વિચારોમાં ને વિચારોમાં ક્યારે મને ઉંઘ આવી ગઈ મને ખબર ન પડી. ગાડી ની બ્રેક થી આંખો ખુલી.અમે ક્યાં પહોંંચ્યા એ જાણવા મમ્મી ને પૂછ્યું તો એ અચાનક જ બોલી પડ્યો, "અમદાવાદ, બસ હવે ઘરે પહોંંચવા જ આવ્યાં." ગાડીમાં બેઠા પછી પહેલીવાર એનો અવાજ સાંંભળ્યો. ખુશી નો રણકાર સ્પષ્ટ હતો. મારા વિચારો એ પણ થોડો વિરામ લીધો હતો.
અમદાવાદ.....
એનાં રસ્તા પર ગાડી સડસડાટ જઈ રહી હતી. બારીમાંથી શીતળ પવન મારા ચહેરા ને સહેલાવતો હતો. ને મારાં વાળની લટ મારા ચહેરા પર આવી મને હેરાન કરતી હતી. આગળના મિરરમાં ધ્યાન ગયું. એ જ ક્ષણે અમારી નજર મળી ને હૃદય જાણે વધુ જોરથી ધબક્યુ એવું લાગ્યું. એણે તરત નજર ચૂકવી પણ અચાનક આગળ એક કાર જોઇ ને તેણે જોરદાર બ્રેક લગાવી. એક ધક્કા સાથે કાર ઊભી રહી ને મમ્મી બોલી પડ્યા, " આકાશ, ધ્યાનથી....." હું મનમાં જ હસી પડી ને મનમાં જ બોલી પડાયું કે, "મમ્મી, તારા જમાઇનું ધ્યાન તો છે જ.પણ તારી દિકરી માં."
"સૉરી મમ્મી, " કહી તેણે કાર ચલાવવામાં ધ્યાન પરોવ્યું. હું અમદાવાદ અને આકાશ વિશે યાદ કરવાનાં પ્રયત્નો કરી રહી હતી. પણ મને કંઈ જ યાદ ન આવ્યું. મેં વધુ પ્રયત્ન કરવાનું માંડી વાળ્યું. સમય પોતાનું કામ કરશે એવા વિચારે મનને હળવું કર્યું.
* *. *. *
સવારનો ઉજાસ ફેલાય ચુક્યો હતો. એક આલીશાન બંગલૉના ગૅટ પાસે આવીને કાર અટકી. વૉચમૅને ગૅટ ખોલ્યો ને કાર અંદર પ્રવેશી. સુંદર પગથી પર જતી કાર, આસપાસ એકસરખી ઊંચાઇ ધરાવતા આસોપાલવનાં ઝાડ, અને છેક સુધી દેખાતાં રંગબેરંગી ગુલાબના છોડ..... આગળ જતાં પાણીનો ગોળ હોજ અને એમાં સુંદર ફુવારો..એની સામે જ બંગલાનો સુંદર નકશીકામ કરેલો દરવાજો. કારમાંથી નીચે ઉતરી આગળ વધી. અને એક અવાજે મને રોકી. એ મારા સાસુ હતાં. સાથે જ બીજા પણ કેટલાક લોકો હતાં. આકાશ ત્યાં સુધીમાં આવી પહોંચ્યો. તે બધાનો પરિચય આપવા લાગ્યો.
" આભા, આ મારા મૉમ છે. આ કાકી માં"
"પહેલા એને અંદર તો આવવા દે, આરામથી બધાને ઓળખશે, થાકી ગઇ હશે." આકાશનાં મૉમ એને ટોકતાં બોલ્યા ને મારી આરતી ઉતારીને મને વિધિવત ગૃહપ્રવેશ કરાવ્યો. અમે બધા અંદર પ્રવેશ્યા. મને આ ઘર કોઈ મહેલથી કમ ન્હોતો લાગતો.
એક મોટો કૉમન હૉલ. હૉલ ની વચ્ચે ઉપર તરફ જતી સીડીઓ. એની એક તરફ વિશાળ કિચન. એની સાઈડમાં ડાઇનિંગ હૉલ. બીજી તરફ બે વિશાળ બૅડરૂમ. જેમાંથી એક આકાશનાં મમ્મી-પપ્પાનો અને એક કાકા-કાકીનો. મને આરામની જરૂર હોય આકાશ મને ઉપર આવેલા અમારા બૅડરૂમ તરફ દોરી ગયો. સીડીઓ થી ઉપર જતાં એક તરફ એક બૅડરૂમ આકાશ નાં પિતરાઈ ભાઈ રાહુલનો. બાકીના બે મહેમાનો માટેનાં રૂમ હતાં. જેમાંથી એકમાં મારા મમ્મી-પપ્પાને ઉતારો આપવામાં આવ્યો. બીજી તરફ એક વિશાળ રૂમ જેમાં લાઈબ્રેરી બનાવવામાં આવેલી, અને એ જ ઓફિસ વર્ક માટે કે સ્ટડી માટે વપરાતો સ્ટડી રૂમ એની બાજુમાં અમારો બૅડરૂમ.
હું અંદર પ્રવેશી. પ્રમાણમાં ઘણો વિશાળ કહી શકાય એવો રૂમ. એક આલીશાન બૅડ, સાઈડમાં ચાર સૉફાની વચ્ચે ગોળ ટૅબલ. એક તરફ બાથરૂમ. એ પણ ખૂબ વિશાળ. વૅલ ફર્નિચર યુક્ત. દિવાલ કબાટ. જેમાં જરૂરિયાત કરતાં વધુ કપડાં, બૂટ, ચપ્પલ, સેન્ડલ.. હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ. ક્યાં મારૂં સુરતનું નાનું ઘર અને ક્યાં આ રાજમહેલ...!!!
મારા પપ્પાનાં શબ્દો મને યાદ આવી રહ્યા હતા, " બહુ પૈસાવાળાનાં ઘરે દિકરી ન અપાય. એ લોકો ને સામાન્ય માણસની બહુ કદર ન હોય.".
પપ્પા હંમેશા એવું કહેતાં તો પછી મારા ને આકાશ નાં લગ્ન કેવી રીતે????
" તું ફ્રેશ થઈ ને આરામ કર. હું તારા માટે નાસ્તો લઇ આવું." આકાશ નાં અવાજ થી મારી વિચારમાળા તૂટી. ખરેખર સુરતથી અમદાવાદની સફર થી હું થાકી ગઇ હતી. એટલે સ્નાન કરીને થોડીવાર ઉંઘ લેવાનું વિચારી હું બાથરૂમ માં ઘુસી ગઈ. નાહ્યા પછી શરીરમાં તાજગી વર્તાતી હતી. સામાન્ય કરતાં થોડી વધુ ઊંચાઈ, સુંદર નમણો ગોળ ચહેરો, ગુલાબની પંખુડી જેવાં ગુલાબી હોઠ ને હોઠ પાસે નાનો કાળો તલ, પાતળી કમર અને ભીના કમરથી નીચે સુધીના વાળ, થોડો ગૌર વર્ણ પણ મન મોહી લે એવું રૂપ. હું મારી સુંદરતા આદમકદ નાં અરીસામાં નિહાળી રહી હતી. અને જાણે મારા જ પ્રેમમાં પડી રહી હતી. આકાશ ક્યારે રૂમમાં આવ્યો તેની પણ ખબર ન પડી. તે પણ મારા માં ઓતપ્રોત થઈ મને એકીટશે જોઈ રહ્યો હતો. હું થોડાં સંકોચ સાથે અરીસા સામે થી ખસી ગઈ. આકાશ પણ ખસિયાણો પડી ગયો. ને નજર ચૂકવી સૉફા પાસેના ટૅબલ પર નાસ્તાની ટ્રે મૂકી રૂમની બહાર નીકળી ગયો. મને આકાશ ને જોઈ કંઈક વિચિત્ર અહેસાસ થતો હતો. પણ એ શું હતું એ સમજી શકતી ન હતી. એનો કરોડપતિ પરિવાર અને અમારૂં સામાન્ય કહી શકાય એવું કુટુંબ.. નાસ્તો કરતા કરતા મારા વિચારો એની જ ગતિ એ દોડી રહ્યા હતા. પણ હજુ કંઈ વધુ યાદ આવતું ન હતું. નાસ્તો કર્યા બાદ વિશાળ બૅડ પર લંબાવ્યું અને નિદ્રામાં લીન થઈ ગઈ.