પ્રેમ - નફરત - ૭૦ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૭૦

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૭૦

આરવ માટે દુબઇની યાત્રા યાદગાર બની ગઇ હતી. તેને મોબાઇલની તકનીક કરતાં રચનાને નવી નવી રીતથી પ્રેમ કરવાની તકનીક વધારે આનંદિત કરી ગઇ હતી. રચનાએ જે રીતે એને પોતાની આગોશમાં લઇ પ્રેમના સરોવરમાં નવડાવી દીધો હતો એનો આનંદ સર્વોપરી હતો. ત્યારે એને ખબર ન હતી કે રચના એના પરિવારને બીજી રીતે પણ નવડાવવાની હતી! રચના દુબઇથી પરત ફરીને તરત જ મોટો ધડાકો કરવાની હતી.

દુબઇથી પરત ફરી પોતાના ઘરે પહોંચીને આરવ અને રચનાએ પિતા લખમલભાઇને મોબાઇલના નિર્માણમાં કેવા પરિવર્તન આવી રહ્યા છે એની માહિતી આપી ત્યારે એમની આંખો આશ્ચર્યથી ફાટી ગઇ. રચના મનોમન જ બબડી કે આજે કંપની પર આવશો ત્યારે આનાથી મોટું આશ્ચર્ય તમારી રાહ જોઇ રહ્યું છે. આ એજ આંખો છે જેમની સામે મારા પિતાની...

રચનાએ પોતાની આંખમાં આવતાં ઝળઝળિયાંને રોકીને કહ્યું:'આપણે હવે વધુ ફિચર્સ આપીને વધારે કિંમતના મોબાઇલ બહાર મૂકીશું. કેમકે લોકોની ખરીદશક્તિ ખાસ કરીને મોબાઇલ માટે વધી છે. પહેલાં જે લોકો દસથી વીસ હજારની કિંમતના મોબાઇલ ખરીદતા હતા એ હવે વીસથી ત્રીસ હજારના ખરીદે છે. એમને ખ્યાલ આવી ગયો છે કે મોબાઇલમાં કેમેરા, રેમ, સ્ટોરેજ વગેરે વધારે જોઇએ છે. ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. મોબાઇલમાં હવે નવા બેન્ચમાર્ક બની રહ્યા છે. એક નાનું સરખું તમને પણ સમજ પડે એવું ઉદાહરણ આપું તો ૬/૧૨૮ જીબીથી ઓછાનો ફોન કોઇ લેવા માગતા નથી. હવે ઘરમાં દરેકનું પોતાનું વાહન જરૂરી બન્યું છે એ રીતે મોબાઇલ જરૂરી બની ગયો છે. સાતમા- આઠમા ધોરણમાં ભણતા સંતાનને એની જીદ કે પછી જરૂરિયાતને કારણે મા-બાપ મોબાઇલ અપાવવા મજબૂર બન્યા છે. અને આજની પેઢી સસ્તા અને ઓછા ફિચર્સના મોબાઇલ પસંદ કરતી નથી.'

'રચના વહુ, મને તો લાગે છે કે આરવ કરતાં તમે દુબઇના સેમિનારમાં વધારે જ્ઞાન મેળવ્યું છે!' લખમલભાઇ હસીને બોલ્યા.

આરવ તરત જ હસતાં- હસતાં બોલી ઊઠ્યો:'પપ્પા, મને બોલવાનો મોકો મળે તો હું બોલુંને!'

લખમલભાઇ આજે મજાકના મૂડમાં હોય એમ બોલ્યા:'બેટા, લગ્ન પછી પુરુષને બોલવાની તક ઓછી જ મળે છે!'

'પણ હું તો બોલીશ!' એમ એક ટીવી એન્કરની અદામાં આરવ બોલ્યો. પછી એકદમ ગંભીર થઇ ગયો:'પપ્પા, આપણી કંપનીએ પણ હવે બદલાતા સમય પ્રમાણે કેટલીક પૉલીસી બદલવી પડશે. બજારમાં હરિફાઇ વધી રહી છે. એમાં ઊભા રહેવા માટે અનેક ફેરફાર કરવા પડશે. આ બાબતે રચના સાથે મારી ચર્ચા થઇ છે. આજે કંપની પર આપણે એની ચર્ચા કરીશું...'

આરવને કલ્પના ન હતી કે રચના કેવો ખેલ કરવાની છે.

રચના ખુશ થઇ ગઇ. આરવ હવે એનો પઢાવેલો પોપટ બની ગયો છે. પણ પોપટને ખબર નથી હોતી કે તે જે બોલે છે એનો અર્થ શું થાય છે!

રચનાએ ઘરમાં ધ્યાન પરોવ્યું. એણે અલકા અને સોનલ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ બંનેએ સંપ કરી લીધો હોય એમ માત્ર 'હા-ના' માં જ જવાબ આપતી રહી. એ જોઇ રચના મનોમન હસી અને બબડી. મને ખબર છે તમારી વચ્ચે કેટલો સંપ છે. પણ એનો ભાંડો હું બહુ જલદી ફોડવાની છું. ત્યારે તમારા પરિવારના પગ તળેથી ધરતી ખસી જવાની છે. રચનાને ખ્યાલ આવી ગયો કે અલકા અને સોનલ એ વાતથી નારાજ હતી કે એ એમને મૂકીને એકલી દુબઇ ફરી આવી છે. આરવે પણ એના ભાઇઓ અને પરિવારને બોલાવ્યા નથી. આરવ પાછળ રચના કેવી રીતે ગઇ એનો બંનેએ ઘરમાં ખુલાસો કર્યો ન હતો. રચનાએ એવી વાત કરી હતી કે તેની મા બીમાર હોવાથી તે એક દિવસ મોડી દુબઇ ગઇ હતી.

રચના વધારે સમય ઘરમાં રહેવાનું ટાળતી હતી. તે આ પરિવાર સાથે ગાઢ નાતો બનાવવા માગતી ન હતી. બસ એમને એમ લાગવું જોઇએ કે હું પરિવારની જ એક સભ્ય છું. બાકી અહીં એક જુદા જ આશયથી આવી છું.

ક્રમશ: