પ્રણય પરિણય - ભાગ 24 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 24

પાછલા પ્રકરણનો સાર:


રઘુ શોધી કાઢે છે કે મલ્હાર-ગઝલના લગ્ન બે દિવસ પછી સેલવાસમાં એક રિસોર્ટમાં થવાના છે. વિવાન હોસ્પિટલમાં કોમામાં રહેલી કાવ્યાને કહે છે કે હું તારો બદલો લેવા નીકળી ચૂક્યો છું. તારા એક એક આંસુની કિંમત મલ્હારે ચુકવવી જ પડશે.

હોસ્પિટલમાં કાવ્યાની સિક્યોરિટી ડબલ ટાઈટ કરીને તેઓ સેલવાસ જવા નીકળી જાય છે.

સેલવાસમાં ગઝલની મહેંદીની રસમ થઈ ચૂકી હોય છે. બીજે દિવસે મંડપ મુહૂર્ત અને પીઠીની વિધી હોય છે. એ દિવસે ગઝલની ખાસ ફ્રેન્ડ નીશ્કા તેના લગ્નમાં આવે છે.

ગઝલ તૈયાર થઈને પીઠીના પ્રોગ્રામ માટે નીચે જતી હોય છે, બરાબર ત્યારે જ તે એક નોકર સાથે ટકરાય છે અને નોકર દ્વારા તેના શરીર પર હલ્દી લાગી જાય છે.

હવે આગળ..


**


પ્રણય પરિણય ભાગ ૨૪



એના હાથમાં રહેલી હલ્દી ગઝલની કમર પર અને પીઠ પર લાગી ગઈ હતી.

એનાં ઠંડી ઠંડી આંગળીઓના સ્પર્શથી ગઝલને કંઈક થઈ રહ્યું હતું. તેની હૃદયની ગતિ વધી રહી હતી.

ગઝલને તેની આંખો જાણીતી લાગી રહી હતી. તે એની આંખોમાં જોઈ રહી. એ પણ ગઝલની આંખોમાં પ્રેમથી જોઈ રહ્યો હતો. સુંદર તારામૈત્રક રચાયું હતું.


'ગઝલલઅઅઅ..' નીશ્કા બહારથી સાદ પાડતી આવી.

નીશ્કાના અવાજથી બંને જણ ઝબકી ગયા.


'આઈ એમ સોરી..' કહીને નોકર ગઝલને સીધી ઉભી કરીને જતો રહ્યો. ગઝલ અવઢવમાં રહીને એને જતો જોઇ રહી.


'ગઝલ..' નીશ્કા એના ખભા પર ટપલી મારીને બોલી.


'હં.. હા.. શું..?' ગઝલ તંદ્રામાંથી જાગી હોય તેમ બોલી.


'તારુ ધ્યાન ક્યાં છે?' નીશ્કાએ પૂછ્યું અને ગઝલના શરીર પર હલ્દી લાગેલી જોઈને બોલી: 'આ હલ્દી તારા પર કેવી રીતે લાગી?'


'અરે તે પેલો નોકર..' ગઝલનુ ધ્યાન હજુ દરવાજા તરફ જ હતું.


'કોણ?' નીશ્કાએ પુછ્યું.


'અરે પેલો નોકર હલ્દીનું બાઉલ લઈને આવ્યો હતો એ મારી સાથે ટકરાયો એમા જોને મારા પર હલ્દી લાગી ગઈ.' ગઝલ થોડી ખીજમાં બોલી.


'ઠીક છે, એ છોડ.. તું ચલ નીચે.' નીશ્કાએ કહ્યું.


'અરે પણ મારી હાલત તો જો.. આ હલ્દી..' ગઝલ એના પર લાગેલી હલ્દી દેખાડતા બોલી.


'વાંધો નહીં ચાલશે યાર, થોડીકજ હલ્દી લાગી છે.. એમ પણ હજુ તને પીઠી ચોળશે ત્યારે વધુ હલ્દી લાગવાની જ છેને?' નીશ્કાએ કહ્યું.


'અરે પણ ભાભી જોશે તો શું કહેશે? એ પુછશે કે આ હલ્દી કેવી રીતે લાગી તો?' ગઝલએ મૂંઝાઇને પૂછ્યું.


'તો કહેશુ કે અમે બંને મસ્તી કરતાં હતાં એમા લાગી ગઈ. ચલ હવે મોડું થાય છે.' નીશ્કા ગઝલને રૂમની બહાર ખેંચી જતા બોલી.


બંને જણ પીઠી (હલ્દી) ના મંડપ પાસે પહોંચી.


'કેટલું મોડું કર્યું..' કૃપાએ તેમની સામે જોઈને કહ્યું.


'સોરી.. ભાભી.' ગઝલ બોલી.


'ચાલ બેસી જા, મલ્હાર ક્યારનો તારી રાહ જુએ છે.' કૃપા હસીને બોલી.

ગઝલએ મલ્હાર સામે જોયું. એ મનમાં મુસ્કુરાતો ગઝલ સામે જોઈ રહ્યો હતો. ગઝલ તેની પાસેના બાજોઠ પર બેઠી.


'આ શું? તને તો પહેલેથી જ હલ્દી લાગેલી છે.' મલ્હારના મમ્મી સુમતિ બેન બોલ્યા. ગઝલએ નીશ્કા સામે જોયુ.


'મારા લીધે..' નીશ્કા બોલી.


'તારા લીધે?' સુમતિ બેન બોલ્યા.


'સોરી આંટી, અમે લોકો થોડી મસ્તી કરતાં હતાં અને રૂમમાં દોડાદોડી કરતાં હતા એમા લાગી ગઈ..'


'છોકરીઓ શું તમે પણ..' કૃપા બોલી.


'સોરી ભાભી..' નીશ્કાએ કહ્યું. પછી થોડી લાગણીશીલ થઈને બોલી: 'હવે તો ગઝલ પારકી થઈ જશે.. કોને ખબર ફરી ક્યારે તેની સાથે રમવા મળે..' નીશ્કાની આંખો ભીની થઇ ગઇ. એ સાથે વાતાવરણ થોડું ભરેખમ થઇ ગયું.


'અરે બેટા એ ઘર પણ તારી ફ્રેન્ડનુ જ છે.. જ્યારે મન થાય ત્યારે આવી જવાનુ..' મલ્હારના પપ્પા પ્રતાપ ભાઈ હસીને બોલ્યા. એ સાથે બઘાના ચહેરા પર ભીની સ્માઈલ આવી ગઈ.


પછી પીઠીની વિધિ શરૂ થઈ. એક પછી એક કરીને બધાએ મલ્હાર-ગઝલને હલ્દી લગાવી.


'હમ્મ..' મલ્હારે એક હાથમાં હલ્દી લઈને ગઝલ સામે જોયુ. ગઝલ શરમાઈ ગઈ. મલ્હારે ગઝલના ચહેરા પર હલ્દી લગાવી. પછી ગઝલએ પણ મલ્હારના ચહેરા પર હલ્દી લગાવી.


પછી તો બધા હલ્દીથી ધૂળેટી રમ્યા. ઘણી વાર સુધી રિસોર્ટના મેદાનમાં પકડા પકડી ચાલી. કોણ નાના ને કોણ મોટા.. બધા લોકોએ જાણે બાળક બની ગયા હોય તેમ મસ્તી કરી.


થોડી વાર પછી પાંચ સાત જણાએ મળીને મલ્હાર અને ગઝલને ઉપાડીને સ્વિમિંગ પુલમાં નાખ્યા. પછી બધાં યંગસ્ટર્સ પણ સ્વિમિંગ પુલમાં પડ્યા.


દૂરથી પેલો નોકર મલ્હાર સામે જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર એક પ્રકારની ક્રુર સ્માઈલ હતી.


ઘણીવાર સુધી ધીંગામસ્તી ચાલી પછી વર પક્ષ વાળા મલ્હારને અને કન્યા પક્ષ વાળા ગઝલને અંઘોળ કરાવવા લઇ ગયા.


પછી બધા જમ્યા. હવે પછી સીધો રાત્રે સંગીત સંધ્યા અને દાંડિયા રાસનો પ્રોગ્રામ હતો, ત્યાં સુધી બીજો કોઈ પ્રોગ્રામ હતો નહીં એટલે જમીને બધા આરામ કરવા ગયા.

કૃપાને તાવ વધી ગયો હતો એટલે ડોક્ટર બોલાવવા પડ્યા.

ડોકટરે કૃપાને તપાસીને કહ્યુ: 'વાઈરલ ફીવર છે, ચિંતા કરવાની જરૂર નથી.' દવા આપી અને આરામ કરવાની સલાહ આપીને ડોક્ટર ગયાં.


સાંજના ચારેક વાગે બ્યૂટી આર્ટિસ્ટ આવી ગયાં એટલે બધા તૈયાર થવાની મથામણમાં પડ્યા.


ડી જે વાળા પણ સમયસર આવી ગયાં. રિસોર્ટના મેદાનમાં એક સ્ટેજ બાંધવામાં આવ્યું હતું. ત્યાં બધાના ડાન્સ પર્ફોમન્સ થવાના હતા.

સ્ટેજની સામે થોડા ક્રોસમાં મલ્હાર અને ગઝલના માટે એક મોટો હિંડોળો શણગારીને સ્પેશિયલ બેઠક બનાવવામાં આવી હતી.

વચ્ચે મહેમાનો માટે ખુરશીઓ એવી રીતે ગોઠવવામાં આવી હતી કે સ્ટેજ પરના પર્ફોમન્સ વ્યવસ્થિત જોઇ શકાય અને દાંડીયા રાસ રમવામાં પણ ખુરશીઓ નડે નહીં.


ધીમે ધીમે બધા મહેમાનો ગ્રાઉન્ડમાં આવી ગયા. હવે ગઝલ અને મલ્હારની રાહ જોવાતી હતી.


થોડી વાર પછી ડીજેએ માઈક પર ગઝલ-મલ્હારની એન્ટ્રીની જાહેરાત કરી: 'મોંઘેરા મહેમાનો.. આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એ ઘડી આવી ગઈ છે.. આપણા પ્યારા વરરાજા મલ્હાર અને લાડકી દુલ્હન ગઝલનું વિમાન બસ થોડીવારમાં જ આ ગ્રાઉન્ડમાં ઉતરશે..'


જાહેરાત થતાં જ વાતાવરણમાં હલચલ મચી ગઈ. બધા મહેમાનો ઉત્સુક નજરે આસમાન તરફ જોવા લાગ્યા.


થોડી ક્ષણોમાંજ દુરથી પુષ્પક વિમાન જેવા આકાર વાળી એક ચીજ ગ્રાઉન્ડ તરફ આવતી દેખાઈ. એ ચીજ ખરેખર તો ચાર મોટા ડ્રોન ભેગા કરીને બનાવવામાં આવેલું બે જણા ઉભા રહી શકે તેવું નાનકડું પુષ્પક વિમાન જેવા દેખાવનું ડ્રોન હતું.


થોડીવારમાં વિમાન ગ્રાઉન્ડની એક સાઈડમાં ઉતર્યું. ગઝલ અને મલ્હાર વિમાનમાંથી નીચે ઉતર્યા. મહેમાનોએ આનંદની ચિચિયારીઓ પાડી.

ત્યાંથી તેમને એક શણગારેલા રથમાં બેસાડીને તેઓ માટે બનાવવામાં આવેલી હિંડોળા વાળી ખાસ બેઠક પર લાવવામાં આવ્યા. એ સમયે ખૂબ આતશબાજી કરવામાં આવી. વર કન્યાની અદભુત એન્ટ્રી જોઈને મહેમાનો દંગ રહી ગયા.


ગઝલ અને મલ્હાર પોતાની જગ્યાએ બેઠા એટલે એક પછી એક બધાના ડાન્સ પર્ફોમન્સ શરૂ થયા.

કૃપા અને મિહિરનો પણ એક ડાન્સ હતો, પણ કૃપાની તબિયત સારી નહોતી એટલે મિહિરે એકલાએ પરફોર્મન્સ આપ્યું.

પછી ગઝલ અને મલ્હારનો પણ એક ડાન્સ થયો. એ બંનેએ ઘણો અદ્દભુત ડાન્સ કર્યો.


પછી ડીજેના તાલે બધાં દાંડિયા રમવા લાગ્યાં.

કૃપાને પણ દાંડિયા રમવાનું ઘણુ મન હતું. એને તાવ તો ઉતરી ગયો હતો પણ શરીર ખૂબ દુખતુ હતું એટલે તેણે બેસીને બધાને રમતાં જોઈને આનંદ લીધો.


ગઝલ, મલ્હાર, નીશ્કા સહિત પંદર વીસ છોકરા છોકરીઓનું એક ગૃપ અલગ રાઉન્ડ બનાવીને રમતું હતું.


રમતાં રમતાં નીશ્કાનો દાંડિયો ગઝલના હાથ પર બાંધેલા મીંઢળ પર વાગ્યો અને મીંઢળ તૂટી ગયું. માર વાગવાથી ગઝલને કાંડા પર સોજો આવી ગયો.

એને હાથમાં દુખવા લાગ્યું ગઝલની આંખોમાં આંસુ આવી ગયા. અને એ સાઈડમાં બેસી ગઈ.

નીશ્કા પણ રડવા જેવી થઈને તેની બાજુમાં બેસી ગઈ. મલ્હાર પણ ગઝલની બાજુમાં આવી ગયો.

ગઝલને હાથમાં વાગ્યુ એટલે દુખતુ હતું. મીંઢળ તુટી ગયું એની ગઝલને, મલ્હારને કે ત્યાં ઉભેલા યંગસ્ટર્સમાંથી કોઈને ખાસ પરવા નહોતી.


ગઝલને હાથમાં લાગ્યું છે એ જોવા કૃપા એની પાસે આવી ત્યારે ધ્યાન જતા તેણે ગઝલને મીંઢળ વિશે પુછ્યું. નીશ્કાએ કૃપાને સમજાવ્યું કે એના દ્વારા દાંડિયો મીંઢળ પર લાગ્યો હતો એટલે મીંઢળ તૂટી ગયું.


'ઠીક છે, સવારે ગોર મહારાજ પાસે બીજુ મીંઢળ બંધાવી લઈશું.' કૃપાએ કહ્યું.


મલ્હારના મમ્મી સુમતિ બેન પણ તરત જ ગઝલની ખબર પૂછવા આવ્યા.

તેનુ પણ તરતજ ધ્યાન ગયું કે ગઝલના હાથમાં મીંઢળ નથી.


'તારુ મીંઢળ ક્યાં?' સુમતિ બેને ગઝલને પૂછ્યું.

ગઝલએ તેને આખી વાત કહી સંભળાવી.


સુમતિ બેનનું મોઢું પડી ગયું. તેણે મલ્હારને બાજુમાં બોલાવીને કહ્યુ: 'બેટા મીંઢળ તૂટી જાય તો એને અપશુકન કહેવાય.'


'મતલબ?' મલ્હાર બોલ્યો.


'બેટા આપણે લગ્ન રોકી દેવા પડશે.' સુમતિ બેન ડરતા ડરતા બોલ્યા.


સુમતિ બેનની વાત સાંભળીને મલ્હારનો મગજ છટકી ગયો. એને કોઈ પણ ભોગે ગઝલ સાથે લગ્ન કરવા હતાં. ગઝલ માટે થઈને તો તેણે કાવ્યાનું એક્સિડન્ટ કરાવ્યું હતું એને ઓલમોસ્ટ મારી જ નાખીને વિવાન શ્રોફ સાથે દુશ્મની વહોરી લીધી હતી.. આરોહીના હાડકા ભાંગી નાખ્યા હતા, અને એના ફેમિલીને પતાવી દેવાની ધમકી આપી હતી. હવે આવું કોઈ વિધ્ન આવે એ તો તેને કોઈપણ રીતે પોષાય તેમ નહોતું.


'જો મમ્મી..' તેણે સુમતિ બેનના બાવડા જોશ પુર્વક પકડ્યા અને દાંત ભીસીને બોલ્યો: 'આ લગ્ન તો હવે કોઈ પણ ભોગે નહીં અટકે, એટલે તારા શુકન અપશુકનનું પડીકું વાળીને એને જમીનમાં દાટી દે. અને તારુ મોઢુ બિલકુલ બંધ રાખજે. કોઈને કશુ કહેવાની જરૂર નથી.'


સુમતિ બેન સમસમી ગયા. પણ તેની સાથે આવું વર્તન પહેલીવાર નહોતુ થયુ. એના ઘરમાં કોઈને સ્ત્રીઓ માટે કંઈ ખાસ આદર નહોતો.

પછી તો મોટેરાં બધા જમવા ગયાં પણ મલ્હાર સહિત બીજા યંગસ્ટર્સ હજુ થાક્યા નહોતા. એ લોકોને રમવું હતું. ગઝલને હજુ હાથ દુખતો હતો એટલે એ નહોતી રમતી.


જમતી વખતે કૃપા અને સુમતિબેન એક ટેબલ પર સાથે બેઠા.


'કૃપા બેન, મીંઢળ તૂટયું એ સારુ ન કહેવાય.' સુમતિ બેન જમતાં જમતા એકદમ ધીમેથી બોલ્યા.


'એતો ભૂલથી તૂટી ગયું. તમે નાહકની ચિંતા કરો છો.'


'ના ના.. આ તો અપશુકન થયા કહેવાય..'


'તમે ચિંતા ના કરો, આપણે સવારે ગોર મહારાજ પાસે બીજુ મીંઢળ બંધાવી લઈશું.' કૃપાએ મામલો સંભાળવાના ઈરાદે કહ્યુ.

સુમતિ બેન વળી ચુપ થઈ ગયા. અને કંઇક ઉંડા વિચારમાં ડુબી ગયા.


પછી બધાં યંગસ્ટર્સ રમીને થાક્યા એટલે જમવા ગયાં. અને જમીને પોતપોતાના રૂમમાં ગયા. રૂમમાં જતી વખતે કૃપાએ સુમતિ બેને કહેલી અપશુકન વાળી વાત ગઝલ અને નીશ્કાને કહી.

ગઝલ ટેન્શનમાં આવી ગઈ.


'હવે શું થશે ભાભી?' એ ચિંતાગ્રસ્ત અવાજે બોલી.


'કશું નહી, મે એમને કીધું છે કે સવારે મહારાજ પાસે બીજુ મીંઢળ બંધાવી લઈશું. પછી એ પણ કંઈ બોલ્યા નથી એટલે એમને મારી વાત બરાબર લાગી હશે. તું ચિંતા નહીં કર, કાલે લગ્ન છે. જાવ જઇને ઉંઘી જાવ બંને.' કૃપાએ ધરપત આપી. છતાં ગઝલના મનનું સમાધાન નહોતું થયું.


'તને શું લાગે છે? સાચે જ અપશુકન થયા હશે?' રૂમમાં જતાં જ ગઝલએ નીશ્કાને પૂછ્યું.


'હું તો આવી બાબતોમાં ખાસ માનતી નથી પણ જુના જમાનાના લોકો આ બધું માનતા હોય છે.' નીશ્કાએ કહ્યુ.


'પણ સમજ કે આવા અપશુકન થયા હોય તો શું થાય?' ગઝલએ પુછ્યું.


'તો કદાચ તારા લગ્ન મલ્હાર સાથે ના પણ થાય.' નીશ્કા મસ્તી કરતાં બોલી.


'કંઈ પણ યાર.. મલ્હાર મારા સપનાનો રાજકુમાર છે.' ગઝલ બોલી.


'હમ્મ.. સપનાનો.. પણ હકીકતમાં કોણ હશે એ તો કોને ખબર!' નીશ્કા બોલી.


'તું મને ડરાવ નહી.. અને મલ્હાર જેવો કોઈ છે જ નહીં બીજો.' ગઝલ ચિડાઈને બોલી.


'એક છે.. મલ્હાર કરતાં પણ સારો..' નીશ્કા આંખો નચાવતા બોલી.


'કોણ?'


'પેલો.. તે જેની ગાડી ઠોકી દીધી હતી એ..' નીશ્કાએ કહ્યું.


'કોણ વિવાન..!' ગઝલ તરતજ બોલી.

વિવાનનું નામ ગઝલની જીભ પર એટલી સહજતાથી આવી ગયું એ જોઈને નીશ્કાને સાનંદાશ્ચર્ય થયું.

'હાં એ જ હેન્ડસમ હંક..' નીશ્કાએ કહ્યુ. અને 'ઉમેર્યુ કેટલુ સારુ હોત જો મલ્હારની જગ્યાએ વિવાન હોત!'


'તું પણ શું કાઇ બી બોલે છે? હું તો મલ્હારને પ્રેમ કરુ છું. અને કાલે અમારા લગ્ન થવાના છે એજ હકીકત છે.' ગઝલ બોલી.


'ઓકે, યાર.. ચલ હવે સૂઇ જઈએ. સવારે વહેલા ઉઠવું પડશે.. નહીતો તારી સાસુ એમા પણ અપશુકન કાઢશે.' નીશ્કા મોઢુ મચકોડતાં બોલી. અને માથે રજાઈ આોઢીને લાંબી થઈ.

ગઝલ હજુ કંઇક વિચારતી હતી. ત્યાં એના ફોનની રીંગ વાગી.

જોયું તો સુમતિ બેનનો ફોન હતો.


'હા મમ્મી..' ગઝલએ ફોન ઉપાડીને કહ્યુ.


'તું અને નીશ્કા નીચે કૃપા બેનની રૂમમાં આવો.' સુમતિ બેન બોલ્યા.

ગઝલને કૃપાની ફિકર થઈ.


'શું થયું? ભાભીની તબિયત તો બરાબર છેને?' ગઝલએ ચિંતાથી પૂછ્યું. ગઝલની વાત સાંભળીને નીશ્કા પણ ઉભી થઇ ગઇ.


'એવું કંઈ નથી.. બીજુ કામ છે.. અમે જ તમારી રૂમમાં આવવાના હતા પણ કૃપા બેનના પગ દુખે છે એટલે એ દાદરો નહીં ચડી શકે. માટે તમને નીચે બોલાવું છું.' સુમતિ બેને કહ્યુ.


'ઓકે મમ્મી, અમે આવીએ છીએ.' કહીને ગઝલએ ફોન મુક્યો.


'હવે શું થયું હશે?' ફોન મુકીને ગઝલ બબડી.


'કંઇ નહીં હોય.. કાલે લગ્ન છે એટલે કંઈ સૂચના આપવી હશે. બાકી નીચે જઈશું એટલે ખબર પડી જશે.' નીશ્કાએ ગઝલને ધરપત આપી.


બંને જણ નીચે કૃપાના રૂમમાં ગઈ.


'સૂઈ ગયાં હતાં કે?' કૃપાએ પૂછ્યું.


'નહીં, હજુ સૂવાની તૈયારી કરતાં હતાં.' નીશ્કા બોલી.


'ગઝલ, કાલે સવારે તારે મંદિરમાં જઈને એક પુજા કરવાની છે.' સુમતિ બેન બોલ્યા.


'પુજા..?' ગઝલએ મુંઝાઈને પુછ્યું.


'હા, આજે મીંઢળ તૂટવાથી અપશુકન થયાને એટલે.. પ્લીઝ ના નહીં કહેતી.' સુમતિ બેન બોલ્યા.


'પણ મમ્મી.. કાલે સવારે કેવી રીતે પોસિબલ છે? કાલે તો લગ્ન છે.. ' ગઝલ બોલી.


'બેટા, લગ્ન અગિયાર વાગ્યે છે, તમારે સવારે વહેલા મંદિરે જવાનું છે, મેં બધી તૈયારી કરી લીધી છે. તું અને નીશ્કા સવારે વહેલા તૈયાર રહેજો. ડ્રાઈવર સવારે પાંચ વાગ્યે આવી જશે અને તમને મંદિરે લઇ જશે. એક કલાકમાં તમે રીટર્ન આવી જશો કોઈને ખબર પણ નહીં પડે.' સુમતિ બેન બોલ્યા.


'પણ મમ્મી..' ગઝલ કંઇક કહેવા ગઈ પણ સુમતિ બેને તેને અટકાવી.


'ના નહીં કહેતી ગઝલ, તમે છોકરાઓ આ બધી વાતોમાં વિશ્વાસ નથી કરતા, પણ હું કરું છું. એટલે મારા માટે, કમસેકમ મારા સંતોષ માટે સવારે મંદિરે જઈને પૂજારી કહે એ પ્રમાણે તારે પુજા કરવાની છે. મેં બધુ પાક્કુ કરી રાખ્યું છે. આ વાત ખાલી આપણને ચાર જણાને જ ખબર છે. બીજા કોઇને કહેવાની જરૂર નથી, મલ્હારને તો બિલકુલ નહીં. એ આવી વાતોમાં માનતો નથી. એને ખબર પડશે તો એ નકામો હંગામો કરશે.' સુમતિ બેન બોલ્યા.


ગઝલ હજુ મુંઝવણમાં હતી. કૃપાને સુમતિ બેનની વાત વ્યાજબી લાગતી હતી.


'જઈશ ને બેટા..?' સુમતિ બેન ગળગળા સાદે બોલ્યા.

ગઝલએ પ્રશ્ન સૂચક નજરે કૃપા સામે જોયુ. કૃપાએ આંખો નમાવી ડોકુ હલાવીને સંમતિ દર્શાવી.


'ઠીક છે, અમે જઇ આવીશું.' કહીને ગઝલએ પૂછ્યું: 'ક્યા મંદિરે જવાનું છે?'


'અહીંથી એકાદ કિલોમીટર દૂર એક મહાદેવ મંદિર છે ત્યાં.. બધી વ્યવસ્થા થઇ ગઇ છે, ડ્રાઈવરને બધી ખબર છે. પૂજારી કહે એ રીતે પૂજા કરવાની છે. બધુ તૈયાર છે, તમારે ફક્ત સમયસર પહોંચવાનું છે.' સુમતિ બેને કહ્યુ.


'ઠીક છે મમ્મી.. ડોન્ટ વરી, અમે જઇ આવીશું.' ગઝલએ કહ્યું.


'થેંક્યુ બેટા.. જાવ હવે સૂઇ જાવ.. સવારે વહેલા ઉઠવાનું છે.' કહીને સુમતિ બેને ગઝલના ચહેરા પર પ્રેમથી હાથ ફેરવ્યો.


'હા.. ગુડ નાઈટ..' ગઝલ હસીને બોલી. અને ગઝલ અને નીશ્કા કૃપાની રૂમમાંથી નીકળીને સુવા માટે એમની રૂમમાં ગયા.


.

.


**

ક્રમશઃ

પેલો નોકર શું કામ મલ્હાર સામે જોઈને કૃર સ્માઈલ કરી રહ્યો હશે?

શું ગઝલનું મીંઢળ તુટવું એ માત્ર યોગાનુયોગ હતો?

કે ખરેખર અપશુકન થયા હશે?


કે પછી બીજુ જ કંઇક હશે?


લગ્ન પહેલાં જ વહેલી સવારની પૂજા ચુપચાપ પતી જશે?


**


મિત્રો, પુષ્કળ પ્રમાણમાં તમારા પ્રતિભાવો મળી રહ્યાં છે, જે મારો ઉત્સાહ તો વધારી જ રહ્યા છે. સાથે એજ પ્રતિભાવો તમારી મારા પાસેથી જે અપેક્ષાઓ છે તે પણ દર્શાવી રહ્યા છે. ક્યારેક તો મને ડર લાગે છે કે આપની અપેક્ષાઓ પર હું ખરો ઊતરી શકીશ કે નહીં. 🤔😇


છેવટે તો તમારા પ્રતિભાવોમાં મારા પ્રત્યેનો તમારો પ્રેમ જ દેખાય છે. જે મને તમારા પ્રતિભાવ / મેસેજમાં વંચાય છે. બસ આવી રીતે જ તમારો પ્રેમ વરસાવતા રહેજો. હું રાહ જોઇશ ❤