Savai Mata - 13 books and stories free download online pdf in Gujarati

સવાઈ માતા - ભાગ 13

ઓફિસે જતાં સમીરભાઈની વાતને રમીલાએ માત્ર હસીને માથું હલાવી હા કહી અને બારણું બંધ કર્યું, પણ તેનાં અંતરમાં એક સવાલ રમી રહ્યો, 'આ ત્રણ વર્ષથી કૉલેજની સાથોસાથ કરેલ નોકરીથી ભેગી થયેલ રકમ પણ મહિને સરેરાશ પંદર હજાર પ્રમાણે ત્રીસેક મહિનાનાં સાડાચાર લાખ મારાં ખાતામાં અને ફીક્સ ડિપોઝીટ મળીને કુલ છે. તો પાપાએ આ રકમ ખર્ચવી જરૂરી છે? વળી, આવતાં મહિનાથી તો મારો પગાર આવવો પણ શરૂ થઈ જશે. પાપાએ અને મમ્મીએ હવે મને માત્ર માનસિક અને સામાજિક ટેકો આપવાની જ જરૂર છે. આર્થિક તો હવે... '


અચાનક તેની તંદ્રા તૂટી. મેઘનાબહેન તેને બોલાવી રહ્યાં હતાં, "બેટા,ખોટાં વિચારો છોડ. તારાં પાપાનો નિર્ણય બરાબર જ છે. હજી તો ઘર મંડાતાં કેટલોય ખર્ચ થશે. અને ભવિષ્ય માટે પણ બચત કરવી જ પડશે ને? ચાલ, નાસ્તો થઈ ગયો હોય તો તૈયાર થઈ જા. આપણે થોડો રસોડાનો સામાન ખરીદતાં આવીએ. અને તારી મમ્મીને પણ સાથે લઈ લે. બાકી બધાંને નિખિલ સાચવી લેશે."


રમીલા તેની માતાને લઈ ઓરડામાં ગઈ અને તે સમજી શકે એવાં સરળ શબ્દોમાં સમજાવી પોતાની મઝાની એક શિફોનની સાડી પહેરાવી બહાર લઈ આવી. રમીલાનો પિતા જે હંમેશ પોતાની પત્નીને જાડાં, મેલાંઘેલાં લૂગડાંમાં જોવા ટેવાયેલો તે તેને સુઘડ રીતે આજે ફરી તૈયાર થયેલ જોઈ આભો જ બની ગયો.


આ તરફ મેઘનાબહેન પણ તૈયાર થઈને આવી ગયાં. તેઓએ નિખિલને જરૂરી સૂચનાઓ આપી દીધી અને નિખિલ પણ બેઠકખંડમાં જ બાળકો સાથે આવીને બેઠો. તેમને થોડી મઝા આવે તેવી વાતો કરવા લાગ્યો.


આ તરફ રમીલાની માતાએ પોતાનું બહાર જવાનું કારણ પતિને સમજાવતાં કહ્યું કે, "રમલીની જાંય નોકરી લાગી સ તંઈ આપણે હંધાય રે'વા જૈશું. તે આજ અમ લોક એ નવા ઘર માટે ચીજો લેવા જાંય સી. તમ આંય જ રે' જો. અમન વાર લાગહે."


તે બોલ્યો, "કંઈ કેટલાંય હારાં છે આ બુન ને એમનો વર. રમુને કાંઈ અગવડ પડવા જ નથ દેતાં. આ રમુન લીધે આપણું તો જીવતર હો બદલૈ જાહે. હું કે'સ તું?"


માતા બોલી ઊઠી, "આ વળી, આપણે તો ઘર બાંધેલાં. એમાં સંસાર માંડવાનો તો વચાર બી નૈ આવેલો. આ તો રમલીના ભાયગ, મેનત ને ભણતર, તે આ બુન એને પોતાની સોડી જ હમજે સે. પણ તમને લાગે સ કે આપણને આવાં લૂગડાં ને આવાં ઘરમાં હોરસે?"


પિતાનાં મલકાટમાં થોડી ચિંતા ભળી, "એ ય હાચું. આપણને તો આવું હુંવાળું કપડુ પે'રવાના કે હારું ખાવાના હેવાય નથ. આવા મકાનમાં તો કેમના રઈસું? પણ તું હું કે' છ? આપણે પાછાં ઝૂંપડે ને મજૂરીએ જૈએ?"


"મન લાગ છ કે, ટેમ ટેમ ની વાત સ. આ રમલી હીખી એમ આપણેય હીખીસું. ને આ બેય સે ને? એય આપણને હીખવાડશે. ઈમનેય તે હારી સકૂલમાં ને રોજે જાવા મલહે, બરાબર ને?", માતાએ પોતાનો મત મૂક્યો.


આખરે પિતા ઊભો થયો, "તમતમાર જાઈ આવો. ઉં ય તે ઝૂંપડેથી આપણો સામાન લેતો આઉં. ને બાજુવાળા રઘુને ને રામીને આવડી આ રમુ ને સમીરભઈનો નંમર આલતો આઉં. આપણો મેવો, માતી ને પારવતી આવે તો ઈમને આપણને મલવાનું ઠેકોણું તે કેવું પડે ન?"


માતા બોલી, "એ આ વળી, ઈ બચાડાં આપણાને કંઈ ગોતે? તમે બુન પાંહે કે રમુ પાંહે નવું ઠેકાણુંય લખાવી ઈમને પોચાડી દેજો. તિયાર તો ઉં ય આવીશ. આ રમુડી ભણી તે હંધાય ભઈબેનનાં ભાયગ ઊઘડી જાહે." બોલતાં બોલતાં તેની આંખોની ભીનાશ ગળામાં ઉતરી રહી.


એક દીકરી હરણફાળ ભરી આગળ વધી હતી અને બાકી બધાં બાળકો હજી જીવનનો પંથ ગોકળગાયની ગતિએ કાપી રહ્યાં હતાં. માતાપિતાને મન બધાંય બાળકો સરખાં હતાં, પણ નબળાં રહી ગયેલાં પ્રત્યે સવિશેષ લાગણી હોય જ એ સ્વાભાવિક છે.


થોડી જ વારમાં રમીલા પાસે જરૂરી ફોન નંબર લખાવી તેનાં પિતા ઝૂંપડે જવા નીકળી ગયાં. મેઘનાબહેને નિખિલને જરૂરી સૂચનાઓ આપી અને તેઓ રમીલા અને તેની માતા સાથે ઘરવખરી ખરીદવા બજારમાં ઉપડ્યાં.


સમીરભાઈ તેમની રોજિંદી મોટી કાર લઈને ગયાં હતાં. તેઓએ એક નાની, ચાર વ્યક્તિઓ બેસી શકે એવી કાર મેઘનાબહેન અને બાળકો માટે ઘરે રાખી હતી જેથી તેઓને રીક્ષા કે બસ માટે આથડવું ના પડે. રમીલા તે કારની ચાવી લઈને આવી હતી. તેણે કારને ચાવી વડે ખોલી અને દરવાજો ખોલી ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠી, સીટબેલ્ટ બાંધ્યો અને ઈગ્નીશનમાં ચાવી નાંખી. આ જોઈ તેની માતા આભી જ બની ગઈ. મેઘનાબહેન તેની પાછળ હતાં. તેમણે ડ્રાઇવિંગ સીટની બાજુનો આગળનો દરવાજો ખોલ્યો અને તેની માતાને અંદર બેસવા ઈશારો કર્યો. આશ્ચર્યની વચ્ચે તે રમીલાની બાજુની સીટમાં બેઠી અને દીકરીને જોતી જ રહી.


રમીલાએ તેની સામે જોયું અને તેનાં આશ્ચર્યચકિત નેત્રો જોઈ બોલી, "મા, મને ત્રણ વર્ષથી ગાડી ચલાવતાં આવડે છે. ચાલ આજે જોઈ લે." દરમિયાન તેણે થોડું ઝૂકીને મા ને સીટબેલ્ટ પણ બાંધી આપ્યો.


માતાનાં મોં ઉપર દીકરી માટે ખુશી, મેઘનાબહેન તરફ કૃતકૃત્યતાનાં ભાવ છવાઈ ગયાં. સાવ હળવી માત્રામાં તેની કીકીઓ ઉપર એક પ્રવાહી ફેલાઈ ગયું. મેઘનાબહેન પાછળની સીટમાં ગોઠવાઈ ગયાં અને પોતાનો સીટબેલ્ટ બાંધી લીધો.


રમીલાએ ગાડી સેન્ટ્રલ લોક કરી, બારીનાં કાચ તપાસી એર કન્ડીશનર ચલાવ્યું. સેકન્ડોમાં ગાડીમાં મઝાની ઠંડક રેલાઈ ગઈ પણ નક્કી કરવું અઘરું હતું કે ગાડીની ઠંડક વધુ ખુશનુમા હતી કે રમીલાની માતાનાં મોં ઉપર દીકરીની પ્રગતિનાં હાશકારાની.


રમીલાએ ગાડી સ્ટાર્ટ કરી. સવારના હળવા ટ્રાફિકમાં સીધાં રસ્તા છોડી ફ્લાયઓવર ઉપર સડસડાટ વહી રહેલી ગાડીનાં કાચમાંથી માતા શહેરનું તદ્દન અનોખું સ્વરૂપ નિહાળી રહી હતી.


મેઘનાબહેન પાછળની સીટમાં આંખોને હળવાશથી મીંચીને બેઠાં હતાં એ રીઅરવ્યુ મિરરમાં જોતાં રમીલાનાં ધ્યાને ચઢ્યું. તેને તરત જ યાદ આવ્યું, 'અરે! સવારની દોડાદોડીમાં મમ્મીને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનાં પાઠ તો કરવાનાં જ રહી ગયાં.' તેણે વોઈસ કમાન્ડથી પોતાનાં ફોનમાં એમ. એસ. શુભલક્ષ્મીનાં મધુર, ક્લાસિકલ અવાજમાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનાં પાઠ વગાડવાં શરુ કર્યાં.

પાઠ પૂર્ણ થયાં અને તેમનું ગંતવ્ય સ્થાન' વૈશાલી મૉલ' પણ આવી ગયું. રમીલાએ મમ્મી અને માતા બેયને મૉલનાં પ્રાંગણમાં ઉતાર્યાં અને પોતે બેસમેન્ટનાં પાર્કિંગમાં ગાડી પાર્ક કરવા જતી રહી. રમીલાની માતા આ પહેલાં ક્યારેય મૉલ કે મોટી દુકાનમાં પ્રવેશી નહોતી. તેણે વ્યવસ્થિતપણે નવી સાડી અને ચપ્પલ પહેર્યાં હોવાં છતાં અંદર પ્રવેશ કરવા બાબતે તેને પારાવાર સંકોચ થઈ રહ્યો હતો.

આ જોઈ મેઘનાબહેને તેનો હાથ હળવેથી પકડી મુખ્ય પ્રવેશદ્વાર તરફ તેની સાથે ચાલવા માંડ્યું. હજુ રમીલાને શોધતી તેની આંખો કાંઈ કહે એ પહેલાં મેઘનાબહેન તેને મૉલની અંદર લઈ આવ્યાં જ્યાં ગણવેશ ધારણ કરેલી બે યુવતીઓમાંથી એકે ઘણી જ શાલીનતાથી મેઘનાબહેનની સાઈડબેગ ટેબલ ઉપર મૂકાવી, ખોલાવીને તપાસી અને બીજી યુવતીએ મેટલ ડિટેક્ટિંગ ડિવાઈસ તેમના શરીર સામે માથાથી પગ સુધી ફેરવી તપાસી લીધાં. પછી તેઓને સસ્મિતવદને અંદર પ્રવેશવા જણાવ્યું.

માતા થોડી વધુ સંકોચાઈને ચાલવા લાગી. ત્યાં મેઘનાબહેને કહ્યું, "કોઈ ચોર-લૂંટારા હથિયારો લઈ અંદર આવી આપણને નુકશાન ન પહોંચાડે માટે જ અહીં આવી તપાસ સહુની થાય. ચિંતા ન કરીશ, બેન."

માતાનાં મોં પણની ચિંતા રેખાઓ વિખેરાઈ અને ત્યાં જ સામેની લીફ્ટમાંથી રમીલા બેસમેન્ટમાંથી ઉપર આવી. ત્રણેય સાથે થઈ ચાલવાં લાગ્યાં અને પહેલાં જ રસોડાંનાં વાસણોનાં વિભાગમાં પ્રવેશ્યાં.


ક્રમશઃ


હવે આગળ જીંદગીઓ કેવી રીતે વધશે?
શું હંમેશા બધું જ સહેલાઈથી પાર પડતું હશે?


મિત્રો,


વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.


ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻


આભાર 🙏🏻


અલ્પા ભટ્ટ પુરોહિત


વડોદરા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED