સવાઈ માતા - ભાગ 8 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 8

લીલાએ અહોભાવથી મેઘનાબહેન અને સમીરભાઈને આવકાર્યાં, "આવો, આવો, કાકા, કાકી. આજ લગી તમારું નામ હોંભળેલું. આજ તો જોવાનો ન મલવાનો બી અવસર મયલો, ને રમલી, મારી બુન, તારી પરગતિ જોઈન તો ઉં બોવ જ ખુસ થેઈ ગેઈ."

લીલાએ બારણામાંથી અંદરની તરફ ખસીને બધાંને આવકાર્યાં. તેણે કૉલેજનાં સમય દરમિયાન પહેરવાનો થતો આસમાની અને ઘેરા ભૂરા રંગનો પંજાબી સૂટ બદલીને તેનાં વૈધવ્યની ઓળખ એવી સફેદ, સુતરાઉ સાડી પહેરી લીધી હતી. ઓરડો નાનો જ હતો તેથી અંદર બેઠેલાં રમીલાનાં માતાપિતાની નજર પણ તેઓ ઉપર પડી અને તેમનાં ચહેરા ઉપર નિર્ભેળ સ્મિત પ્રસરી ગયું.

રમીલા અને સમીરભાઈ સાથે મેઘનાબહેન અંદર પ્રવેશ્યાં. ચારેકોર નજર ફેરવતાં એક સ્વચ્છ, સુંદર બેઠકરૂમ દ્શ્યમાન થયો. બારણાની બરાબર સામે ત્રણ ખુરશીઓ, તેની જમણી બાજુ કાટખૂણે દિવાલને અડીને એક દિવાન જેની ઉપર મધ્યમસરનું ગાદલું હશે પણ ચીવટથી ખેંચીને પાથરેલ સહેજ જૂની પણ ચોખ્ખી ચાદર. ડાબી બાજુએ એક નાનકડાં મેજ ઉપર ભરતગૂંથણનાં સામાનનો ડબ્બો અને બાજુમાં અધૂરું ભરતકામ કરેલ મઝાનું ગુલાબી રંગનું કાપડ. ચારેય દિવાલે મઝાનાં રંગબેરંગી ભરતગૂંથણનાં નમૂના. ખુરશીઓની બરાબર સામે, મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં એક મોટું મેજ હતું જેની ઉપર પહેલાં ટેલિવિઝન સેટ રહેતો હશે, ત્યાં લીલાની મેઘજી સાથેની લગ્ન સમયની સુંદર તસવીર મઢાવીને મૂકાયેલ હતી. તેને હાથે ગૂંથેલ સફેદ ચમેલી અને લાલ ગુલાબનાં હારથી સજાવાયેલ હતી. બાજુમાં ઘીનો દીવો પ્રજ્વલિત હતો જે મેઘજીના પ્રફુલ્લિત ચહેરાને ઝળકાવતો હતો. તસવીરમાંની સાવ તેર - ચૌદ વર્ષની ભોળીભટાક ગ્રામકન્યા, જેનાં માથે, ગળે અને નાકમાં જ કિલોભાર રૂપાનાં ઘરેણાં લળી રહ્યાં હતાં અને શરમના ભારથી પાંપણો ઝૂકેલી હતી તે આજે ઘડાઈને રમીલાથી પણ વધુ ચીવટવાળી અને એક સુઘડ સ્ત્રી બની સામે ઊભી હતી.

મેઘનાબહેનને વાતનો આરંભ કરવાનો યોગ્ય સમય જણાયો, "આ બધું જ તેં ભર્યું, દીકરા?"

"હા, કાકી. કૉલેજથી આઈન બીજું કરવાનુંય હું? બા'ર જતાં આવતાં આ મેડમો, છોડીઓ ને રામજીભઈ, મને દોરા, કપડું ન રંગો લાઈ દે. અમાર તંઈ પીથોરાદેવના ચીતર મરદો જ બનાવે પણ, માર ઘરવાળાએ મનેય શીખવાડેલ. તેના દેવ થ્યા પસી હું પીથોરાદેવને આ કપડા પરેય ભરું, તે મન વળી રયે. ને આ છોડીઓ ને મેડમો વેચાતાં ય લઈ જાય કોકને ભેટ આપપા તો કોકવાર પોતાન માટ." રમીલા હરખાતી બોલી.

સમીરભાઈ અને રમીલા બેય તેની કારીગરી જોઈ ચકિત થયેલાં જ હતાં. મેઘનાબહેને પાણી માંગ્યું. જેવી લીલા રસોડામાં ગઈ કે તેઓ પણ તેની પાછળ પાછળ અંદર ગયાં. અહીં પણ સુઘડ ગૃહિણીનો હાથ ફરેલો જણાયો. રસોડામાં નાનકડો સ્ટીલનો ઘોડો જેમાં ઓછાં પણ જરૂરિયાતનાં બધાંય વાસણ હતાં. આસપાસ જોઈને લાગ્યું કે લીલાએ હજી એકલતા સ્વીકારી નથી. વાસણનાં ઘોડામાં ભોજન પીરસવાનાં વાસણો-થાળી, વાટકી, ગ્લાસ વગેરે બબ્બેનાં ગુણાંકમાં જ હતાં. બેસવાનાં આસન પણ બે જ હતાં. ત્યાં સુધી કે રસોડામાંથી બાથરૂમ તરફ જવાનાં ભાગે એક નાનાં લાકડાનાં ઘોડામાં સ્ત્રીનાં અને પુરુષનાં, એમ બેય પ્રકારનાં કપડાંની નાની નાની બે થપ્પી મારેલ હતી. સુઘડતા તેની ઘડીમાં પણ ડોકાતી હતી. મેઘનાબહેનને પણ અનુભવાયું, "આ કુમળી વયની દીકરીને એ તંદ્રામાંથી બહાર કાઢવી ખૂબ જરૂરી છે કે તેનો પતિ મેઘજી હવે હયાત નથી."

મેઘનાબહેનનાં આ નિરીક્ષણ સમય દરમિયાન, લીલાએ ત્રણ ગ્લાસમાં પાણી ભરી, બે તાસકમાં ચેવડો અને બિસ્કિટ કાઢી એક ટ્રેમાં મૂકી દીધાં.

મેઘનાબહેને ટ્રેમાંથી એક ગ્લાસ ઉઠાવી સાદ દીધો, "રમીલા, બેટા આ પાણી લઈ જજેને ?"

રમીલા સાદ દેતાં દેતાં તો રસોડામાં આવી ગઈ અને લીલાનાં હાથમાંથી ટ્રે લઈ બેઠકરૂમ તરફ વળી ગઈ. બહાર જતાં જ તેણે ટ્રે સમીરભાઈ સામે ધરીને કહ્યું, "પાપા, પાણી."

સમીરભાઈએ એક ગ્લાસ ઉઠાવી રમીલાને તેની માતા સાથે બેસવા ઈશારો કર્યો. રમીલા નજીકનાં મેજ ઉપર ટ્રે મૂકી એક ગ્લાસ લઈ તેની માતાની બાજુમાં બેઠી. ક્યારનીયે દીકરીનો સાથ ઝંખતી તે માએ વહાલથી તેનાં વાળમાં હાથ ફેરવ્યો. રમીલાએ તેની આંખોમાં જોયું. માતા બોલી ઊઠી, "રમલી, તુંએ તો બોવ જ ભણી બતાવ્યું. હવ તાર નાન્લાં ભઈ-બૉનને શૉન્તી કરાવજે."

રમીલાએ હાથમાંથી ગ્લાસ નીચે મૂકી મા ને વળગી પડતાં કહ્યું, "હા, મા. એ બેયને તો હવે કાન પકડીને ભણાવીશ. તું ચિંતા ના કરતી. એ બેય મારી જેમ જ ભણીને મઝાની નોકરી કરશે."

ત્યાં જ તેનાં પિતા બોલી ઊઠ્યાં, "પેલી સોનકી તો તારું માનહે ને ભણહે બી પણ, તકલીફ તો રઘલાની છે. એન તો આખ્ખો દા'ડો બા' ર જ રમ્મું હોય. ની તો સકૂલ જાય કે ની દા'ડીએ આવે. આપણા વાસમાં એનાં જેવાં જ બીજાં આઠ-દસ અહે. બસ, ગાંડાની જેમ દોડદોડ કરહે, કંઈ પથરા લઈને રમહે તો કોઈવાર તંઈ તળાવમાં જહે. પણ ખાવાનું એને હારું હારું જોઈએ. રોટલો તો ની ચાલે. એની ઉંમરે તું તો કેટલી ડાઈ ઉતી."

તેની બાજુમાં બેઠેલ સમીરભાઈએ તેનાં ખભે હાથ મૂકી સાંત્વના આપી,"ચિંતા ના કરો. તે પણ ભણશે અને નહીં ભણે તો મેઘના તો છે જ."

સમીરભાઈની વાત સાંભળી ત્રણેયનાં ચહેરા ઉપર સ્મિત રેલાયું.

અંદર મેઘનાબહેને આવેલ મોકો આબાદ ઝડપી લીધો.

*શું મેઘનાબહેન લીલાનાં મનની વાત જાણી શકશે?
*શું લીલાને રામજી પોતાનાં વિશે શું વિચારે છે તેની જાણ છે?
*રમીલાનાં ભાઈ-બહેનોની જીંદગીને સાચી દિશા મળશે?

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.


આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા