સવાઈ માતા - ભાગ 14 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 14

મેઘનાબહેન, રમીલા અને તેની માતા જેવાં રસોડામાં ઉપયોગમાં આવતાં વાસણોનાં વિભાગમાં પ્રવેશ્યાં, કે સ્ટીલનાં વાસણોની ચમક, કાચનાં વાસણોની વિવિધતા અને એનોડાઇઝડ વાસણોની વિશાળ શ્રેણી જોઈ રમીલાની માતાની તો આંખો જ અંજાઈ ગઈ. તે અંદર આવ્યા પછી મેઘનાબહેનની વધુ નજીકથી સરકીને ચાલવા લાગી જેથી તેનો હાથ કે પાલવ કોઈ વાસણને અડી ન જાય. તેનો સંકોચ જોઈ મેઘનાબહેને રમીલાને ઈશારો કરી તેનો હાથ પકડી લેવા કહ્યું જેથી તે નિર્ભીક થઈને મોલમાં ફરી શકે અને ખરીદી માણી શકે.

મેઘનાબહેન થોડું આમતેમ જોઈને પોતાની ઓળખીતી સેલ્સગર્લ શ્યામલીને શોધી રહ્યાં હતાં. તે હંમેશા સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ બતાવતી અને જે કન્સેશન આપી શકાતું હોય તે બધું જ ગ્રાહક ને આપતી. આજ સુધી મેઘનાબહેનનાં રસોડામાં અનેકવિધ વાસણો શ્યામલીની સૂઝથી જ આવ્યાં હતાં. હજી મેઘનાબહેનની આંખો તેને શોધે તે પહેલાં જ શ્યામલીની નજર તેમની ઉપર પડી અને તે જે ગ્રાહકને વાસણો બતાવી રહી હતી તેમને બે મિનીટ થોભવાનું કહી મેઘનાબહેનની નજીક આવી.

શ્યામલી બોલી ઉઠી, “કેમ છો, માસી? આજે ઘણા વખતે? બોલો શું લેવાનું છે?” એકીશ્વાસે આટલું બોલી મેઘનાબહેનની આંખોમાં જોવા લાગી.

મેઘનાબહેન બોલ્યા, “કેમ છે દીકરા? આજે મારી આ દીકરીનાં નવા ઘર માટે વાસણો અને રસોડાનો બીજો જરૂરી સામાન ખરીદવા આવી છું. તું ફ્રી છે?”

શ્યામલીની નજર રમીલા ઉપર પડી. તેણે રમીલાને મેઘનાબહેન સાથે ઘણી વખત જોઈ હતી. શ્યામલી અનુમાન લગાવી બોલી, “માસી, તમારી દીકરીનાં લગ્ન લીધાં છે કે કેમ?”

રમીલા અને મેઘનાબહેન હસી પડ્યાં. મેઘનાબહેન બોલ્યાં, “અરે દીકરા, હજી તો તે ભણે છે. માસ્ટર્સ ડીગ્રીમાં પ્રવેશ અને નોકરી મળ્યાં છે. હવે ઘરથી ખાસ્સાં દૂર છે કોલેજ અને નોકરીનાં સ્થળ, એટલે હવે તેને અલગ રહેવું પડશે.”

શ્યામલી આછું હસી અને બોલી, “અરે માસી, હુંય તે અહીં એકલી જ રહું છું. અને મારાથી વધુ સારું તમને કોણ કહેશે કે એકલા રહેનારને ઘરમાં શું-શું જોઈએ?”

મેઘનાબહેન અને રમીલા હસી પડ્યાં. મેઘનાબહેન બોલ્યાં, “ચાલ ચાલ વાતગરી, બતાવ મને ગેસનો ચૂલો, કૂકર અને નાના-મોટાં પેન.”

શ્યામલીએ બીજી એક યુવતીને બોલાવી તેને સૂચના આપી, “દીપિકા, આ માસીને કૂકર અને નોન-સ્ટિક પેન બતાવ. ત્યાં સુધીમાં હું પેલાં ગ્રાહકનું બિલીંગ કરાવી દઉં. તેમની ખરીદી પૂરી જ થઇ છે. અને મેઘનાબહેનની રજા લઇ પોતાના આ પહેલાંના ગ્રાહકો પાસે ગઈ. તેમની થોડી પૃચ્છા કરી તેમને જરૂરી ચીજ-વસ્તુઓ પેક કરાવી બિલીંગ કાઉન્ટર તરફ મોકલ્યા, અને બનતી ત્વરાથી તે મેઘનાબહેન પાસે આવી ઉભી રહી.

શ્યામલી બોલવા લાગી, “દીપિકા માસીને પેલો ઇન્ડકશન ચૂલો પણ બતાવજે. હવે તો કોઈને ગેસની પળોજણ ગમતી નથી. આના ઉપર કોઈપણ ખૂણે રસોઈ થઇ જાય. બસ તે ખૂણે વીજળીનું કનેકશન હોવું જોઈએ.”

તેની વાત સાંભળી મેઘનાબહેન હસી રહ્યાં. રમીલાની માતા કુતુહલથી બીજાં વાસણો જોઈ રહી હતી. તેને બોલાવતાં મેઘનાબહેને કહ્યું, “તને કાંઈ લેવાની ઈચ્છા હોય તો લઈ લેજે. છેક ત્યાંથી અહીં સુધી વારંવાર નહિ આવી શકાય. રસોઈ તો આપણે જ કરવાની છે. આ રમીલા પાસે રોજ રોજ રસોડામાં પેસવાનો સમય નહિ હોય, બરાબર ને?”

રમીલાની માતાએ હળવું સ્મિત આપી કહ્યું, “બુન, મને ફાવે એવા વાહણો તો આંયા ની મલે. ઈ તો મું માર ઘેરથી જ લેઈ આવા.”

તેની આવી બોલી સાંભળી શ્યામલી ચમકીને બોલી, “માસી, આ તમારે કોણ થાય?”

મેઘનાબહેન મંદ સ્મિત સાથે બોલ્યાં, “એ મારી રમીલાની જન્મદાતા.”

શ્યામલી નવાઈથી બોલી, “શું કહો છો માસી? આ રમીલાબેન તમારી દીકરી નહીં?”

ત્યાં જ હમણાં સુધી ચૂપ ઉભેલ રમીલા ટહુકી, “કેમ નહિ? એ દેવકી, જેણે જનમ દીધો અને આ યશોદા, જેમણે મને આ દુનિયામાં જીવતાં શીખવ્યું. બેય માટે મારું જીવન એક સરખું મૂલ્યવાન અને મારાં માટે બેય કીમતી, બરાબર ને મોટી મા?”

મેઘનાબહેન ભાવુક થઇ ઉઠ્યાં. રમીલાએ બેગમાંથી પાણીની બોટલ કાઢી તેમને આપી. તેમને થોડું પાણી પી ગળું ખંખેર્યું અને બોલ્યાં, “થોડી ઉતાવળ કરીએ? કાલે પાછું અહીં નહીં અવાય.”

શ્યામલી બોલી, “માફ કરશો માસી, મેં નકામા સવાલોથી તમને ભાવુક કરી દીધાં. ચાલો, આ તદ્દન નવી જ રેન્જ છે નોન-સ્ટિક વાસણોની, તેમાં કુલ આઠ વાસણ છે : નાની - મોટી હાંડી, નાની - મોટી પેન, મીડીયમ તવા, ડોસા તવા, ગ્રીલ તવા અને સોસ પેન. અને તેની સાથે બે ચમચા અને બે તવેથા પણ છે. ચાર વાસણને કાચનાં ઢાંકણ છે. આજકાલનું અડધું રસોડું તો આમાં જ આવી જાય.”

મેઘનાબહેન બોલ્યાં, “હા, એ બરાબર. આમાં કોટિંગ કયા રંગના છે ?”

શ્યામલીએ કહ્યું, “આ ત્રણ રંગ છે, કેસરી, લીલો અને જાંબુડી.”

ત્યાં જ બાળસહજતાથી રમીલા બોલી ઉઠી, “મોટી મા, આ જાંબુડી રંગ બહુ સુંદર લાગે છે. એ જ લઈ લઈએ.”

મેઘનાબહેને માથું ધૂણાવી મંજૂરી આપી દીધી. તે જોઈ શ્યામલીએ પોતાની સાથેની દીપિકાને તે આખો સેટ તપાસી પેક કરવા જણાવ્યું.

પછી, શ્યામલીએ રસોઈ કરવા તેમજ પીરસવા માટે સ્ટીલનાં વાસણનો આખો સેટ બતાવ્યો જેમાં રોજબરોજનાં જરૂરી એવાં થાળી, વાટકી, નાની-મોટી નાસ્તાની પ્લેટ, ચમચી, ગ્લાસ લીધાં.

જુદાં જુદાં માપની તપેલીઓ, પવાલી, પાણી ભરવાનું સ્ટીલનું માટલું, તેલ - ઘી ની બરણીઓ, ચા-ખાંડનાં ડબ્બા, મસાલાનો ડબ્બો, રોટલી ભરવા ગરમું અને બીજી ચીજ-વસ્તુઓ ભરવા બેઠા ઘાટનાં અને ઉભાં ઘાટના ડબ્બાનો ૬-૬ નો સેટ, રોટલી વણવા આડણી – વેલણ, અને રસોડાના ઓજારો જેવાં કે, ચિપીયો, તવેથો, સાણસી, છરી, ચપ્પુ, ચમચા, કડછી, જેવું બધું જ ખરીદાઈ ગયું.

દીપિકાએ બધો જ સમાન તપાસીને ભરવાનો શરુ કર્યો. ત્યાં જ હોશિયાર એવી શ્યામલીને યાદ આવતાં તેણે પૂછ્યું, “અમે વાસણ ઉપર નામ પાડી આપીએ છીએ. આ વાસણો ઉપર નામ પાડવાનાં છે?”

વાસણો ઉપર નામ લખાવવાની પ્રથા હવે લગભગ ઓછી થઇ ગયેલ છે. મેઘનાબહેન ના જ કહેવા જતાં હતાં, પણ રમીલા વચ્ચે જ બોલી ઉઠી, “હા, હા , બધાં જ વાસણો ઉપર લખી દો – મોટી મા તરફથી રમીલાને સપ્રેમ ભેટ.”
પછી મેઘનાબહેન તરફ જોઇને બોલી, “બરાબરને મોટી મા? આવું નામ જોઈ જોઇને હું ખુશ થઈશ અને નિખિલ બિચારો રડશે.”

મેઘનાબહેનથી હસી દેવાયું. તેમણે શ્યામલીને રમીલાએ કહ્યાં મુજબનું નામ બધાં વાસણો ઉપર લખવાનું કહી દીધું.

શ્યામલી રમીલાને પૂછી રહી, “આ નિખિલ કોણ છે? માસીનો દીકરો?”

રમીલાએ હકારમાં માથું ધુણાવ્યું, અને ઉમેર્યું, “અને મારો સૌથી મોટો હરીફ. આમ તો મારાથી એક વર્ષ નાનો છે.”

વાતાવરણ હળવું હતું. રમીલાના કહ્યાં મુજબ વાસણો ઉપર કર્કશ અવાજ કરતાં મશીનથી નામ લખાવા લાગ્યાં. તે અને દીપિકા એક એક વાસણ ઉપર લખાયેલું નામ ફરીથી તપાસી રહ્યાં હતાં.

રમીલાની માતાનાં મનમાં એક તરફ મુકાયેલી મઝાની ટેરાકોટા માટીની હાંડલીઓ વસી ગઈ હતી. મેઘનાબહેન તેને દોરીને હાંડલીઓ તરફ લઇ ગયાં અને તેને ફાવે તે લઇ લેવા કહ્યું. તેણે ત્રણ નાની-મોટી હાંડલી, એક માટીની તવી અને બે તાંસળીઓ લીધી. તેનાં મો ઉપર પ્રથમવખત આટલી ખરીદી સાથે કર્યાનો આનંદ સ્પષ્ટ વર્તાતો હતો.

રમીલાએ સાથે જઈ બધી ખરીદીનો કાઉન્ટર ઉપર હિસાબ કરાવ્યો. કુલ ૨૮,૨૭૫ રૂપિયાનું બીલ થયું. શ્યામલીએ પોતાના મોલના જૂના અને કાયમી ગ્રાહકને 3,૨૭૫ રૂપિયાનું કન્સેશન અપાવ્યું. રમીલાએ પર્સમાંથી કાર્ડ કાઢી તેનાથી રકમની ચુકવણી કરી. રમીલાની માતાએ આજ સુધી બીજા લોકોને કરિયાણાવાળાની દુકાને આ રીતે ચુકવણી કરતા જોયા હતા. આજે પોતાની દીકરીને કાર્ડથી રૂપિયા ચુકવતા જોઈ તે ખૂબ જ આનંદિત થઇ ગઈ. ત્રણેય મોલની બહાર નીકળ્યા. રમીલા પાર્કિંગમાંથી ગાડી લેવા લીફ્ટમાં પ્રવેશી. બંને સ્ત્રીઓ દીપિકા સાથે ઉભી રહી. જેવી રમીલાની ગાડી આવી, દીપિકા સાથે એક મદદનીશે બધો જ સમાન ગાડીની ડીકીમાં ગોઠવી દીધો. રમીલાએ નીચે ઉતરી બંનેનો આભાર વ્યક્ત કર્યો અને દીપિકાને ૧૦૦ રૂ. તેમજ મદદનીશને ૫૦ રૂ. ની બક્ષિસ આપી. બંને ખૂબ ખુશ થઇ રમીલાનો આભાર વ્યક્ત કરતાં મોલમાં જતા રહ્યા.

આ તરફ ગાડીમાં બેસી ગયેલા મેઘનાબહેન અને રમીલાની માતા રમીલાની આ હરકત જોઈ ખુશ થયાં પણ બંનેનાં ખુશ થવાનું કારણ જુદું –જુદું હતું, મેઘનાબહેનના માટે રમીલા એટલી પુખ્ત થઇ ગઈ હતી કે તેને નાની-નાની વાતો સમજાવવી પડતી નથી જયારે, રમીલાની માતા એ જોઇને ખુશ હતી કે તેઓ તો હંમેશા બક્ષિસ માટે હાથ લંબાવતા હતા. જયારે, તેમની દીકરી આજે બીજાને બક્ષિસ આપવા જેટલી સક્ષમ થઇ હતી.

ક્રમશઃ

* રમીલાના પિતા જેઓ ઝુંપડીએ ગયાં છે તેઓ પરત આવી ગયાં હશે?
* લીલાનું હવે પછી શું થશે?

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.


અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા