પ્રણય પરિણય - ભાગ 23 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 23

પાછલા પ્રકરણનો સાર:


રઘુના હાથમાં આરોહીનો બોયફ્રેન્ડ યશ આવી જાય છે. વિવાન અને રઘુ તેનું ઈન્ટરોગેશન કરે છે. શરૂઆતમાં તે ડરનો માર્યો મોઢુ ખોલતો નથી પણ થોડો ધમકાવવાથી તે કહી દે છે કે આરોહી તેના ઘરે જ છે.

વિવાન અને રઘુ આરોહીને મળવા જાય છે. આરોહી મલ્હારના બધા કારસ્તાન વિવાનને કહી સંભળાવે છે એથી મલ્હારે જ કાવ્યાની આવી સ્થિતિ કરી છે એ વિવાનને ખબર પડે છે.

કાવ્યાની પ્રેગનન્સી અને એબોર્શન વિશે જાણીને મલ્હારને ખૂબ મોટો આઘાત લાગે છે. તેને એ પણ ખબર પડે છે કે રાકેશ દિવાનનું નામ વાપરીને મલ્હારે કાવ્યા સાથે બનાવટી લગ્ન કર્યા હતા.

પછી વિવાન પોતાની બહેનનો બદલો લેવાની અને મલ્હારને બધી રીતે બરબાદ કરવાની પ્રતિજ્ઞા કરે છે. અને સૌથી પહેલા તેનો પ્રેમ, એટલે કે ગઝલને કોઈ પણ રીતે છીનવી લેવાનું નક્કી કરે છે. તે રઘુને મલ્હારની ઝીણાંમાં ઝીણી હરકત પર નજર રાખવાનુ કહે છે. અને મલ્હાર ક્યારે અને ક્યાં લગ્ન કરવાનો છે એની પુરી જાણકારી કાઢવાની સુચના આપે છે.


હવે આગળ..


..


**


પ્રણય પરિણય ભાગ ૨૩


વિવાન હોસ્પિટલમાં કાવ્યાને જોઈને ઓફિસ પરના પોતાના સ્યૂટ પર આવ્યો. વિવાનને જોતા જ તેનો ડોગ બ્રુનો પુછડી પટપટાવતો તેની પાસે ગયો. અને કુઈ.. કુઈ.. કરતો વિવાનની આસપાસ ફરવા લાગ્યો. વિવાન ઘુંટણભર નીચે બેસીને તેના માથા પર પ્રેમથી હાથ ફેરવી રહ્યો હતો.


'આઇ એમ સોરી માય બોય.. થોડા દિવસથી તારા પર ધ્યાન આપવાનો મને સમય જ નથી મળ્યો. તને ખબર છેને કે કાવ્યા હોસ્પિટલમાં છે..?' આંખોમાં પાણી સાથે વિવાન બ્રુનો સાથે વાત કરી રહ્યો હતો. અને એ મૂંગુ પ્રાણી જાણે એની લાગણી સમજી ગયું હોય તેમ વિવાનનો હાથ ચાટવા લાગ્યું.

ખૂબ લાગણી સભર દ્રશ્ય હતું એ. બ્રુનો જાણે કહેતો હોય કે 'બધું ઠીક થઇ જશે.. હું તારી સાથે છું!'


ઘણી વાર સુધી વિવાન બ્રુનોને બસ એમ જ પંપાળતો રહ્યો. એટલામાં તેના મોબાઈલની રિંગ વાગી. જોયું તો રઘુનો ફોન હતો.


'હાં રઘુ.. શું ખબર?' વિવાને પૂછ્યું.


'સેલવાસ..' રઘુ બોલ્યો: 'મલ્હાર રાઠોડ અત્યારે સેલવાસમાં છે, તેના ડેસ્ટિનેશન વેડિંગ ત્યાં જ સેલવાસમાં થવાના છે.'

રઘુ માહિતી આપી રહ્યો હતો અને વિવાન શાંતિથી સાંભળી રહ્યો હતો.


'લગ્નમાં બહુ ઓછા લોકોને આમંત્રિત કરાયા છે. ફેમિલી, ફ્રેન્ડસ અને નજીકનાં સગા સંબંધીઓ જ આવવાના છે. મને એવી જાણકારી મળી છે કે દોઢસોથી વધારે મહેમાન નહીં થાય. બીજું, હમણાં બે દિવસ પહેલા જ તેની સગાઇ થઇ. સગાઈ પણ ઘરમેળે જ કરવામાં આવી હતી.' રઘુએ માહિતી આપી.


'લગ્ન ક્યારે છે?' વિવાને પૂછ્યું.


'પરમ દિવસે સવારે.' રઘુએ કહ્યું.


થોડી વાર સુધી વિવાન કંઈક વિચારતો એમજ ચુપચાપ બ્રુનોને પંપાળતો બેસી રહ્યો. તેના દિમાગમાં કંઈક પ્લાનિંગ ચાલી રહ્યું હતું.


થોડો સમય એમજ વિચારમાં ગાળ્યા પછી તેણે એક ઉંડો શ્વાસ લીધો અને બ્રુનોની આંખમાં જોયુ.


'ચલ, આપણે ગઝલને લેવા જવાનું છે.' એમ

બોલીને તે ઉભો થયો. બ્રુનો પણ જાણે ખુશ થયો હોય તેમ તેણે પૂંછડી પટપટાવી અને પોતાની જગ્યા પર જ ગોળગોળ ફર્યો.


વિવાને વોર્ડરૉબમાંથી થોડા કપડાં લઈને બેગમાં ભર્યા. સાથે પોતાની ગન પણ લીધી.


બાથરૂમમાં જઇ, ફ્રેશ થઈને એ બહાર નીકળ્યો. બ્રુનોને પણ સાથે લીધો. ત્યાંથી એ સીધો હોસ્પિટલ ગયો.


રઘુ હોસ્પિટલના ગેટ પાસે વિવાનની રાહ જોઈ રહ્યો હતો.

વિવાને કારનો દરવાજો ખોલીને બ્રુનો સામે જોયુ અને બોલ્યો: 'બ્રુનો, તું રઘુ પાસે જા.. હું થોડીવારમાં આવું છું.' બ્રુનો દોડતો રઘુ પાસે જતો રહ્યો.


ત્રણ ચાર દિવસ સુધી બહાર જવાનું હતું અને મલ્હાર હજુ પણ ગમે ત્યારે કાવ્યા પર હુમલો કરાવી શકે તેવી શંકા હોવાથી રઘુએ પહેલેથી જ કાવ્યાની સિક્યોરિટી વધારી દીધી હતી.

કાવ્યાની રૂમની બહાર તેણે ચોવીસે કલાક માટે બોડીગાર્ડ ગોઠવી દીધા હતા.

હોસ્પિટલની અંદર પણ છુપા વેષે રઘુના માણસો ફરતાં રહેતા હતા. હોસ્પિટલની બહાર પણ શંકાસ્પદ માણસો પર નજર રખાઈ રહી હતી.


વિવાન કાવ્યાની રૂમમાં ગયો. અંદર નર્સ બેઠી હતી વિવાનને જોઇને એ બહાર નીકળી ગઈ.

કાવ્યા શાંતિથી બેડ પર પડી હતી.

તે થોડીવાર સુધી એને જોઇ રહ્યો. પછી કાવ્યના માથા પર હાથ ફેરવવા લાગ્યો. વિવાનની આંખો ભીની થવા લાગી.


'બસ હવે થોડા દિવસ.. પછી તું એકદમ સાજી થઈ જઈશ. તારા વગર મને ક્યાંય ગમતું નથી.. તુ જલ્દીથી સાજી થઈ જા. કાવ્યા.. તારે સાજા થવું જ પડશે.. મલ્હારને બરબાદ થતો જોવા માટે તારે ઉઠવુ પડશે.. તને જે જખમ તેણે પહોંચાડ્યા છે, તેની ભરપાઈ તેણે કરવી પડશે. તારા એક એક આંસુની કિંમત તેણે ચુકવવી પડશે, એ પણ વ્યાજ સહિત.. હું તેને બરબાદ કરવા નીકળી ચૂક્યો છું. થોડા દિવસો હું અહીં નહીં હોઉ. પણ તું ફિકર નહી કરતી. ડેડી અને વિક્રમ રહેશે તારી પાસે.' વિવાન બોલી રહ્યો હતો અને કાવ્યા એમજ શાંતિથી પડી હતી. જાણે તેની વાત સાંભળી રહી હોય.


ઘણી વાર થઇ ગઇ એટલે વિવાનના મોબાઈલ પર રઘુનો મેસેજ આવ્યો: 'ભાઇ, લેટ થઈ રહ્યું છે, નીકળવું પડશે.'


વિવાન ઉભો થયો, કાવ્યાના કપાળ પર હોઠ અડાવીને ચૂમી ભરી અને બહાર નીકળ્યો.

બહાર તેની ગાડી સિવાય બીજી બે ગાડીઓ પણ હતી જેમાં તેના એકદમ વિશ્વાસુ બોડીગાર્ડસ્ બેઠા હતા.


'લેટ્સ ગો..' વિવાન બોલ્યો અને તેમની ગાડીઓ મારમાર કરતી સેલવાસના રસ્તે ઉપડી.


મોડી સાંજે તેઓ સેલવાસ પહોચ્યા.


સેલવાસના એક શાનદાર રિસોર્ટમાં મલ્હાર અને ગઝલની ફેમિલીનો તથા તેમના સગા સંબંધીઓનો ઉતારો હતો. લગ્ન પણ ત્યાં જ થવાના હતા.

રઘુએ તેમના રિસોર્ટની નજીકમાં જ એક વિલા બુક કરાવી લીધો હતો અને વિલામાં બધી વ્યવસ્થા અગાઉથી કરી રાખી હતી.


વિલામાં જઈને બધાં ફ્રેશ થવા ગયા.


ફ્રેશ થઈને રઘુ અને વિવાન આગળનું પ્લાનિંગ કરવા બેઠા..


'ભાઈ, આજે મહેંદીનો પ્રોગ્રામ હતો. કાલે સવારે મંડપ રોપાશે અને પીઠી ચોળાશે. અને કાલે રાતે દાંડિયા રાસનો પ્રોગ્રામ છે.' રઘુએ માહિતી આપી.


'ગઝલને પહેલી પીઠી તો હું જ લગાવીશ.' વિવાન બોલ્યો.


'હાં ભાઈ..' રઘુ વિવાનના હોઠ પર આવેલી હળવી સ્માઈલ જોઈને રાજી થયો.


'ભાઇ, આપણે ઘરે શું કહીશું? મતલબ, ભાભીને ઘરે તો લઇ જવા પડશેને..! એને જોઇને ડેડી અને દાદી કેવુ રિએક્શન આપશે?' રઘુ ચિંતિત સ્વરે બોલ્યો.


'હમ્મ.. એ સમય આવ્યે જોઈ લઈશુ.' વિવાન નિશ્ચિંત સ્વરે બોલ્યો. પછી પૂછ્યું: 'મે તને સોંપ્યું હતું એ દિલ્હી વાળુ કામ થઈ ગયું?'


'હાં, એકદમ જડબેસલાક..' રઘુ કોન્ફિડન્સથી બોલ્યો.


'ગુડ..' વિવાનના ચહેરા પર રહસ્યમયી સ્માઈલ આવી ગઈ.

**


બીજા દિવસની સવાર:


વર પક્ષનો માંડવો રોપાઈ ચૂક્યો હતો. હવે કન્યા પક્ષનો માંડવો રોપાઈ રહ્યો હતો.

કન્યા પક્ષની મહિલાઓ મંગળ ગીતો ગાઈ રહી હતી. ગોર મહારાજ શ્લોક બોલતાં બોલતાં શાસ્ત્રોકત રીતે વિધી કરાવી રહ્યાં હતાં.

માંડવો રોપાયા પછી ગઝલના હાથ પર મીંઢળ બાંધવામાં આવ્યું.


'બેટા, હવે લગ્ન પતે ત્યાં સુધી આ મીંઢળને સંભાળજે.' ગોર મહારાજે ગઝલને સુચના આપી.

ગઝલએ માથુ હલાવીને હાં કહ્યુ.


માંડવો રોપવાની વિધી પતી. મહિલાઓ ચાક વધાવવા ગઈ. ગઝલ પોતાના રૂમમાં ગઈ.

આજે ખૂબ ખુશ હતી એ.


'ગઝલ.. જોતો કોણ આવ્યું છે..!' કૃપા ગઝલના રૂમમાં આવતાં બોલી.


ગઝલએ કોણ હશે? એવા હાવભાવ સાથે તેની સામે જોયું તો કૃપાની પાછળથી નીશ્કા બહાર આવી.


'નીશુ.. તું..? તું અહીં ક્યાંથી?' ગઝલ ખુશ થઈને બોલી.


મારી એકની એક જીગરજાન ફ્રેન્ડના લગ્નમાં હું ના આવુ તો કેમ ચાલે? નીશ્કા બોલી. અને ગઝલને ભેટી પડી.


'તને ખબર નથી, તને અહીં જોઈને મને કેટલી ખુશી થાય છે.' ગઝલ એકદમ લાગણીશીલ થઈને બોલી.


'તમે બેઉ વાતો કરો, હું બહાર તૈયારીઓ જોઈને આવું.' કૃપા બોલી.


'અરે પણ ભાભી તમે આરામ કરોને, તમારી તબિયત પણ બરાબર નથી.' ગઝલ બોલી.


'કેમ શું થયું ભાભી..?' નીશ્કાએ ચિંતિત સ્વરે પુછ્યું.


'અરે કંઈ નથી, થોડો તાવ છે. થઈ જશે ઠીક એ તો.' કૃપા હસીને બોલી.


'ટેક કેર ભાભી..' નીશ્કા લાગણીથી બોલી.


'યા, આઇ વીલ..' કહીને કૃપા નીચે જવા નીકળી.


'નીશુડી.. તું તો નહોતી આવવાની ને?' ગઝલએ મ્હો વંકાવીને કહ્યુ.


'હા તો, નહોતી જ આવવાની, તને તો ખબર છે કે મને તારો આ મલ્હાર બિલકુલ નહોતો ગમતો.. એટલે જ પહેલા તો મેં તારા લગ્નમાં નહીં આવવાનુ નક્કી કર્યું હતું. પરંતુ પછી મને થયું કે મારી કંઇક ગેરસમજ થતી હશે, કેમકે મલ્હારની સાથે રિલેશનશિપમાં રહ્યા પછી પણ તુ એના વખાણ કરતી હતી અને હવે તો લગ્ન પણ કરવાની છે. મિહિર ભાઈ અને કૃપા ભાભીએ પણ જોઈ વિચારીને જ હાં પાડી હશેને! એટલે મને થયું કે મલ્હાર સારો માણસ જ હશે... એટલે આવી.' નીશ્કાએ કહ્યું.


'સારો માણસ હશે નહીં, એ સારો માણસ જ છે.. એટલે જ તો હું એની સાથે લગ્ન કરી રહી છું.' ગઝલ ગર્વથી બોલી.


'હંમ્મ.. તારી ખુશીમાં હું ખુશ છું ગઝલ.. આઇ હોપ કે મલ્હાર તારો પરફેક્ટ મેચ હોય.' નીશ્કાએ કહ્યુ.


'યસ, આઈ નો હિ વીલ બી માય ગુડ લાઈફ પાર્ટનર.' બોલતી વખતે ગઝલના ગાલ લાલ થઈ ગયાં.


પછી તો બંને બહેનપણીઓએ ઘણા ગપ્પા માર્યા.


'મેડમ, તમને બંનેને નીચે બોલાવે છે.' એક નોકરે આવીને કહ્યું.


'ઓકે..' ગઝલ બોલી.


'હું નીચે જઇને મિહિરભાઈને અને બધાને મળુ, ત્યાં સુધીમાં તુ તૈયાર થઈને નીચે આવ..' નીશ્કાએ કહ્યુ અને નોકર સામે એક નજર નાખીને તે નીચે ગઈ.


'તમે પણ જાવ..' ગઝલ નોકરને ઉદ્દેશીને બોલી.


'ઓકે મેડમ.' કહીને નોકર ગયો.


ગઝલએ રૂમનો દરવાજો બંધ કર્યો. અને ફ્રેશ થઈને યલ્લો કલરનાં ચણીયાચોળી પહેર્યા. ફુલોના દાગીનાનો શણગાર કર્યો. હળવો મેક અપ કરીને તે નીકળતી હતી ત્યાંરે તેને પોતાની જાતને અરીસામાં જોવાનું મન થયું જોયું. તે પાછળ ફરી, આયના સામે જઈને ઉભી રહી.

આયનામાં પોતાનું પ્રતિબિંબ જોઈને એ શરમાઈ ગઈ.

થોડીવાર બસ એમજ પોતાને જોતી રહી, પછી તે બહાર જવા નીકળી.

તેણે દરવાજો ખોલીને એક પગ બહાર મૂક્યો ત્યાં સામે એક પુરુષની છાતી પર એનુ માથુ અથડાયું.


'ઓહ ગોડ.. દરવાજા પછી આ ભીંત અહીં ક્યાંથી આવી ગઈ?' ગઝલ માથુ ચોળતા બોલી.

એના શરીર પર પણ કંઈક ભીનુ ભીનુ લાગી રહ્યું હતું.


'વ્હોટ ધ હેલ..' પોતાના શરીર પર હલ્દીનું ઉબટન જોઇને એ ચિલ્લાઈ.


'ઓહ, આઈ એમ સોરી મેડમ, હું આ પીઠી વાના આપને આપવા માટે આવ્યો હતો પણ બેઉ હાથે વાસણ પકડ્યુ હતું એટલે દરવાજો નૉક ના કરી શક્યો.' નોકર થોડો ગભરાઈને બોલ્યો.


'યૂ ઈડિયટ.. તારી આ હલ્દીથી મારા કપડાં ખરાબ થઇ ગયા.'


'આઈ એમ સોરી મેડમ, લાવો હું ફટાફટ સાફ કરી આપુ.' એમ કહીને તેણે ગઝલના હાથ પર લાગેલી હલ્દીને સાફ કરવા માટે તેને હાથ લગાવ્યો, તેના સ્પર્શથી ગઝલના શરીરમાં ઝણઝણાટી થઈ.


'વેઈટ, રહેવા દે.. હું કરી લઇશ.' એમ કહીને ગઝલ પાછળ હટી.

નીચે ફરસ પણ હલ્દીનું ઉબટણ ઢોળાયુ હતું. ગઝલનો પગ તેના પર ગયો અને તે લપસી.


ગઝલ પીઠ ભર નીચે પડવાની હતી કે પેલા નોકરે તેને કમરથી પકડીને ઝટકાથી પોતાના તરફ ખેંચી. તે એની છાતી સાથે અફળાઇને બાઉન્સ થઇ. તેણે ફરીથી પોતાનો હાથ ગઝલની કમરમાં પરોવ્યો અને તેને ઝીલી લીધી. ગઝલએ અનાયસ તેનું બાવડું પકડી લીધું.


ગઝલએ થોડા ડરથી તેની સામે જોયુ.

કસરતી દેહયષ્ટિ વાળો એ પુરુષ નોકર કરતાં પહેલવાન વધુ લાગતો હતો. એના ચહેરા પર અડધી કાળી અડધી ધોળી એવી દાઢી હતી.

ગઝલ તો તેની સામે નાજુક ઢીંગલી જેવી લાગતી હતી.

તેનો ચહેરો જોવા માટે ગઝલએ થોડું ઉંચુ જોવું પડ્યું. એ તો ક્યારનો ગઝલની આંખોમાં ખોવાઇ ગયો હતો.

એના હાથમાં રહેલી હલ્દી ગઝલની કમર પર અને પીઠ પર લાગી ગઈ હતી.

એનાં ઠંડી ઠંડી આંગળીઓના સ્પર્શથી ગઝલને કંઈક થઈ રહ્યું હતું. તેની હૃદયની ગતિ વધી રહી હતી.

ગઝલને તેની આંખો જાણીતી લાગી રહી હતી. તે એની આંખોમાં જોઈ રહી. એ પણ ગઝલની આંખોમાં પ્રેમથી જોઈ રહ્યો હતો. સુંદર તારામૈત્રક રચાયું હતું


.

.

.

**

હવે શું થશે?


દિલ્હી વાળુ કામ શું હતું?


વિવાનના ચહેરા પર રહસ્યમય સ્માઈલ શું કામ આવ્યું હશે?


ક્રમશઃ


પ્રિય વાચક મિત્રો, આપના સરસ મજાના પ્રતિભાવો આ નવલકથા લખવાનો મારો ઉત્સાહ વધારે છે. માટે આપ દિલ ખોલીને આપના પ્રતિભાવો આપશો.


❤ હું તમારા પ્રતિભાવોની રાહ જોઈશ. ❤