Baat Ban Jaye - Review books and stories free download online pdf in Gujarati

બાત બન જાયે – રિવ્યુ

ફિલ્મનું નામ : બાત બન જાયે

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : અનિલ હંસપાલ, નીતિન મનમોહન  

ડાયરેકટર : ભરત રંગાચારી

કલાકાર : ઝીનત અમાન, ઉત્પલ દત્ત, સંજીવ કુમાર, મિથુન ચક્રવર્તી, રાજ બબ્બર, અમોલ પાલેકર, અરુણા ઈરાની અને શક્તિ કપૂર

રીલીઝ ડેટ : ૧૪ માર્ચ ૧૯૮૬

 

        કર્મા, આખરી રાસ્તા, નગીના, નામ, ચમેલી કી શાદી જેવી ફિલ્મો સાથે જ ૧૯૮૬ માં રિલીઝ થયેલી આ ફિલ્મે જોઈએ એવી કમાણી તો ન કરી, પણ માણવાલાયક કોમેડી ફિલ્મોમાં અનોખું સ્થાન તો બનાવી જ લીધું છે. ઉત્પલ દત્તના અનોખા અભિનયથી ઓપતી અને સરસ કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મ છેલ્લે સુધી હસાવે છે.

        ઘણી જગ્યાએ આ ફિલ્મ ૧૯૬૪ ની હોલીવૂડની ‘વોટ અ વે ટુ ગો !!!’ ઉપરથી પ્રેરિત છે એવું લખવામાં આવ્યું છે. જો કે તે ફિલ્મનો પ્લોટ વાંચ્યા પછી એવું લાગે છે કે ક્યારેક ભૂલ ભરેલી માહિતી પણ ગુગલ સર્ચમાં મળતી હોય છે.

        આપણે ફિલ્મ ઉપર આવીએ. ફિલ્મની વાર્તા સાવ સીધી છે એક કરોડપતિ કાકા (ઉત્પલ દત્ત) પોતાની બિઝનેસવુમન ભત્રીજી નિશા(સૌન્દર્યની દેવી ઝીનત અમાન)નાં લગ્ન કરવવા માટે શહેરમાં આવે છે. રમૂજનું તત્ત્વ ત્યારે ઉમેરાય છે જયારે નિશાની શરત ઉમેરાય છે કે તે કોઈ ગરીબ વ્યક્તિ સાથે જ લગ્ન કરશે અને આગળનો બધો ભાર ગડબડ ગોટાળા કરતા કાકા ઉપર આવે છે.

        તે નિશા માટે ગરીબ છોકરાની શોધ કરે છે અને પહેલાં ભટકાય છે અજય શ્રીવાસ્તવ (આદિ ઈરાની, અરુણા ઈરાનીનો ભાઈ). કાકાને લાગે છે કે તેમની શોધ પૂર્ણ થઇ, પણ વાત આગળ વધે તે પહેલાં જ જાહેર થાય છે કે અજય તો પરણેલો છે. આમ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા આવી જાય છે. જો કે કાકા હાર માને એવા નથી. તે વધુ શોધખોળ ચલાવે છે અને તેમની અનાયાસે મુલાકાત થાય છે ટીવી મેકેનિક યશવંતરાવ ભોસલે (અમોલ પાલેકર) સાથે. નિશા અને યશવંતરાવની મુલાકાત કરાવવા માટે તે ઘણાબધાં ગતકડાં કરે છે.

        તેમનો બીજો દાવ ત્યારે ઊંધો વળે છે, જયારે ખબર પડે છે કે યશવંતરાવ એક વૈજ્ઞાનિક છે અને તેની શોધખોળને એક કંપની ખરીદી લીધી અને તે લખપતિ બની ગયો છે. ‘હાર નહીં માનું’ ની તર્જ ઉપર કાકા પોતાની શોધ વધુ આગળ ચલાવે છે. હૈદરાબાદ ફરવા જાય છે અને તેમની નજર ઠરે છે વધુ એક ગરીબ વિજુ ગાઈડ (રાજ બબ્બર) ઉપર. તેની સાથે વાતચીત આગળ વધારતાં પહેલાં કાકા તપાસી લે છે કે તે પરણેલો નથી અને તે કોઈ વૈજ્ઞાનિક આવિષ્કાર નથી કરતો. જો કે વિજુ ગાઈડને છૂપો ખજાનો મળતાં તે રેસમાંથી બહાર થઇ જાય છે.

        કાકાની શોધખોળ આગળ વધે છે અને તેમની નજર ઠરે છે એક મોટર મેકેનિક પ્રકાશ (મિથુન ચક્રવર્તી) ઉપર. થોડા સમય બાદ રહસ્ય ખુલે છે કે પ્રકાશ એ પ્રખ્યાત બિલ્ડર જયંત અમરનાથ (ઈમ્તિયાઝ ખાન, અમજદ ખાનનો ભાઈ)નો દીકરો છે અને તેની વસ્તીમાં રહેતી રોઝી (નિશા સિંહ) સાથે પ્રેમ કરે છે. પ્રકાશ અને રોઝીના લગ્ન સાથે પ્રકાશ કાકાની લિસ્ટમાંથી દૂર થઇ જાય છે. નિશાના કાકા જેટલા છોકરાઓ સાથે વાત ચલાવે છે તે બધાં જ પૈસાદાર બની જાય છે.

        પ્રકાશના ગયા પછી પ્રકાશમાં આવે છે સૂરજ સિંહ (ઓલ ટાઈમ ફેવરેટ સંજીવ કુમાર). આગળ શું થાય છે તે જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.

આ ફિલ્મમાં કલાકારોનો શંભુમેળો છે, છતાં આ ફિલ્મના સાચા નાયક તો ઉત્પલ દત્ત છે અને સમગ્ર ફિલ્મનો ભાર તેમણે પોતાના ખભા ઉપર ઉપાડી લીધો છે. ૧૯૨૯માં જન્મેલ આ બંગાળી કલાકારે શરૂઆત નાટકોથી કરી હતી અને બંગાળી તેમ જ હિન્દી ફિલ્મોમાં પણ અનોખા અભિનયથી પોતાની છાપ છોડી છે. મૃણાલ સેનની ‘ભુવન શોમ’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો તે ઉપરાંત ગોલમાલ, નરમ ગરમ અને રંગબેરંગી માટે શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. ઉત્પલ દત્ત અશોક કુમારની જેમ તેઓ પણ સાહજિક અભિનય કરતા હતા અને ગંભીર તેમ જ હાસ્ય અભિનય બહુ સહજતાથી કરી જાણતા હતા. આ ફિલ્મમાં પણ તે બહુ જ ખીલ્યા છે અને ફિલ્મ તેમના લીધે વધુ માણવાલાયક બની છે.

૧૯૮૬ માં બનેલ આ ફિલ્મ સંજીવ કુમારની તેર ફિલ્મોમાંથી એક છે જે તેના મૃત્યુ બાદ રિલીઝ થઇ હતી. તેણે શુટિંગ અને ડબિંગ પૂર્ણ કરી દીધું હતું, પણ તેની રિલીઝ જોવા ન પામ્યો. ૪૭ વર્ષની નાની ઉંમરે જ વિદાય લઇ લીધી. ૧૯૩૮માં હરિહર જેઠાલાલ જરીવાલા નામથી જન્મેલ આ કલાકારે બોલીવૂડમાં સંજીવ કુમાર નામથી પોતાનું અડગ સ્થાન બનાવ્યું છે. તે વર્સેટાઈલ અભિનેતા તરીકે જાણીતો હતો. કદાચ નાની ઉંમરે વિદાય ન લીધી હોત તો હજી ઉમદા ફિલ્મો તેની પાસેથી મળી હોત. પંદર વર્ષની કારકિર્દીમાં તેણે અભિનય માટે અનેક પુરસ્કારો જીત્યા હતા, જેમાં રાષ્ટ્રીય પુરસ્કારો તેમ જ ફિલ્મફેર એવોર્ડ પણ સામેલ છે.

સંજીવ કુમારવાળો રોલ પહેલાં ધર્મેન્દ્ર કરવાનો હતો, પણ તેણે ના પાડતાં આ રોલ સંજીવ કુમારને ફાળે ગયો હતો. ઝીનત અમાન સાથે ડેટિંગ કરતો કંવલજીત પહેલાં પ્રકાશનો રોલ કરવાનો હતો, પણ ઝીનત સાથે ઝગડો થતાં તેના રોલ માટે મિથુનને વિનંતી કરવામાં આવી.

આ ફિલ્મની મુખ્ય હિરોઈન એટલે પોતાના સમયની સૌન્દર્યની દેવી ઝીનત અમાનના ફાળે સુંદર દેખાવા, હસવા અને વિનમ્ર વાતચીત કરવા સિવાય કંઈ કરવાનું નથી આવ્યું. ‘મેરા રંગરૂપ’ ગીતમાં તે અંત્યંત માદક સ્વરૂપે હાજર થાય છે. સાધના સરગમના અવાજમાં ગવાયેલું આ ગીત સાંભળવામાં ગમે એવું છે. અન્ય ગીતો યાદ રહે એવાં નથી છતાં વાર્તા આગળ વધારવામાં મદદ કરે છે.

મુખ્ય કલાકારો ઉપરાંત જલાલ આગા, જગદીપ, વિજુ ખોટે, પ્રેમા નારાયણ, શમ્મી, સુધીર અને મકસુદે પોતાનું યથાયોગ્ય યોગદાન આપ્યું છે.

નિર્દેશકની વાત કરીએ તો ભરત રંગાચારીએ હૃષીકેશ મુખર્જીની ફિલ્મોમાં સહાયક નિર્દેશક તરીકે શરૂઆત કરી. જો કે તેણે જીવનમાં ચાર જ ફિલ્મોનું નિર્દેશન કર્યું અને બાત બન જાયેને છોડી દો તો અન્ય ત્રણ ફિલ્મોમાં બહુ ભલીવાર નહોતો. શશી કપૂરની ‘જમીન આસમાન’ તેમ જ સુનીલ શેટ્ટી સાથે ‘વક્ત હમારા હૈ’ અને ‘ટક્કર’. ગોલમાલમાં અદ્ભુત અભિનય કરનાર અમોલ પાલેકર આ ફિલ્મમાં થાકેલો જણાય છે. તેના મત મુજબ આ ફિલ્મમાં તેણે મહેમાન કલાકાર તરીકે હાજરી પુરાવી હતી.

આ ફિલ્મ ભલે ગોલમાલના કક્ષાની કોમેડી નથી, પણ કોમેડી ફિલ્મોની હરોળમાં આગળની તરફ ઉભી રહી છે એ ચોક્કસ.

 

સમાપ્ત.

   

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED