Dear father ગુજરાતી ફિલ્મ રિવ્યૂ Mahendra Sharma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dear father ગુજરાતી ફિલ્મ રિવ્યૂ

Dear father ગુજરાતી ફિલ્મ રિવ્યૂ

આપણે આપણા વડીલો કે જેઓ એકલા એટલેકે કોઈ એક પાત્રના વિદાય પછી કેવું જીવન જીવે છે અથવા ઈચ્છે છે એવું જાણવાનો પ્રયત્ન કરીએ છીએ? કે ફકત આપણે એમની જવાબદારી લઈને એમને જાણે અજાણે ઘરના ચોકીદાર સમજીને વાણી વર્તન વગેરેમાં એક મર્યાદિત સીમામાં રહી ફકત જીવન જરૂરિયાત સચવાય એટલું જ કરીએ છીએ? વડીલોની આપણી પાસે શું અપેક્ષા હોય છે અને આપણે કેટલા ટકા એ અપેક્ષાઓ પૂરી કરીએ છીએ?

ગુજરાતી ફિલ્મો OTT પર વધુ જોવાય છે એટલે ડિયર ફાધર પણ અમેઝોન પ્રાઈમ પર જોઈ લીધી. પરેશ રાવલ લગભગ 30 વર્ષ પછી ગુજરાતી ફિલ્મમાં દેખાયા છે જ્યારે માનસી પારેખે હિન્દી ફિલ્મો અને ડેઇલી ટીવી સીરિયલ કર્યા પછી દર વર્ષે એક બે ગુજરાતી ફિલ્મો બનાવી લેવા અથવા અભિનય કરવાનો મક્કમ નિર્ણય લઈ લીધો છે, ચેતન ધાનાણી પણ ધીરે ધીરે ગુજરાતી સિનેમા જગતમાં જાણીતા થયા છે.

આ ફિલ્મમાં એક શહેરી પરિવાર છે, જ્યાં વહુ, પુત્ર અને સસરા રહે છે. અવાર નવાર નાની મોટી વાતોમાં વહુ અને સસરા બાજે છે અને પુત્ર બન્ને બાજુ સાચવવાનો પ્રયત્ન કરે છે, પણ એમ બધું સરળ નથી. પિતા એટલે પરેશ રાવલ અચાનક એક દિવસ એમની બાલકની માંથી પડી જાય છે અને ભયંકર રીતે ઘવાય છે. આ બાબતે કોક પાડોશી પોલીસ બોલાવે છે અને પોલીસ કેસ થાય છે, હવે જે પોલીસ ઇન્સ્પેકટર આ કેસની તપાસ કરે છે એ પણ પરેશ રાવલ છે.
ઇન્સ્પેકટર પરેશ રાવલ એક ડાયલોગ બોલે છે, "જેમના દુઃખ સરખા એમની શકલ સરખી દેખાય છે", જે આડકતરી રીતે મ્હેણું હોય છે વહુ અને દીકરાને.

આખી ઘટનાને હવે એક ક્રાઇમ તપાસની જેમ લેવાય છે કે કેમ સસરા એટલે પરેશ રાવલ બાલકની માંથી પડ્યા. શું એમની હત્યાનો પ્રયાસ હતો કે આ એક એક્સિડન્ટ હતું. પ્રાથમિક તપાસમાં એક્સિડન્ટ તરીકે બતાવીને કેસ બંધ કરતી પોલીસને એક ઇન્સ્પેકટર રોકે છે અને ફરી તપાસ કરવા પરેશ રાવલના ઘરે આવે છે . હવે ઇન્સ્પેકટર પણ પરેશ રાવલ એટલે દર્શક ગોથે ચડે છે કે આ ભાઈ પોતે હોસ્પિટલમાં છે કે પોલીસ બની પોતાના કેસની જ તપાસ કરે છે.

વાર્તામાં આગળ આ એક્સિડન્ટ કેમ એક હત્યાનો પ્રયાસ હોઈ શકે એની શક્યતાઓ તપાસવા વિવિધ રીતે વહુ અને પુત્રને પૂછપરછ થાય છે. કે જ્યાં ઘણી વખત લાગે છે કે કદાચ આ પુત્રનું પિતાને પતાવી દેવાનું કાવતરું છે કે પછી વહુની સસરાને પતાવી દેવાની સાજિશ છે. ખુબજ રસાકસી ભર્યા દૃશ્યો છે કે જેમાં દર્શકને દરેક ક્ષણે એવું લાગે છે કે આ પ્રયાસ ખરેખર બાપાને મારવાનો જ હતો. મારવાના ઘણા કારણો અને પરિસ્થિતિઓ પણ ઊભી થાય એવું લાગે છે. પણ આ પ્રયાસ મારવાનો હતો કે બીજું કંઈક હતું એ ફિલ્મ જોયા પછી ખબર પડે તો સારું.

અહીં એક પ્રયત્ન કરીશ કે એક પરિવારમાં વડીલની શું જગ્યા છે, શું માનસિક સ્તર છે અને શું જરૂરિયાતો છે એ સમજવું જરૂરી છે. આપણાં માંથી અનેક સંતાનો તરીકે માનીએ છીએ કે વડીલ  એક અણધારી અનિચ્છિત જવાબદારી છે જે આપણે નાછૂટકે સાચવવી પડે છે. એટલે પછી વડીલને ઘરમાં રાખી, એમને ખાવું પીવું આપી, દવા વગેરે આપી આપણને લાગે કે બસ આ જ સાચવવું કહેવાય. પણ એવું નથી. વડીલમાં વ્હાલ છે, સંવેદના છે, આસ પાસ થતાં વિવિધ ઘટનાક્રમમાં એમનું મંતવ્ય છે અને એમને વાત વ્યક્ત થવા માટે સંતાનની હાજરી જોઈતી હોય છે, શું આપણે એમને વ્યક્ત થવા દઈએ છીએ?

ભણવું ગણવું અને નોકરી ધંધો કરવો ખુબજ મહત્વનું છે, ઘર સંસાર ચલાવવા પૈસા અને વ્યસ્તતા જોઈએ પણ શું આપણે એ ભૂલી જઈએ છીએ કે ભણવું એટલે આપણા સંસ્કાર અને આપણી અંદરના માણસને એની હૂંફને ભૂલી જવું? શું મોટી ડિગ્રી ભણવાથી સંસ્કાર આવડી જાય જે એક વડીલે આખી જિંદગી જીવીને શીખ્યું હોય? શું એક વડીલની રીત હમેંશા જૂની અને નકામી હોય કે એમની પાસે એવું છે જે આપને કમાવવાનું બાકી છે? ફિલ્મ કદાચ વર્કિંગ ક્લાસના કપલ ને નહીં ગમે કારણકે ત્યાં આ રોજની રામાયણ છે. 

માનસી પારેખ ખુબજ મહેનતુ કલાકાર છે કે જેણે છેલ્લા થોડાક વર્ષોમાં ખુબજ સારી ગુજરાતી ફિલ્મો આપી છે, ગોલકેરી ખુબ જ સફળ ફિલ્મ રહી, પછી ડુ નોટ ડિસટર્બ કરીને ખુબજ સારી વેબ સિરીઝ અને હાલમાં કચ્છ એકસપ્રેસ અને કોંગ્રચુલેશન ફિલ્મમાં અભિનય આપ્યું. ચેતન ધાનાણી ને તમે રેવા ફિલ્મમાં ઉત્તમ અભિનય માટે વખાણ્યા, હાલમાં કર્મ ફિલ્મમાં પણ તેઓ અભિનય આપી ચૂક્યા છે. ડાયરેકટર ઉમંગ વ્યાસ એ પહેલાં વેન્ટિલેટર ફિલ્મમાં ડાયરેક્ટ કરી ચૂક્યા છે. લેખક વિવેક બેલે આજ ફિલ્મનું મરાઠી વર્ઝન લખી ચૂક્યા છે જેમાં નાના પાટેકર સાહેબે અભિનય કર્યો છે.

ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર છે, જોવા જેવી ખરી.

- મહેન્દ્ર શર્મા ૨૭.૦૨.૨૦૨૩