એક બહુ મોટી ઇન્ટરનેશનલ કંપનીના મેનેજીંગ ડીરેકટર કમ સી.એ. આવ્યા ને કહેવા લાગ્યા, ‘બેનશ્રી, પંદર દિવસથી ઘરમાં સ્મશાન જેવું છે. પત્નીના અબોલા છે, બાળકો ઘરમાં અમારા બેઉ સાથે બોલતા નથી , ગભરાયેલા ગભરાયેલા અને ડીપ્રેશ થઈને ફરે છે ! દયામણા ચહેરા સાથે! જે કઈ ઘરમાં વ્યવ્હાર ચાલે છે તે નોકરો ને રસોયા મારફત જ ! હવે આનો શો ઉપાય ? બધી રીત અપનાવી જોઈ , પણ પત્ની સમજતા જ નથી. હવે શું કરવું ? આવું તો મહીને મહીને થઇ જાય છે !’
આટલું બધું ભણેલા, ગણેલા , આવડી મોટી કંપનીને મેનેજ કરે છે ને ડાયરેકટ પણ કરે છે, કેટલો મોટો ઓર્ગનીઝીંગ પાવર એમનામાં હશે ! છતાં પણ ઘરમાં failure ?!! ઓફીસમાં દરરોજ બધી ફાઈલો કલીયર કરીને આવે ને ઘેરની બે ચાર ફાઈલો પેન્ડીંગ ! પંદર પંદર દહાડા સુધી અબોલા ? અને તે ય દર મહીને ?!!! બહાર બધું સુંદર રીતે ઓર્ગેનાઇઝ કરી જાણે અને ફેમિલિને જ ઓર્ગેનાઇઝ નહી કરવાનું ? ફેમિલિ ઓર્ગનાઈઝ કરવાનું જ્ઞાન શું ના હોવું જોઈએ ? આમ તો બહાર શું બધાને કહીએ કે ‘મારી ફેમિલિ‘ અમે એક ફેમિલિના ! અને ઘરમાં ચાર જણના ચાર ચોકા નોખા !
ફેમિલિ ઓર્ગેનાઇઝ કેવી રીતે કરવું એનો ક્યારે ય વિચાર કર્યો ? ઘરમાં કેવું હોવું જોઇએઅ ?
ઘરમાં કલેશ-કંકાસ ના થવા જોઇએ. મહિનામાં એકાદ વાર કલેશ થઇ જાય તો ચલાવી લેવાય , પણ કંકાસ તો ના જ થવો જોઇએ. કલેશ અને કંકાસ એટલે શું ? ઘરમાં બે જણ અથડાયા. દા.ત. પતિ-પત્નીમાં અથડામણ થઇ ગઈ, મતભેદ થયા, જરા બોલાચાલી પણ થઇ ગઈ, પણ કલાક-બે કલાકમાં બધું રાગે પડી જાય, બધું વિસરાઈ જાય ને હતી એવી શાંતિ પાછી સ્થપાઈ જાય અને કંકાસ એટલે કલેશ થાય અને પછી એ લંબાય, એટલું લંબાય એટલું લંબાય, કે બે-ચાર દહાડા સુધી પત્નીનું મોઢું ચઢેલું રહે, અબોલા રહે ! કોઈ રીતે એનું સમાધાન થાય નહીં ! આને કંકાસ કહ્યો. કંકાસથી આખું ઘર સ્મશાનવત થઇ જાય ! કંકાસ કોણ વધારે કરે ? સ્ત્રી કે પુરૂષ ? સ્ત્રી. માટે પુરૂષે ત્યાં સુધી વાતને વધવા જ ના દેવી. કલેશ થતાં જ સમાધાન કરી લેવું. તે આમ કેમ કર્યું ? ભીંડા ભરીને કેમ ના કર્યા ? આમ નાની નાની ફરિયાદો કરી પત્નીને કલેશ માટે પતિ નોતરતા ના હોય તો ......?! જે ઘેર કલેશ ત્યાં નહીં પ્રભુનો વાસ ! ને પ્રભુ નહીં ત્યાં લક્ષ્મીદેવી ય ના પધારે ?
બાળકોને પણ વારે વારે ટોક્યા વગર રહેવાતું નથી તેથી કલેશ થઇ જાય. હવે મા-બાપથી ટોક્યા વગર રહેવાશે તો નહીં જ. પણ જેવું ટોકાઈ જાય કે તરત જ મનમાં પોતાની જાતને ટકોરી દેવી કે બાળકોને ટોકાઈ તો ગયું, પણ આપણા કહ્યા પ્રમાણે એ કરે કે ના કરે બન્ને માટે તૈયારી રાખજો ! આપણે આગ્રહપૂર્વક બાળકોને કહીએ ‘આમ જ કર ને આમ ના જ કર‘ તો બાળક પણ થોડા વખતમાં સામું થઇ જશે ! કારણ કે આગ્રહ એટલે વિગ્રહ. વિગ્રહ થવાનું કારણ આગ્રહમાં ઉઘાડો અહંકાર છે. આપણો અહંકાર પહેલો ઊભો થાય છે પછી સામે બાળકોનો પણ અહંકાર છંછેડાય છે ને એ ય ભારે તોફાન મચાવે છે. માટે બાળકોને કહેવાઈ તો જશે જ મા-બાપથી પણ અંદરખાને જો સમજણ ગોઠવતા જાય કે આગ્રહ વગર કરો કહેવાનો અધિકાર પણ પરિણમ પર અધિકાર અંદરખાનેથી કાઢી નાખવો. ડ્રામેટીક વઢો પણ અંદર આપણા અહંકારને કાપીને વાત કરો. ‘આમ થવું જ જોઇએ’ ‘આમ ના જ થવું જોઇએ’ એટલે બાળકો પર સત્તા વાપરીએ એ બહુ ના ચાલે. સાવ નાના હોય ત્યાં સુધી ચાલે. પણ પછી બાળક સમો થશે, ગુસ્સે થશે ને સ્વછંદી થઇ જશે ! ત્યાં બાળકને સમજાવી પટાવીને કામ લેવું. આપણે બેલેન્સમાં રહી શકીશું તો જ બાળકને કન્વીન્સ કરી શકીશું અને એ સમજણ કેળવ્યા વિના કશું વળશે નહીં. માટે ભણતર, ગણતરનો ઉપયોગ આપણા જીવનને સુખ-શાંતિમય બનવવા, ઘરને સ્વર્ગ બનાવવા કરવો. ગમે તે ભોગે ઘરની શાંતિ ડીસ્ટબ ના થવી જોઈંએ. શાંતિની કિમત છે વાતની નહીં. જે વાતથી, જે વસ્તુથી કલેશ થાય તેને તત્કાળ દૂર કરી દેવી. એનાથી અળગા થઇ જવું તો જ સેફ સાઈડ રહેશે.