પ્રણય પરિણય - ભાગ 17 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 17

પાછલા પ્રકરણનો સારાંશ..


મલ્હારે ગઝલને પ્રપોઝ કર્યું અને ગઝલએ તેનો સ્વીકાર કર્યો એ વાતથી વિવાન ઘણો દુખી હોય છે. તેને ખૂબ ગુસ્સો પણ આવ્યો હોય છે.. એમા બિચારો વિક્રમ કોઈ કારણ વગર તેના ગુસ્સાની અડફેટે ચડી જાય છે.


છેવટે વિવાન ગઝલને ભૂલી જવાનો નિર્ણય કરે છે.


બીજી તરફ ગઝલ તો વિવાનની ફીલિંગ્સથી બિલકુલ અજાણ હોય છે. એ તો મલ્હાર સાથે સુખી સંસારના સપનાઓ જોતી હોય છે.


મલ્હારે તેને પ્રપોઝ કર્યું છે એ વાત બીજા દિવસે સવારે જ તે મિહિર અને કૃપાને જણાવે છે. તે બંને પણ ગઝલ-મલ્હારના સંબંધનો સ્વીકાર કરે છે અને મલ્હારના પરિવારને ડિનર માટે આમંત્રિત કરવાનું નક્કી કરે છે.


હવે આગળ..


**

પ્રણય પરિણય ભાગ ૧૭


શેડ્યુલ પ્રમાણે મિહિર અને મલ્હાર બિઝનેસ મિટિંગ માટે મળ્યા. મિટિંગ પત્યા પછી પણ બંને વચ્ચે ઘણી વાર સુધી બિઝનેસની તથા બીજી ઔપચારિક વાતચીત થઇ. પછી મિહિરે જ પર્સનલ વાતોની શરૂઆત કરતાં પુછ્યું: 'હાં તો મલ્હાર, પછી લગ્ન વગેરે માટે કંઈ વિચાર કર્યો છે કે નહીં?'


મલ્હારે ફક્ત સ્મિત કર્યું.


'એક્ચ્યુઅલી આઈ નો એબાઉટ યોર એન્ડ ગઝલ રિલેશનશિપ, ગઝલએ મને બધી વાત કરી.' મિહિર સીધા પોઈન્ટ પર જ આવ્યો.


'અચ્છા તો પછી તમારો શો મત છે?' મલ્હારે પૂછ્યું.


'તમે બેઉ એકબીજાને જાણો છો, સમજો છો. એકબીજાને પસંદ પણ કરો છો પછી અમારે શો વાંધો હોય?' મિહિરે હસતાં હસતાં કહ્યું.


'થેન્ક યૂ મિહિર ભાઈ, તમે અમારા સંબંધને માન્ય રાખ્યો.' મલ્હારે લાગણીશીલ થઈને કહ્યુ.


'અજે સાંજે તારા ફેમિલીને લઈને મારા ઘરે ડિનર માટે આવ. બધા મળીને સવિસ્તર વાત કરીએ.' મિહિરે કહ્યુ.


'હાં મિહિરભાઈ, ચોક્કસ.' મલ્હાર ખુશ થઈને બોલ્યો.


**


ગઝલ સાંજે શું પહેરવું એ નક્કી નહોતી કરી શકતી, તેણે વોર્ડરોબનાં બધા કપડાં બેડ પર ફેલાવી દીધાં હતાં અને તે પોતે સામેની ચેરમાં માથે હાથ દઇને બેઠી હતી.

એટલામાં તેના મોબાઈલની રિંગ વાગી. તેને અંદાજ આવતો નહતો કે રીંગ ક્યાં વાગે છે..


'યાર મેં મોબાઈલ ક્યાં મૂકી દીધો?' ગઝલ મોબાઈલ શોધવા ફાફા મારતી બોલતી હતી.

થોડીવાર પછી એને સમજાયું કે મોબાઇલનો અવાજ કપડાંના ઢગલા નીચેથી આવી રહ્યો છે.

એણે ઝટકાથી કપડાં હટાવ્યા અને ફોન ઉપાડ્યો.


'હેલ્લો.'


'હાય.. વોસ્સપ..!' મલ્હાર બોલ્યો.


'કંઈ નહીં, આ જોને કપડાં જોઈ રહી છું.' ગઝલ ફોન પર વાત કરતા કરતા કપડાંના ઢગલા પર નજર નાખીને બોલી.


'શું કામ?' મલ્હારે પૂછ્યું.


'શું કામ શું? આજે તુ મારા ઘરે આવવાનો છેને?' ગઝલ બોલી.


'ઓહ અચ્છા, એટલે તું કપડાં પસંદ કરી રહી છે?' મલ્હાર હસતાં બોલ્યો.


'હાં યાર, પણ શું પહેરવું એ જ સમજમાં નથી આવતું.' ગઝલ બોલી.


'હું હેલ્પ કરું.' મલ્હારે પૂછ્યું.


'હં, હા.'


'તું સાડી પહેર.. તારા પર સાડી ખરેખર સારી લાગશે.'


'અચ્છા! તો હું ભાભીની સાડી જ પહેરીશ આજે.. તે તો મારો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. થેન્કસ ફોર સજેશન..' મલ્હાર એને સાડીમાં જોવા માંગે છે એ વિચારથી ગઝલ રોમાંચિત થઈ ગઈ.


'ઉંહુ.. એમ નહીં, પહેલા કિસ આપ..' મલ્હારે રોમેન્ટિક રીતે કહ્યું.


'શું તુ પણ..' ગઝલ શરમાઈ ગઈ.


'અરે! ફોન પર કિસ આપવામાં શું વાંધો?'


'નો..'


'તો પછી રાતના ડિનર પર આવું ત્યારે રૂબરૂમાં આપવી પડશે..'


ત્યારની વાત ત્યારે.. બાય.. હજુ મારે ઘણી તૈયારી કરવાની છે.


'સાથે સાથે કિસ માટેની પણ તૈયારી કરી રાખજે, કારણ કે એના વગર આજે તને હું છોડવાનો નથી.'


'જોઈશું.' કહીને ગઝલએ ફોન કટ કર્યો.


"ડાર્લિંગ, આજે તો તારે કિસ આપવી જ પડશે.. જ્યારથી તને જોઈ છે ત્યારથી તને ચાખવાની તમન્ના છે. તુ બીજી છોકરીઓ જેવી નથી એટલે જ તો મારે તને મારા ઘરમાં લાવવી છે, તને મારા બાળકોની માં બનાવવી છે. મારા ઘરમાં આવીને તારે એકમાત્ર કામ મને ખુશ રાખવાનું કરવાનું છે.. હું કેવી રીતે ખુશ રહું એ સિવાય તારે બીજા વિચાર પણ કરવાના નથી. મારી મમ્મી મારા પપ્પા માટે કરે છે તેમ." મલ્હાર મનમાં વિચાર કરીને ખંધુ હસ્યો.


**


'ભાભીઈઈઈ..' બોલતી ગઝલ ફટાફટ દાદરા ઉતરતી નીચે આવી.


'અરે શું છે..?' કૃપા સાંજની રસોઈ માટે મહારાજને સૂચના આપી રહી હતી.


'ભાભી તમે શું કરો છો?'


'સાંજની તૈયારી.. આજે મહેમાન આવવાના છે એ વાત તુ ભૂલી ગઈ લાગે છે.'


'એ છોડોને ભાભી.. મારે તમારી સાડી જોઈએ છે.'


'સાડી કેમ..?'


'કેમ શું ભાભી..? મારા પર સાડી સારી લાગશે તેમ મલ્હાર..' એમ બોલતા ગઝલએ દાંત નીચે જીભ દબાવી.


કૃપા ઝીણી આંખ કરીને ગઝલ સામે જોઈ રહી હતી.


'હમણાં મેં કીધું હોત તો ના પાડી હોત.. પણ મલ્હારે કીધું એટલે બેનને હવે સાડી પહેરવી છે.' કૃપા એને ચિડાવતા બોલી.


'પ્લીઝ ભાભી..' ગઝલ લાડ કરતા બોલી.


'હાં આવ ચલ, કઈ સાડી જોઈએ છે? તારે જે જોઇએ તે લઈલે.' કૃપા ગઝલને પોતાની રૂમમાં લઈ ગઈ.


કૃપાએ એની બધી સાડી ગઝલને બતાવી. એમાંથી ગઝલને એક પણ સાડી પસંદ ના આવી.


'શું ભાભી.. કેટલી બોરિંગ સાડીઓ છે..' ગઝલ કંટાળાના ભાવ સાથે બોલી.


'બોરિંગ..? તને મારુ કલેક્શન બોરિંગ લાગે છે?' કૃપાને આશ્ચર્ય થયું.



'હા, કેટલી ઓલ્ડ ફેશન સાડીઓ છે..' ગઝલ બોલી.


'અચ્છા, તો તુ મોલમાં જઈને નવી લઈ લે જા..' કૃપા મોઢુ વંકાવીને બોલી.


'ગુડ આઈડિયા.. ચલો..' ગઝલ ઉભી થતા બોલી.


'ના, હું નથી આવતી. મારે ઘણું કામ છે. તું જા.' કૃપાએ કહ્યુ.


'એ ભાભી એવું શું કરો છો? ચલોને.. નીશ્કા નથી નહિતો એને જ લઇ જાત.'


'કેમ એ ક્યાં ગઈ છે?'


'અરે! તમને કહ્યુ તો હતુંને? એ આગળનો કોર્ષ કરવા દિલ્હી ગઈ છે.'


'અરે હાં, યાદ આવ્યું.. પણ ગઝલ તને કપડાં પસંદ કરવામાં બહુ ટાઈમ લાગે છે.. ઘરે મહેમાન આવી જશે ત્યાં સુધી તું એક સાડી પણ સિલેક્ટ નહીં કરી શકે. હું તારી સાથે આવીશ તો મહેમાનનું શું થશે?'


'આ વખતે ફટાફટ સિલેક્ટ કરીશ, ચલોને..' ગઝલ બોલી.


છેવટે હાં ના કરતાં બંને મોલમાં ગયાં.

એ જ મોલમાં કંઈ કામ માટે વિવાન પણ આવ્યો હતો. મોલમાં તેને એક દુકાનમાં આબેહૂબ એના ડોગ બ્રુનો જેવા જ એક ડોગની ફોટો ફ્રેમ દેખાઈ. એ જોઈને તેને પોતાના પ્રાઈવેટ સ્યૂટમાં ગઝલ સાથે બનેલો પ્રસંગ યાદ આવી ગયો.

વિવાન ઘણી કોશિશ કરી રહ્યો છતાં તેના મનમાંથી ગઝલના વિચારો હટતાં નહોતા. એ ગઝલને ભૂલી શકતો નહોતો.

વિવાનને કોફી પીવાની ઈચ્છા થઈ એટલે મોલમાં આવેલી કોફી શોપમાં જઇને બેઠો અને એક કોફીનો ઓર્ડર આપ્યો. કોફી આવી ત્યાં સુધી વિવાન મોબાઈલમાં ગઝલનાં ફોટા જોઈ રહ્યો હતો.


'સર કોફી.' કહીને વેઈટરે કોફીનો મગ તેના ટેબલ પર મૂકયો.


'થેન્કસ' કહીને વિવાને મગ ઉંચક્યો. એ હજુ પહેલી સીપ લેવા ગયો ત્યાં વિવાનને પેલી સાડી શોપમાં મિરર સામે ઉભી રહીને સાડી ટ્રાઈ કરતી ગઝલ દેખાઇ.


'ગઝલ..' વિવાનના હોઠ ફફડ્યા..


'વિવાન.. તું આખો દિવસ એના જ વિચારો કર્યા કરે છે એટલે તને બધે એ જ દેખાય છે.' મનમાં બોલીને વિવાને ખુદને જ ટપાર્યો.


'નહીં નહી.. આ કોઈ મારો ભ્રમ નથી.. એ સાચે જ છે સામે..' એ બબડ્યો.


'એક્સક્યુઝ મી..' વિવાને વેઈટરને બોલાવ્યો.


'યસ સર..' વેઈટર પાસે આવીને અદબથી બોલ્યો.


'અચ્છા, તને સામે સ્કાય બ્લૂ રંગના ડ્રેસમાં ઉભેલી એક છોકરી દેખાય છે?' વિવાને સાડીની દુકાન તરફ આંખોથી ઈશારો કરીને પુછ્યું. વેઈટરે એ તરફ જોયું.


'સર, પેલી સાડીની દુકાનમાં ને?'


'હાં'


'હાં સર, દેખાય છે.'


'થેન્કસ.' કહીને વિવાને તેને પાંચસો રૂપિયાની નોટ આપી.


'પ્લીઝ વેઈટ સર, હું ચેઇન્જ લઈને આવું.'


'નો, કિપ ધ ચેઈન્જ.' કહીને વિવાન સાડીની દુકાન તરફ ગયો.


ગઝલ મિરર સામે ઉભી રહીને એક પછી એક સાડી ટ્રાઈ કરી રહી હતી. કૃપા હવે રીતસરની ચિડાઈ ગઈ હતી.


'ભાભી, જુઓ તો આ કેવી લાગે છે?' ગઝલ સાડીનો એક છેડો ખભા પર રાખીને કૃપાને બતાવીને બોલી.


ગઝલ.. બાપા તું લઇલેને કોઈ પણ.. મને હવે ખૂબ કંટાળો આવે છે. કૃપાએ કહ્યુ.


વિવાન ચોરીછૂપીથી એને જોઇ રહ્યો હતો. ગઝલ ક્યુટ ફેસ બનાવીને કૃપાને સાડીઓ બતાવી રહી હતી.


'લઇલે કોઈ પણ એક.. અને ચલ હવે મોડું થાય છે.' કૃપા થોડા ગુસસાથી બોલી.


'શું યાર.. ક્યારના સાડીઓ ટ્રાઈ કરે છે, હજુ સુધી તો એક પણ ગમી નથી મેડમને..' એક સેલ્સમેન બીજાને બોલ્યો.


બીજો સેલ્સમેન: 'એ પોતે કેટલી સુંદર છે, એના સામે આપણી સાડીઓ ફિક્કી લાગે છે.'


પહેલો સેલ્સમેન: 'પણ ટાઈમ તો આપણો જ બગડે છેને?'


બીજો સેલ્સમેન: છોડને! આવા રૂપાળા કસ્ટમર્સ ભાગ્યે જ આવે યાર.. ભલે ગમે તેટલી ટ્રાઈ કરે કરવા દે. તેના ગયા પછી બધી સાડીઓ હું એકલો સંકેલીશ બસ?


એ લોકોની વાતો સાંભળીને વિવાનને હસવું આવ્યું. તે ગઝલની વિરુદ્ધ દિશામાં રહેલા એક કાઉન્ટર પર ગયો. ત્યાંથી તેણે એક લાઈટ પીચ કલરની ફ્લોરલ એમ્બ્રોઇડરી બોર્ડર અને કુંદન તથા સ્ટોન વર્ક વાળી એકદમ સુંદર સાડી સિલેક્ટ કરીને સેલ્સમેનને આપી.


'સર?' સેલ્સમેને મૂંઝાઈને વિવાન સામે જોયુ.


'પેલા મેડમને બતાવ, એને જરુર પસંદ આવશે.' વિવાને કહ્યુ.


'તમને લાગે છે એ પાસ કરશે?' સેલ્સમેન બોલ્યો.


'તું જા તો ખરો.. એને પસંદ નહી આવે તો હું ખરીદી લઇશ બસ?' વિવાને હસીને કહ્યું.


પેલો સેલ્સમેન સાડી લઈને ગઝલને બતાવવા ગયો.


'મેડમ આ ટ્રાઈ કરીને જુઓ.' એ બોલ્યો.


'વાઉ.. કેટલી મસ્ત છે.' ગઝલ સાડી જોઈને ખુશ થતા બોલી. અને સાડી પહેરીને જોઈ.

વિવાન છુપાઈને જોઇ રહ્યો હતો.


'વાહ.. ખૂબ સરસ લાગે છે.' કૃપાને પણ આ સાડી ગમી.


'મને પણ ખૂબ ગમી. અરે ભાઈ તમે પહેલા કેમ ના બતાવી? કેટલો ટાઈમ ગયો અમારો..!' ગઝલએ સેલ્સમેનને કહ્યુ.


'મેડમ એક્ચ્યુઅલી તમને આ સાડી દેખાડવાનું પેલા સાહેબે કહ્યુ હતું.' સેલ્સમેને વિવાન જ્યાં ઉભો હતો એ તરફ ઈશારો કરીને કહ્યું.


ગઝલે એ તરફ જોયું પણ વિવાન જસ્ટ એક સેકન્ડ પહેલા ત્યાંથી નીકળી ગયો હતો.


'ક્યાં? કોણે?' કૃપાએ પૂછ્યું.


'જતાં રહ્યાં લાગે છે. તેમણે જ તમારા માટે આ સાડી પસંદ કરી હતી.' સેલ્સમેન ગઝલને ઉદ્દેશીને બોલ્યો.


ગઝલ હજુ પણ એ દિશામાં જોઈને વિચારી રહી હતી.


હશે કોઈ, તમે આ પેક કરીને બિલ બનાવો. કૃપાએ કહ્યું.

.

.

ક્રમશઃ


ગઝલનો પરિવાર મલ્હારને સ્વીકારવા માટે તૈયાર થઇ ગયો છે. શું ગઝલને કે તેના પરિવારને મલ્હારની મેલી મુરાદ વિષે ખબર પડશે?


વિવાનના ગઝલ પ્રત્યેના પ્રેમનું શું થશે?


શું વિવાન ક્યારેય ગઝલને ભૂલી શકશે?


શું ગઝલને ખબર પડશે કે તેના માટે સાડી કોણે પસંદ કરી છે?


**

મિત્રો, અત્યાર સુધીની આ નવલકથાની સફરમાં તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે. એટલા માટે હું હૃદયપૂર્વક આપનો આભારી છું..

એક આખી નવલકથા તો દૂરની વાત છે, વાચકોને પસંદ પડે તેવો હજારેક શબ્દનો એક લેખ લખવો પણ ખૂબ મુશ્કેલ કાર્ય છે. પણ આપ સૌનો પ્રેમ અને ખૂબ સરસ પ્રતિભાવોને કારણે મારો ઉત્સાહ ટકી રહ્યો છે. બસ આવી રીતે જ આપનો પ્રેમ વરસાવતા રહેશો. 🙏


❤ આપના પ્રતિભાવની રાહમાં ❤