સવાઈ માતા - ભાગ 1 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 1

મેઘનાબહેન આજે સવારથી ક્યારેક રસોડામાં તો ક્યારેક બેઠકરૂમમાં ઝડપભેર આવ-જા કરતાં હતાં. દીકરો નિખિલ પપ્પા સમીરભાઈને ઈશારા કરી પૂછી રહ્યો હતો, 'આ મમ્મીને આજે શું થયું છે?' અને તેમની નજીક જઈ કહ્યું કે, 'કહો ને મમ્મીને, બેસી જાય. અમને ઓફિસ જવાનું મોડું થાય છે.' સમીરભાઈને મઝા પડી હતી. છેલ્લાં સાત વર્ષથી ઘૂંટણના અસહ્ય દુઃખાવાથી પીડાતી પત્ની આજે ઉડણચરકલડીની માફક ઘરમાં દોડાદોડી કરી રહી હતી. તેમણે સમીરને હાથનાં ઈશારાથી નીચે ઝુકવાનો ઈશારો કર્યો અને તેનાં કાનમાં કહ્યું,' આજે તેની વહાલી રમીલા આવવાની છે.' સાંભળીને નિખિલનાં મોં ઉપર પણ રંગત છવાઈ ગઈ. તે રસોડામાં ગયો અને મનાલીને કહ્યું, 'આજે તું નહાઈને આપણાં બંનેની ઓફિસ બેગ્સ તૈયાર કરી લે. ટિફીન તૈયાર કરવામાં મને આજે મમ્મી મદદ કરશે.' મનાલીની આંખો મોટી લખોટીની માફક ગોળ થઈ ગઈ. તેણે ડોક હલાવીને ઈશારાથી જ પૃચ્છા કરી. નિખિલે તેને થોડી વાર ખેલ જોવાનું કહ્યું અને મનાલી રસોડામાંથી નીકળી તેમનાં બેડરૂમમાંનાં બાથરૂમ તરફ આગળ વધી.

મેઘનાબહેન છેલ્લાં પાંચ વર્ષથી પાણી પીવા કે ક્યારેક ચા બનાવવાં સિવાય રસોડામાં પ્રવેશ્યાં નહોતાં. જ્યારથી નિખિલનું લગ્ન મનાલી સાથે થયું ત્યારથી તે બંનેએ મળીને મમ્મીને ઘરકામમાં સંપૂર્ણપણે આરામ આપવાનું નક્કી કર્યું હતું. સવારે નવ વાગ્યે ઓફિસ જતાં પહેલાં વહુ - દીકરો બેય મળીને નાસ્તો, ટિફીન અને મમ્મી પપ્પા માટે લંચ તૈયાર કરીને નીકળતાં. પોણા આઠ વાગતામાં બધાં નહાઈ લે એટલે નિખિલ રોજીંદા કપડાં ધોવા વોશિંગમશીન ચાલુ કરી દેતો. જેવું મશીન તેની પિસ્તાળીસ મિનિટે અટકે, એટલે મનાલી બાલ્કનીમાં કપડાં સૂકવી દેતી. બંને સાથે મળીને લંચ તૈયાર કરતાં. પછી, મનાલી તૈયાર થવા જતી અને નિખિલ તૈયાર થયેલી રસોઈમાંથી બે ટિફિન ભરી બાકી લંચ ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવી દેતો. મેઘનાબહેનનાં પતિ, સમીરભાઈ સરકારી નોકરીમાંથી બે વર્ષ પહેલાં જ નિવૃત્ત થયેલાં. તેમને પહેલેથી જ સવારે સાડાનવ વાગ્યે જમી લેવાની આદત, જે હાલ નિવૃત્તિ બાદ પણ અકબંધ રાખી હતી. દીકરો - વહુ ઓફિસ જાય એટલે પૂજા-પાઠ કરી પરવારેલાં બંને જણ થાળીઓ પીરસી ગરમાગરમ રસોઈ જમી લેતાં.

આજનો તો દિવસ જ અનોખો ઉગ્યો હતો. એ માટે થોડાં કલાક પાછળ જવું પડશે. સવારમાં સાડા પાંચે ઉઠી જનાર મેઘનાબહેનને સવારે પોણા સાતે એક મેસેજ આવ્યો, "મોટી મા, હું આજે તમને મળવા આવું છું. બાકી વાતો ઘરે આવીને કરીશ. અને હા, કાલે પણ રોકાઈશ. ઘણીબધી વાતો કરવી છે. તમારી દીકરી, રમીલા." મેસેજ વાંચતાં સુધીમાં તો મેઘનાબહેનની આંખો અને ચશ્મા વચ્ચે એક બીજું પારદર્શી પડળ રચાઈ ગયું અને હોઠ ઉપર મઝાનું સ્મિત રેલાઈ ગયું. તરત જ સૂતેલા પતિદેવને ઉઠાડી વધામણી આપી,"અરે, રમીલા આવે છે આજે! જલ્દી ઉઠો અને પરવારી જાવ. પછી, નીચેથી વોચમેનને બોલાવી રસગુલ્લા અને સમોસા મંગાવી લ્યો. નિખિલ કે મનાલી તો નહીં લાવી શકે. તેમને મોડું થશે." એકી શ્વાસે જ બોલી ગયાં અને પછી થોડી ખાંસી ચઢી. સ્મિત પહેરેલાં સમીરભાઈએ બેઠાં થઈ બેડની બાજુનાં ટેબલ ઉપરથી ચશ્મા પહેરી ત્યાંથી પાણીની બોટલ ઉઠાવી, ગ્લાસમાં થોડું પાણી કાઢીને મેઘનાબહેનને આપ્યું અને બેસી જવાનો ઈશારો કર્યો.

મેઘનાબહેન પાણી પીતાં પીતાં ભૂતકાળની એ યાદોમાં સરી ગયાં. નિખિલ જ્યારે દસમા ધોરણમાં ભણતો હતો ત્યારે ઘરે કામ કરવા આવતાં બહેન ગંભીરપણે બિમાર થવાથી કામ છોડી ગયાં. નિખિલને ભણાવવાની જવાબદારી એમ. એ., બી. એડ. થયેલાં મેઘનાબહેને જાતે જ ઉઠાવી હતી. ઉપરાંત તેઓ પસંદગીનાં બાર-પંદર બાળકોને ટ્યૂશન પણ આપતાં. તેમાંથી છ બાળકો દસમા ધોરણમાં અને ત્રણ બાળકો બારમા ધોરણમાં હતાં, જેથી મેઘનાબહેનની જવાબદારી ખૂબ વધી ગઈ હતી. તેમણે પાડોશી મીરાંમાસીને કહ્યું, "માસી, ઘરકામ માટે કોઈ સારી બાઈ શોધી આપોને? આ બાળકોનાં અભ્યાસ સાથે મારાંથી ઘરકામ થતું નથી."

મીરાંમાસીએ મદદ કરવાનો દિલાસો આપ્યો અને બે દિવસ પછી તો તેઓ લગભગ સોળ વર્ષની, સુંવાળા, રેશમી અને કમરથી થોડાં નીચે સુધીનાં વાળ ધરાવતી, ચમકતી આંખોવાળી, પાતળી, સામાન્ય ઉંચાઈવાળી દીકરીને લઈને આવ્યાં. ડોરબેલ વગાડતાં મેઘનાબહેને બારણું ખોલી માસીને અને આગંતુક કન્યાને આવકાર આપી સોફા ઉપર બેસાડ્યાં. રસોડામાં પાણી લેવાં ગયાં ત્યાં તો મેઘનાબહેનને પોતાની પાછળ મીઠો ટહુકો સંભળાયો,"માસી, મને ગ્લાસ બતાવો. હું જ પાણી લઈ આવું. હવે તમારે કામ કરવાની જરૂર નથી." મેઘનાબહેને એવી જ મીઠાશથી જવાબ વાળ્યો, "ના બેટા, તું તો મારાં નિખિલ જેવડી જ લાગે છે. તારી પાસે પાણી કેમ મંગાય?" બોલતાં સુધીમાં નળવાળાં માટલેથી ગ્લાસ ભરી લીધાં હતાં અને આગંતુક કન્યાએ સર્વિંગ ટ્રે શોધી લીધી. સસ્મિતવદને તેમાં ગ્લાસ ગોઠવી દીધાં. મેઘનાબહેનને આજે પહેલી વખત દીકરી ન હોવાની ખોટ સાલી ગઈ. તે બોલી ઉઠ્યાં," અરે વાહ! દીકરીઓ આટલી પ્રેમાળ હોય તેની તો મને આજે જ ખબર પડી." તેઓ બંને બેઠકરૂમમાં આવી સોફા ઉપર બેઠાં.

ક્રમશઃ
(ભાગ - ૨) આવતીકાલે મૂકાશે.

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા