Angoor - Review books and stories free download online pdf in Gujarati

અંગૂર - રિવ્યૂ


ફિલ્મનું નામ : અંગૂર
ભાષા : હિન્દી
પ્રોડ્યુસર : જય સિંઘ
ડાયરેકટર : ગુલઝાર
કલાકાર : સંજીવ કુમાર, દેવેન વર્મા, મૌશુમી ચેટરજી, દિપ્તી નવલ, અરુણા ઈરાની.
રીલીઝ ડેટ : ૫ ફેબ્રુઆરી ૧૯૮૨

હાસ્યના કૂલ તેર પ્રકાર છે અને તેમાંથી એક મહત્વનો પ્રકાર છે ફારસ. જો કે અંગૂરને કોઈ એક પ્રકારમાં સામેલ કરવી મુશ્કેલ છે. શેક્સપિયરના નાટક ‘ધ કોમેડી ઓફ એરર્સ’ ઉપરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ વિષય ઉપર સૌથી પહેલાં ૧૯૬૩માં એક બંગાળી ફિલ્મ બનાવવામાં આવી હતી ‘ભ્રાંતિ બિલાસ’, જે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના તે જ નામથી ૧૮૬૯ લખેલા નાટક ઉપરથી બનાવવામાં આવી હતી. મૂળ થીમ શેક્સપિયરની જ હતી. “ભ્રાંતિ બિલાસ’માં જોડિયા નાયકોની ભૂમિકામાં ઉત્તમકુમાર અને ભાનુ બેનર્જી (કે બંદોપાધ્યાય) હતા. ભ્રાંતિબિલાસ પછી વારો આવ્યો ‘દો દૂની ચાર’ જે ૧૯૬૮માં આવી. બિમલ રોયે બનાવેલી ફિલ્મમાં કિશોર કુમાર અને આસિત સેન હતા. આ ફિલ્મના લેખક ગુલઝાર હતા. ફિલ્મ બહુ ખરાબ રીતે પીટાઈ ગઈ, પણ ગુલઝારને આ વિષય ઉપર બહુ વિશ્વાસ હતો અને તેથી જ તેમણે ૧૯૮૧ માં ફરી સાહસ ખેડ્યું અને આ વિષય ઉપર જ અંગૂર બનાવી.
ફ્લોપ ફિલ્મની રીમેક ઉપર કોઈ દાવ લગાવવા તૈયાર ન હતું, પણ ગુલઝારે હાર માની નહિ, અંતે નિર્માતા મળ્યો ખરો અને ફિલ્મ પણ બની. એ જ તારીખે અમિતાભ બચ્ચનની ‘બેમિસાલ’ પણ રીલીઝ થઇ હતી, છતાં અંગૂર સુપરહીટ થઇ હતી.
શેક્સપિયરના નાટક અને ઉપર જેમનાં નામ લખ્યાં છે તે ફિલ્મોની થીમ બે જોડિયા ભાઈઓની હતી. વિખુટા પડેલા જોડિયા ભાઈઓ સંજોગોને લીધે છુટ્ટા પડી જાય છે અને જુદા જુદા શહેરોમાં મોટા થાય છે. હાસ્ય ત્યારે નિર્મિત થાય છે જયારે એક જોડી બીજાના શહેરમાં આવે છે. આ વિષય ઉપર બીજા ફિલ્મમેકરોએ પણ હાથ અજમાવ્યો, પણ એકેય નિર્દેશક ગુલઝારની જેમ ન્યાય આપી શક્યા નહિ. અંગૂર અને બેડ બોઈસનું ખરાબ અને અતિરેક ભર્યું મિશ્રણ કરીને ડેવિડ ધવને ‘બડે મિયાં છોટે મિયાં’ બનાવી. પોતાની બી ગ્રેડ ફિલ્મો માટે જાણીતા કંવલ શર્માએ મિથુન ચક્રવર્તી અને જોની લીવરને લઈને સાવ વાહિયાત ‘હીરાલાલ પન્નાલાલ’ બનાવી હતી. આ જ લીસ્ટમાં સુપર હીટ ફિલ્મોને ડાયરેકટર રોહિત શેટ્ટીએ ‘સર્કસ’ જેવી તદ્દન થર્ડ ક્લાસ ફિલ્મ બનાવીને પોતાનું નામ નોંધાવી દીધું.
ઉપરોક્ત જેટલી પણ ફિલ્મોનાં નામ દીધાં એના કરતાં અંગૂર નોખી પડે છે, તેના મૂળમાં ફિલ્મની સબળ કથા અને કલાકારોનો અભિનય છે. અભિનયની પાઠશાળા સમાન સંજીવ કુમારે આ ફિલ્મમાં જે અભિનયના ઓજસ પાથર્યા છે તે અન્ય અભિનેતાઓ માટે સૂર્ય સમાન છે. પોતાની કારકિર્દીમાં દરેક પ્રકારના પાત્રો ભજવનાર સંજીવ કુમારે આ ફિલ્મમાં દર્શાવી દીધું છે કે કોમેડી તેના માટે ‘બાંયે હાથ કા ખેલ’ છે.
ફિલ્મની કથા શરૂ થાય છે મોટા વેપારી રાજ તિલક (ઉત્પલ દત્ત) અને તેમની પત્ની (શમ્મી) ના એક પ્રવાસથી. તેમને જોડિયા દીકરાઓ છે અને બંનેના નામ તેમણે અશોક રાખ્યાં છે. પ્રવાસમાં તેઓ એક ધર્મશાળામાં રોકાય છે અને ત્યાં તેમને મળે છે હજુ એક બાળકોની જોડી જેને કોઈ મંદિરના પગથીયાં ઉપર છોડી ગયું છે. રાજ તિલક પોતાના ધૂની સ્વભાવ પ્રમાણે બંનેના નામ એકસરખાં રાખે છે બહાદૂર. (ધૂની સ્વભાવ હોય તો જ નામ સરખાં રાખે ને!) તેઓ બોટથી સફર કરવાના હોય છે અને તેમની બોટ અકસ્માતે ડૂબી જાય છે અને જોડીઓ છુટ્ટી પડી જાય છે. એક અશોક (સંજીવ કુમાર) અને બહાદૂર (દેવેન વર્મા) શહેરમાં ઉછરે છે અને બીજી અશોક અને બહાદૂર (ફરી સંજીવ કુમાર અને દેવન વર્મા) દિનકાપુરમાં ઉછરે છે.
શહેરમાં રહેતાં અશોક અને બહાદૂરના લગ્ન અનુક્રમે સુધા (મૌશુમી ચેટરજી) અને પ્રેમા (અરુણા ઈરાની) સાથે થઇ ગયાં હોય છે અને સુખેથી લગ્નજીવન વિતાવી રહ્યાં હોય છે. જયારે દિનકાપુરમાં રહેલા અશોક અને બહાદૂર અવિવાહિત હોય છે.
દિનકાપુરમાં રહેતી અશોક અને બહાદૂરની જોડી દ્રાક્ષના બાગને ખરીદવા માટે એ જ શહેરમાં આવે છે જ્યાં પહેલેથી જ અશોક અને બહાદૂરની બીજી જોડી રહેતી હોય છે અને ઘટનાઓ એવી રીતે બને છે કે તમે ફિલ્મના અંત સુધી હસવું ખાળી ન શકો.
જીવનમાં અનેક એવોર્ડ જીતેલા ગુલઝાર જેટલા લેખક તરીકે ઉત્તમ છે એટલા જ ઉત્તમ નિર્દેશક પણ ખરા. તેમણે નિર્દેશિત કરેલી ફિલ્મોની યાદી જુઓ તો હિન્દી ફિલ્મોના ઉત્તમ નિર્દેશકોમાં તેમનું નામ સહજતાથી સામેલ થઇ શકે. તેમને અત્યારસુધી પાંચ નેશનલ એવોર્ડ, બાવીસ ફિલ્મફેર એવોર્ડ, એકેડેમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડ (આ બંને આંતરરાષ્ટ્રીય એવોર્ડ તેમનું કદ બતાવે છે.), દાદાસાહેબ ફાળકે એવોર્ડ, પદ્મભૂષણ અને તે સાથે જ સાહિત્ય અકાદમી દ્વારા પણ તેમનું ગૌરવ કરવામાં આવેલ છે. સીખ પરિવારના આ ફરજંદ ઝેલમ જિલ્લાના દિના શહેરમાં જન્મ્યા હતા, જે હાલ પાકિસ્તાનમાં છે. ભારત પાકિસ્તાનના ભાગલા પછી તે મુંબઈમાં આવી ગયા. સંપૂર્ણસિંઘ કાલરા એ તેમનું મૂળ નામ. શરૂઆતમાં તેમણે ગેરેજમાં પણ કામ કર્યું, ત્યારબાદ ગુલઝાર દિન્વી નામ ધારણ કરીને લેખન શરૂ કર્યું. કોલેજની સાથે જ તે પી. ડબ્લ્યુ. એ. (પ્રોગ્રેસીવ રાઈટર એસોસિઅશન) સાથે જોડાયા, જ્યાં એમની મુલાકાત બિમલ રોય અને શૈલેન્દ્ર સાથે થઇ જેમણે તેમને ફિલ્મોમાં જોડાવા માટે આગ્રહ કર્યો. તેમણે પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત બંદિની ફિલ્મના ગીતકાર અને સંગીતકાર તરીકે કરી. તે ફિલ્મ દરમ્યાન તેમને સચિન દેવ બર્મન જેવા મહાન સંગીતના જાણકાર સાથે કામ કરવા મળ્યું. તેમણે લેખન પછી નિર્દેશનમાં પણ હાથ અજમાવવાનું નક્કી કર્યું અને તેમણે સૌથી પહેલી ફિલ્મ બનાવી ‘મેરે અપને’(૧૯૭૧). તે ફિલ્મ તપન સિન્હાની બંગાળી ફિલ્મ ‘આપનજન’ ની રીમેક હતી. (રીમેકો કાંઈ હમણાં જ બનવા લાગી એવું નથી.)
ત્યારબાદ તેમણે અનેક ફિલ્મો બનાવી અને સંજીવકુમાર તેમનો મનપસંદ કલાકાર હતો. આ ફિલ્મનું જમાપાસું એ છે કે આ ફિલ્મમાં હાસ્ય ઘટનાઓને લીધે જન્મે છે, કોઈ પણ પ્રકારનો અતિરેક ટાળવામાં આવ્યો છે. સંજીવકુમાર શા માટે અભિનયની પાઠશાળા કહેવાતો તે ફિલ્મના એક સીન દ્વારા ખબર પડી જાય છે, જેમાં તે જાસૂસી નવલકથા વાંચવામાં ઓતપ્રોત થઇ ગયેલ વાચક તરીકે ચહેરાના હાવભાવ પ્રસ્તુત કરે છે.
મુખ્ય હિરોઈન તરીકે મૌશુમી ચેટરજીની આ છેલ્લી ફિલ્મ હતી. તે ફિલ્મ દરમ્યાન પ્રેગનેન્ટ હતી. આ ફિલ્મ પૂર્ણ થયા બાદ તે બે વર્ષ બાદ પાછી ફરી હતી અને ત્યારબાદ તેને સપોર્ટીંગ રોલ મળ્યા હતા. સુધાનો રોલ પહેલાં જયા બચ્ચન કરવાની હતી, પણ કોઈ કારણસર આ રોલ કરી ન શકી અને આ રોલ મૌશુમીને મળ્યો હતો.
આ ફિલ્મની સફળતામાં જેટલો ફાળો મુખ્ય કલાકારોનો હતો એટલો જ ફાળો નાની ભૂમિકા ભજવનાર નાના કલાકારોનો છે. શાયરી કરતા દાગીનાના કારીગર તરીકે યુનુસ પરવેઝે સરસ કામ પાડ્યું છે, પણ સૌથી વધુ મજા ફિલ્મમાં હીરાના વ્યાપારી ગણેશીલાલની ભૂમિકા ભજવનાર ટી. પી. જૈને કરાવી છે. માત્ર થોડા સીન તેના ભાગે આવ્યા છે અને તેમાં પણ તે છવાઈ ગયો છે.
આ ફિલ્મ માટે દેવેન વર્માને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં સંજીવકુમારને તેણે બરાબરની ટક્કર આપી છે.
કોઈ પણ પ્રકારના અતિરેકવગરની કોમેડી ફિલ્મ જોવી હોય તો મારા મત મુજબ ‘અંગૂર’ એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

સમાપ્ત

જ્યોતિન્દ્ર મહેતા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED