો એકાવન.' ડ્રાઈવર બોલ્યો.
'હેંએેએ..' બંને એક સાથે બોલી ઉઠી.'
'હાં ખૂબ જુનુ મંદિર છેને એટલે..' ડ્રાઈવરે કહ્યું.
'બાપરે! એટલા બધા પગથિયાં કેવી રીતે ચઢશું?' નીશ્કા અત્યારથી જ પાણીમાં બેસવા લાગી.
'હાં એજને.. પણ જવું તો પડશે જ..' ગઝલ બોલી.
ત્રણેય જણા પગથિયાં ચઢવા લાગ્યા.
'લગ્ન તારા અને પગથિયાં મારે પણ ચઢવાના.. મારે રાતની ફ્લાઈટમાં દિલ્હી જવાનું છે..' નીશ્કા પગથિયાં ચઢતા બડબડ કરી રહી હતી.
'ભૂલ તારી જ છે, તે જ મારા હાથ પર દાંડિયો માર્યો હતો..' ગઝલ મોઢુ વંકાવીને બોલી.
વીસેક પગથિયાં ચઢ્યાં હશે ત્યાં નીશ્કાનો પગ લપસીને મચકોડાઇ ગયો અને તે ઓય માંઆઆ.. બોલતી બેસી ગઈ..
'શું થયું?' કહેતા ગઝલ અને ડ્રાઈવર બંને ઉભા રહી ગયા.
'મારો પગ..' કહેતી નીશ્કા રડવા લાગી.
'એન્કલ પાસે મચક આવી લાગે છે.' ડ્રાઈવરે નીશ્કાના પગ સામે જોતા કહ્યું.
'બહું દુખે છે?' ગઝલએ લાગણીથી પૂછ્યું.
'હાં.' નીશ્કા આંખમાં આંસુ સાથે બોલી.
'આપણે મંદિરે જઈને સમયસર પાછુ રિસોર્ટ પર પણ પહોંચવાનું છે.' ડ્રાઈવર બોલ્યો.
નીશ્કાએ ઉભા થવાનો પ્રયાસ કર્યો પણ ફરીથી 'આહ.. મમ્મી..' એમ કહીને બેસી પડી.
'મારાથી તો પગ પણ મંડાતો નથી.. પગથિયાં કેવી રીતે ચઢી શકું..' નીશ્કા બોલી.
'તો હવે?' ગઝલ મૂંઝાઈને બોલી.
'જવુ તો પડશેજ ગઝલ.. હું નહીં આવી શકું, તુ જઈ આવ. હું અહીં બેઠી છું.' નીશ્કાએ કહ્યુ.
'અરે! એમ હું એકલી કેમ જાવ?' ગઝલ બોલી.
'એકલી ક્યાં છે? આ ડ્રાઈવર છેને તારી સાથે.' નીશ્કાએ કહ્યુ.
'તું કોશિશ કરને નીશુ..' ગઝલ લાચાર અવાજે બોલી.
'ગઝલ, મને ખરેખર બહુ દુખે છે.' નીશ્કાની આંખમાં હજુ પણ આંસુ હતા.
'હાં, ચલો મે'મ હું છુંને..!' ડ્રાઈવર બોલ્યો.
ગઝલએ છેક હવે તેના તરફ ધ્યાનથી જોયુ.
'તું એજ છેને જેણે કાલે મારા પર હલ્દી ઢોળી હતી?' ગઝલ ઝીણી આંખો કરીને બોલી.
સોરી મેડમ, એ ભૂલથી ઢોળાઈ હતી.
'ગૂડ, આ તો તારો ઓળખીતો નીકળ્યો, હવે તો બિન્દાસ જા એની સાથે.'
'હું તેની સાથે નહીં જાઉં, તેણે જ કાલ સવારથી મારો દિવસ બગાડ્યો છે, એના લીધે અપશુકન થયા..' ગઝલએ નાના બાળકની જેમ જિદ કરી.
'એક આઇડિયા છે મારી પાસે..' નીશ્કાએ કહ્યું.
'શું આઇડિયા છે?' ગઝલએ ખુશ થઈને પૂછ્યું.
'આપણે અહીં જ ટાઈમપાસ કરીએ, પછી રિસોર્ટ જતા રહીએ.. પુજા કેન્સલ.. ચાલશે?' નીશ્કા બોલી.
ગઝલએ નીશ્કા સામે જોઈને મોઢુ બગાડ્યું.
'તો પછી જલ્દી જા આની સાથે નહિતો તારી સાસુ પાછા અપશુકન થયા કહીને લગ્ન અટકાવી દેશે.' નીશ્કા બોલી.
'અરે નહીં.. હું જઉં છું. યુ વેઈટ હિઅર, આઇ વિલ બેક સૂન..' કહીને ગઝલ ડ્રાઈવર તરફ ફરી અને બોલી: 'ચાલો.'
'હાં ચાલો..' ડ્રાઈવર બોલ્યો.
ગઝલ આગળ અને પાછળ ડ્રાઈવર પગથિયાં ચઢતા મંદિર તરફ ગયા.
'અહીથી તારુ જીવન બદલી રહ્યું છે ગઝલ.. બેસ્ટ ઓફ લક.. ગોડ બ્લેસ યૂ માય ડિયર ફ્રેન્ડ..' એ લોકોને દૂર જતા જોઈ નીશ્કા બોલી.
પચાસેક પગથિયાં ચઢ્યા પછી ગઝલ થાકી ગઈ.
'આપણે થોડો રેસ્ટ કરીએ..' ગઝલ બોલી.
'મે'મ, બધુ સમયસર પતાવવાનું છે, રેસ્ટ કરવામાં સમય બગાડવો પાલવે તેમ નથી. ચાલો..' ડ્રાઈવરે કહ્યું.
'એક તો આ સાડીમાં ચડવાનું ફાવતું નથી અને ઉપરથી મારા પગ દુખે છે.' ગઝલ સાડી ઉપર લઈને પોતાના પગ જોતી બોલી.
'મારી પાસે એક આઇડિયા છે..' ડ્રાઈવર બોલ્યો.
ગઝલએ પ્રશ્ન સૂચક નજરે એની સામે જોયું.
એ મનમાં હસ્યો અને ગઝલની કમરમાં હાથ પરોવીને તેને ઉંચકી લીધી.
ગઝલએ આંખો કાઢીને તેની સામે જોયું.
'આ શું કરે છે?' કહીને ગઝલ હાથપગ ઉછાળવા લાગી.
'શીશીશઈઈ.. પુજા કરવી છેને?' ડ્રાઈવર તેની આંખોમાં જોઇને પ્રેમથી બોલ્યો. ગઝલ પણ તેની આંખોમાં જોઈ રહી.. તેની આંખોમાં જોઇને ગઝલના હૃદયમાં કંઈક થતુ હતું. પણ શું થાય છે તે એને સમજાતુ નહોતું. ગઝલ તેની આંખોમાં ખોવાઇ ગઈ. અને એ ગઝલને ઉંચકીને ચુપચાપ પગથિયાં ચઢતો રહ્યો.
ગઝલએ તેના ગળા ફરતાં હાથ વીંટાળ્યા અને તેની એકીટશે આંખોમાં જોઇ રહી.
'બાપરે! કેટલો મજબૂત છે આ, મને ઉપાડીને કેટલી આસાનીથી પગથિયાં ચઢી રહ્યો છે!' ગઝલ મનમાં વિચારી રહી.
ડ્રાઈવર વીસ મિનિટમાં વગર અટક્યે બધા પગથિયાં ચઢી ગયો. જયારે ગઝલ તો મસ્ત તેના ગળા ફરતે હાથ વીંટાળીને આરામથી હાથોમાં ઉંચકાયેલી હતી.
'ફિનિશ..' મંદિરમાં આવતાં ડ્રાઈવર બોલ્યો.
ગઝલએ આજુબાજુમાં જોયું, મંદિર ખુબ સુંદર હતુ.
'પહોચી ગયા આપણે!' ગઝલ ખુશ થતાં બોલી.
'હમ્મ..' ડ્રાઈવર બોલ્યો.
'બહુ સરસ મંદિર છે..' ગઝલ બોલી.
'હા, ચાલો..' ડ્રાઈવરે કહ્યું.
ગઝલ બધુ કુતુહલથી જોતા આગળ ચાલી રહી હતી. આખુ મંદિર સરસ મજાના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
મંદિરમાં કાળા પથ્થરની ભગવાન શિવની સુંદર પ્રતિમા હતી. ગઝલએ સાડીનો પાલવ માથે ઓઢીને મહાદેવ સમક્ષ હાથ જોડીને દર્શન કર્યા.
'આવો અહીં બેસો.' પુજારીએ કહ્યુ. તેમણે પૂજાની બધી તૈયારીઓ કરી રાખી હતી.
ગઝલ જઇને બાજોઠ પર બેઠી.
'તમે પણ આવો.' પુજારીએ ડ્રાઈવરને કહ્યું.
'એનુ શું કામ છે?' ગઝલએ કહ્યુ.
'પુજા માટે જોડીમાં બેસવું પડે.' પુજારી બોલ્યાં.
'અરે પણ..' ગઝલ કંઇક બોલવા ગઈ. ત્યાં ડ્રાઈવર વચ્ચે બોલ્યો: 'રહેવા દો મહારાજ મેડમ એકલા જ પુજા કરશે.'
જેવી તમારી મરજી કહીને પુજારીએ પુજા શરૂ કરી.
'આપણે નાનકડો હવન કરીશું. હું જેવી રીતે કહેતો જાવ તમારે એ રીતે કરવાનું છે. આ વિધિ ખૂબ અગત્યની છે. તમારે પુરુ ધ્યાન પૂજામાં લગાવવાનું છે.' પુજારીએ સમજાવ્યું.
ગઝલએ માથુ નમાવીને હાં કહ્યુ.
પૂજારીએ મંત્રોચ્ચાર શરૂ કર્યા. ગઝલ હાથ જોડીને બેસી.
मंगलम् भगवान विष्णुः,मंगलम् गरुणध्वजः।
मंगलम् पुण्डरी काक्षः, मंगलाय तनो हरिः॥
હવે જમણાં હાથમાં એક ચમચી જળ લો. હવે જળની આચમની લો..
सर्वमंगल मांगल्ये शिवे सवार्थ साधिके शरण्येत्र्यंबके गौरी नारायणी नमोस्तुते।
હવે કુમકુમ વડે આ કળશની ચારે તરફ ચાંલ્લા કરો..
એક તરફ પૂજા ચાલી રહી હતી તો બીજી તરફ ડ્રાઈવર મતલબ કે વિવાન શ્રોફ ભગવાન સામે નતમસ્તક થઈને બે હાથ જોડીને ઉભો હતો.
એ મનમાં બોલી રહ્યો હતો: 'હે મહાદેવ મને માફ કરજો, હું ગઝલને ફસાવીને, એનુ અપહરણ કરીને એની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું. મારે પુજાનુ બહાનું કરીને તેને બહાર લાવવી પડી. અન્યથા એ આવી નહોત. હે ભગવાન, એ નાદાનને ખબર નથી કે એ હાથે કરીને પોતાની જીંદગી બરબાદ કરવા જઈ રહી હતી. એક ભયાનક માણસની ચુંગાલમાં ફસાવા સામેથી જઈ રહી હતી. અત્યારે ભલે એની સંમતિ વગર હું એની લગ્ન કરીશ પણ હું તમને વચન આપું છું કે એક દિવસ એની સંમતિ સાથે અહીં આવીને તમારી સમક્ષ હું એની સાથે લગ્ન કરીશ. અને ત્યાં સુધી હું એક પતિ તરીકે કોઈ પણ રીતે તેના પર દબાણ કરીશ નહીં તથા કોઈ પણ પ્રકારનો અધિકાર જતાવીશ નહીં.
હે મહાદેવ, હું તમને વચન આપુ છું કે ગઝલ પોતે જ્યાં સુધી મને તેના હૃદયમાં જગ્યા ના આપે, અને પ્રેમથી મારો સ્વીકાર ના કરે, ત્યાં સુધી અમારા વૈવાહિક જીવનની શરૂઆત નહીં થાય. તે આ રીતે થયેલા લગ્નને નહીં સ્વીકારે. કદાચ મારી સાથે ઘરે પણ નહીં આવે, પણ મારા પ્રેમ અને તેના ભલા માટે મારે થોડી જબરદસ્તી કરવી પડશે કે કદાચ ડરાવવી ધમકાવવી પડશે. પણ હે પ્રભુ, હું કંઈ પણ ખરાબ ઈરાદાથી નહીં કરું. હે મહાદેવ, તમે તો માણસના મન હૃદયમાં શું છે એ બધું જાણો છો. મારી સાક્ષીએ રહેજો.
ન્યાય માટે થઇને પણ ક્યારેક ખોટો રસ્તો લેવો પડે છે, એ માટે મને માફ કરજો. છતાં કાવ્યાને ન્યાય અપાવવાના મારા યુદ્ધથી ગઝલને હું હંમેશા અલગ રાખીશ.' કહીને વિવાન મહાદેવ સમક્ષ બે હાથ જોડીને ઉભો રહ્યો.
પેલી તરફ પૂજા ચાલી રહી હતી.
ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।स्वस्ति नः पूषा विश्ववेदाः।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु ॥
લગભગ દસેક મિનિટ પુજા ચાલી પછી પુજારીએ શ્લોક બોલતાં બોલતાં ગઝલના હાથમાં એક ફુલ આપીને ત્રણ વાર સુંઘવાનું કહ્યુ.
ગઝલએ હજુ બે વખત ફુલ સુંઘ્યુ ત્યાં એ બેહોશ થઇને ઢળી પડી.
ક્રમશઃ
**
ગઝલ હોશમાં આવીને કેવું રિએક્ટ કરશે?
શું તે વિવાન સાથે જશે?
ગઝલ-મલ્હારના ઘરવાળા હવે શું કરશે?
નીશ્કા પગથિયાં પર એકલી બેઠી છે, તેનું શું થશે?
**
❤ આપની કોમેન્ટ્સ અને રેટિંગની પ્રતિક્ષામાં ❤