Prem - Nafrat - 66 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૬૬

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૬

આરવને નવાઇ લાગી રહી હતી. પોતે ભારતથી એકલો આવ્યો હતો. અહીં પણ એકલો જ રહેતો હતો અને ફરતો હતો. કોઇ સ્ત્રી એની સાથે ન હતી. એ અહીં આવીને કોઇ ભારતીય કે વિદેશી સ્ત્રીને મળ્યો નથી. રિસેપ્શનિસ્ટ કયા આધારે કહી રહી છે કે મારા રૂમમાં જે છોકરી છે એને મેં બોલાવી હતી. આરવને ગુસ્સાથી સવાલ કરતો જોઇ રિસેપ્શનિસ્ટને આંચકો લાગ્યો હતો. તેને સમજાતું ન હતું કે આ ગ્રાહક આવું વર્તન કેમ કરી રહ્યો છે. એણે આરવનું માન જાળવતાં કહ્યું:'સર, આપની રૂમ બે જણ માટે એટલે કે કપલ માટે બુક થયેલી છે. અને એ રૂમના બીજા સભ્ય તરીકે મેડમે એમાં પ્રવેશ મેળવ્યો છે...'

'મારા રૂમમાં બે વ્યક્તિનું બુકિંગ છે? પણ હું તો એકલો જ આવ્યો છું. તમારી કોઇ ગેરસમજ થાય છે.' આરવને શું બની રહ્યું છે એ સમજાઇ રહ્યું ન હતું.

'સર, અમે અમારી જગ્યાએ બરાબર છીએ. અમને બીજી ખબર નથી. થોડીવાર પહેલાં એક મેડમ આવ્યા હતા અને બુકિંગનો કાગળ બતાવી પોતે રૂમ નં.૨૦૫ ના બીજા સભ્ય હોવાનો પુરાવો આપ્યો હતો. અમારા ચેકિંગમાં એ સાચા હોવાથી અને આપ રૂમમાં હાજર ન હોવાથી બીજી ચાવીથી એમને રૂમ ખોલીને આપ્યો હતો. અમે કોઇને ખોટી રીતે પ્રવેશ આપ્યો નથી...' રિસેપ્શનિસ્ટ પોતાની ફરજ બજાવી રહી હતી.

આરવે તરત જ મોબાઇલમાં પોતાના રૂમના બુકિંગનો પત્ર કાઢ્યો એમાં એક જ નામ દેખાયું. એ ખુશ થઇ ગયો. હોટલવાળાની ભૂલ હોવાનું સાબિત થતું હતું. તેણે મોબાઇલ ધરી સહેજ રોફમાં કહ્યું:'મેમ, મારી પાસે રૂમ નં.૨૦૫ નો બુકિંગનો લેટર છે અને એમાં ફક્ત મારું જ નામ છે...'

રિસેપ્શનિસ્ટ આરવનો લેટર જોઇ ગભરાઇ નહીં કે નિરાશ ના થઇ. એણે કોમ્પ્યુટરમાં ફાઇલ ખોલી અને ડેસ્ક્ટોપ સ્ક્રીન એની તરફ ફેરવતાં બતાવતાં કહ્યું:'સર, તમારી પાસે જે લેટર છે એ બુકિંગને એ જ દિવસે સાંજે રિવાઇઝ કરીને બે વ્યક્તિનું કરવામાં આવેલું છે. તમે એ જોઇ શકો છે. જેણે પહેલું બુકિંગ કરાવ્યું હતું એમણે જ બીજું કરાવ્યું છે. અને અમને મોકલ્યું છે.'

આરવ ફાટી આંખે કોમ્યુટરના સ્ક્રીન પર જોવા લાગ્યો. એમાં ઉપર 'ટુ પર્સન' લખ્યું હતું. આરવે થોડું આગળ વાંચ્યું અને જ્યારે બીજી વ્યક્તિનું નામ જોયું ત્યારે એ ચોંકી ગયો. એ નામ રચનાનું હતું. તો શું પોતે રૂમમાં જે સ્ત્રીને જોઇ એ રચના હતી? એણે સરપ્રાઇઝ આપી છે? ના-ના એ સ્ત્રી રચના જેવી દેખાતી ન હતી કે એનો અવાજ પણ એવો ન હતો. અને રચના તો ભારતમાં જ હતી. આજે સવારે જ એની સાથે વિડિયો કોલ પર વાત થઇ હતી. આ સ્ત્રીનું શું રહસ્ય છે અને આ બુકિંગનું શું રહસ્ય છે એ સમજાતું નથી. રચનાના નામ પર કોણ સ્ત્રી આવી છે? એ મને આકર્ષવાનો કેમ પ્રયત્ન કરી રહી છે? એનો ઇરાદો શું છે?

આરવ રિસેપ્શનિસ્ટ સામે ઢીલો પડી ગયો હતો. હવે હોટલવાળાનો કોઇ વાંક દેખાતો ન હતો. એ એમની જગ્યાએ સાચા હતા. આરવે કંઇક વિચારીને રચનાને ફોન લગાવ્યો. રચનાએ પહેલી જ રીંગમાં ઉપાડી લીધો. આરવે હોટલમાં પોતાના રૂમમાં એક સ્ત્રી આવી હોવાની અને રચનાનું નામ પણ હોટલમાં બુક થયું હોવાનું કહ્યું ત્યારે રચના પણ ચોંકી ગઇ. એણે કહ્યું કે પોતે માત્ર આરવ માટે જ બુકિંગ કરાવ્યું હતું. બુકિંગને રિવાઇઝ કરાવ્યું નથી. એ એજન્ટ સાથે વાત કરે છે ત્યાં સુધી હોટલના માણસો સાથે રૂમમાં જે સ્ત્રી છે એની તપાસ કરો.

આરવ તરત જ રિસેપ્શનિસ્ટને વિનંતી કરી બે માણસ લઇ પોતાની રૂમ પર પહોંચ્યો. દરવાજો ખોલીને અંદર ગયો ત્યારે રૂમ પૂર્વવત થઇ ગઇ હતી. એમાં કોઇ ન હતું. બંને માણસો રૂમમાં ફરી વળ્યા પણ કોઇ દેખાયું નહીં. આરવે એમને પાછા મોકલી દીધા. આરવને સમજાતું ન હતું કે પોતાની સાથે શું બની રહ્યું છે? રિસેપ્શનિસ્ટ કહે છે કે એક સ્ત્રીને એમણે મારી રૂમમાં પ્રવેશ અપાવ્યો હતો. અને હવે નથી. પોતે એક સ્ત્રીને નાચતી જોઇ એ ખરેખર સપનું હતું કે વહેમ? અને પોતાના હોટલના બુકિંગને રિવાઇઝ કરી બે જણનું કરાવનાર વ્યક્તિ આખરે છે કોણ?

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED