*..........*...........*..........*..........*
પાછા ફર્યા બાદ બંને નું જીવન બદલાઈ જવાનું હતું જેનો આભાસ તેમને બિલકુલ નહોતો.
હમણાં થી આભા કંઈક ખોવાયેલી ખોવાયેલી લાગતી. સતત કંઈક વિચાર્યા કરતી. પોતાના જ મન સાથે દ્વન્દ્વ યુધ્ધ કર્યા કરતી. અને ઘરના સભ્યો તેને સતત સધિયારો આપતાં.
" આભા, બેટા હું જાણું છું કે એક સ્ત્રી માટે નવી શરૂઆત કરવી કેટલી અઘરી છે. મોટા ભાગે સ્ત્રીઓ પોતાના ભૂતકાળને સંપૂર્ણ રીતે ભૂલી જઈ નવેસરથી એકડો ઘૂંટવાનો પ્રયત્ન કરે છે. પણ એને ભૂલી શા માટે જવું એ મને સમજાતું નથી. પોતાના ભૂતકાળને સાથે રાખીને પણ આગળ વધી જ શકાય ને? પોતાના જીવનમાં આગળ વધતા રહેવું એ જ તો જીવન છે." જીજ્ઞાબેન વ્હાલથી આભા ને સમજાવતાં.
" કેટલીક વાર સ્ત્રીને આગળ વધવું હોય છે પણ તેને સમજી ને સાથ આપનાર કોઈ નથી હોતું. સાથ આપનાર કદાચ મળે તો સમાજ રૂઢી અને પરંપરાના નામે એમને અટકાવવાના પ્રયાસો કરે. આમ છતાં દરેક મુશ્કેલીનો હિંમતથી સામનો કરીને સ્ત્રી આગળ વધે છે. અને ત્યારે જે સમાજ એને અટકાવવા મહેનત કરતો હતો એ જ સમાજ એની વાહ વાહી કરતો જોવા મળે છે." વનિતાબેન સમાજની હકીકત આભા સામે મૂકતાં.
"ભાભી, મને બહુ માન છે તમારા પર. હું રિયા માં તમારી જ છબી જોઉં છું. એક વફાદાર પત્નીનું ઉત્તર ઉદાહરણ છો તમે. પણ ભાભી, આદિત્ય ભાઈ નાં ગયા પછી તમે ભાઈ સાથે નવો સંબંધ શરૂ કરો તો એમાં તમે ખોટા ના કહેવાઓ. કોઈ વ્યક્તિ ક્યારેય એક સંબંધ માં અટકી ને કેવી રીતે રહી શકે.? આદિત્ય ભાઈ હતા ત્યારે તમે એક પત્ની હતાં. સાથે જ એક વહુ, દેરાણી, કાકી, મામી, દીકરી, એમ દરેક સંબંધ ઉત્તમ રીતે નિભાવતા જ હતાં ને? તો એમનાં ગયા બાદ તમે એ જ સંબંધો નિભાવવા પોતાને ઊણાં કેમ સમજો છો? " રાહુલ પણ જાણે એકદમ જ સમજદારી ભરી વાતો કહી રહ્યો હતો.
" આભા, જીવન એટલે પરિવર્તનનું બીજું નામ. તમે ઈચ્છો કે ના ઈચ્છો એ પોતાની ગતિએ પરિવર્તન પામ્યા કરે છે. એ પરિવર્તન મુજબ જીવવું એ તો જીવન છે. જીવનમાં અમુક સંબંધ પણ પરિવર્તન પામે એમાં શી નવાઇ? એ પરિવર્તન સ્વિકારી આગળ વધતા શીખવું જોઈએ...." હેમંતભાઈ અને હર્ષદભાઈ પણ વારંવાર પોતાના જીવનનો નિચોડ એની સમક્ષ રજૂ કરતાં.
આકાશ સાથે ના સંબંધ વિશે તે હવે પોઝિટિવ વિચારી રહી હતી. બધા જ તેને આકાશ સાથે જીવન માં આગળ વધવા પ્રોત્સાહિત કરી રહ્યા હતા. પણ હજુ કદાચ તેને કંઈક રોકતું હોય એવો અહેસાસ થતો હતો. એ શું હતું એ આભા સમજી શકતી નહોતી.
*.............*.............*............*
" આભા, ક્યાં ખોવાઈ જાય છે હમણાં થી....?"
" હેલ્લો.... હું તને પૂછું છું." આકાશ ને પણ આભા કંઈક અલગ લાગતી હતી. એ તેનાથી દૂર ભાગતી.
દૂર તો પહેલાં પણ ભાગતી પણ અત્યારે એમાં કંઈક અલગ લાગતું. ક્યારેક એ તેને ચોરી છૂપી થી જોતી હોય એવો તેને એહસાસ થતો. એટલે જ હિંમત કરીને એણે વાત કરવાનું નક્કી કર્યું.
" આભા...."
" હં...."
" શું વાત છે આભા?? મેં પહેલા પણ કહ્યું હતું કે આપણે સૌથી પહેલા મિત્રો છીએ. તારા મિત્ર ને તું તારા મનની વાત નહીં કહે ??"
" આકાશ.. શું આદિત્ય પ્રત્યે મને પ્રેમ હતો ?? "
" હા, ચોક્કસ હતો. "
" તો પછી ગીત કેમ કહે છે કે મને બંધનમાં રાખનાર પ્રત્યે મને પ્રેમ ના હોય શકે ??"
" એ ગીતના વિચારો હોય શકે.... તને એનાં માટે પ્રેમ ના હોત તો તું કોઈ પણ પ્રકારના બંધનને સ્વિકારી શકત? "
" એ વ્યસની હતો, એને મારા પર વિશ્વાસ નહોતો, મારો વિશ્વાસ તોડી એ બીજા સાથે પણ જોડાયો હતો, આમ છતાં મને એના માટે પ્રેમ હતો. તો પછી એનાં ગયા પછી હું એને ભૂલી જાઉં?? અને તારી સાથે જીંદગી માં આગળ વધુ ?"
" જો આભા, એ વ્યસની હતો પણ એ તારી સામે પોતાના વ્યસનથી હંમેશા દૂર રહ્યો હતો. કેમકે એ તને દુઃખી કરવા નહોતો ઈચ્છતો હેં ને? અને એને તારા પર વિશ્વાસ નહોતો એવું પણ નહોતું. એને તારા પર પૂરો વિશ્વાસ હતો. પણ એ હંમેશા તને ખોઈ બેસશે એવો ડર અનુભવતો. કેમકે તું દરેક બાબતે એનાથી ચડિયાતી હતી. રહી વાત બીજા સાથે જોડાવાની તો જ્યારે કોઈ વ્યક્તિ તમે ઈચ્છો એ પ્રકારે તમારી સાથે વર્તન કરે ત્યારે એ વ્યક્તિ તમને સારી લાગે છે. આદિત્ય સાથે પણ એવું જ થયું. પણ પછી તેની ભૂલ પણ એને સમજાઈ હતી ને..? એ ખરેખર તને ખૂબ જ પ્રેમ કરતો હતો. અને એટલે જ એની છેલ્લી ઈચ્છા પણ એ જ હતી કે તું હંમેશા ખુશ રહે."
" અને આકૃતિ??"
" તને એવો ડર છે કે મારી સાથે આગળ વધવાથી એની સાથેના મારા કે ઘરમાંથી બીજા કોઈનાં પણ વર્તન માં ફરક પડશે?? "
" આદિત્ય ને ભૂલીને હું આગળ વધી શકીશ? શું આ યોગ્ય છે?"
" એને ભૂલી ને શા માટે આગળ વધવું.? એની યાદો હંમેશા આપણી સાથે હશે. અને જીવનમાં આગળ વધવું ક્યારેય અયોગ્ય કેવી રીતે હોય શકે? "
આકાશની વાતોથી આભા ની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. આકાશ એ આંસુનો અર્થ સમજી શકતો હતો. હવે કદાચ એને આભાની નજીક જવા માટે અચકાવાની જરૂર નહોતી. એણે આભા ને પોતાની બાંહોમાં સમાવી લીધી. અને આભાની અવિરત વહેતી અશ્રુધારા એના શર્ટને પલાળી રહી હતી. બંનેનાં મન એકબીજાનો સાથ મેળવી તૃપ્ત થઇ રહ્યાં હતાં.
" હા જો, આઈ લવ યુ વેરી મચ. બટ આકૃતિ મને તારાથી વધુ વ્હાલી હોય એનાથી તને કોઈ વાંધો તો નથી ને?"
આકાશની વાત સાંભળી આભા આંસુભરી આંખોએ પણ હસી પડી. એ જાણતી હતી કે આકાશ ખરેખર આકૃતિનો પિતા બની ગયો છે. અને એનાં તરફના પ્રેમમાં ક્યારેય ઓટ નહીં આવે. એ હંમેશા થી જેવો જીવનસાથી ઈચ્છતી હતી આકાશ એવો જ હતો. પતિ પછી પહેલા એનો બેસ્ટ ફ્રેન્ડ હતો.
*............*............*...... ....*
આભાના નિર્ણય થી ઘરમાં ખુશીની લહેર છવાઈ ગઈ. સાથે જ એક બીજો નિર્ણય પણ.. ફક્ત શરતો પર શરૂ થયેલો સંબંધ હવે ફરીથી જોડાશે. પણ આ વખતે એકબીજાના પ્રેમથી. રાહુલ અને રિયા લગ્નનાં દિવસે જ આકાશ અને આભા પણ સપ્તપદીના ફેરા ફરશે...બધી રસમો ને રિવાજો સાથે. આકૃતિ ને મમ્મી અને પપ્પા બંનેની રીતી માં હાજર રહી શકે તે માટે ડેસ્ટીનેશન વેડીંગ પ્લાન કરવામાં આવ્યાં. સોનેરી ભવિષ્ય માટે બંને સપનાંઓ સજાવી રહ્યા હતાં. આભા તૈયાર હતી પોતાના ભવિષ્ય માટે. બાંહો ફેલાવીને તેને આવકારવા માટે.
આ છે આદિત્યની યાદોને સાથે રાખીને એક નવી શરૂઆત કરતી આભા, વિશ્વાસ થી ભરેલી આભા, નવી જીંદગીને આવકારતી આભા......
*...........*...........*..........*...........*
નવી શરૂઆત કરવી ક્યારેય આસાન નથી હોતી.
પછી એ અભ્યાસ હોય, કામ ધંધો હોય કે પછી જીવનનો કોઈ પણ પડાવ.
અઢળક સમસ્યાઓ તમારી રાહ જોઈને ઊભી જ હોય છે.
સમાજની નડતરરૂપ રૂઢીઓ, પથ્થર રૂપ વ્યક્તિઓ જે તમને ઠેસ પહોંચાડવા તૈયાર જ હોય.
આ સાથે જ તમને પ્રોત્સાહિત કરનારા પણ આસપાસ હોય જ છે.
જ્યારે પણ આવા પ્રેરણા પૂરી પાડતા લોકો મળે ત્યારે એમને અપનાવો. આગળ વધવાની ઇચ્છાને મારી ન નાખો. મુશ્કેલીઓ તો આવવાની જ. એમને પાર કરવાની હિંમત કેળવો.
નવી શરૂઆત માટેની સૌથી પહેલી જરૂરિયાત...પોતાનો આત્મવિશ્વાસ. એને ડગમગવા ન દો.
સફળ જીવન તમારી રાહ જોઈ રહ્યું છે એની તરફ ડગ ભરો. ઈશ્વર તમારી સાથે છે 🙏🏻
*..........*...........*..........*
આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
અત્યાર સુધીની મારી સફર માં જોડાવા બદલ તેમજ રેટિંગ દ્વારા પ્રોત્સાહિત કરવા બદલ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻