એ ઘરે આવ્યા Mir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ ઘરે આવ્યા

એ ઘરે આવ્યા
ને મારી સામે ઊભા
બસ જોતી જ રહી ગઈ.
વરસો તરસેલી આંખો
આજે અનરાધાર વહી
પણ, એ વરસતી આંખોના આંસુ લૂછવા એમના હાથ આગળ ન આવી શક્યા. બંને વચ્ચે એક મર્યાદાની રેખા હતી. ઓળંગવાની કોશિશ ન એમણે કરી ન મેં.
આટલું પૂરતું હતું કે એમને જોવાનું તો નસીબમાં લખાયું.
જેની આશ છોડી દીધી હતી એ ક્ષણ આજે હું પામી હતી ને મારી આંખ સામે એ વર્ષો જાણે આજે વીતી રહ્યા હતા. આમ તો હું શહેરમાં રહેતી પણ મામાને ત્યાં બહુ ગમતું એટલે રજા પડે ને ત્યાં ચાલ્યા જવાનું. મારા ઘરમાં હું નાની હતી ત્યારથી કોઈ સમીર નામના છોકરાની વાત થતી. ખૂબ ડાહ્યો છે, ભણવામાં હોશિયાર છે માતા પિતાની સ્થિતિ સારી નથી પણ જાતે માસીને ત્યાં નોકરી કરીને આગળ આવ્યો છે.....આવું બધું ખૂબ સાંભળવા મળતું. મારી બહેનને પૂછતી કે આ કોની વાત કરે છે તો એ કહેતી કે પેલો મામાનો મિત્ર છે ને તેની. પણ મને કોઈ દિવસ ખબર જ પડી કે એ કોણ ? પછી મેં છોડી દીધું પૂછવાનું. મારા મામાને ત્યાં નવરાત્રિ ખૂબ સરસ રમાતી અમે છેલ્લા ત્રણ દિવસ તો ત્યાં જ જતાં. લગભગ તેંત્રીસ વરસ પહેલાંની નવરાત્રિમાં અમે ગયા. એ વર્ષે ત્યાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી. મોટેભાગે દશારાની આરતી ત્યાં હું જ કરતી. એ વર્ષે પણ હું આરતી કરવા ગઈ સામે એ ઊભા હતા. મેં એમને જોયા અને બસ જોતી જ રહી ગઈ. કંઈક ગમ્યું હતું પણ શું એ ન ખબર પડી. પછી આરતી કરી, ગરબા રમ્યા અને રાત વિતી ગઈ. મેં આખી રાત એમને જોયા. ગરબા રમતાં, રાસ રમતાં પણ જાણે એમને જોવાની હજી તરસ રહી ગઈ ને રાત વીતી ગઈ.
પછી પાછા ઘરે અને સ્કૂલ ટ્યુશન ચાલુ. બધું આમ જ ચાલ્યા કરતું હતું ને એક વરસ વીતી ગયું. પાછી નવરાત્રિ આવી ને મને એ યાદ આવ્યા. ખબર તો હતી નંઈ કે એ કોણ છે પૂછવું કોને ? પણ ગરબાના સમયે દેખાયા. ને જાણે મને હાશ થઈ ગઈ. પછી તો પૂછવું જ શું ? એમને જોતાં ક્યારે એ નવરાત્રિ વીતી ગઈ ખબર જ ન પડી. ફરી ઘરે આવીને ભણવા માંડી. આમ ને આમ જ ત્રણ નવરાત્રિ વીતી. પણ હું કોઈને પૂછી જ ન શકી કે એ કોણ છે ? ત્યાર પછી વેકેશનમાં જ્યારે મામાને ત્યાં રહેવા ગઈ તો એક દિવસ સાંજે એમને ફળિયામાંથી આવતાં જોયા અને એકદમ જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. પછી તો રોજ સાંજે એ એક જ સમયે ત્યાંથી પસાર થતાં. મેં મારી બહેનપણીને પૂછ્યું આ કોણ છે ? રોજ આ સમયે કેમ અહીંથી પસાર થાય ? તો એણે કહ્યું આ સમીર છે રોજ આ સમયે એની માસીને ત્યાં નામું લખવા જાય. બસ ત્યારે મને ખબર પડી કે આ તો એ જ છે જેની અમારા ઘરમાં વાત થાય. ને મને વિચાર આવ્યો કે તો પછી મારા ઘરમાં જો હું એમની સાથે લગ્નનું કહીશ તો કોઈ ના ની પાડે ને જાણે હું એકદમ ખુશ થઈ ગઈ. પછી તો એમના આવવા જવાના સમયે એમને જોવાનું હું બિલકુલ ચૂકતી નહીં. ત્યાર પછી નવરાત્રિ આવી. દશેરાના દિવસે મેં આરતી કરી જેવી આરતી લઈને હું પાછી ફરું છું તો એ બરાબર મારી સામે ઊભા હતા આરતી લેવા. બીજું કોઈ જ ન હતું. ફક્ત અમે બે. પણ એ સમયે આંખ ઊંચી કરીને એમને જોવાની મારી હિંમત જ ન થઈ. બસ આરતી લેતાં એમના હાથ જોયા સાથે એક સપનું કે આ હાથમાં મારો હાથ હશે. પછી ગરબા શરૂ થયા. હું જ્યારે પણ ગરબા રમતી એ મારી નજીક આવે એટલે મારા તાલ તૂટી જતાં. આ વખતે મેં જોયું કે જ્યારે એ મારી પાસેથી પસાર થાય છે ગરબાના તાલ તો એમના પણ તૂટે છે. અને મને એક આશા બંધાઈ કે કદાચ એમને પણ હું ગમું છું. હું એમને પ્રેમ કરું છું કહેવાની હિંમત ક્યારેય ન કરી કારણ પહેલાં ભણી લેવું હતું. પછી કોઈ ના નહી પાડે એવો વિશ્વાસ હતો. પણ આ મારો ભ્રમ નીકળ્યો. ત્યાર પછીની નવરાત્રિ મામાને ત્યાં ઉજવાય જ નહીં ને એમને જોવાનો મને મોકો જ ન મળ્યો. પણ એ દશેરાના દિવસે જ ખબર પડી કે એમના લગ્ન નક્કી થઈ ગયા. મને લાગ્યું જાણે મારું બધું જ લૂંટાઈ ગયું. ત્યારબાદ તો એ મને જોવા જ ન મળ્યા. પછી તો મેં મામાને ત્યાં જવાનું જ બંધ કરી દીધું. કોઈ દિવસ નવરાત્રિમાં ગરબા રમવા પણ ન ગઈ. મામા ખૂબ કાલાવાલા કરતાં કે અલી આખી રાત રમવાવાળી તું ની આવે તો કેમ ચાલે પણ હું કોઈ દિવસ જઈ જ ન શકી. કોઈને ખબર પણ તો ન હતી કે અચાનક શું થયું ? કોલેજની મારી બહેનપણીઓ કહેતી કે આ તો આકર્ષણ હોય તું ભૂલી જશે એને. પણ એવો કોઈ દિવસ આવ્યો જ નહીં કે હું એમને ભૂલું. નવરાત્રિની રાતો તો મને ખૂબ રડાવે. આખી જીંદગી નીકળી ગઈ હું ક્યારેય ગરબા રમી જ ન શકી. ક્યાંય પણ જો ગરબાના અવાજ આવે તો તરત જ મારી આંખમાં આંસુ આવે. દર વખતે દુનિયાથી આંસ છુપાવવા પડતાં. પછી તો એક દિવસ ખબર પડી કે તેઓ ગામ છોડી બીજા શહેરમાં રહેવા ચાલ્યા ગયા. એટલે કોઈવાર અચાનક મળી જાય એવી આશા પણ તૂટી. આમ ને આમ વર્ષો વીત્યા. બરાબર પચીસ વર્ષે અચાનક મળી ગયા એક સંબંધીને ત્યાં. લાગ્યું જાણે જીંદગી મળી ગઈ. ખબર છે એક અંતર છે અમારી વચ્ચે પણ છતાંયે એ હેમખેમ મને જોવા મળ્યા એનાથી તો વધારે બીજું શું હોય ? ને એક નામ વગરનો સંબંધ અમારો શરૂ થયો એ આજે ઘરે આવ્યા હતા અમારા સુખમાં સહભાગી બનવા. મારી વરસતી આંખો એ લૂંછી નથી શકતાં પણ એ આંસુનો ભાર મને એમની આંખમાં દેખાય છે ને અચાનક મારા પતિનો અવાજ આવે છે અરે આવો સમીરભાઈ સ્વાગત છે તમારું અમારા ઘરમાં. ને મને એક વાતનો સંતોષ થાય છે કે ભલે મારા નસીબમાં ન લખાયા પણ મરતાં સુધી એમને જોવાનો હક તો આપ્યો ભગવાને.